Monday, September 21, 2020

મુંડક ઉપનિષદ

કર્મોના નાશની વાત

भिद्यते हृदयर्ग्रान्यश्छिद्यन्ते सर्वसंशयाः ।
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्द्रुष्टे पराबरे ॥

એ મહત્વનો ને પ્રખ્યાત શ્લોક આ જ વિષયના અનુસંધાનમાં કહેવામાં આવ્યો છે. તેનો ભાવ સામાન્ય રીતે એવો છે કે પરબ્રહ્મ પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થવાથી હૃદયની ગાંઠ તૂટી જાય છે, સઘળી શંકાઓનું સમાધાન થઈ જાય છે, સંશય મટી જાય છે, ને બધાં કર્મો ક્ષીણ થઈ જાય છે. તેમાં જે કર્મો ક્ષીણ થવાની વાત છે તેનો જુદાજુદા વિચારકો ને વિદ્વાનોએ જુદોજુદો અર્થ કરેલો છે. મોટા ભાગના વિચારકોનું કહેવું છે કે તેવા અનુભવી મહાપુરૂષનાં સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ બધાં જ કર્મોનો અંત આવી જાય છે. કોઈ કોઈ વિચારક એમ પણ કહે છે કે પ્રારબ્ધ કર્મનો અંત નથી આવતો, ને જ્ઞાની ગમે તેવી ઊંચી દશાએ પહોંચે તોપણ, પ્રારબ્ધ રહે જ છે, ને તે તેને ભોગવવું પણ પડે છે. ફક્ત અહંભાવ ને દેહબુદ્ધિથી મુક્ત હોવાને લીધે તેને સુખદુઃખનો અનુભવ નથી થતો, અથવા તો કર્મના ફળની સારીનરસી અસરથી તેની પરમાત્મનિષ્ઠામાં કોઈ અંતરાય નથી આવતો એટલું જ. કર્મ ને કર્મના ફળની અસરને તે સાક્ષી બનીને તદ્દન તટસ્થ ભાવે જુએ છે તે તેની વિશેષતા. બાકી પ્રારબ્ધ તેને ભોગવવું તો પડે જ છે. તે વાતની પુષ્ટિ ખાતર તેવા વિચારકો કેટલાંક દ્રષ્ટાંત પણ પૂરાં પાડે છે. તે કહે છે કે શંકરાચાર્ય મહાજ્ઞાની હતા છતાં તેમને ભગંદર થયો હતો. તેમણે પોતે છેલ્લી ઘડીએ કહેલા પોતાના ‘ઉપદેશપંચકમ્’માં પણ જ્ઞાનીએ આખર સુધી જે હોય તે પ્રારબ્ધ ભોગવવું ને છેવટે પરમાત્મામાં મળી જવું એમ કહેલું છે. प्रारब्ध त्विह भुज्यतामय परब्रह्मात्मनास्थीयताम् । એ તેમના શબ્દો છે. બુદ્ધ પણ વ્યાધિથી પર ન હતા. આ યુગમાં થઈ ગયેલા પરમજ્ઞાની શ્રી રમણ મહર્ષિને પણ છેલ્લા દિવસોમાં ગડની પીડા ભોગવવી પડેલી. એવાં અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે.

એટલે જ્ઞાનીનાં બધાં કર્મોનો નાશ થાય છે કે કેમ એ પ્રશ્ન વિવાદાસ્પદ રહ્યો છે. મને લાગે છે કે જ્ઞાની પરમાત્માને જાણી લે તે પછી પણ પ્રારબ્ધ કર્મમાંથી મુક્તિ મેળવી નથી શકતો. પ્રારબ્ધ કર્મ તે તટસ્થપણે ને અલિપ્ત રીતે ભોગવે છે તે બરાબર, પરંતુ પ્રારબ્ધ તેને માટે રહે છે તો ખરું જ. ફક્ત જેણે શરીર ને પંચમહાભૂત પર પૂરો કાબૂ કર્યો છે તેવો સિદ્ધ યોગી, સત્ય સંકલ્પવાળો જ્ઞાની ને પરમાત્માની પૂર્ણ કૃપા પામેલો ભક્ત ધારે તો પોતાની વિશેષ શક્તિ અથવા યોગ્યતાથી પ્રારબ્ધ કર્મ ને તેની અસરમાંથી સંપૂર્ણપણે ને સદાને માટે મુક્તિ મેળવી શકે છે. એટલે પ્રારબ્ધ કર્મમાંથી મુક્તિ મેળવવાનું કામ અશક્ય નથી પરંતુ અઘરું જરૂર છે. બંને પ્રકારના વિચારકોના વિચાર એ પ્રમાણે પોતપોતાની રીતે સાચા જ છે એમ કહી શકાય.

એ બે વિચારધારાના અનુસંધાનમાં એક ત્રીજો વિચાર રજૂ કરું છું. મને પોતાને તે વિચાર સારો લાગે છે. માણસ જ્યાં સુધી કાચી દશામાં, સાધક શ્રેણીમાં ને પરમાત્માથી દૂર હોય ત્યાં સુધી તે ભૂલ કરી શકે છે ને કુકર્મનો તેને માટે કોઈક વાર પણ સંભવ રહે છે. પરંતુ પરમાત્મદર્શન કરીને કૃતાર્થ થયા પછી તેની દશા જુદી હોય છે. પછી તો તેનું મન એવું સાત્વિક, શુદ્ધ ને સત્યસંકલ્પ થઈ જાય છે કે તેનાથી ભૂલેચૂકે પણ બૂરાઈ નથી થતી. કુકર્મ તરફ તેનું મન જ નથી. તેનો સ્વભાવ છેક શુદ્ધ થઈ જાય છે. એટલે એમ કહી શકાય કે તેનાં આજે ને કાલે થનારાં બધાં જ બૂરાં કર્મોનો અંત આવે છે; બૂરાં કર્મો ને અહંકાર તથા મમતા કે રાગદ્વેષથી કરાતાં સકામ શુભ કર્મોનો તેના જીવનમાં કાયમ માટે નાશ થાય છે. તેવાં કર્મોનો અંકુર પણ પછી તેના જીવનમાં નથી ઊગી શકતો. જ્ઞાનીને માટે એવી અવસ્થા સહજ ને સ્વાભાવિક થઈ જાય છે. મને લાગે છે કે પરંપરાની પૂજા ને પ્રતિષ્ઠામાં માનનારી પ્રજાને માટે આ ભાવાર્થ જરા નવો જરૂર છે, પણ નોંધપાત્ર ને ધ્યાન ખેંચે તેવો છે. પ્રારબ્ધ કર્મના નાશના લાંબા ને અટપટા વિવાદોનો આ અર્થથી અંત આવે છે. માણસમાં બૂરાઈ ન રહે, ને લૌકિક કે આત્મોન્નતિમાં અંતરાયરૂપ થાય તેવી કર્મના ફળની તૃષ્ણામાં તણાઈ ને સારાસાર ભૂલી, વિવેકને ગીરે મૂકી તે કર્મ ન કરે, એ અવસ્થા શું ઉત્તમ ને આશીર્વાદરૂપ તથા અનુકરણીય નથી ? એ અવસ્થાની પ્રાપ્તિમાં જ કર્મની સાધનાનો સાર સમાઈ જાય છે. જીવનમુક્તિનો આનંદ એમાં જ રહેલો છે. એવી આદર્શ અવસ્થાની પ્રાપ્તિ કે અનુભૂતિ પછી પ્રારબ્ધ ગમે તેટલું તીવ્ર ને બળવાન હોય તોપણ માણસને તેનો ભય નથી રહેતો. જીવનના છેલ્લા શ્વાસ લગી સ્મિત કરતાં કરતાં તે પછી સેવા ને કર્મના રાજમાર્ગ પર ચાલ્યો જાય છે. તે જ્યાં જીવે છે ત્યાં તટસ્થતાથી જીવે છે; જે કરે છે તે તટસ્થતાથી કરે છે; ને જે જુએ છે, ચાખે છે ને ભોગવે છે તેમાં પણ તેની તટસ્થતા કાયમ રહે છે. તેની પરમાત્મનિષ્ઠા ને સ્વરૂપના અનુસંધાનની અનવરત અવસ્થામાં કદી અંતરાય નથી આવતો. સંસારમાં રહીને વિવિધ વ્યવહારો કરતાં કરતાં, એક કુશળ નટની જેમ માણસે અલિપ્તતા ને શુદ્ધિની એવી ઉચ્ચોચ્ચ અવસ્થાએ પહોંચતાં શીખવાનું છે. વ્યવહારને જ સાધનાનું ક્ષેત્ર માનીને આગળ વધવાનું છે. પવિત્ર વાણી, પવિત્ર વિચાર ને પવિત્ર વર્તનના ત્રિવેણીસંગમથી જીવનને સુશોભિત, સુંદર ને ધન્ય કરવાનું છે. એવી ધન્યતા આ જીવનમાં કોક બડભાગીએ જ મેળવી હોય છે. બાકી મોટે ભાગે તો માણસ કર્મની બેડીમાં બંધાઈને ફર્યા કરે છે. અહંતા-મમતામાં અટવાઈને સારાંનરસાં કર્મ કરે છે ને કદી હસે છે તો કદી રડે છે. એવા સાધારણ માનવનું રેખાચિત્ર ઉપનિષદમાં રજૂ કરવામાં આવ્યું છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok