if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પરમાત્માનું દર્શન વેદના અભ્યાસ, રટણ કે પારાયણથી નથી થતું. તે માટે આગળ કહ્યું છે તેમ બહુ ઊંડી બુદ્ધિ, ભાષણ ને શ્રવણની પણ જરૂર નથી. એનો અર્થ એવો પણ નથી કે વેદનો અભ્યાસ, ઊંડી બુદ્ધિ, ને સંભાષણ કે શ્રવણ જીવનમાં નકામાં છે ને તેનો અનાદર કરતાં શીખવું જોઈએ. તે બધાનો રસ કે શોખ આત્માનુભવના માર્ગમાં અંતરાયરૂપ નથી. બધી જાતની વિદ્વતા ને કળા જીવનને જોમવંતુ ને રસાળ બનાવે છે ને તેમના વિવેકપૂર્વકના ઉપયોગથી બધી રીતે લાભ થાય છે. ફક્ત તેના નશામાં ડૂબીને માણસ સદાચાર કે હૃદયશુદ્ધિ ને પરમાત્માના પ્રત્યક્ષ અનુભવના કે આત્મોન્નતિના અગત્યના કામને ન ભૂલે એટલું જ ધ્યાન રાખવાનું છે. એટલા હેતુને સાચવવાનું ધ્યાન રાખીને જીવન ને જગતને વધારે સુખમય ને સમૃદ્ધ કરવાની બધી જ વિદ્યા, કળા, શક્તિ ને શોધોનું આપણે સ્વાગત જ કરીશું. સાથેસાથે એમ પણ કહીશું કે પરમાત્માના અનુભવ માટે તે બધાંની જરૂર છે જ એમ પણ નથી. તે વિના પણ માણસ પરમાત્માની પાસે પહોંચી શકે છે. પરમાત્માની પ્રાપ્તિ માટે કેવળ રૂઢિ કે રુચિને વશ થઈને વિવેકનો ઉપયોગ કર્યા વિના મનને ફાવે તેવાં ઘોર તપ કરવાની જરૂર નથી; કેવળ શરીરબળના જ હિમાયતી બનવાની ને શરીર તરફ ઉદાસીન થવાની પણ જરૂર નથી; શરીર ને મનને મજબૂત ને નીરોગી કરવાની જરૂર છે; વિવેકી થવાની ને જરૂર પ્રમાણેનાં વ્રત, તપ ને નિયમનું પાલન કરવાની તથા અભ્યાસ ને શ્રવણ કરવાની પણ જરૂર છે જ; પરંતુ તે બધું ગૌણ છે. પરમાત્માની પ્રાપ્તિ માટેની મુખ્ય જરૂર તો પરમાત્માને મેળવવાનો મક્કમ નિશ્ચય કરવાની ને તે માટે બનતો ભોગ આપવા તૈયાર રહેવાની છે. માણસે મન, વચન, કર્મથી પરમાત્માને વરવાનું છે ને પરમાત્માના જ થઈ રહેવાનું છે. મુખ્ય સાધન તે જ છે. તે પ્રમાણે આગળ વધનારનું જીવન જરૂર સફળ થાય છે ને પરમાત્માના સાક્ષાત્કારથી ધન્ય બને છે.

આટલી તૈયારી છે? દુઃખ, ચિંતા, યાતના ને પ્રતિકૂળતામાંય પરમાત્માને ભજવાની ને વળગી રહેવાની તૈયારી છે ? ગમે તેવી  નિષ્ફળતા મળે ને વિરોધી વાતાવરણમાં રહેવું પડે તોપણ, અડગ શ્રદ્ધા ને હિમ્મતથી પરમાત્માની પ્રાપ્તિને પંથે આગળ ને આગળ વધવાની તૈયારી છે ? તો પરમાત્માની પ્રાપ્તિ જરૂર થશે ને ગમે તેવું કઠિન દેખાતું ધ્યેય પણ સહેલું બની જશે. દ્રઢ ઈચ્છાશક્તિ, વિવેક ને પુરૂષાર્થની જરૂર છે. તે જ બળ છે. તેવા બળથી બળવાન બનેલા પુરૂષો જ પરમાત્માને મેળવી કે ઓળખી શકે છે. તેવા પુરૂષો રાગદ્વેષથી રહિત, શાંત ને ધન્ય બને છે. પૃથ્વીના પ્રત્યેક પરમાણુમાં તેમને પરમાત્માની પરમ સત્તાનું દર્શન થાય છે. તેમને કોઈ શોક નથી રહેતો, ભય નથી રહેતો, ને પાપ પણ તેમની પાસે નથી ફરકતું. નદી જેવી રીતે સાગરમાં મળી જાય ને એકાકાર બની જાય તેવી રીતે તે પરમાત્મા સાથે એકાકાર થઈ જાય છે ને પ્રભુમય બની જાય છે.

પરમાત્માની પાસે પહોંચાડનારા તેમ જ મન, વાણી ને કર્મમાં ક્રાંતિ કરીને વધારે ને વધારે પવિત્રતા, સાત્વિકતા ને દિવ્યતા લાવનારા એવા જ ધર્મ, ધર્માચરણ કે સાધનની સૌને જરૂર છે. ધર્મ ને સાધના એટલા જ માટે છે. દેશમાં આજે ધર્મ ને વૈરાગ્યને નામે માણસ-ને હજારો માણસો વેશપલટો કરે છે, ઘર છોડે છે, શરીરે રાખ ચોળી મૃગચર્મ, ચીમટા ને ત્રિશૂળ ધારણ કરે છે, ગાંજાના દમ લગાવી ફરતા ફરે છે. કેટલાક શાસ્ત્રોના અધ્યયન−અધ્યાપનમાં વખત વિતાવે છે તો કેટલાક લેખનના વ્યવસાયમાં રસ લે છે; બીજા કેટલાક જગતને મિથ્યા માની−મનાવી ભિક્ષા પર જીવન પૂરું કરે છે ને પ્રવૃત્તિમાત્રને પ્રપંચ માની ધિક્કારે છે; કેટલાક ભક્તિની બાહ્ય વિધિમાંથી જ ઊંચા નથી આવતા; કેટલાક તીર્થાટન, અનુષ્ઠાન કે વ્રતનું પાલન કર્યા કરે છે; એમાં સાચી આધ્યાત્મિકતા કેટલીક વાર દબાઈ ને ભુલાઈ જાય છે. માટે સૌએ જીવનની ધન્યતા ને ધર્મના ધ્યેયની આ વાત યાદ રાખવાની છે. માણસ ગમે ત્યાં રહે ને ગમે તે કરે, મનને નિર્મળ ને સાત્વિક બનાવી તેણે પ્રભુમય થવાની જરૂર છે. પરમાત્માના પવિત્ર પ્રેમપ્રકાશને તેણે પોતાના જીવનમાં, તન, મન ને અંતરમાં ઝીલતાં ને ઉતારતાં શીખવાની ને પરમાત્માની પાસે પહોંચવાની જરૂર છે. માનવજાતિ દિવસે દિવસે વિકાસ ને સંશોધનનાં નવાંનવાં ક્ષેત્રો સર કરે છે ને આગળ વધે છે. સંપત્તિ, ભૂમિ ને શક્તિની પણ સંસારમાં કમી નથી. છતાં માનવ આજે ભયભીત છે, અશાંત ને દુઃખી છે, ને યુદ્ધ ને હિંસાના પડછાયા બધે પથરાઈ રહ્યા છે. આપણને એવું જગત જોઈએ છે જેમાં સત્ય, પ્રેમ, સંપ, સેવા ને સહકારનાં તત્વો કામે લાગ્યાં હોય ને હિંસા, યુદ્ધ, દમન ને શોષણની ભૂતાવળ કાયમને માટે દૂર થઈ હોય, માનવની માનવ તરીકેની મહત્તા જેમાં સ્થાપિત થઈ હોય ને તેની મારફત સમાજ, દેશ ને દુનિયાની પ્રગતિને મદદ મળતી હોય. તે માટે ધર્મના સાચા આચરણની જરૂર છે; જીવનને પ્રભુમય કરવાની અત્યંત આવશ્યકતા છે.

શાંતિપાઠનો નવો ધ્વનિ
ઉપનિષદને અંતે શાંતિપાઠ આવે છે ને તેમાં ઈન્દ્ર, પૂષા, ગરુડ ને બૃહસ્પતિ સૌનું મંગલ કરે એવી ભાવના કરવામાં આવે છે. સમય બદલાય છે તેમ આ ભાવનામાં પણ જરૂરી ફેરફાર કરવાની જરૂર છે. કર્મકાંડના ભાવો જમાનાને અનુકૂળ ને ઉપયોગી થવા જોઈએ. દેશે આજે સમૃદ્ધ ને સુખી થવું હોય તો ભક્તિ, જ્ઞાન ને સેવાની સાધનાની સાથેસાથે ભૌતિક રીતે પણ પ્રગતિ કરવી પડશે. વિજ્ઞાનવાદના આ યુગમાં આખી દુનિયા જ્યારે ડગલે ને પગલે ને પૂરઝડપે આગળ વધી રહી છે ત્યારે દેશને સમૃદ્ધ કરવા ખેતી, વીજળી, પાણી ને બીજી સમસ્યાઓમાં પ્રવીણ થઈને તેને હલ કરવી પડશે; નદીના વિશાળ પાણી ને વરસાદનો સદુપયોગ કરતાં ને ધરતીને વધારે ને વધારે સમૃદ્ધ કરી માનવતાને મદદરૂપ થતાં શીખવું પડશે. આધુનિક કાળના ઈન્દ્ર, વરુણ, ગરુડ, (વાહન ને વિમાન), બૃહસ્પતિ (કળા, જ્ઞાનવિજ્ઞાનનો વિકાસ ને વિવેકશક્તિ), ને પૂષાદેવ (વિદ્યુત ને એટમ શક્તિ) તો જ સૌનું કલ્યાણ કરી શકશે. ભારત ને સંસાર તેમની ઉપાસના કરે ને મદદ જરૂર મેળવે, પરંતુ પોતાના આત્માને ભૂલે નહિ, માનવતા ને પરમાત્માની આરાધના, સેવા ને નિષ્ઠાને ચૂકે નહિ એવું આપણે ઈચ્છીએ છીએ. સભ્યતાની પ્રત્યેક પ્રવૃત્તિ માનવતાના વિકાસમાં મદદરૂપ ને ઈશ્વરને ઓળખવાની પ્રેરણા પાનારી થવી જોઈએ. માનવતાનું ખૂન કરનારી ને ઈશ્વરને ભુલાવનારી ને તેમાં ગૌરવ ગણનારી સભ્યતા ગમે તેવી ચમકદમકવાળી ને સુખદ હોય તોપણ મંગલમય નહિ થઈ શકે એ નક્કી છે; આદર્શ પણ નહિ બની શકે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.