Text Size

Katha

મરણ પછી શું ?

કઠોપનિષદનો આટલો વિચાર કર્યા પછી આપણને થાય છે કે બીજી વાત તો ઠીક, પરંતુ મરણ પછી જીવનું શું થાય છે એ નચિકેતાના મૂળ પ્રશ્નનો યમદેવે બરાબર ઉત્તર કેમ ન આપ્યો. જો કે અત્યાર સુધીના વિવેચન પરથી એક વાત તો સમજાઈ ગઈ કે પરમાત્મદર્શી પુરૂષને ફરી જન્મવાનું નથી રહેતું− તેનો આત્મા પરમાત્મામાં મળી જાય છે. પરંતુ બાકીના જીવોની ગતિનું શું તે પ્રશ્ન ઊભો રહે છે, ને તેનો ઊડતો ઉલ્લેખ બીજા અધ્યાયની બીજી વલ્લીમાં કરવામાં આવ્યો છે.

મરણ પછીની ગતિ કે સૃષ્ટિનો આપણે વિચાર કરીએ છીએ એનો અર્થ એ થયો કે પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર કરીએ છીએ. ભારતવર્ષમાં સંસ્કૃતિના છેક ઉષ:કાળથી જ એ સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે, ને હવે તો તે લગભગ સર્વમાન્ય થઈ ગયો છે. વિજ્ઞાન ને બીજી વિદ્યાઓના વિકાસ પછી હવે તે વિશે કોઈને શંકા નથી રહી એમ કહીએ તો વધારે પડતું નથી જ. આ દેશમાં આ સિદ્ધાંત અત્યંત પ્રાચીનકાળથી માન્ય થયેલો છે તેની સાબિતી આ ઉપનિષદ પરથી સહેજે મળી રહે છે.

યમદેવના ખુલાસાનો વિચાર કરીએ છીએ ત્યારે બીજા અધ્યાયની આ વલ્લીની શરૂઆતમાં જે થોડુંક વિવરણ આવે છે તે આપણું ધ્યાન ખેંચ્યા વિના નથી રહી શકતું. ગીતામાં શરીરને નવ દ્વારવાળું કહેવામાં આવ્યું છે. અહીં યમદેવ તેને અગિયાર દરવાજાવાળા એક મહાન નગરની સાથે સરખાવે છે. તે ઉપમા અત્યંત સુંદર લાગે છે. તે કહે છે કે અગિયાર દરવાજાવાળા શરીરમાં જે પરમાત્માનો પ્રકાશ છે તેનો વિચાર ને સાક્ષાત્કાર કરીને માણસ પરમ શાંતિને મેળવી લે છે. શરીરમાંથી છૂટીને તે કાયમ માટે મુક્ત થાય છે. તે આત્મા જ આકાશમાં સૂર્યરૂપે વિચરણ કરે છે. અંતરીક્ષમાં, પૃથ્વીમાં, મનુષ્યમાં, દેવમાં, સૌમાં તે જ વ્યાપક છે. પ્રાણ ને અપાન જેવા વાયુને તે જ નિયંત્રણમાં રાખે છે. તે આત્મા શરીરમાંથી વિદાય થાય છે પછી શરીર નિસ્તેજ ને નિષ્ક્રિય બની જાય છે. તેમાં જીવન જેવું કાંઈ નથી રહેતું. તે આત્માને લીધે જ સૌનું જીવન ટકી રહ્યું છે ને સૌ શ્વાસ લઈ રહ્યાં છે. 

યમદેવ કહે છે કે કેટલાક મનુષ્યો મરણ પછી શરીર ધારણ કરવા માટે જુદીજુદી યોનિઓમાં પ્રવેશ કરે છે. બીજા કેટલાક વૃક્ષ, વેલ, છોડ અથવા બીજા સ્થાવરપણાને પામે છે. મરણ પછી ખરેખર કેવી જાતનો જન્મ થશે તે નક્કી નથી. તેનો કોઈ ચોક્કસ નિયમ બાંધી શકાય તેમ નથી, ને યમદેવ પોતે પણ તેવો નિયમ નક્કી કરતાં નથી, પરંતુ દરેકના જ્ઞાન ને કર્મ પ્રમાણે બીજો જન્મ થાય એવો સર્વસામાન્ય સિદ્ધાંત કહી બતાવે છે. જન્મ થાય છે તે નક્કી છે. કોઈ પણ જીવ પૂર્ણાતાની પરિસીમાએ પહોંચ્યા વિના અથવા પરમાત્માને ઓળખ્યા વિના જન્મ ને મરણના ચક્રમાંથી છૂટી શકતો નથી. મતલબ કે આત્માનુભવથી રહિત એવા પ્રત્યેક પ્રાણીને વારંવાર જન્મવું પડે છે. પણ તે જન્મ કયા પ્રકારનો હશે કે થશે તે કોઈ કહી શકતું નથી. સ્વયં યમદેવે પણ તેનો ખુલાસો નથી કર્યો.


- શ્રી યોગેશ્વરજી ('ઉપનિષદનું અમૃત')

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok