Fri, Jan 22, 2021

માંડૂક્ય ઉપનિષદ

‘આત્મા બ્રહ્મ છે’ નો સંદેશ

જ્યારે બધું જ પરમાત્મારૂપ છે, બ્રહ્મમય છે, ને એનાથી અલગ એવું કશું છે જ નહિ, જડ ને ચેતન બધું તેનું જ સ્વરૂપ છે, તો પછી શરીરમાં રહેલો જીવાત્મા એનાથી અલગ કે ભિન્ન કેવી રીતે હોઈ શકે ? આત્મા ને પરમાત્મા બે ભિન્નભિન્ન ચેતન તત્વો માનવાથી સત્ય બે નહિ પણ એક જ છે એ તત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતમાં દોષ આવે છે. સત્ય બે નહિ પણ એક જ છે એમ માનીએ તો આત્મા ને પરમાત્મા વચ્ચેનો ભેદ નકામો ઠરે છે. તેવો ભેદ કદાચ માની લઈએ તોપણ તે કેવળ કામચલાઉ સમય પૂરતો અપૂર્ણ દશામાં વ્યવહારૂ ભેદ તરીકે જ માનવો રહે છે. આખરે ને તત્વતઃ રીતે તો જીવ ને શિવ અથવા જીવાત્મા ને પરમાત્મા એક જ છે − એક જ સનાતન પરમ તત્વનાં બે નામ છે એમ જ માનવું બરાબર લાગે છે. આ ઉપનિષદમાં ઋષિએ એ મહાન સત્યનો સંદેશ આપ્યો છે. તે કહે છે કે अयमात्मा ब्रह्म। આ આત્મા બ્રહ્મ જ છે. વિદ્વાનોમાં આ વાક્યની કિમ્મત ઘણી મોટી મનાય છે. તત્વજ્ઞાનના સારને સમાવી લેનારાં ચાર મહાવાક્યોમાંનું આ એક ગણાય છે. જિજ્ઞાસુએ ગુરૂની સેવા કરી આ વાક્યનો ઉપદેશ તેમની પાસેથી મેળવવાનો હોય છે એમ પરંપરાથી મનાયું છે.

અદ્વૈતવાદમાં રસ લેનારા વિચારકો આ વાક્યના ભાવાર્થને ખૂબ જ મહત્વ આપે છે. ખરી રીતે જોઈએ તો ભારતીય સાધના ને તત્વજ્ઞાનના આખરી વિકાસનું આ વાક્ય એક મહાન ને સંગીન સીમાચિહ્ન છે. વિકાસની દિશામાં તેમની આ એક મોટી શોધ છે. પ્રગતિને પંથે પ્રવાસ કરતાં તેમણે સત્યનો જે રીતે સાક્ષાત્કાર કર્યો તે રીતના પડછંદા તેઓ આ થોડા, સરળ ને સાધારણ છતાં સચોટ શબ્દોમાં પાડી ગયા છે. માનવજાતિને માટે તે મહાન મિલકત ને કીમતી વારસારૂપ તથા આશીર્વાદરૂપ છે. જે ક્ષણે માનવના મનમાં આ સત્યનો પ્રકાશ થયો ને તેને પરિણામે આવા ચોક્કસ ને સ્પષ્ટ શબ્દો ઉચ્ચારાયા તે ક્ષણ ખરેખર ધન્ય હતી, દૈવી હતી, ને સંસારના સાંસ્કૃતિક ઈતિહાસમાં અવનવી, અમર  ને નવી ભાત પાડનારી હતી. માનવે તે દિવસે પોતાની જાતનું રહસ્ય શોધી કાઢ્યું, ને સંસાર તથા તેની અંદર રહેલી દૈવી ચેતના સાથેના પોતાના સંબંધનું અનુભવપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું.

આજથી હજારો ને લાખો વરસો પહેલાં માનવ વિકાસની આવી મહાન પરિસીમાએ પહોંચી શક્યો તે ખરેખર તેને માટે ગૌરવની વાત છે. જે દેશમાં પોતાની જાતની સતત શુદ્ધિ ને મનનાદિ સાધનની મદદથી આ મહાન શોધ થઈ ને જે પ્રજાએ એમાં પહેલ ને પ્રવૃત્તિ કરી તે દેશ ને પ્રજાને પણ ખરેખર ધન્યવાદ ઘટે છે. તે અભિનંદન ને આદરભાવની સાચી અધિકારી છે. તેને ધર્મ ને તત્વજ્ઞાનની સહચરી ને સંસ્કૃતિની જનેતા કહેવામાં કોઈ જાતની અતિશયોક્તિ નથી, બલ્કે તેમાં તેનું યોગ્ય સન્માન જ રહેલું છે. સંસ્કૃતિની આવી મહાન શોધો ને આત્મિક વિકાસને લીધે જ આ દેશનો ભૂતકાળ આટલો બધો ઉજ્જવળ, ભવ્ય ને સુખમય હતો, ને તે જ પરંપરાગત વારસાને લીધે અનેક જાતનાં આક્રમણની સામે પણ, ભાતભાતની આંધીમાંથી આગળ વધતો આ દેશ, પ્રતિકૂળતાની સામે પણ, સ્મિત કરતાં ઊભો રહ્યો ને પોતાના આત્માને અમર રાખી શક્યો. આત્માની અમરતા, એકતા ને સંસારની શાંતિનો સંદેશ વહેતો મૂકનારો સૌથી પ્રથમ દેશ આ જ છે. વસુધાને કુટુંબવત જ નહિ પરંતુ સૌને આત્મવત્ − પોતાના સમાન માનીને પ્રેમ કરવાનો ઉપદેશ સૌથી પ્રથમ આ જ દેશે ને તેની પ્રજાએ પૂરો પાડ્યો છે. તેમાંથી પ્રેરણાનું પાણી પીને પાછળથી કેટલાય પુરૂષો ને સંપ્રદાયો પેદા થયા ને કેટલાંય નીતિવાક્યો કે સદાચારના સિદ્ધાંતોનું નિર્માણ થયું. સમાજને તેણે સદીઓ સુધી દ્રષ્ટિ, ભક્તિ ને શક્તિ પૂરી પાડી. એકતા ને જ્ઞાનની એકવાક્યતાના એ મહાન ઉપદેશક મહર્ષિઓનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે.

ગ્રહ, નક્ષત્ર, વીજળી ને વિમાનનું આટલું વધું સન્માન કરવામાં આવે છે, ને પર્વતનાં કઠિન કે કષ્ટસાધ્ય શિખર સર કરનારને દેશના ગૌરવરૂપે ગણવામાં આવે છે, તો પછી જે પ્રકૃતિ પર કાબૂ કરી, મનના સ્વામી બની, વરસોના સતત શ્રમને અંતે પોતાની અંદરની દુનિયાની શોધ કરે છે ને માનવજાતિને મદદરૂપ એવાં સનાતન સત્યોને વહેતાં મૂકે છે તેનુ સન્માન કેમ ન કરવું ? આત્મા, પરમાત્મા  કે ઈશ્વરની ઝાંખી કરનાર માનવે સંસારને ખરેખર એક મહાન મિલકતની ભેટ આપી. ને એથી આગળ વધીને આત્મા ને પરમાત્મા એક જ છે ને તે જ ચરાચરમાં બધે વ્યાપક છે એમ કહેનાર બીજા મહામાનવે જ્ઞાનના પરમ પ્રકાશની શોધમાં આગળ વધનાર માનવજાતિને કાયમને માટે ઉપકૃત કરી; પ્રકાશની કદી ન બુઝાય એવી એક જુગોજુગ લગી જીવનારી જ્યોતિ ધરી. જે દેશમાં એવા મહામાનવો પેદા થયા તે દેશ ખરેખર ધન્ય છે ને ગૌરવનો અધિકારી છે.

પરંતુ તે દેશની પ્રજાને માથે મોટું ઋણ છે. તે પ્રજાને માથે મોટી જવાબદારી છે ને તેમાંથી તે કોઈ કાળે ને કોઈ કારણે છૂટી શકે તેમ નથી, એ યાદ રાખવાની જરૂર છે. તે દેશ ને તેની પ્રજાએ તે મહામાનવોની યાદી કરીને, પૂજા કરીને કે જયંતિ ઊજવીને જ બેસી રહેવાનું નથી, પરંતુ તેમના સંદેશને જીવનમાં સાકાર કરવાનો છે. જે દેશ પાસે તત્વજ્ઞાનનો આવો અમૂલખ વારસો છે તે દેશ કદી દરિદ્ર ને દુઃખી ન હોઈ શકે; અંદરઅંદરનાં વેરઝેર, કુસંપ, સ્વાર્થ, શોષણ ને ભેદભાવ તેને ભરખી ન શકે; સેવા, સહકાર ને શુદ્ધિની ત્રિવેણી એ પ્રજાના જીવનમાં કદી સુકાય નહિ; એ પ્રજા જીવનનો સ્વાદ લે ને તેને સુખમય ને સ્વર્ગીય કરવા બનતું બધું કરી છૂટે, પરંતુ જીવનમાં લપટાય કે બંધાય નહિ. એ પ્રજા સાત્વિક આનંદની ઉપાસક હોય પણ વિલાસથી વેગળી રહે; જ્ઞાનની આરાધક થઈને અજ્ઞાનના અંત માટે કમર કસે. ચોરબજારી, ભેળસેળ, ભ્રષ્ટાચાર ને લાંચરુશવત એ પ્રજામાં કદી રહી શકે ખરાં ? એ પ્રજા વ્યસનની ગુલામ ને માંસાહારની આદતવાળી બની શકે ? એ પ્રજા કોઈથી ડરે ખરી ? મૃત્યુને જેણે મંગલમય મહોત્સવરૂપ માન્યું ને જીવનને આત્માની અભિવ્યક્તિ ને પરમાત્માની લીલાભૂમિ તરીકે જાણ્યું તે પ્રજા જીવનની પ્રત્યેક પળને દીપાવવા પ્રમાદ છોડીને પ્રગતિ કરે. તે પ્રજા દુઃખ, દર્દ, યાતના ને મુસીબતથી ગભરાય નહિ. ચિંતા તેને ધ્યેયમાંથી ચલાયમાન ન કરે. તે પ્રજા નિરાશાથી નાસીપાસ ન થાય ને પતન, પીડા કે પરાજયમાં તેનો પ્રાણ ભાંગી ન જાય. તે જાણે ને માને કે પોતે પરમાત્મામય છે; આનંદમય ને અમર છે; પરમાત્મા સાથે તેનો અતૂટ સંબંધ છે. તે કદી હતાશ ન થાય કે પોતાની પ્રગતિમાંથી ડગે નહિ. અંદરઅંદરની કટુતા, ઈર્ષા, શત્રુતા, સાંપ્રદાયિકતા ને પ્રાંતીયતાના અહંકારથી તે પ્રજા અંધ ન બને. તેની અંદર અતિશય અજ્ઞાન, નિર્ધનતા ને બીજી બાજુ અઢળક સંપતિ ન રહે; તે પ્રજા સેવાભાવ, સહકાર ને સૌની ઉન્નતિની પ્રેરણાથી સદાય પ્રસન્ન ને પુલકિત હોય.

તત્વજ્ઞાનને વ્યક્ત કરનારા વૈદિક મંત્રોમાંથી પ્રજાએ એવી પ્રેરણા પ્રાપ્ત કરવાની જરૂર છે. ‘આ આત્મા બ્રહ્મ છે’ નો ઉપદેશ ત્યારે જ સમજાયો ને સાર્થક થયો કહેવાય. એ ઉપદેશમાં રસ લેનાર દરેકે દેશ, કાળ કે જાતિના ભેદ વિના આવી કાયાપલટ કરવાની જરૂર છે, પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, સૌએ એમાંથી શક્તિ મેળવવાની જરૂર છે. તત્વજ્ઞાન કેવળ વાણીમાં નહિ પણ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ ને પળમાં ઊતરી આવવું જોઈએ. તો જ તે કામનું છે એમ કહી શકાય. તેની ઉપયોગિતા ત્યારે જ ગણાય ને તે કામનું છે એમ પણ ત્યારે જ મનાય.

શાસ્ત્રોનો આટઆટલો અભ્યાસ ને ઉપદેશ હોવા છતાં આત્મા પરમાત્મા છે એમ કેમ નથી અનુભવાતું ? કારણ એ જ છે કે તેવો અનુભવ માણસે મુખ્યત્વે પોતાના આત્મા દ્વારા કરવાનો છે, ને તેથી આત્માની તૈયારી તે માટે પાકી ન થાય ત્યાં સુધી ગમે તેટલા અભ્યાસ, શ્રવણ કે મનનથી અનુભવની એ અવસ્થાએ પહોંચી શકાય નહિ. એવા અભેદભાવના અનુભવ માટે આત્માને તૈયાર કરવો જોઈએ. એટલે કે વ્રત ને નિયમની મદદ દ્વારા મનને મજબૂત ને નિર્મળ કરી પરમાત્માના પ્રેમપ્રકાશે પ્રકાશિત કરવું જોઈએ. એ માટે જ તપ ને સાધના છે. તેની મદદથી પરમાત્મા સાથેની એકતાનો અનુભવ કર્યા પછી તે અનુભવ સહજ બની જાય છે ને કાયમ માટે ચાલુ રહે છે. એ વિશે આપણે આગળ ઉલ્લેખ કરેલો છે જ.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.