Text Size

Mandukya

શાંતિપાઠની ભાવના

જ્ઞાનનાં રહસ્યોનો વિચાર બને તેટલી શાંતિથી કરવાની જરૂર છે. તો જ તેમનો સાર યથાર્થ રીતે સમજી શકાય. ઉપનિષદના વિચાર પહેલાં શાંતિપાઠની ભાવના કરવામાં આવે છે ને ઉપનિષદની પૂર્ણાહુતિ કે પરિસમાપ્તિ પણ તે ભાવનાથી જ કરવાની પરિપાટી છે. આ ઉપનિષદનો આરંભ પણ શાંતિપાઠથી જ થાય છે. તેમાં ઋષિ દીર્ઘ જીવનની સાથેસાથે મંગલમય ને શક્તિશાળી જીવનની કામના કરે છે. જીવન ગમે તેટલું લાંબુ કે મોટું હોય પણ મંગલ ન હોય, નિર્મળ ન હોય, ને તેનાથી પોતાના તેમ જ બીજાના હિતસાધનની કોઈ જ શક્યતા ન હોય, ને એથી ઊલટું, અશુદ્ધિ, આળસ, અજ્ઞાન ને અનાચારનો અવતાર બનીને પોતાને તેમ જ બીજાને ભારરૂપ ને નડતરરૂપ થતું હોય, તો તેવું જીવન ભાગ્યે જ કોઈને પસંદ પડે. ટૂંકું પણ સારું જીવન સદાય ઈચ્છવા જેવું છે. માણસ કેટલું જીવે છે તેના કરતાં કેવી રીતે જીવે છે તે વધારે મહત્વનું છે.

લાંબુ જીવન જો ઉત્તમ કે સારું જ હોય તો તો પછી પૂછવું જ શું ! તે બધી રીતે મંગલમય બની જાય છે ને શોભારૂપ થાય છે. ઋષિએ તેવા જ જીવનની કામના કરી છે. તે જીવનમાં કોઈની તરફ તિરસ્કાર કે વેરભાવ નથી, પરંતુ સૌની પ્રત્યે પ્રેમ ને પરમાત્મભાવ છે. તન, મન ને ઈન્દ્રિયોનો બનતો સંયમ સાધી, તેમને નિર્મળ કરી, પરમાત્મદર્શન ને જીવનની ઉન્નતિના કામમાં તેમને સાધક બનાવવાનો નિરધાર છે. તેવું જીવન કલ્યાણકારક ને સંસારને શોભારૂપ થઈ પડે એમાં શંકા નથી. તેવા જીવનની સિદ્ધિ માટે ઋષિ શાંતિપાઠના બીજા મંત્રમાં પ્રાર્થના કરે છે, ને પરમાત્મા તથા દેવોના આશીર્વાદ માગે છે.

ઈન્દ્રિયોના સ્વામી આત્માને ઈન્દ્રનું નામ આપી શકાય. તેની કીર્તિ ચરાચરમાં બધે વિસ્તરેલી છે. મનને પૂષાદેવ કહી શકાય, તે સૌને જાણી શકે છે. તે બંને - આત્મા ને મન મંગલકારક થાય એવી ભાવના કરવામાં આવી છે. બધે સંચાર કરવાની શક્તિવાળાં ચરણ ગરુડ જેવાં છે. તેમના પર જીવનની ઉન્નતિનો ઘણો આધાર રહે છે. તે સારા સ્થાનમાં જાય તો ઉન્નતિ થાય ને ખરાબ સ્થળે જાય તો પતન. તે પુરૂષાર્થનાં પ્રતીક છે. તે ઉપરાંત, માણસની અંદર રહેલી પ્રજ્ઞા, બુદ્ધિ અથવા વિવેકશક્તિ તે બૃહસ્પતિ છે. જીવનનું સુકાન તે સંભાળે છે એમ કહી શકાય. તેની નિર્મળતા, સ્થિરતા, દ્રઢતા ને મંગલમયતા પર જીવનની ઉજ્જવળતા ને સફળતાનો મોટો આધાર રહે છે. એટલે તે પણ મંગલમય બને ને જીવનની ધ્યેયપ્રાપ્તિમાં મદદરૂપ બની જીવનનું કલ્યાણ કરે એવી ઋષિએ કામના કરી છે.

તે પાઠનું પારાયણ આપણે વરસોથી કરીએ છીએ ને આપણાં વિવિધ વિધિવિધાનોમાં પણ તે મંત્રને સાંભળીએ ને બોલીએ છીએ; પરંતુ સમયને અનુસાર તેનો સાર કાઢી જીવનની ક્રાન્તિ કે કાયાપલટ કરવામાં તેનો ઉપયોગ ભાગ્યે જ કરીએ છીએ. નથી જ કરતા એમ કહીએ તો કાંઈ જ ખોટું કે અતિશયોક્તિભર્યું નથી. આપણા ઘણા ખરા મંત્રો, શ્લોકો ને પાઠની દશા આવી જ થઈ છે. જીવનને મદદરૂપ થાય તેવો મોટો મસાલો તેમાં પુષ્કળ પ્રમાણમાં ભરેલો છે. પરંતુ આપણે તેમનો ઊંડો વિચાર કરીને આગળ વધતા નથી. એટલે વરસો વીતી જાય તોપણ શ્લોકો, મંત્રો ને પાઠો એવા જ સ્વસ્તિવચન, અનુષ્ઠાન કે પારાયણ પૂરતા રહે છે ને કંઠથી નીચે ઊતરી, શ્વાસોચ્છ્વાસમાં સમાઈ જઈ, ફેફસાંમાં  ફરી વળીને રક્તમાં રણકી ઊઠતા નથી. એક બાજુ પૂજાપાઠ, અનુષ્ઠાન, વિધિવિધાન ને બીજી બાજુ આપણું વ્યાવહારિક જીવન એમ આપણો પ્રવાસ દ્વિવિધ બની જાય છે. બંને વચ્ચે મેળ જ નથી ખાતો. બે સમાંતર સીધી લીટીની જેમ તે બંને કદી મળતાં જ નથી. ધર્માચરણનું પ્રત્યક્ષ ફળ એ રીતે આપણા હાથમાંથી જતું રહે છે, ને ધર્માચરણમાં પ્રમાદ ન આવે માટે આપણને પરલોક ને મરણ પછીના સુખોપભોગની કલ્પનાનું શરણ લેવું પડે છે. પરલોક ખોટો નથી પરંતુ આ લોક પણ એક મહત્વનો લોક છે ; તેમાં આપણે શ્વાસ લઈએ છીએ ; એટલે તેને સુધારવા તરફ આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. એ સદા યાદ રાખવાનું છે. તેથી મોટો લાભ થાય તેમ છે.

પરલોકની લાલસા ને સુખપ્રાપ્તિની પ્રતીક્ષામાં આ લોક તરફ બેદરકાર બનવાની ને આંખમીંચામણાં કરવાની વૃત્તિ કેટલાક લોકોમાં જોર પકડતી જાય છે. તો કેટલાક લોકો એવા છે જે વર્તમાનને જ સર્વ કાંઈ માની, આ લોકની સુખસામગ્રીમાં લીન બની, પરલોક પ્રત્યે બેદરકાર બને છે ને તેની હાંસી ઉડાવે છે. ઉત્તર ને દક્ષિણ ધ્રુવ જેવી એ બંને જાતની વૃત્તિઓ તંદુરસ્ત મગજની નિશાની નથી ને માણસને મોટે ભાગે નુકસાન કરે છે એ નિર્વિવાદ છે. આ લોક ને પરલોક બંને બરાબર છે ને બંનેને પોતપોતાનું મહત્વનું સ્થાન છે. આલોકની આસક્તિ ને પરલોકની બીક બંને બરાબર નથી. પરલોકની બીક ને તૃષ્ણાથી જે થાય છે તે ધર્માચરણને વિવેકી કે આદર્શ ન કહી શકાય. તેવું ધર્માચરણ માણસનું વાસ્તવિક કલ્યાણ નહિ કરી શકે. ધર્માચરણ એક કર્તવ્ય તરીકે ને જીવનની ઉન્નતિ ને સમૃદ્ધિ માટે થવું જોઈએ. પરલોકની ઉચ્ચ ગતિનો તેમાં વિચાર ભલે હોય પરંતુ આ લોકની અવગણના તો ન જ હોય. આ લોકને વધારે ને વધારે સુખી ને સમૃદ્ધ કરવાની સાથેસાથે જીવન અનંત છે, ને આ જીવનના કર્મની અસર બીજા જીવનમાં પણ પડવાની છે, એ યાદ રાખવાની જરૂર છે.

ઉપનિષદના ઋષિ શાંતિપાઠમાં વર્તમાન જીવનને મંગલમય કરવાની કામના કરે છે ને તે માટે પરમાત્માની મદદ માગે છે.
स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः ।
स्वस्ति नस्ताक्ष्यों अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधात् ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

એનો ભાવાર્થ જરા વધારે સારી રીતે કરીને કહી શકીએ કે મહાન યશવાળા ઈન્દ્રરૂપે, સૌને જાણનારા પૂષારૂપે, ન અટકાવી શકાય એવી ગતિવાળા તાર્ક્ષ્ય એટલે ગરુડરૂપે ને બૃહસ્પતિરૂપે જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે પરમ કૃપાળુ પરમાત્મા અમારું સૌનું કલ્યાણ કરો ને અમને સર્વ પ્રકારે શાંતિ આપો.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok