Monday, September 21, 2020

મુંડક ઉપનિષદ

શિખા, ચાંલ્લા અને તિલક વિશે

જીવનની કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પળેપળે માણસે પ્રભુપરાયણ થતાં શીખવાનું છે. જીવનના ધ્યેયને તેણે સદા યાદ રાખવાનું છે. પ્રવૃત્તિમાં પડેલો માણસ એ ધ્યેય સહેલાઈથી ભૂલી જાય એટલે તેની યાદ માટે ભારતીય સંસ્કૃતિમાં કેટલીક ધર્મક્રિયાઓ, કેટલાંક પર્વો ને કેટલાંક ચિહ્નો કે કેટલીક વિધિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચાંલ્લા કે તિલક કરવાની વિધિ પણ એવી જ જાતની વિધિ છે તેનો ખ્યાલ બહુ ઓછા માણસોને હશે. તેની પાછળના વૈજ્ઞાનિક રહસ્યનો વિચાર પણ ભાગ્યે જ કોઈને આવ્યો હશે.

તિલક સામાન્ય રીતે ધર્મ કે સંપ્રદાયના ચિહ્ન તરીકે મનાય છે, ને ચાંલ્લાને સૌભાગ્યના પ્રતીક તરીકે જ મોટે ભાગે માનવામાં આવે છે. કેટલાક તેને અંધશ્રદ્ધા ને ગાંડપણમાં પણ ખપાવે છે, તો કોઈ તેને જુનવાણીની નિશાની માની તેના વિરોધ ખાતર કપાળને ખુલ્લું રાખવાનું જ પસંદ કરે છે. પરંતુ મારી દ્રષ્ટિએ તેમાં ભારતીય જીવનના આદર્શની એક વિશેષ ફિલસૂફીનો પડઘો પાડવામાં આવ્યો છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો સંસ્કૃતિના એક મહાન સંદેશનો સમન્વય કરવામાં આવ્યો છે, ને તે દ્રષ્ટિએ તેનું મહત્વ ઘણું વધારે છે. ચાંલ્લાને પરિણીત જીવન કે સૌભાગ્યના ચિહ્ન તરીકે માનવાની પદ્ધતિ આપણે ત્યાં ચાલી આવે છે. તેની સામે કોઈ વિરોધ કરવાની આપણી ઈચ્છા નથી. પરંતુ તે પદ્ધતિ બરાબર નથી. ચાંલ્લો કુમારિકા પણ કરી શકે છે, કરે છે જ. તેથી તેને પરિણીત જીવનનું પ્રતીક માનવામાં ભૂલ થાય છે. જો તે સૌભાગ્યનું જ ચિહ્ન હોય તો પરણેલી સ્ત્રી જ તેને ધારણ કરત ને કુમારિકા તેથી દૂર રહેત. પરંતુ વ્યવહારમાં તેવું નથી થતું. તેથી સ્ત્રી માત્રનો તેના પર અધિકાર માની સૌભાગ્યની કલ્પનાથી તેને અલગ રાખવાની જરૂર છે. તેની પાછળ જે સાંસ્કૃતિક કે યૌગિક ફિલસૂફી છે તેનો વિચાર આપણે ટૂંકમાં કરીએ.

યોગશાસ્ત્ર પ્રમાણે શરીરમાં છ કેન્દ્ર મુખ્ય છે. તે ચક્ર પણ કહેવાય છે. પહેલું કેન્દ્ર કે ચક્ર કરોડરજ્જુની નીચેના ભાગમાં છે તેને મૂલાધાર ચક્ર કહે છે. ત્યાં કુંડલિની શક્તિનો વાસ છે. બીજું ચક્ર નાભિ પાસે નાભિચક્ર કહેવાય છે, ત્રીજું હૃદયપ્રદેશમાં, ચોથું કંઠના મૂળ સ્થાનમાં, પાંચમું બે ભ્રમરની મધ્યમાં આજ્ઞા ચક્ર ને છઠ્ઠું ચક્ર મસ્તકની પાછળના ભાગમાં− આધુનિક વિજ્ઞાન જ્યાં લટકતું મગજ માને છે ત્યાં − છે. તે સહસ્ત્રદલ ચક્ર કે સહસ્ત્રાધાર-કહેવાય છે. યૌગિક પદ્ધતિ પ્રમાણે સહસ્ત્રદલ ચક્રમાં શિવ એટલે પરમાત્માનો વાસ છે. છેક નીચે આવેલા મૂલાધાર ચક્રમાંથી કુંડલિની શક્તિને જુદાંજુદાં સાધનોના પ્રભાવથી જાગ્રત કરી, માર્ગમાં આવતાં વિવિધ ચક્રોમાંથી પસાર કરી, સાધકે ઠેઠ મસ્તકમાં લઈ જવી પડે છે. ત્યાં સહસ્ત્રદલ ચક્રમાં પરમાત્મા સાથે તેનું મિલન થતાં સાધક મુક્તિનો આનંદ અનુભવે છે ને પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે એમ કહેવાય છે.  એટલે યોગની સાધનામાં મૂલાધારવાસિની કુંડલિની ને સહસ્ત્રદલમાં રહેલા પુરૂષ સાથે એક કરવાનાં ખાસ સાધનોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. શક્તિનો શિવ સાથે અથવા પ્રકૃતિનો પુરૂષ સાથે મેળાપ કરાવવાના ઉપાય બતાવવામાં આવ્યા છે.

સાધકે સદા યાદ રાખવું પડે છે કે સાધનાની સહાયથી સર કરવાનું મુખ્ય શિખર કે સ્થાન મસ્તકનું સહસ્ત્રદલ ચક્ર છે. તેને શરીરનું એવરેસ્ટ શિખર પણ કહી શકાય. તેની સ્મૃતિ માટે સહસ્ત્રદલ ચક્રના સ્થાનમાં જ ચોટલી રાખવાની પ્રથા શરૂ થઈ હતી. ત્રિકાળ સંધ્યા કરતાં, પ્રાણાયામ કરતાં ને બીજી વિધિ વખતે ચોટલી ને જનોઈની જરૂર પડતી શિખાબંધનનો મંત્ર પણ બોલાતો. તેને લીધે માણસને સદા યાદ રહેતું કે જીવનમાં ગમે તે પ્રવૃતિ કરવામાં આવે તોપણ સાધના કરીને પહોંચવાનું મુખ્ય સ્થાન એ છે. શરીરમાં તે સ્થાન મહત્વનું ને મંદિરના શિખર જેવું મંગલ છે. શિખારૂપી પતાકાની નીચે પરમાત્માનું મુખ્ય નિવાસસ્થાન છે. શિખા રાખવાની પ્રથા જેમ કેટલાક લોકો અજ્ઞાનને લીધે આજે માને છે તેમ કોઈ અંધશ્રદ્ધા કે ઘેલછાનો નમૂનો ન હતી પરંતુ એક મહાન પ્રજાના મહાન તત્વજ્ઞાનની સૂચના કે અભિવ્યક્તિ હતી. ને તેથી જ, જ્યારે માણસ મસ્તકના એ પ્રદેશ સુધી પહોંચીને પરમાત્માને જાણી લેતો ત્યારે તેને માટે શિખાનું બંધન ન રહેતું. તે પરમહંસ કહેવાતો. સંન્યાસીને માટે તેથી જ શિખાનું વિધાન નથી રાખ્યું. સંન્યાસી એ ઉત્તમ અવસ્થાએ પહોંચ્યો હશે કે પહોંચવાના પ્રામાણિક પ્રયાસ કરતો હશે એમ મનાતું. ચોટલીને બાંધેલી રાખવાની પ્રથા એટલા માટે પડેલી કે તે દ્વારા માણસને રોજ યાદ રહેતું કે અવિદ્યાની ગાંઠે આ જ રીતે જીવ બંધાયેલો છે. તેથી તે બહુ દુઃખી છે. આ ઉત્તમ સ્થાનમાં પહોંચવાથી તે ગાંઠ પૂર્ણપણે તૂટી જશે ને જીવનનું મંગલ થશે. તે માટે સદા સાવધ રહીને સાધના કરતા રહેવાની જરૂર છે.

આ વાત આજે મોટે ભાગે ભુલાઈ ગઈ છે. ચોટલી રાખનારા ઘટવા માંડ્યા છે. તેમાંના કેટલાક ચોટલીની લંબાઈ ને પહોળાઈની હરીફાઈમાં પડી ચોટલાના મોહમાં પડ્યા છે. જે રાખે છે તે પણ ચોટલીની જુદીજુદી ફેશનને મહત્વ આપે છે. વસ્તુ શા માટે શરૂ થઈ ને તેની પાછળ શી વિચારધારા છે તેને સમજવા માગનારા જ ઓછા છે. સમજનારા એથીય ઓછા ને સમજાવી શકનારા તો અત્યંત ઓછા અલ્પ નહિ પણ સ્વલ્પની સંખ્યામાં રહી ગયા છે. જુનવાણી કે જડ પરંપરાને નામે આ પ્રથાને વગોવનારા જ વધારે છે. ને તે વગોવાય તેમાં નવાઈ પણ શી છે ? માણસ વિવેકી નહિ તોપણ કૈંક અંશે બુદ્ધિવાદી ને તર્કબદ્ધ બનવા માંડ્યો છે. બુદ્ધિનો ઉપયોગ કરવા તે સદા તૈયાર રહે છે. તેવા માણસને આપણે પણ બુદ્ધિવાદની ઉપેક્ષા કર્યા વિના બને તેટલી બુદ્ધિશક્તિથી ખૂબ સહાનુભૂતિ રાખીને સમજાવવાનો પ્રયાસ કરવાની જરૂર છે. ધર્મ ને તેનાં રહસ્યો તો જ લોકપ્રિય બનશે ને જીવતાં પણ ત્યારે જ રહી શકશે.

આટલી વાત સમજાઈ હોય તો હવે આગળની વાત સમજતાં વાર નહિ લાગે. મસ્તક ને કપાળને અત્યંત ગાઢ સંબંધ છે એમ માનવામાં આવે છે. તે વાત યોગદર્શન પણ સ્વીકારે છે. મૂલાધારમાં રહેલી કુંડલિની શક્તિને સાધના દ્વારા બે ભ્રમરની મધ્યમાં રહેલા શક્તિના કેન્દ્ર સુધી લાવવામાં આવે એટલે સાધકને અનેક અલૌકિક અનુભવો થવા માંડે છે ને તેનું આગળનું કામ અત્યંત સહેલું થઈ જાય છે. પછી તે કુંડલિની સહસ્ત્રદલ ચક્રમાં જતાં વાર નથી લાગતી. એટલે બે ભ્રમરની વચ્ચેના સ્થાનને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ને ચિત્તની વૃત્તિને ત્યાં એકાગ્ર કરવાના પ્રયાસ પણ થાય છે. એ સ્થાને પહોંચવું જરૂરી છે, ત્યાં પહોંચવામાં સાધનાનું શ્રેય સમાયેલું છે, ને ત્યાં પહોંચવાની સાધના માટે જ જીવન છે, એ વાત સહેલાઈથી યાદ રાખવા માટે રોજિંદા જીવનમાં એ સ્થાનના ઉપયોગની વિધિ જરૂરી મનાઈ. તેથી જ તે સ્થાનમાં ચાંલ્લા ને તિલકની પ્રથા શરૂ થઈ. કન્યા નાની હોય ત્યારથી જ તેને ચાંલ્લાની ટેવ પાડવામાં આવતી ને આજે પણ આવે છે. પુરૂષો મોટે ભાગે ને વિવિધ રીતે તિલક કરે છે. તે કરતી વખતે રોજ સવારે, બપોરે, સાંજે કે ગમે તે સમયે સ્મૃતિ થાય છે કે શરીરમાં આ સ્થાન ખાસ મહત્વનું છે. ત્યાં પરમાત્માનો વાસ છે ને તે પરમાત્માના પ્રત્યક્ષ અનુભવ માટે જ આ શરીર ને માનવ જીવન છે.

બીજી વાત એ છે કે કપાળ બુદ્ધિ, વિચારશક્તિ કે ચિંતનનું પ્રતીક છે. મગજનું તે પ્રતિનિધિ છે. તેની શાંતિ, સ્વચ્છતા ને સ્થિરતા પર સમગ્ર જીવનની શાંતિ, સ્વચ્છતા ને સ્થિરતા અવલંબે છે. તે જો બળવો કરે કે બગડે તો જીવન બેડોળ બની જાય છે. એટલે ચંદનાદિથી તિલક કરતી વખતે તે શાંત, સાફ ને સમૃદ્ધ રહે તેવી ભાવના કરવી રહે છે. રોજરોજ એવી ભાવના કરવાથી જાગૃતિ ને સાવધાની કેળવાય છે ને મદદ મળે છે.

ચાંલ્લા ને તિલકની આવી મૂળ મહત્વની ભાવના આજે મોટે ભાગે ભુલાઈ ગઈ છે. આજે તો તેણે એક રૂઢિ, રુચિ કે શોખનું રૂપ ધારણ કર્યું છે. ચાંલ્લા આ જમાનામાં અનેક જાતના નીકળ્યા છે ને નીકળતા જાય છે. તેવી રીતે તિલક પણ ભાતભાતનાં જોઈ શકાય છે. મોટે ભાગે તે સાંપ્રદાયિકતાનાં કટ્ટર ચિહ્ન થઈ પડ્યાં છે ને કેટલીક વાર રાગદ્વેષ પણ જગાવે છે. ચાંલ્લા ને તિલક શૃંગાર, રુચિ ને સાંપ્રદાયિકતાનાં ચિહ્નો થાય તેનો આપણને વાંધો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિએ તેમાં ઓતપ્રોત કરેલી કે ભરેલી ભાવના પણ ન ભુલાય તે જરૂરી છે. એ ભાવનાનો વિચાર કરીએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિ ને આપણા મહાપુરૂષો માટે આપણને ખરેખર માન ઉત્પન્ન થાય છે. જીવનને ઉજ્જવલ ને પ્રભુમય બનાવવાની વાત નિરંતર યાદ રહે તે માટે તેમણે રોજિંદા જીવનની સામાન્ય ક્રિયાપદ્ધતિઓને પણ સારગ્રાહી કરી દીધી. એ સાર યાદ કરીને આપણે તે પ્રમાણે જીવન બનાવવાનું જ બાકી રહે છે. જે પ્રજા પોતાના જીવનધ્યેયનું સદા સ્મરણ રાખે છે તેનું કદી પતન નથી થતું − તે કદાચ પતનાભિમુખ થાય તોપણ ફરી બેઠી થાય છે. તેનો છેક વિનાશ નથી થતો. જીવનધ્યેયનું સ્મરણ કરતાં જે તે પ્રમાણે ચાલે છે તેની મહાનતામાં કદી સંદેહ નથી રહેતો. તેનું ભાગ્ય સદા ઉજ્જવળ જ રહે છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

 

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok