Monday, September 21, 2020

મુંડક ઉપનિષદ

યજ્ઞનું રહસ્ય

મુંડક ઉપનિષદના બીજા ખંડમાં અંગિરા ઋષિ યજ્ઞ અથવા અગ્નિહોત્રની અગત્ય બતાવે છે. સ્વર્ગ જેવાં સુખોપભોગને માટે અગ્નિહોત્રની આશ્યકતા છે. આગળ કઠોપનિષદમાં તે વિશે યમદેવે નચિકેતાને કહ્યું પણ છે. યજ્ઞનો અગ્નિ અખંડ રાખવાની પ્રથા પ્રાચીન ભારતમાં પુષ્કળ પ્રમાણમાં પ્રચલિત હતી. યજ્ઞના અગ્નિના જેવો જ વિનાશનો અગ્નિ વિશ્વમાં સળગ્યા કરે છે; તેમાં જડ ને ચેતન, જે જન્મ્યું છે તે બધું સ્વાહા થઈ જાય છે. તેને યાદ રાખીને માણસે ક્યાંય ભાન ભૂલવાની, ડૂબવાની કે મોહાંધ થવાની જરૂર નથી. એ પદાર્થ યજ્ઞ કે અગ્નિહોત્રમાંથી સહેજે મળી રહે છે. હિંસક પશુઓ સામેના રક્ષણની થોડી બાંયધરી પણ મળી રહે છે. દેશમાં સમય એવો હતો, ને પરિપાટી પણ એવી પ્રચલિત હતી, કે યજ્ઞો વિશાળ સ્વરૂપમાં કરાતા. સ્વર્ગની પ્રાપ્તિ માટે યજ્ઞનો આધાર પણ લેવાતો. પરંતુ જેમજેમ વખત વીતતો ગયો તેમતેમ લોકો સ્વર્ગની લાલસાવાળા જ વધારે થવા માંડ્યા, હૃદયશુદ્ધિ ને પરમાત્મપ્રાપ્તિની વાતને ગૌણ ગણીને કે ભૂલી જઈને અનેક પ્રકારની અટપટી કર્મકાંડની ક્રિયાઓમાં જ રત રહેવા માંડ્યા. તેવે વખતે તેમને સાધના, કર્મ ને વિકાસના સાચા રહસ્યને સમજાવવાની જરૂર ઊભી થઈ. શંકરાચાર્યે તેજ કામ સફળતાથી પૂરું કર્યું. તેને પરિણામે લોકો વિવેકી થયા ને આત્મોન્નતિ તરફ વધારે પ્રમાણમાં વળવા માંડ્યા. ઉપનિષદકાળમાં પણ એવી પરિસ્થિતિ વત્તાઓછા પ્રમાણમાં હશે. માટે જ ઋષિએ સમાજને સાવધ રહેવાની સૂચના આપી. યજ્ઞની અંધ આસક્તિ પ્રત્યે લાલબત્તી ધરી છે. સ્વર્ગની લાલસાથી જે લોકો જુદીજુદી જાતના યજ્ઞો કરે છે તે લોકો પોતાને પંડિત માનવા છતાં અંધથી દોરાયેલા અંધ માણસની પેઠે આમતેમ ભમ્યા કરે છે. પોતાને કૃતાર્થ માનનારા તે લોકો બાળકબુદ્ધિના છે. તેથી કર્મમાં આસક્ત થાય છે ને પરમાત્માને ભૂલી જાય છે. સ્વર્ગની પ્રાપ્તિ થાય તોપણ તેમનો ત્યાંનો વખત પૂરો થતાં તે પાછા મૃત્યુલોકમાં આવે છે. તેવા સ્વલ્પ સુખોપભોગ પૂરો પાડનારા સ્વર્ગની ને તેના સાધનરૂપ યજ્ઞની ઈચ્છા કયો વિવેકી પુરુષ રાખી શકે ?

માનવજીવન અત્યંત મૂલ્યવાન ને વિકાસની અનેકાનેક તક ને શક્યતાથી ભરેલું છે. તેવા જીવનને પ્રાપ્ત કરીને પુરુષાર્થ કે સાધનારૂપી યજ્ઞ કરવો જોઈએ જેને પરિણામે મનની મલિનતા ને વિચારોની જડતારૂપી નરકની નિશાની દૂર થાય ને સદ્ ગુણ, સાત્વિકતા, સુવિચાર ને સત્કર્મના સ્વર્ગમાં માનવનો નિવાસ થાય. પોતાના જીવનને એવું સ્વર્ગીય કરવાની સાથેસાથે સમાજ, સંસાર, ઘર ને કુટુંબમાંથી વેરઝેર, કુસંપ, ભેદભાવ ને અશાંતિ દૂર કરીને સુખ, શાંતિ, સંપ ને સમૃદ્ધિનો સ્વર્ગીય પ્રકાશ પાથરવા તેણે બનતો પ્રયાસ કરવો જોઈએ. મૃત્યુ પછીની સુખસાહ્યબી પૂરી પાડનારા સ્વર્ગની નહિ પરંતુ આ જ જીવનમાં શાંતિ આપનારા ને આનંદ પૂરો પાડનારા સ્વર્ગની આપણે જરૂર છે. જે ચાલુ જીવનને પલટાવે, પ્રકાશિત કરે, પ્રભુમય બનાવે ને પરમ મુક્તિનો આનંદ આપે એવા યજ્ઞની આપણે જરૂર છે. મન, વચન, અંતર ને કાયામાં ક્રાંતિ કરનારા કર્મરૂપી યજ્ઞની જરૂર છે. આ જ જીવન તેની વેદી; સત્કર્મની સમિધા; પ્રભુના નામની અથવા પ્રભુપરાયણતાની આહુતિ હશે; તેમાંથી જે વિશાળ વિકાસની જ્વાળા ઉત્પન્ન થશે તે આખા જીવનને ઉજ્જ્વળ કરશે, અજવાળશે ને અમૃતથી ભરી દેશે. પ્રત્યેક કર્મ એ યજ્ઞ જ છે એમ માની વિકાસ માટે તેનો ઉપયોગ કરવાની જરૂર છે. તો પછી ઘી ને તલ-જવવાળા યજ્ઞની જરૂર નહિ રહે. સ્વર્ગ જેવા વિનાશી લોકની ઈચ્છાથી યજ્ઞ કરવા તે સમયનો દુરુપયોગ કરવા જેવું છે. તેવા લોકો માણસને શાંતિ ને મુક્તિ નથી આપી શકતા; પરમાત્માની પ્રાપ્તિ પણ નથી કરાવી શકતા; માટે તેવા લોક ને તેમને માટેનાં કર્મોમાંથી વિવેકી પુરૂષે પોતાના મનને પાછું વાળી પરમાત્મપરાયણ બનાવવું. તે માટે પોતાના સંજોગો પ્રમાણે જરૂર પડે ને ઠીક લાગે તો વનના શાંત વાતાવરણમાં રહીને તપ, શ્રદ્ધા ને ભિક્ષાવૃત્તિથી જીવન પસાર કરવું. તેમ કરવાથી માણસ પરમાત્માની પ્રાપ્તિરૂપી જીવનધ્યેયને પામી શકે છે. સાધનાની સાચી ને સંપૂર્ણ સમજ માટે પરમાત્મપરાયણ ગુરૂનું શરણ લેવું. જેની પાસેથી શાંતિ ને પ્રેરણા મળે ને વિકાસનો રસ્તો જડે તે જ ગુરૂ. તેવા પુરૂષનો સમાગમ સાધી તેની સેવા કરી, તેની પાસેથી જીવનને ધન્ય કરવાની કળા જાણી સાધકે સાધનાને શરૂ કરવી. એવા યજ્ઞથી જ જીવન ધન્ય બની શકે.

ઉપનિષદના આ વિચાર પરથી સૌએ વનમાં જવાની જરૂર છે એમ માનવાની જરૂર નથી. બધાએ વનવાસી થવાની જરૂર છે જ એમ નથી. કર્મની અસારતા ને સંસારની ક્ષણભંગુરતાનો વિયાર કરીને જીવનના ધ્યેયને મેળવવા માટે માણસે જંગલનો માર્ગ લેવો જ જોઈએ એમ નથી. પોતપોતાની રૂચિ ને જરૂર પ્રમાણે માણસે, સ્થળ કે વાતાવરણની પસંદગી થઈ શકે તો કરવાની છે. તે વાત તદ્દન વ્યક્તિગત છે. પરંતુ દરેક પ્રકારના દેશ, કાળ ને વાતાવરણમાં રહીને પણ માણસે સાધક જરૂર થવું જોઈએ, હૃદયશુદ્ધિ ને ઈશ્વરપ્રાપ્તિને માર્ગે આગળ વધવું જોઈએ, ને એ રીતે જીવનનું શ્રેય કરવું જોઈએ. એની કોઈથી ના કહી શકાય તેમ નથી; માણસ ઘરમાં રહે છે કે વનમાં તે બહુ મહત્વનું નથી; એકલો રહે છે કે કોઈની સાથે તે પણ મહત્વનું નથી; વ્યવહારમાં રહીને કામ કરે છે કે નહિ તે પણ એટલું મહત્વનું નથી; મહત્વની વાત એ જ છે કે ગમે ત્યાં ને ગમે તેવી રીતે રહીને પણ તે જીવનની ઉન્નતિના આદર્શને યાદ રાખે છે કે નહિ; તેને યાદ રાખીને તે પંથનો પ્રામાણિક પ્રવાસી બની શકે છે કે નહિ; જીવનને બધી જાતના સ્થળ ને સંજોગોમાં રહીને સાધનામય કરવું ને પ્રભુમય બનાવવું એ જ મહત્વનું છે. માણસ ભલેને ગમે તે કામ કરે ને ગમે ત્યાં રહે, તેની દ્રષ્ટિ માનવતાને વિકસાવવાની, પોતાની અંદર સુષુપ્તરૂપે રહેલી શક્તિને પ્રકટ કરવાની ને ઈશ્વર સાથે અનુસંધાન કરવાની હોય તે જ મહત્વનું છે એ ઉપયોગી વાત આપણે ભૂલવી ન જોઈએ.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok