Sunday, September 27, 2020

વરસો પહેલાંનું ભવિષ્યકથન

વરસો પહેલાંનું ભવિષ્યકથન.

પ્રાચીન કાળના પ્રાતઃસ્મરણીય પરમાત્મદર્શી ઋષિવરો સાત્વિક જીવન જીવતા અને પોતાના ને બીજાના અભ્યુદય અથવા આધ્યાત્મિક ઉત્કર્ષની સાધનામાં મગ્ન રહેતા. પરમાત્માની પરમકૃપાથી એમનામાંના અનેકને દૈવી દૃષ્ટિની પ્રાપ્તિ થતી. એને લીધે એમની આગળથી ભૂતભાવિના આવરણો હઠી જતાં અને એ આર્ષદ્રષ્ટા બની જતા. આજે પણ એવા સાધનારત પરમાત્મપરાયણ સત્પુરુષોનો સર્વથા અભાવ નથી થયો. એમની પરંપરા હજુ ચાલુ રહી છે. કુદરતના ખોળે રહીને શાંત સાદા જીવનને જીવનારા એવા સત્પુરુષો પવિત્ર જીવનની રીતિનીતિને વળગી રહે છે ને પરમાત્માની વધારે ને વધારે કૃપાને મેળવવાના પ્રયત્નો કરે છે.

મને મળેલા એવા એક સત્પુરુષનો પરિચય પ્રદાન કરું.

એમનું નામ પંડિત રામાશ્રય.

એમનું અસલ વતન દેવપ્રયાગ.

મારા દેવપ્રયાગના સાધનાત્મક નિવાસકાળ દરમિયાન એ મને દેવપ્રયાગમાં જ મળેલા અને અવારનવાર મળતા રહેતા. એ સહેજ નીચા કદના હતા. ઘઉંવર્ણના. સફેદ ધોતિયું તથા ખમીસ પહેરતા ને માથે કાળી ટોપી. કાનમાં વાળી પહેરતા. કાને થોડુંક ઓછું સાંભળતા. એ બદરીનાથના ગોર તરીકે કામ કરતા. એમની આજીવિકાનું એકમાત્ર સાધન એ જ હતું. પોતાના જીવનને એ મોટે ભાગે કર્મકાંડમાં અથવા પાઠપૂજામાં જ પસાર કરતા.

બહારથી છેક જ સામાન્ય દેખાતા રામાશ્રય પંડિત સર્વોત્તમ સંસ્કારોથી સંપન્ન હતા. એમનો આત્મા ઉચ્ચ હતો.

એમને આધ્યાત્મિક જીવનવિકાસ પ્રત્યે અને એમાં અભિરુચિવાળા સંત મહાત્માઓ પ્રત્યે અસાધારણ આદરભાવ અને પ્રેમ હોવાથી એ એમને અવારનવાર મળતા રહેતા.

મારા મેળાપની પાછળનું પ્રેરક પરિબળ એ જ હતું.

અમારા મેળાપ દરમિયાન એમની સાથે થયેલા એક દિવસનો વાર્તાલાપ મને અક્ષરશઃ યાદ છે. ઈ.સ. ૧૯૪૬નો એ વાર્તાલાપ આજે આટલાં વરસો પછી પણ ઉપયોગી હોવાથી અહીં રજૂ કરું છું.

‘મારા જીવનમાં મને આદર્શ સિદ્ધપુરુષો મળશે ?’ મેં પૂછયું.

‘મળશે.’ એમણે ઉત્તર આપ્યો, ‘જરૂર મળશે.’

‘એમનો સંબંધ કેવો રહેશે ?’

‘સારો રહેશે. સિદ્ધપુરુષો તમારા પ્રત્યે પુષ્કળ પ્રેમ રાખશે. તમે પણ એમને માટે પ્રેમ રાખશો. એમના સત્સંગનો લાભ લેશો. પરંતુ કોઈને વળગી રહેશો નહીં. ઈશ્વરને જ વળગી રહેશો. ઈશ્વર સિવાય ક્યાંય પણ અટક્યા સિવાય દૃઢ નિર્ધારપૂર્વક આગળ ને આગળ વધતા રહેશો. એવી રીતે એકલે હાથે આગળ વધીને સાધનાના સર્વોચ્ચ સિદ્ધિશિખરે પહોંચી જશો ને શાંતિ મેળવશો.’

થોડાક વખત પછી એ આગળ બોલ્યા : ‘તમારું લખેલું એક પુસ્તક ખૂબ જ પ્રસિદ્ધ થશે ને વખણાશે.’

‘ભક્તપુરુષો ને સ્ત્રીઓનો સંબંધ કેવો રહેશે ?’

‘ઉત્તમ પ્રકારનો રહેશે. સૌ તમારી સેવા કરશે અને તમારે માટે અસાધારણ આદરભાવ રાખશે. સ્ત્રીભક્તોને તમે પવિત્રતાથી જોશો. દેહવાસનાથી સદા મુક્ત રહેશો. સૌમાં પરમાત્માને જ અનુભવશો. સ્ત્રીઓ આવશે ને વિદાય થશે, પરંતુ તમારી મોટી ઉંમરે તમને એક ભક્ત સ્ત્રી મળશે તે છેવટ સુધી સાથે જ રહેશે ને તમને વળગી રહેશે. તે ખૂબ જ પવિત્ર, ઈશ્વરપરાયણ અને વફાદાર હશે. તે તમારી બનતી બધી રીતે સેવા કરશે.’

‘માતાજી ?’

‘તમારાં માતાજી હજુ લાંબા વખત લગી રહેશે. તમે ત્રણે સાથે પણ રહેશો. માતાજી તે બહેનને જોશે ને શાંતિથી જશે. તેમનું જીવન તમારી સાથે રહેવાથી ઈશ્વરકૃપાથી ધન્ય બનશે.’

પંડિત રામાશ્રયના એ કથનને વરસો વીતી ગયાં છે. ગયા નવેમ્બરમાં -નવેમ્બર ૧૯૮0માં માતાજીના અસ્થિવિસર્જન નિમિત્તે અમારે દેવપ્રયાગના સરિતાસંગમતટવર્તી પવિત્ર તીર્થસ્થાનમાં જવાનું થયું ત્યારે પંડિત રામાશ્રયનું અને એમના એ કથનનું સ્મરણ થયું. એમને મળવાનું તો શક્ય ના બન્યું, પરંતુ એમની સૂક્ષ્મ સંગતિ તથા સ્મૃતિ એટલા માટે પણ સતેજ બની કે એમના ભવિષ્યકથનની લગભગ સઘળી વાતો સાચી પડેલી. છેલ્લા એકાદ વરસથી મા સર્વેશ્વરી મારી સાથે રહેવા આવેલાં. માતાજીએ એમને જોયેલાં ને અમે ત્રણે એમના કહ્યા પ્રમાણે સાથે પણ રહેલાં. માતાજી સંપૂર્ણ સંતોષપૂર્વક શાંતિથી વિદાય થયેલા.

પંડિત રામાશ્રયે એ બધું વરસે પહેલાં જાણી લીધેલું. એમની એ શક્તિ કેવી અસાધારણ હશે ? એને માટે ખરેખર માન પેદા થાય છે. એવા અદ્દભુત શક્તિવાળા, આદર્શ ગૃહસ્થાશ્રમી તપસ્વી સત્પુરુષની સ્મૃતિ સદાને માટે સજીવ રહેશે. રહે એ ઈચ્છવા જેવું છે, કલ્યાણકારક છે.

 

Add comment

Security code
Refresh

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok