કેનોપનિષદ
Chapter 3, Verse 05
तस्मिँस्त्वयि किं वीर्यमित्यपीदँ सर्वं दहेयं यदिदं पृथिव्यामिति ॥५॥
tasmims tvayi kim viryam ity apidam
sarvam daheyam yad idam prithivyam iti.
દેવો સમજ્યા નહીં યક્ષને, અગ્નિદેવને એમ કહ્યું,
જાવ અગ્નિ, આ યક્ષ કોણ છે જુઓ; અગ્નિએ સારું કહ્યું;
ગયા અગ્નિ ત્યાં; તમે કોણ છો, યક્ષે તેને એમ પૂછ્યું;
અગ્નિદેવ છે નામ મારું, આ પૃથ્વી બાળી સર્વ શકું! ॥૩-૫॥
અર્થઃ
તસ્મિન સ્ત્વયિ - એ નામવાળા તારામાં
કિં વીર્યમ્ - શી શક્તિ છે
ઇતિ - તે બતાવ. (ત્યારે અગ્નિએ ઉત્તર આપ્યો કે)
અપિ - જો (ચાહું તો)
પૃથિવ્યામ્ - પૃથ્વીમાં
યત્ ઇદમ્ - આ જે કાંઇપણ છે
ઇદમ્ સર્વમ્ - તે બધાને
દહેયમ્ ઇતિ - બાળીને ભસ્મ કરી દઉં.
ભાવાર્થઃ
યક્ષે અગ્નિદેવનો પરિચય પામીને પ્રસન્નતાપૂર્વક પૂછ્યું કે 'તારી શક્તિ કેવીક છે ?' તો અગ્નિદેવને એ સાંભળીને ખૂબ જ નવાઇ લાગી.
એમને થયું કે મારા સામર્થ્યથી સૌ કોઇ સુપરિચિત હોવા છતાં આ યક્ષ મારા સામર્થ્ય વિશે પ્રશ્ન પૂછે છે !
એમણે જણાવ્યું કે 'મારા લોકોત્તર સામર્થ્યનું વર્ણન મારે જ કરવું પડશે ? હું ધારું તો સમસ્ત સંસારને ક્ષણવારમાં જ ભસ્મિભૂત કરી શકું તેમ છું.'