Monday, September 21, 2020

મુંડક ઉપનિષદ

ઉપનિષદનો ધર્મ

ઉપનિષદમાં જે ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે ધર્મ કોઈ ખાસ નામરૂપી સિક્કાવાળો ધર્મ નથી. વ્યવહારની સરળતા ખાતર તેને વેદાંત, વૈદિક ધર્મ કે ઔપનિષદિક ધર્મ કહી શકાય. વેદાંત નામ પ્રચલિત પણ થયેલું છે. પણ તેને કોઈ ધર્મ કે સંપ્રદાયનું નામ આપવાને બદલે સનાતન ધર્મસિદ્ધાંતોના સામૂહિક સ્વરૂપનું નામ આપવું વધારે સારું લાગે છે. આપણે તેને માનવધર્મનું સર્વસુલભ, સરલ ને મોઢે ચડી જાય તેવું નામ પણ આપી શકાએ. તેને ગમે તેવું અનુકૂળ કે મનપસંદ નામ આપો તેની સાથે કોઈ વિરોધ કે તકરાર નથી. પરંતુ એક વાત સાચી ને દીવા જેવી ઉઘાડી છે કે તે ધર્મ તદ્દન સીધો, સરળ ને વ્યવહારુ છે. બુદ્ધિસંગત ને વૈજ્ઞાનિક તથા વ્યવસ્થિત પણ છે. માનવજાતિને માટે ઉપકારક ને મંગલકારક એવા કેટલાક ખાસ સિદ્ધાંતોના પાયા પર તેની રચના થઈ છે, એટલે તે કાયમને માટે ને કોઈ પણ માનવને માટે ઉપયોગી થઈ પડે તેમ છે. હૃદયની નિર્મળતા ને મનની ઉદારતાને તેમાં મહત્વની માનવામાં આવી છે, તથા જ્ઞાન ને ધ્યાનની મદદથી પોતાની અંદર ને બહાર રહેલા પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિને આદર્શરૂપ. એવી અનુભૂતિ દ્વારા સાધકે જીવનને ધન્ય કરવાનું છે. પરમાત્માની અનુભૂતિ કરીને બેસી રહેવાનો ઉપદેશ ઉપનિષદમાં નથી; પરંતુ એથી આગળ વધીને, પરમાત્મતત્વ ને તેના પ્રકાશને તન, મન ને વાણીમાં વ્યાપક રૂપે ઉતારી, તે સૌને દૈવી કરી, આખા જીવનને ઉજ્જવળ, આલોકિત ને પ્રભુમય કરવાની સૂચના તેમાંથી મળી રહે છે. જીવનની કોઈ ધન્ય ક્ષણે, સાધનાના પરિપાક રૂપે, પરમાત્માની પ્રાપ્તિ થઈ એટલે માણસે ઈતિકર્તવ્યતા માનીને બેસી જવાનું નથી; પરંતુ સમસ્ત જીવન ને જીવનનો પ્રત્યેક શ્વાસોચ્છ્ વાસ પરમાત્મામય બને તેવી તકેદારી રાખવાની ને સાધના કરવાની છે. જે માણસો એમ માને છે કે પરમાત્માની એકાદ વારની ઝાંખીમાં જ સર્વસ્વ સમજી ઓડકાર ખાઈને બેસી જવાનો બોધપાઠ ઉપનિષદે પૂરો પાડ્યો છે તેમણે ઉપનિષદ પર પૂરતું મનન નથી કર્યું એમ કહ્યા વિના છૂટકો નથી.

ઉપનિષદમાં જે ધર્મનું દર્શન થાય છે તે ગંગાના નીર જેવું નિર્મળ છે. આંખ, અંતર ને આત્માને આનંદ ને આરામ આપવાની એમાં શક્તિ છે. નાત કે જાતના ભેદભાવ વિના માનવ માત્રને માટે તે મંગલકારક છે. તેની બીજી વિશેષતા એ છે કે તેમાં કેટલીક મહત્વની વાતોનો સમન્વય કરવામાં આવ્યો છે. સંસાર, કર્મયોગ, ગૃહજીવન ને એવી કેટલીક વસ્તુઓ તરફ ભારતવર્ષમાં પાછળથી જે ઉદાસીનતા જ નહિ પરંતુ વિરોધી ભાવના પૂરજોશમાં પ્રસાર પામેલી દેખાય છે તેનું મૂળ ઉપનિષદમાં નથી. પાછળના કાળમાં તત્વજ્ઞાનને નામે જે દુઃખવાદ, તિરસ્કારવાદ, વૈરાગ્યને નામે અકર્મણ્યતા ને પ્રમાદ તથા મિથ્યાવાદ ને ઉપાસનાને નામે જે બાહ્ય કર્મકાંડો ને વિધિવિધાનોની ભરમાર દેખાય છે તેની છાયા પણ ઉપનિષદમાં નથી મળતી. ઉપનિષદમાં તો માનવજીવન ને જગત તરફ પ્રેમભાવના કેળવવાના ને સંસારને પરમાત્માનું રૂપ માની તેને મધુમય નજરે જોવાના બોધપાઠ મળે છે. જ્ઞાન, ભક્તિ ને કર્મના ત્રિવેણીસંગમ કે સુભગ સમન્વયનું તેમાં દર્શન થાય છે. પાછળથી, જેમજેમ વખત વીતતો ગયો તેમતેમ ઉપનિષદનો સીધો, સરળ ને સાચો ધર્મ દબાઈ ગયો. પાણી પર લીલ ફરી વળે તેમ તેના પર કેટલાંક સાંપ્રદાયિક જાળાં ફરી વળ્યાં. ધર્મના અનેક ફાંટા ને વાડા થયા. અમુક અમુક વખતે વચ્ચે વચ્ચે મહાપુરૂષોએ તેના અસલી સાચા સ્વરૂપને લોકો સામે પ્રકટ કરવાના પ્રયાસ જરૂર કર્યા. તેને લીધે લોકોને લાભ પણ થયો. પરંતુ તેમાં પેઠેલી વિકૃતિ ઊધઈની પેઠે વધતી જ ગઈ. આજે પણ જો વિવેકી બનીને ઉપનિષદનો વિચાર કરવામાં આવે તો માણસને ધર્મના સાચા પ્રકાશનું દર્શન થાય ને જીવન જોમવંતુ બની જાય. એમાં એવી શક્તિ છે.

માનવજાતિને એવા જ માનવધર્મની જરૂર છે જે તેને પ્રેમ કરતાં, ઉદાર બનતાં, વિવેકી થતાં ને સૌની અંદર જે સારું છે તેનું દર્શન કરતાં શીખવે; ભેદભાવની વચ્ચે વસીને પણ અભેદભાવની પરિસીમાએ પહોંચાડી જે તેને પોતાની જાતને ઓળખતાં ને પોતાની પ્રકૃતિનું નિયંત્રણ કરતાં શીખવે; જે તેને રાગદ્વેષ ને નાનામોટા ઝઘડાથી પર થઈને જીવવાની કળા આપે; વસુધાને કુટુંબવત્ ને આત્મવત્ સમજી એવું ઉત્તમ આચરણ કરવાની શક્તિ આપે; મનની નિર્મળતાનું દાન દે; તનને નીરોગી ને સુદ્રઢ તથા વાણી ને મનને મધુમય ને મંગલ કરવાનો ઉપદેશ આપે; જે સત્યની આરાધના કરતાં ને જે મંગલ ને સુંદર છે તેને પ્રભુનું પ્રતીક માની અપનાવતાં શીખવે; સાધનાને નામે કે કોઈ પણ કારણે જે શરીર, સ્ત્રી, સુંદરતા, કૌટુંબિક ને સામાજિક જીવન તથા સંસારસેવાથી ઉપેક્ષા ન કરે; જેના વિશાળ હૃદયમાં પર્વતથી માંડીને નાના કણ સુધીના કોઈ પણ પદાર્થ માટે ધિક્કાર કે દ્વેષનો ભાવ ન હોય; સ્વાર્થ, શોષણ ને શયતાનિયતનો જેમાં સદંતર અભાવ હોય; જેનો આદર્શ મૃત્યુ પછીના કોઈ લોકની પ્રાપ્તિ કે સુખની સામગ્રી ન હોય પરંતુ આ જ જીવન ને આ જ શરીરમાં તથા આ જ ધરતી પર સ્વર્ગ, મુક્તિ ને શાંતિ આપવાની જેની તૈયારી હોય, તેવા મહાન ધર્મની જગતને જરૂર છે. તે ધર્મ ને તેના આચાર્યો આ ધરતીને સ્વર્ગ ને વૈકુંઠથી મંગલ માની તેને ચાહવાનું ને સમૃદ્ધ બનાવવાનું શિક્ષણ આપશે ને કહેશે કે હે પ્યારા માનવ, આ જગતમાં જીવવું એ એક લહાવો છે − એક મહાન વરદાન છે; જીવન ઝેરનો પ્યાલો નહિ પણ અમૃતનો અક્ષય આગાર છે; ઝેર દેખાય તોપણ તેનાથી ડર્યા વિના શિવ બનીને તેનું પાન કરવાની જરૂર છે; દુઃખ, દર્દ, ચિંતા ને યાતનાની સાથે સ્મિત કરીને પૂર્ણતાના પાવન પ્રવાસમાં નિરંતર આગળ વધવાની જરૂર છે; કોઈમાં ભાન ભૂલ્યા કે ગળાબૂડ ડૂબ્યા વિના સૌમાંથી જીવનના રસ, આનંદ ને વિકાસની સામગ્રીની પ્રાપ્તિ કરવાની જરૂર છે; નિંદા, ટીકા, પતન ને ઉત્થાન, આપત્તિના અંગાર, અંધકાર, સંકટના સાગર ને દુઃખના દાવાગ્નિની વચ્ચેથી પણ શ્રદ્ધા ને આશાને ખોયા વિના ને હિંમત હાર્યા વિના માર્ગ કરવાની જરૂર છે. પ્રકૃતિની ઉપાસનામાં રસ લેનારો એ ધર્મ પરમાત્માને નહિ ભૂલે ને જીવનનાં નાનાંમોટાં બધાં કર્મોમાં કે કેન્દ્રસ્થાને રાખશે; માનવને આદર્શ માનવ થવાની ને સંસારને સમૃદ્ધ, સુંદર ને સુખી કરવાનું તે શિક્ષણ આપશે. તેવો ધર્મ જ પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણને અસર કરે ને પ્રિય બને. માનવના  જીવનને તેવો જ ધર્મ ઉજ્જવળ કરે ને આદર્શ બનાવે. તો જ સૃષ્ટિ સુશોભિત બને. શાંતિનું સ્વપ્ન ત્યારે જ સાકાર બને. હિંસા, જડતા ને ભયથી ત્રસ્ત થયેલી ધરતી ત્યારે જ શાંતિનો શ્વાસ લે. દુનિયાના નાનામોટા બધા ધર્મોમાં વત્તેઓછે અંશે આવી સામગ્રી પડેલી છે − આવા ઉપકારક ધર્મના ફણગા લગભગ દરેક ધર્મમાં ફૂટેલા છે. માણસ તેને ભૂલી ગયો છે એટલું જ. ધર્મના મૂળ રહસ્યને ને સાચા સિદ્ધાંતોને ભૂલી જઈને સાધારણ રીતે માણસ આજે બહારનાં દંભ, આડંબર ને ઉપલક વિધિવિધાનોમાં પડી ગયો છે. વિવેકી માણસોએ તેના હિત માટે ધર્મના મૂળભૂત ઉપયોગી સિદ્ધાંતોનો પ્રકાશ કરવાની ને તે પ્રમાણે જીવવાની જરૂર છે. તો જ બીજાને પ્રેરણા મળે ને ધર્મની સાચી સમજ જડે. એ ધર્મના આચરણ માટે બધી જાતના પૂર્વગ્રહ, વહેમ ને ભયનો ત્યાગ કરીને તૈયાર થવાની ને તપવાની જરૂર છે. ઉપનિષદમાં એવા વિશાળ ને મહાન માનવધર્મનું દર્શન થાય છે, ને તે જ ધર્મ આગળ ગીતા જેવા નાના-છતાં સુંદર ગ્રંથમાં વધારે સરળ, સુગમ ને સંવર્ધિત સ્વરૂપ ધારણ કરે છે. માનવજાતિના મહાપુરૂષોના ઉત્તમોત્તમ ભાવો ને વિચારોનો સંગ્રહ તેમાં જોવા મળે છે. માણસ તેનો જીવનમાં − આચારમાં અનુવાદ કરે એ જ આપણે ઈચ્છીએ છીએ.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok