Text Size

Katha

જીવનમુક્તિ અને શાંતિનો ઉપાય

આપણે ત્યાં મોટેભાગે જન્મ ને મરણમાંથી મુક્તિ મેળવવા તરફ વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે ધર્મ, સાધના, તપ કે વ્રતનું લક્ષ્ય છેવટે જન્મમાંથી છૂટવાનું જ રહ્યું છે. વખતના વીતવા સાથે તેને પરિણામે જીવન ને જગત તરફ ધિક્કાર, નફરત કે ઉદાસીનતાની ભાવના કેળવાઈ છે, ને સાધકો મોટે ભાગે નિષ્કર્મણ્ય ને નીરસ જીવન જીવતા થઈ ગયા છે. વ્યક્તિ તથા સમષ્ટિ બંનેને તેથી નુકસાન થયું છે. મુક્તિ એટલે ફરી ન જન્મવું ને જીવન ખરાબ છે, અભિશાપરૂપ છે, એમ માની લેવામાં આવ્યું છે. તે વિચારસરણીમાં થોડું પરિવર્તન કરવાની જરૂર છે. આપણે જીવન પછીની કોઈ ઉત્તમોત્તમ ગતિની એકલ આશામાં સાધના ને ધર્માચરણ કરવાને બદલે આ જ જીવનને ઉજ્જવળ, નિર્મળ, પ્રભુમય તેમ જ મુક્ત કરવા માટે સાધના કરવી જોઈએ. જીવન પછીની ગતિ તો મળશે જ, પરંતુ વર્તમાન જીવનમાં જ પ્રભુપરાયણ બનીને માણસ પરમ ગતિની પ્રાપ્તિ કરી લે એ તેનો આદર્શ હોવો જોઈએ. એટલે કે મરણ પછીની મુક્તિ નહિ, પરંતુ જીવનમુક્તિ - જીવતાં જ મુક્તિ આપણું લક્ષ્ય બનવું જોઈએ. તે માટે જ આપણો પ્રયાસ હોવો જોઈએ. તેથી જીવન તરફ વધારે ધ્યાન આપવાની વૃત્તિ જાગશે. જીવન તરફ પ્રેમ ને સહાનુભૂતિ ઉત્પન્ન થશે, જીવન પોતાને ને બીજાને ખપ લાગે તેવું ઉજ્જવળ બનશે, ને આ જ જીવનને ધર્મમય ને શુદ્ધ કરવાની ભાવના વધારે વેગવાળી બની રહેશે.

આ વાત નવી નથી પણ ભુલાઈ ગયેલી છે. કેમકે જીવનમુક્તિનું ધ્યેય આપણે ત્યાં રાખેલું જ છે. એટલે આ વાતથી કોઈએ નવાઈ પામવાની જરૂર નથી. એવા જીવનમુક્ત પુરૂષને ફરી જન્મ હોય કે ન હોય તે મારી દ્રષ્ટિએ બહુ મહત્વની વાત નથી. તેને મન બધું સરખું જ હશે. જીવનની મમતા ને મરણની ભીતિ તેને નહિ અડે. જીવન અથવા જન્મને આપણે છે તેથી વધારે ભયંકર માનવાની જરૂર નથી. પરમાત્માના  સાક્ષાત્કાર પછી બધું મંગલમય જ થઈ જાય છે. એટલે આપણું ધ્યેય મુક્તિ નહિ પણ જીવનમુક્તિ હોવું જોઈએ. જીવન કે મરણમાંથી મુક્તિ નહિ પરંતુ જીવતાં જ મુક્તિ − જીવન દ્વારા ને જીવન દરમ્યાન અનુભવવાની મુક્તિ : અહંભાવ, વાસના ને મમતાથી મુક્ત પ્રભુપરાયણ સ્થિતિ.

શાંતિનો ઉપાય
શાંતિની ઈચ્છા કોને નથી થતી ? જગતના બધા જ જીવો શાંતિ માટે પોતપોતાની રુચિ ને બુદ્ધિ તથા શક્તિ પ્રમાણે પુરૂષાર્થ કરે છે. પરંતુ સંપૂર્ણ ને સનાતન શાંતિ ભાગ્યે જ કોઈને મળી શકે છે. યમદેવ કહે છે કે સંપૂર્ણ ને સનાતન શાંતિ તેને જ મળે છે જે પોતાની અંદર ને બહાર બધે રહેલા પરમાત્માનો અનુભવ કરે છે. સંસારના પદાર્થો અનિત્ય છે : એકસરખા રૂપમાં તે કાયમને માટે નથી રહેતા; તેમની અંદર રહેલા પરમાત્માની સત્તાની જે ઝાંખી કરે છે, તેને જ સુખ અથવા શાંતિની પ્રાપ્તિ થાય છે. સૌના અંતરાત્મારૂપે રહેલા ને એક છતાં અનેક સ્વરૂપ ધારણ કરનારા અવિનાશી પરમાત્માની સાથે જે સંબંધ બાંધે છે તે વિવેકી પુરૂષને પરમ શાંતિ મળી જાય છે. બાકી પરમાત્માને ભૂલી જનાર, તેની પ્રાપ્તિ કે અનુભૂતિનો પ્રયાસ ન કરનાર પોતાને માટે દુઃખ ને દીનતાનો દસ્તાવેજ લખાવી લે છે. બહારથી તે સુખી લાગે તોપણ તેનું તે સુખ ઝાડની છાયાની જેમ અવારનવાર બદલાયા કરવાનું; એનું અંતર તરસ્યું જ રહેવાનું ને દિનરાત ડંખ્યા કરવાનું. તેને કદી કાયમી શાંતિ અથવા સદાનું સુખ નહિ મળવાનું.

તે પરમાત્મા વિશે કેટલાક સુંદર વિચારો પણ આના અનુસંધાનમાં  રજૂ કરવામાં આવ્યા છે. ‘અગ્નિ જેવી રીતે એક છે છતાં જુદીજુદી વસ્તુમાં પ્રવેશ કરીને જુદાજુદા આકાર ધારણ કરે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓના અંતરાત્મારૂપે રહેલા પરમાત્મા જુદાજુદા આકાર પ્રમાણે જુદાંજુદાં રૂપ ધારણ કરે છે ને પ્રકટ થાય છે. વાયુ એક છે છતાં વસ્તુઓમાં પ્રવેશ કરીને તે તે વસ્તુ પ્રમાણે નવાંનવાં રૂપ ધારણ કરે છે, તેવી રીતે પરમાત્મા જુદાંજુદાં રૂપ ધારણ કરીને પ્રકટ થાય છે. સૂર્ય જગતને પ્રકાશ આપનાર અલૌકિક આંખ જેવો છે. તે બહારની આંખોના દોષોથી દૂષિત નથી થતો. તે પ્રમાણે સૌના અંતરાત્મા-પરમાત્મા સંસારના દુઃખોથી લેપાતા નથી. સંસારના કલેશ તેમને અસર નથી પહોંચાડતા. તે પરમાત્મા સૂર્યના પ્રકાશથી જોઈ શકાતા નથી; ચંદ્ર ને તારાના પ્રકાશથી પણ નથી દેખાતા; વીજળીના પ્રકાશથી પણ પ્રકાશિત નથી થતા. તો પછી અગ્નિનું તો ત્યાં ચાલે જ શું ? અગ્નિ તો તેમને પ્રકાશિત કરી જ કેવી રીતે શકે ? સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી ને અગ્નિ તેના જ પ્રકાશે પ્રકાશિત થાય છે - અરે, આ સંપૂર્ણ જગત ને બ્રહ્માંડ પણ તેના જ તેજે તેજસ્વી બની રહ્યું છે. તે પરમાત્માને જે જાણે છે ને પોતાની અંદર ને બહાર અનુભવે છે તે જ પરમ શાંતિને મેળવી શકે છે ને સુખનો અનુભવ કરે છે. સનાતન સુખ ને શાશ્વત શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. પરમાત્મા એટલે જ સનાતન સુખ ને શાશ્વત શાંતિ.’

- શ્રી યોગેશ્વરજી ('ઉપનિષદનું અમૃત')

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok