Monday, September 21, 2020

મુંડક ઉપનિષદ

શૌનકનો પ્રશ્ન

જીવનની પ્રત્યેક પ્રવૃત્તિને પ્રભુમય જીવનના જોરદાર પ્રવાહ જેવી કરી દેવાનું ધ્યાન પ્રાચીન ભારતમાં રખાતું. સમાજસુધારણા, કેળવણી, ધર્મ, વ્રત, તપ, ઉપાસના, રાજનીતિ ને એવા બધા વિષયોમાં આત્મજ્ઞાન ને પ્રભુમય જીવનનો આદર્શ યાદ રખાતો. સાંસારિક સમૃદ્ધિની પરિસીમાએ પહોંચેલો પુરૂષ પણ પરમાત્માના પરિચય માટે આતુર રહેતો ને અમુક કાળે બધું છોડીને જરૂર પડે તો વનમાં કે કોઈ અનુભવી મહાપુરૂષ પાસે પણ જતો. સાંસારિક સમૃદ્ધિ ને સુખોપભોગનો સ્વીકાર થતો; તેના તરફ ધિક્કારનો ભાવ કેળવાતો નહિ; પરંતુ સાથેસાથે તેની સીમા સમજવામાં આવતી ને આત્મોન્નતિના આદર્શમાં અગ્રેસર થવાનું પણ એટલું જ આવશ્યક મનાતું. આવી સભ્યતાના ભૌતિક ને આધ્યાત્મિક બન્ને આદર્શોને સ્વીકારનારી ફિલસૂફી જ જગતને જોઈએ છે. બન્નેમાંથી એકેની ઉપેક્ષા નુકસાનકારક જ નીવડશે.

સાંસારિક સુધારણાની સાથે માણસે પોતાની જાતને પણ સુધારવાની છે. પવન, પાણી, પૃથ્વી, અગ્નિ ને આકાશ પર વિજય મેળવવા માગતા માનવે પોતાના મન ને પોતાની ઈન્દ્રિયો પર વિજય મેળવતાં ખાસ શીખવાનું છે. માણસ રોકેટ વિમાનના ઉપયોગથી ચન્દ્ર ને મંગળમાં જવાની તૈયારી કરે છે, તેમ તેણે ધરતી પર સાથે મળીને સંપથી માનવને છાજે તેમ રહેતાં શીખવાની જરૂર છે. તો જ તેની શક્તિ, શોધ ને સુધારણા સંસારને સારુ આશીર્વાદરૂપ થઈ પડશે. નહિ તો આતંક, અનર્થ ને અભિશાપરૂપ થશે એ નક્કી છે. તે સંસ્કૃતિ રાવણની સંસ્કૃતિ થશે. રાવણ પાસે બળ, બુદ્ધિ, ધન બધું હતું. જળ ને થળના બધા દેવોને તેણે વશ કર્યા હતા. સોનાની લંકાનો તે સમ્રાટ હતો ને સ્વર્ગ સુધી તેની ધાક હતી. પરંતુ તેની લોલુપતાને લીધે અહંકારી થઈને તે તેનો ને બીજાનો વિનાશ કરી બેઠો. સંસારને ને માનવજીવનને એવા સર્વનાશથી બચાવવાં હોય તો પ્રકૃતિની સાથે પરમાત્મામાં પણ ઓતપ્રોત થતાં શીખવાની જરૂર છે; બહારની દુનિયાની પેઠે અંદરની દુનિયામાં ડોકિયું કરવાની ને સાચા અર્થમાં માનવ થવાની જરૂર છે.

શૌનકની ઈચ્છા એવા મહામાનવ થવાની હતી. તેથી તેણે અંગિરા ઋષિની મુલાકાત લીધી. ઋષિની પાસે પહોંચીને તેણે પ્રશ્ન કર્યો : ‘પ્રભુ, કોને બરાબર જાણવાથી આ બધાનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે ? કૃપા કરીને મને એ વાત સમજાવો.’

શૌનકના પ્રશ્નને જરા શાંતિથી સમજવાની જરૂર છે. સંસારનું જ્ઞાન પ્રાપ્ત કરવાની તેની ઈચ્છા છે ખરી પરંતુ તે માટે તે જુદી જ પદ્ધતિનો આધાર લેવા માગે છે. સંસારના રહસ્યનું જ્ઞાન બે રીતે થઈ શકે છે : એક તો આધુનિક વિજ્ઞાનની રીત છે. તે રીત પ્રમાણે પદાર્થોનું પૃથક્કરણ કરી તેમનામાં રહેલા સમાન તત્વને શોધી કાઢવામાં આવે છે. બાહ્ય જગતની મદદથી તે પદ્ધતિ આગળ વધે છે, ને છેવટે પદાર્થોની અંતરંગ એકતાની શોધમાં પરિણમે છે. તેમાં ઘણા પદાર્થોના જ્ઞાનથી છેવટે એક પદાર્થના જ્ઞાન પર પહોંચવામાં આવે છે. બીજી રીત આત્મિક સાધનાની છે. તે પદ્ધતિ પ્રમાણે સાધક સૌથી પહેલાં બાહ્ય જગતથી ઉપર ઊઠીને પોતાની તદ્દન પાસેની ને અંદરની દુનિયાનું દર્શન કરવાનો પ્રયાસ કરે છે, ને છેવટે આત્માની અનુભૂતિ કરી તે આત્માને સંસારના સઘળા પદાર્થોમાં અનુભવે છે. એ રીતે તે પદાર્થો અથવા તો જડ ને ચેતનમય સંસારની આંતરિક એકતાનો અનુભવ કરે છે.

આધુનિક વિજ્ઞાન ને આધ્યાત્મિકતા વચ્ચે એ રીતે પદ્ધતિઓનો ભેદ છે − જો કે આખરે બન્ને, પદાર્થોની અંતરંગ એકતાના સિદ્ધાંત પર પહોંચી જાય છે; પરંતુ એક બીજી વાત ખાસ યાદ રાખવા જેવી છે કે વિજ્ઞાનની શોધ બુદ્ધિ, આવડત ને તલ્લીનતા માગી લે છે છતાં તેમાં શોધ કરનારો ને શોધ કર્યા પછીનો માનવ સાચા અર્થમાં માનવ થયો હોય છે યા તો નીતિ, સદાચારથી સંપન્ન હોય છે એમ નથી. તે ઉત્તમ ને વિરલ પ્રકારની બૌદ્ધિક પ્રતિભાથી સંપન્ન હોય છે ખરો, પરંતુ હૃદયશુદ્ધિ અથવા જે ગુણો માનવને સાચા અર્થમાં માનવ ને પશુથી શ્રેષ્ઠ બનાવે છે તે તેનામાં હોય છે જ એવું નથી. હોય કે ન પણ હોય. તેવી યોગ્યતા તેની શોધની શરૂઆત કે છેવટની જરૂરી શરત નથી હોતી. તેથી ન્યૂટન ને આઈન્સ્ટાઈન જેવા આદર્શ માનવતાવાદી વૈજ્ઞાનિકો પ્રમાણમાં ઓછા પાકે છે; પરંતુ આધ્યાત્મિકતા કે આત્મિક સાધનાની વાત જુદી છે. તે તો માનવની પોતાની અંદરથી શરૂ થાય છે ને તેને મધ્યબિંદુ તરીકે રાખીને જ વિકસે છે. માનવની પોતાની સુધારણા, શુદ્ધિ ને સાત્વિકતા તરફ તે ખાસ ધ્યાન આપે છે. તેથી તેના આરંભમાં, તેની વચગાળાની દશામાં ને તેના અંતમાં માનવ સાચા અર્થમાં માનવ થવાની દીક્ષા લઈને પોતાના સ્વભાવની આમૂલ ક્રાંતિ કરી અવનવો બન્યો હોય છે.

આત્મોન્નતિમાં હૃદયશુદ્ધિ ખાસ મહત્વનું સ્થાન ધરાવે છે. તેના વિના પરમાત્મદર્શન કે પરમ શાંતિ નથી મળી શકતી. તેવા સાચા માનવના હાથમાં વિજ્ઞાનની શોધો આવે તો તે સંસારને માટે હાનિરૂપ નહિ પરંતુ લાભકારક થઈ પડે. નહિ તો કોઈ વાર વિનાશક પણ થઈ જાય. માટે જ વિજ્ઞાનમાં રસ લેનાર માણસે ને બીજા બધાએ આધ્યાત્મિકતાને અપનાવવાની આવશ્યકતા છે. વિજ્ઞાન માણસને સુખ, સંપત્તિ ને સગવડનાં નવાં નવાં સાધનો આપે છે તેમ આપ્યા કરશે, પરંતુ તેનો લાભ લેનારો માણસ વિવેકી, માનવતાવાદી ને સંયમી નહિ હોય તો તેથી પોતાને ને બીજાને લાભ નહિ પહોંચાડી શકે − સુખીય નહિ કરી શકે. માટે જ વિજ્ઞાનના આ વધતા જતા જમાનામાં હૃદયશુદ્ધિ ને મનના સંયમની સાધના તરફ વળવાની જરૂર છે, વિજ્ઞાન ને આધ્યાત્મિકતાના સમન્વયની જરૂર છે. એક નવા નવા આવિષ્કારો કરે ને બીજાથી માનવને પોતાને ને સમસ્ત સમાજને સમાનતા, સુખ, શાંતિ ને સદુપયોગની દ્રષ્ટિ મળે.

વિજ્ઞાન વિમાનો બનાવશે, નવા ચન્દ્ર ને ઉપગ્રહોને રમતા મૂકશે, ઉત્પાદન વધારશે, માનવશ્રમને ઓછો કરશે, ને બીજાં સુખનાં સાધનો પેદા કરશે, પરંતુ પૃથ્વી પર પ્રેમ, શાંતિ, સંપ, સહકાર, સંયમ ને નિર્ભય સેવાવૃત્તિથી જીવવાનું નહિ શીખવી શકે; વસુધાને વિશાળ કુટુંબ માનીને જીવનને સૌના હિત માટે યજ્ઞમય કરવાનું નહિ શીખવી શકે; પોતાની અંદરની પ્રકૃતિનું પૃથક્કરણ કરતાં શીખવીને તેને દૈવી બનાવી જીવનનો આનંદ લેવાનું શીખવી નહિ શકે; મનની સ્થિરતા ને ઈન્દ્રિયોના સંયમનો પાઠ શીખવીને માનવતાથી સમૃદ્ધ થવાનું નહિ શીખવી શકે; પૃથ્વી પર, પયગંબરોના શબ્દોમાં કહીએ તો ‘પરમ પિતા પરમાત્માના સામ્રાજ્યને’ નહિ સ્થાપી શકે; ને પરમાત્માની અનુભૂતિ કે પ્રાપ્તિ પણ નહિ કરાવી શકે. આ જગતમાં શાંતિપૂર્વક શ્વાસ લેવા જે સંપ, સહાનુભૂતિ ને સેવાની ઉત્તમ ભાવનાઓની જરૂર છે તે આધ્યાત્મિકતા જ આપી શકશે. માટે જ એના તરફ આદર કેળવી એને અમલમાં મૂકવાની જરૂર છે. આપણે એવી દુનિયા ને એવી માનવ જાતિની જરૂર છે.

શૌનકના શબ્દોનો સાર કોઈએ એવો નથી લેવાનો કે એકના જ્ઞાનથી બધા વિષયો ને પદાર્થોનું પૂરું જ્ઞાન થઈ જશે. એકના જ્ઞાનથી પદાર્થોના અંતરંગ સ્વરૂપનું અથવા પદાર્થોમાં વ્યાપક થઈને રહેલા મૂળભૂત તત્વનું જ્ઞાન થઈ જશે એમ જ સમજવાનું છે. ઈતિહાસ ને ભૂગોળનું જ્ઞાન, રાંધણકળાનું જ્ઞાન ને એવું બધુ જ્ઞાન નહિ. તેવા જ્ઞાનની કોઈને ઈચ્છા હોય તો તે મેળવી શકાય છે. તેને માટે વિશેષ જાતની સાધનાનો આધાર લેવો પડે છે. તેનું થોડું વર્ણન પાતંજલ યોગદર્શનના વિભૂતિપાદમાં કરેલું છે. પરંતુ શૌનકને તેવા બહુ વિષયના જ્ઞાનની ઈચ્છા નથી. તે તો સૌના મૂલાધાર એવા કોઈ એક તત્વના જ્ઞાનની જ ઈચ્છા રાખે છે ને તે માટે જ તેનો પ્રશ્ન છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok