માંડૂક્ય ઉપનિષદ

આત્માનું જ્ઞાન

જ્ઞાન અનેક જાતનું છે ને જાણવાની વસ્તુઓ પણ સંસારમાં અનેક છે. પરંતુ જેનાથી જીવનની સમસ્યાનો ઉકેલ થાય, જીવ ને જગતનો સંબંધ સ્પષ્ટ થાય, સંસારની પાછળ રહેલી ગૂઢ શક્તિનો સાક્ષાત્કાર થાય, શરીરમાં રહેલી ચેતનાના તેની સાથેના સંબંધનું ભાન થાય, ને પરિણામે જીવન શાંતિમય ને ધન્ય બની જાય, એવું જ્ઞાન એક જ છે ને તે આત્માનું જ્ઞાન. તેને જ બીજી ભાષામાં સ્વરૂપનું જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન એટલે જુદા જુદા વિષયની માહિતી એકઠી કરીને જીવતા પુસ્તકાલય બની જવું એમ નહિ, પરંતુ પોતાની જાતને જાણવી કે ઓળખવી. તે જ જ્ઞાન ખપનું છે, ને તેની જ પ્રાપ્તિ બનતા બધા જ પ્રયત્ને કરવા જેવી છે. ઉપનિષદના ઋષિ એ જ વાતની યાદ આપે છે. આદ્ય શંકરાચાર્ય એ જ વાતનો ઉલ્લેખ કરતાં તેમના સાહિત્યમાં એક સુંદર વાક્ય લખીને કહે છે કે ઉપનિષદોમાં ઊંડા ચિંતન ને મનન પછી જે પરમ તત્વનો નિર્ણય અથવા અનુભવાત્મક નિશ્ચય કરવામાં આવ્યો છે તે પરમ તત્વ જ જાણવા જેવું છે. તદ્દન સરળ શબ્દોમાં તે કહે છે કે तज्ज्ञेयं यदुपनिषत्सु निश्चितार्थम् । 

મહાન સંત ને ભક્ત કવિ નરસિંહ જેને માટે કહે છે કે :
પાસે છે પિયુ અલ્યા તેને ના પરખિયો
હાથથી બાજી ગઈ, થયો રે ખોટી.
સમરને શ્રીહરિ, મેલ મમતા પરી,
જોને વિચારીને મૂળ તારું.

પોતાના મૂળરૂપ ને સમગ્ર સંસારના મૂળ સ્વરૂપ તે પરમાત્માને જાણવાની જરૂર છે. એનો અર્થ એવો નથી કે આત્મા યા પરમાત્મા વિશેની ચર્ચાવિચારણામાં પ્રવીણ થવું ને તે વિશે સારું બોલતાં ને લખતાં શીખવું. તે બધાનો મોહ મૂકી દઈને ને તેમાંથી વિવેકપૂર્વક ઉપર ઊઠીને માણસે પરમાત્માના પ્રેમી થવાની ને પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવાની જરૂર છે. તે વિના આત્માનું રહસ્ય ન સમજાય ને શાંતિય ન મળે.

રસ ને આનંદની સહજતા
આત્માની અનુભૂતિ માટે જે જરૂરી લાગે તે સાધનાનો આધાર લેવો જોઈએ. પણ તેનો અર્થ જીવનને હાથે કરીને નીરસ ને ગંભીર બનાવી દેવું તેવો નથી. કોઈક વાર માણસ એવું માને છે ને જ્ઞાની તરીકે ઓળખાવા માટે બળજબરીથી મૌન ધારણ કરી પોતાના મુખમંડળ ને હાવભાવ પરથી જીવનમાં કોઈ રસ કે આનંદ ન હોય ને તે કોઈ કડવી દવાનો પ્યાલો હોય એવો દેખાવ રજૂ કરે છે. વિવેકી માણસે તેને આદર્શ માનીને ચાલવાની ને તેનું અનુકરણ કરવાની જરૂર નથી. આત્માના અલૌકિક જ્ઞાનથી ને પરમાત્માની વધારે ને વધારે પાસે પહોંચવાથી જીવન વધારે ને વધારે રસમય બનતું જાય છે, આનંદમય થતું જાય છે, ને માણસના મુખમંડલ ને હાવભાવમાં એક પ્રકારની સહજ પ્રસન્નતાની છાયા ફરી વળે છે. આત્માની અનુભૂતિનો અર્થ જીવન ને જગતને તિરસ્કારવું, તે પ્રત્યે ઉદાસીન થવું ને જડ થઈને બેસી જવું એવો પણ નથી. એ અનુભૂતિ પછી જીવન ધન્ય બની જાય છે. પરમાત્માને પ્રકટ કરવાના ને અનુભવવાના સાધનરૂપ થાય છે, ને જગત પણ તે જ પરમાત્માના પ્રતીકરૂપ, વધારે સુંદર, રસમય ને મંગલ થાય છે. એટલે જીવનને જડ કરવાની અથવા લાગણી વિનાના પથ્થરનું રૂપ આપવાની એ પદ્ધતિ જ્ઞાનને નામે ચાલતી હોય તોપણ અજ્ઞાનને લીધે પેદા થયેલી માની કાયમ માટે છોડી દેવાની જરૂર છે. જ્ઞાન ને વૈરાગ્યને નામે દેશમાં જે શુષ્કતા વધતી જાય છે તેને લીધે લોકોના મુખ પર આનંદ કે શાંતિ નથી ને જીવનમાં રસ નથી દેખાતો.

જ્ઞાન તો માણસને પરમાત્માનો પરિચય કરાવે છે ને પરમાત્માની વધારે ને વધારે પાસે લાવે છે. તે પરમાત્મા શોકસ્વરૂપ નહિ પણ આનંદસ્વરૂપ છે; પરમ શાંતિના પ્રતીક છે; સત્ય સ્વરૂપ છે; પ્રેમ ને માધુર્યની મૂર્તિ છે; रसो वै सः કહીને વિદ્વાનોએ તેમને રસના પરમ ધામ ને નિધાનરૂપ કહ્યા છે. તેવા પરમાત્માને જાણનારો કે જાણવા માગનારો માણસ સત્ય, જ્ઞાન, શાંતિ, આનંદ, પ્રેમ, મધુરતા, દયા ને ક્ષમા જેવાં ઉત્તમ તત્વોથી રહિત કેવી રીતે હોય ? તે તત્વોથી દૂર રહીને તે પરમાત્માને કેવી રીતે મેળવે, ને તેમનાથી દૂર હોય તો તેણે પરમાત્માને મેળવ્યા એમ પણ કેવી રીતે કહેવાય ? પરમાત્માને મેળવવા કે અનુભવવા માટે પોતાની પ્રકૃતિમાં જરૂરી પરિવર્તન કરીને સમસ્ત જીવનને પ્રભુમય કરવાની જરૂર છે. પરમાત્માને જાણ્યા પછી પણ, જીવનની ધન્યતા માટે પ્રકૃતિના તેવા રૂપાંતરની જરૂર છે. જીવનને અલૌકિક કરનારા એવા જ્ઞાન ને એવા આત્માનુભવની જ આપણને જરૂર છે તે જ આપણે માટે આશીર્વાદરૂપ થશે. કેવળ વાણી ને મસ્તકમાં રહેવાને બદલે તે આપણી પ્રત્યેક શિરામાં ફરી વળશે, રક્તના કણેકણમાં રણકી ઊઠશે, ને શ્વાસોચ્છ્ વાસ સાથે એક બનશે.

પરંતુ માણસો હજુ આ વાત નથી સમજતા. અમે હિમાલયના ગંગોત્રી ધામમાં એક જ્ઞાનીના દર્શને ગયેલા. તે મોટે ભાગે મૌન રાખતા. વાતચીતમાં હસવું પડે તોપણ તે બળજબરીથી હોઠ બંધ કરી રાખતા. તેમાં જ્ઞાન ને વૈરાગ્યની સીમા છે એમ તે સમજતા, ને અમને પણ એવું જ કરવાનું કહેતા. એવા વિચાર ઘણા માણસોના મનમાં ઘર કરી બેઠા હોય છે. તેમને તંદુરસ્ત કે આદર્શ ન કહી શકાય. ગમે તે જાતની સાત્વિક સાધના છેવટે તો પરમ શાંતિ ને પરમાનંદની પ્રાપ્તિ માટે જ છે. ‘કહત કબીર આનંદ ભયો હૈ બાજત અનહદ ઢોલ’ એ શબ્દોમાં કબીરે સાધનાને પરિણામે પ્રકટનારા આનંદનો ઉલ્લેખ કર્યો છે, ભક્તિમાર્ગના આચાર્યોએ પણ તે રસ ને આનંદનો સ્વીકાર કર્યો છે જ્ઞાનમાર્ગમાં પણ એ ઉત્તમ કોટિના સાત્વિક ને અલૌકિક આનંદની વાત નથી આવતી એમ નહિ. આત્માનંદના સુંદર શબ્દમાં એનો જ ઉલ્લેખ ને સમાવેશ કરવામાં આવ્યો છે. પણ વિવેકનો બરાબર ઉપયોગ ન કરવાને લીધે લોકો તે વાતને વીસરી ગયા છે.

આનંદ ને પરમાનંદની પ્રાપ્તિનો અર્થ એવો નથી કે જ્ઞાની અથવા પરમાત્માને પહોંચેલો પુરૂષ હમેશાં જોરથી ખડખડાટ હસતો જ રહે છે. જાણે નશામાં હોય કે કાંઈક પીધું હોય ને હસ્યા કરે ને બક્યા કરે તેવી તેની દશા હોય છે એમ પણ નથી માનવાનું ને એથી આગળ વધી, ઉત્તમ પ્રકારના જ્ઞાનીમાં ખપવા તેવા વ્યવહારનું આંધળું અનુકરણ પણ નથી કરવાનું. તેવા વિવેક વગરના વ્યવહારથી સપ્તમ ભૂમિકાએ પહોંચ્યાનું પ્રમાણપત્ર આપવા ઉતાવળા નથી થવાનું ને પોતે તેવું પ્રમાણપત્ર લેવા અધીરાય નથી થવાનું, અલબત્ત, વ્યક્તિગત રીતે કોઈ વાર મુક્ત હાસ્ય ને બકવાદનાં એવાં ચિહ્નો અનુભવના એકાએક આનંદને લીધે જ્ઞાનીના જીવનમાં પ્રકટ થાય છે ખરાં, પરંતુ તે સ્થાયી નથી, ને સ્થાયી ગણાવાં પણ ન જોઈએ. તેવાં ચિહ્નો કોઈ વાર, કોઈ વિરલ પુરૂષના જીવનમાં, કામચલાઉ પ્રકટ થાય છે ને વિલીન પણ થઈ જાય છે. તેમને આત્માનુભવ સાથે ખાસ સંબંધ નથી.તેથી તેમને બળજબરીથી પકડી રાખવાની, તેમના મોહમાં પડવાની ને તેમની નકલ કરવાની ઘેલછામાંથી વિવેકી પુરૂષે સદા મુક્ત રહેવું જોઈએ ને ગાંડા કે ચિત્તભ્રમના દર્દીમાં ખપતાં બચવું જોઈએ. સહજ અનુભવના ભારે આનંદના પરિણામરૂપે એવી નશા જેવી દશા આવે છે તોપણ પાછી શાંત થઈ જાય છે. તે શાંત દશા જ સાચી ને સર્વોત્તમ દશા છે જ્યારે માણસ તટસ્થ રીતે આત્માનુભવમાં લીન રહે છે, ને સ્વભાવનાં ઉત્તુંગ તરંગ તેના પર શાસન નથી ચલાવતાં. તે દશામાં પરમાનંદના પરમાણુ, જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ને સ્વભાવના હરેક પાસામાં મળી જાય છે, ભળી જાય છે, કે એકાકાર થઈ જાય છે. તેવા પુરૂષનું દર્શન જ અનંત આનંદનું કારણ થઈ પડે છે.

તેવા પુરૂષનું દર્શન કદી કર્યું છે ખરું ? ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ કે ગુણાતીતનું નામ આપ્યું છે તેવા પરમાત્મદર્શી પુરૂષના પરિચય ને સમાગમમાં આવવાનું સૌભાગ્ય કદી સાંપડ્યું છે ખરું ? તે પરમશાંતિની મૂર્તિ હોય છે ને તેનું દર્શન તથા સાન્નિધ્ય અનંત આનંદ, અપરંપાર પ્રેરણા તથા અસીમ શાંતિનું કારણ થઈ પડે છે. પોતાની જ અપાત્રતા ને પૂર્વગ્રહને લીધે તેવા પુરૂષની મહત્તા ન સમજાય ને કોઈ વાર ગેરસમજને લીધે તે ઉપહાસને પાત્ર થાય, પરંતુ તેથી તેની મહત્તા લેશ પણ ઓછી થતી નથી. રાગદ્વેષ, વિલાસ ને ભેદભાવથી ભરેલા આ જગતમાં તેવા મહાપુરૂષનું દર્શન ખરેખર દુર્લભ છે. પણ થાય છે ત્યારે મોક્ષ આશીર્વાદરૂપ થી પડે છે એમાં શંકા નહિ. જીવનને ઉજ્જવળ કરવામાં તે અનેરો ભાગ ભજવે છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.