Monday, September 21, 2020

મુંડક ઉપનિષદ

વિશ્વરૂપનું દર્શન

આ પછી બીજા મુંડકની શરૂઆત થાય છે, ને તેના પહેલા ખંડમાં પણ સંસારની ઉત્પત્તિ પરમાત્મામાંથી થઈ છે એવું ફરી વાર પણ જરા જુદા શબ્દોમાં કહેવામાં આવ્યું છે. ઋષિ કહે છે કે પરમાત્મા જ સત્ય છે. બાકી આ બધું જગત જે દેખાય છે, સંભળાય છે કે અનુભવાય છે તે પરિવર્તનશીલ ને અસ્થિર છે. પ્રજ્વલિત અગ્નિમાંથી જેવી રીતે એકસરખા હજારો તણખા ઉત્પન્ન થાય છે તેવી રીતે અવિનાશી એવા પરમાત્મામાંથી જુદીજુદી જાતના પદાર્થો પ્રકટે છે. એ પરમાત્મા અલૌકિક છે, નિરાકાર છે, અજન્મા છે તથા અંદર ને બહાર બધે જ વ્યાપક છે. તેમાંથી મન, પ્રાણ, ઈન્દ્રિયો, આકાશ, વાયુ, તેજ, પાણી ને સર્વને ધારણ કરનારી આ પૃથ્વી ઉત્પન્ન થાય છે. તે સર્વ ભૂતો ને પદાર્થોનો અંતરાત્મા છે. જુદીજુદી ઋચાઓ, સામવેદ ને યજુર્વેદના મંત્રો, યજ્ઞો, દિશાઓ, દક્ષિણાઓ, વર્ષો ને યજમાન, સૂર્ય ને ચંદ્રથી પ્રકાશિત લોકો બધું એ પરમપુરૂષમાંથી જ પ્રકટ થયું છે. અનેક જાતના દેવો, મનુષ્યો, પશુપક્ષીઓ, પ્રાણો, ડાંગર ને જવ જેવાં અન્નો, તપ, શ્રદ્ધા, સત્ય ને બ્રહ્મચર્ય જેવાં તત્વો તેમ જ વેદની આજ્ઞાઓની ઉત્પત્તિ પણ એમાંથી જ થઈ છે. સાત પ્રાણ, સાત જ્યોતિ, સાત સમિધનાં લાકડાં, વિષયજ્ઞાનરૂપી સાત હોમો ને સાત લોકો પણ એમાંથી જ ઉત્પન્ન થયા છે. સમુદ્રો ને પર્વતો તેમાંથી જ થયા છે ને નદીઓ તેમાંથી જ નીકળીને વહ્યા કરે છે. બધી જાતની ઔષધિ ને રસની ઉત્પત્તિ પણ તેમાંથી જ થયેલી છે. તે પરબ્રહ્મ પરમાત્મા હૃદયરૂપી ગુફામાં વિરાજેલા છે તે પરમ પરમાત્માને જે જાણે છે તે અજ્ઞાનરૂપી બંધનમાંથી મુક્તિ મેળવી શાંતિનો સમ્રાટ બને છે.

આ ખંડમાં પરમાત્માની મૂળાધારતા ને સર્વરૂપતા તથા સર્વવ્યાપકતાનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું છે. તેનો વિચાર કરીને ને તેનું પોપટપારાયણ કરીને બેસી રહેવાનું નથી, પરંતુ જીવનમાં તેની ભાવનાનો અનુભવ કરતાં શીખવાનું છે. પરમાત્મા બધા રૂપે ને બધી વસ્તુમાં રહેલા છે એવી અનુભૂતિ કાંઈ સહેજે નથી થતી. અનુભવની એવી ઉત્તમ અવસ્થાએ પહોંચવાનું કામ જરા કપરૂં છે. છતાં તે માટેનો પ્રામાણિક પ્રયાસ કરતા રહેવાની જરૂર છે. તેવા પ્રયાસથી માણસ ધારે તો એ અવસ્થાએ સહેલાઈથી પહોંચી શકે. ભારતના કેટલાક ભક્તો પણ પ્રેમના ભાવથી એવી ઉચ્ચ દશાએ પહોંચ્યા હતા. તેમનાં પદોમાં તેમની એ અનુભૂતિના પડછંદા પડેલા દેખાઈ આવે છે. ભક્ત કવિ નરસિંહનું પદ તેનો સુંદર નમૂનો છે. સર્વાત્મભાવની પરિસીમાએ પહોંચીને તે તદ્દન સરળ, સચોટ ને અર્થવાહી ભાષામાં લખે છે કે પરમાત્મા બ્રહ્માંડભરમાં વ્યાપક છે; જુદાંજુદાં નામ ને રૂપમાં તે જ પ્રકાશી રહ્યા છે.

જુઓ એ પદની મધુર પંક્તિ −
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવથકી જીવ થયો એ જ આશે.

વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે, કનકકુંડલ વિશે ભેદ ન હોયે;
ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રકટ થાશે.

હૃદયને નિર્મળ કરી મનને વિવેકની માધુરીથી ભરી દેવાથી વિશ્વરૂપનું આવું દર્શન સહજ બને છે ને ચરાચરમાં પરમાત્માની અલૌકિક લીલા થતી હોય તેવું લાગ્યા કરે છે. જે આંખ આજ સુધી સંસારને જોયા કરતી તે બદલાતી નથી પરંતુ નિર્મળ બની જાય છે ને તેથી જ તેને તેનું દર્શન થયા કરે છે. આંખ ને અંતરને એવી રીતે નિર્મળ કરીને ચરાચરમાં પરમતત્વનું દર્શન કરવા માટે જ સાધના છે. આત્મજ્ઞાન ને યોગનું રહસ્ય પણ એમાં સમાઈ જાય છે. પછી પરમાત્માના દર્શનની બધી ભ્રમણા દૂર થાય છે કે ભાગી જાય છે. પરમાત્મા વિના કાંઈ રહેતું જ નથી. અંદર ને બહાર બધે, જ્યાં જ્યાં નજર પડે ત્યાં, પરમાત્માનો પરમ પ્રકાશ જ દેખાયા કરે છે. સાધકે એવી દશા કે દ્રષ્ટિની સહજ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને માટે અભ્યાસ કરવાની ને મનને કેળવવાની જરૂર છે. જે દેખાય, સંભળાય ને અનુભવાય તે પ્રભુરૂપ છે એમ અનુભવવાની ટેવ પાડવાની જરૂર છે. વિવેકી સાધક નદીના નિર્મળ નીરમાં પરમાત્માના જ પ્રેમપ્રવાહનું દર્શન કરે છે; સાગરની ગર્જનામાં તેની જ ગર્જના ને વાદળના ગડગડાટમાં તેનો જ ગડગડાટ સાંભળે છે. ખીલતી કળી ને ફોરમવંતાં ફૂલોમાં તેને પરમાત્માના પરમપ્રેમાળ સ્મિતનું દર્શન થાય છે; તારા, ચંદ્ર, સૂર્ય ને સંધ્યા, ઉષા તેને તેનાં જ પ્રતિનિધિ લાગે છે. પંખી, પશુ, પ્રાણી ને માનવમાં તે જ પરમાત્માનો પ્રકાશ પથરાઈ રહ્યો છે એવો તે અનુભવ કરે છે. જગતની અનેકતામાં આવી રીતે તે એકત્વનું દર્શન કરે છે. કોઈ કહેશે કે એવું એકત્વનું દર્શન તો ભાવનાને લીધે થયું કહેવાય. તેમને આપણે કહીશું કે ભાવનાની શક્તિ પણ ઘણી પ્રબળ છે. ભાવનાથી થનારા દર્શનમાં પણ ઘણી તાકાત છે. જીવન પર તેની અસર પણ પ્રબળપણે થયા વિના નથી રહેતી તેવું દર્શન મોટે ભાગે ભાવનાથી થયું હોય તોપણ નકામું નથી. માનવના વ્યવહાર, વિચાર ને સ્વભાવ પર તેની અસર ઘણી ઊંડી પડે છે. માનવને તેને પરિણામે સમતા, શાંતિ ને ભેદભાવમાંથી મુક્તિ મળે છે, તેનું જીવન વધારે ને વધારે વિવેકી, પ્રેમાળ ને નમ્ર બને છે. નિર્ભયતા, નિર્વૈરતા ને નિખાલસતા તેના સ્વભાવમાં સહજ રીતે જ આવવા માંડે છે. સાર્વત્રિક પ્રેમભાવ ને સેવાનો તે હિમાયતી બને છે. ઘટઘટમાં પ્રભુના પરમ પ્રકાશનું તેને દર્શન થાય છે એટલે કોઈની સાથે વેર કે કપટ કરવાની વૃત્તિ તેને નથી થતી.

अब हॉं कासों बैर करॉं ?
कहत पुकारत प्रभु निज मुखते
घटघट हॉं बिहरॉं।। अब हॉ०
એ ભાવનામાં ભક્ત તરબોળ બની જાય છે. સર્વાત્મભાવની ભાવના આ પ્રમાણે જીવનને માટે મદદરૂપ ને મંગલકારક થઈ શકતી હોય ને જીવનને પલટાવી તથા ઉજ્જવળ ને જોમવંતુ બનાવી વધારે ને વધારે સુંદર સ્વરૂપ આપી શકતી હોય, તો તેને શરૂઆતની દશામાં પણ નિરર્થક કેવી રીતે કહી શકાય ? માનવને માટે તે કાયમને માટે મંગલકારક થઈ પડે છે.

ઋષિ કહે છે કે સૌના હૃદયમાં રહેલા એ પરમાત્મા સૌની તદ્દન સમીપે રહેલા છે. તેમને શોધવા, જોવા કે અનુભવવા બહુ દૂર જવાની જરૂર નથી. સંસારના સ્વરૂપમાં તે જ જીવે છે, ગતિ કરે છે ને શ્વાસ લે છે. તે જ સર્વકાંઈ છે. તે પ્રકાશમાન છે, અણુ કરતાં પણ સૂક્ષ્મ છે, અક્ષરબ્રહ્મ છે, તેમ જ મન, પ્રાણ ને વાણીરૂપે પણ તે જ છે. લોકો ને લોકપાલો તેમાં જ રહેલા છે. તે જ સત્યરૂપ ને અમૃતરૂપ છે. જીવનનું લક્ષ્ય તે જ છે. તેના જ સ્વાનુભવથી જીવન ધન્ય થઈ શકે છે. જ્ઞાનરૂપી ધનુષ્ય ને ભક્તિરૂપી બાણ લઈને તેની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કરવાની જરૂર છે. તે માટે પરમાત્મા વિનાની બીજી વાતોમાંથી મનને પાછું વાળી લેવાની ને પરમાત્મામાં તન્મય થઈ જવાની જરૂર છે. એ પરમાત્માનું જ્ઞાન થતાં સંશયો શમી જાય છે. હૃદયની અજ્ઞાનની ગાંઠો તૂટી જાય છે, બધાં બૂરાં કર્મોનો અંત આવે છે. પછી બૂરાઈ નથી થઈ શકતી. જ્ઞાનીનો સ્વભાવ જ એવો શુદ્ધ થઈ જાય છે, તે પરમાત્મા પરમ પ્રકાશિત છે, ને આગળપાછળ, નીચે ને ઉપર બધે રહેલા છે. જે દેખાય છે તે તેનું જ સ્વરૂપ છે. તેને સૂર્ય, ચંદ્ર, તારા કે અગ્નિના પ્રકાશથી નહિ પરંતુ નિર્મળ મનમાં પ્રકટેલા વિવેકથી જ જોઈ શકાય છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok