Text Size

Mandukya

આત્માની ચાર અવસ્થા

ઋષિ કહે છે કે ॐકાર, આત્મા ને પરમાત્મા એક જ છે. એ આત્મા ચાર અવસ્થા અથવા ચાર પાદવાળો છે. આત્માની પહેલી અવસ્થા જાગ્રત અવસ્થા છે. તે વખતે આત્મા જાગ્રત અવસ્થામાં રહે છે. અથવા તો માણસ જાગ્રત અવસ્થામાં હોય છે ત્યારે તે આત્મા અનુભવાય છે, તે વખતે તેને બહારના પદાર્થોનું જ્ઞાન ને ભાન થાય છે, ને તે સ્થૂલ વિષયો કે પદાર્થોને ભોગવે છે. તે આત્માને સાત અંગવાળો ને ઓગણીસ મુખવાળો કહ્યો છે. સાત અંગ એટલે માથું, આંખ, મોં, પ્રાણ, મધ્ય ભાગ, ગુહ્ય ભાગ ને પગ. તે પ્રમાણે ઓગણીસ મુખ એટલે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર.

આત્માની બીજી અવસ્થા સ્વપ્નાવસ્થા છે. તે વખતે આત્મા સ્વપ્નાવસ્થામાં રહે છે. તે દરમિયાન મન જાગતું હોય છે. તે અંદરના જગતને જુએ ને અનુભવે છે ને તેની દ્વારા આત્માને પણ તે જ્ઞાન થઈ રહે છે. તે વખતે તે ઈચ્છા ને વાસનાને પરિણામે પેદા થયેલા સૂક્ષ્મ પદાર્થો અથવા વિષયોને ભોગવે છે. પહેલી અવસ્થાવાળો આત્મા વૈશ્વાનર ને આ બીજી અવસ્થાવાળો આત્મા તૈજસ કહેવાય છે.

આત્માની ત્રીજી અવસ્થા સુષુપ્તિ અવસ્થા છે. તે વખતે માણસ ઊંડી ઊંઘમાં પડે છે ખરો, પરંતુ કોઈ સ્વપ્ન નથી જોતો તથા કોઈ પદાર્થ કે વિષયનો અનુભવ પણ નથી કરતો. તે વખતે આત્મા એકરૂપ બને છે, આનંદમય બની આનંદનો અનુભવ કરે છે ને સ્મૃતિજન્ય માનસિક જ્ઞાન ધરાવે છે. તે ચિત્તરૂપી એક મુખવાળો ને પ્રાજ્ઞ નામનો આત્મા કહેવાય છે.

હવે આત્માની ચોથી અવસ્થા વિશે. તે અવસ્થા સમાધિ અવસ્થા છે. તેને તુરીયાવસ્થા પણ કહે છે. તે અવસ્થામાં આત્મા પોતાને જોઈને પોતાની અંદર જ પ્રસન્ન રહે છે. તે પરમાત્મરૂપ થઈ જાય છે. તે અવસ્થામાં તેને અંદરનું કે બહારનું કશું જ્ઞાન હોતું નથી. તે વખતના અનુભવને વાણીથી વર્ણવી શકાય તેમ નથી. પરંતુ તે અવસ્થામાંથી જાગ્યા પછી માણસને લાગે છે કે પોતે કોઈ અભૂતપૂર્વ ને અક્ષય સુખ ને આનંદનો અનુભવ કર્યો. તેના મન, વચન ને કર્મમાં જ નહિ પરંતુ શરીરના એકેએક અવયવ ને પ્રત્યેક પરમાણુમાં પરમ શાંતિનું દર્શન થવા માંડે છે ને ધન્યતા ને પ્રસન્નતાના ફુવારા ફૂટે છે.

અનુભવી મહાપુરૂષો પોતપોતાની પદ્ધતિ પ્રમાણે તે અવસ્થાનું વર્ણન કરી ગયા છે. પરંતુ તે વર્ણનને વર્ણનનો નમ્ર ને પ્રામાણિક પ્રયાસ જ કહી શકાય. સ્વાનુભવને વફાદાર રહીને પોતાની રુચિ ને શક્તિ પ્રમાણેનું વર્ણન કર્યા પછી પણ તે પુરૂષો ધરાયા નથી ને કહેવા જેવું ઘણુંઘણું રહી ગયું એમ જ તેમને લાગ્યા કર્યું છે. તે મહાપુરૂષોએ કૃપા કરીને પોતાના ભક્તમંડળ આગળ કે પોતાની રચનાઓમાં વધારે યા ઓછા પ્રમાણમાં તે અનુભવનો ઉલ્લેખ કર્યો તે માટે માનવજાતિ તેમની ખરેખર ઋણી છે. તે જો તદ્દન મૂંગા જ રહ્યા હોત તો સાધનાની છેવટની કે વચગાળાની સિદ્ધિ કે પ્રાપ્તિ વિશેની બધી સામગ્રી તેમની જ પાસે રહી જાત ને એક દિવસ તેમની સાથે સદાને માટે વિદાય પણ થઈ જાત. તે હકીકતની કોઈને ખબર ન પડત. પરિણામે માનવજાતિ એક મહામૂલા પ્રેરણાભંડારથી વંચિત રહી જાત, સાધનાની દિશામાં પોતાની જાતને જીતવાના ને જાણવાના ધ્યેય સાથે માનવે કરેલી પ્રગતિનો ઈતિહાસ કાયમને માટે અપ્રાપ્ત હોત. હજારો સાધકો એ રીતે જરૂરી પ્રકાશ તેમ જ પથપ્રદર્શનથી વંચિત રહી જાત. પરંતુ હકીકત એથી ઊલટી છે, ને તે માટે આપણે એ મહામાનવોના કાયમના આભારી છીએ. તેમનો ઉપકાર ઘણો મોટો છે. તેને સહેલાઈથી ચૂકવી શકાય તેમ નથી.

મહાપુરૂષો આપણી આગળ અનુભવની જે મૂડી મૂકી ગયા છે તેમાંથી મદદ મેળવીને કે પ્રેરણા પ્રાપ્ત કરીને આપણે એજ દિશામાં આગળ વધી શકીએ છીએ એ તો ખરું જ, પરંતુ વધારામાં તેમણે કરેલા અનુભવોથી પણ વધારે ઊંડા ને આગળના બીજા અનુભવો મેળવીને તેમનાથી પણ વિવિધ ને વિલક્ષણ વિકાસના સ્વામી થઈ શકીએ છીએ. તેમને થયેલા અનુભવોને આધારરૂપ ને પ્રમાણભૂત માનીને ચાલવાથી આપણને બળ મળે છે ને પંથ જડે છે. નિરાશા, નિષ્ફળતા, નાહિંમત, વિલંબ ને ચિંતાના કપરા કસોટીકાળમાં તે આપણું બખ્તર બને છે ને આપણને ટટ્ટાર રાખે છે. પરંતુ તેમનાથી બંધાઈને કાયમને માટે સંતોષ માની, ઈતિકર્તવ્યતાનો શ્વાસ લઈને, બેસી જવું એવું કશું નથી. ઘણી વાર આપણે તેમ જ કરીએ છીએ. તેને બદલે તેમની મદદ મેળવીને વધારે આગળનો ને સ્વતંત્ર રુચિ પ્રમાણેનો વિકાસ કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. તો આપણે પણ તે મહાપુરૂષોને પગલે ચાલીને તેમની પેઠે આપણા જમાનાની ને ભવિષ્યમાં થનારી માનવજાતિ માટે અનુભવનો અનોખો વારસો મૂકી શકીએ. અનુભવના એવા સચોટ, સરળ ને સાચા ઈતિહાસ જેટલા વધારે લખાશે તેટલો સંસારને લાભ જ થશે. દરેક યુગમાં પ્રામાણિકતા, શ્રદ્ધા, ત્યાગ, લગન, પુરૂષાર્થ ને ઈશ્વરકૃપાની સંયુક્ત મદદથી કોઈ પણ માનવ આત્મદર્શનના ને બીજા અનુભવ કરી વિકાસના ઉતુંગ શિખર પર આરૂઢ થઈ શકે છે એ વાતની પ્રતીતિ માનવને એવા ઈતિહાસ પરથી વધારે પ્રમાણમાં થઈ રહેશે. ધર્મ, તત્વજ્ઞાન, સાધના કે આધ્યાત્મિકતાની યશપતાકા એથી વધારે નક્કર રીતે ફેલાઈ રહેશે.

ઋષિ કહે છે કે એ ચોથી અવસ્થા વાણીથી સમજાવી ન શકાય તેવી છે; મનથી મનન કે ગ્રહણ ન કરી શકાય તેવી અનેરી છે; એ અવસ્થા આત્માના અનુભવના સારરૂપ છે, શાંત છે, કલ્યાણસ્વરૂપ છે ને અદ્વેત છે; સંસારરૂપ પ્રપંચ તેમાં શમી જાય છે. એ વખતે જે પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે તે પરમાત્મા સૌના ઈશ્વર છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સૌનું મૂળ કારણ છે, ને સૌની ઉત્પત્તિ તેમ જ લયનું સ્થાન પણ તે જ છે. તે પરમાત્માને જાણવાની જરૂર છે અથવા એ આત્મા જ જાણવા જેવો છે એવો ઋષિનો ઉપદેશ છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok