Monday, September 21, 2020

મુંડક ઉપનિષદ

પરમાત્માનું દર્શન

માણસ જ્યારે પોતાની અંદર રહેલા પરમાત્માને જોઈ લે છે ત્યારે બધી જાતના ભેદભાવમાંથી મુક્તિ મેળવે છે. ત્યારે જ તે સાચા અર્થમાં જ્ઞાની કહેવાય છે. જ્ઞા એટલે જાણવું. એટલે જેણે આત્માને જાણ્યો કે અનુભવ્યો છે તેને જ સાચા અર્થમાં જ્ઞાની કહી શકાય. તેવો અનુભવી પુરૂષ આત્મા કે પરમાત્મા વિશે બહુ વાદવિવાદ નથી કરતો. વાદવિવાદ કરવાનું તેને કોઈ કારણ જ નથી રહેતું. કેમકે તેને આત્માનો અપરોક્ષ અનુભવ થઈ ચૂક્યો છે. એટલે તેના તે વિશેના સઘળા સંશયો શાંત થાય છે, શમી જાય છે, ને સૌમાં આત્માનો અનુભવ કરતાં તે સંપૂર્ણ શાંતિ ને તૃપ્તિપૂર્વક જીવનનાં સહજ કર્મો તદ્દન તટસ્થભાવે કરતો રહે છે. એવો અનુભવી જ્ઞાની બધી જાતના બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ કહેવાય છે. તે આત્માનું દર્શન જેનેતેને નથી થતું. તેના દર્શન માટે સતત સાધના ને ઊંડી અંતરશુદ્ધિની જરૂર પડે છે. જે સત્યપરાયણ ને તપમય જીવન જીવે છે, વિવેકી ને સંયમી બને છે, તે તેને મેળવી શકે છે.

પરમાત્મતત્વ સૂક્ષ્મ ને દૂરથી પણ દૂર છે. તે છતાં તદ્દન નજીક−સૌની અંદર રહેલું છે. આંખ ને વાણી તથા બીજી ઈન્દ્રિયો તેનો સંપૂર્ણપણે પાર પામી શકતી નથી; તપ ને કર્મ પણ તેના રહસ્યની ઉપલબ્ધિ સંપૂર્ણપણે નથી કરી શકતાં; તેના દર્શન માટે તો માણસે વિવેકી થવું જોઈએ, ને બુદ્ધિને નિર્મળ તેમ જ મનને સાત્વિક ને સ્થિર કરી તે તત્વનું સતત ધ્યાન ધરવું જોઈએ. એકાંત ને શાંત સ્થાનમાં આસન વાળીને, અંતર્મુખ થઈને, લાંબા વખત લગી નિયમિત રીતે બેસવું જોઈએ. તેવી અંતરંગ સાધનાની સહાયથી જ તેને જોઈ શકાય, ને તેનો પાર પામી શકાય છે. આત્માની અનુભૂતિમાં કોઈ મોટા ભણતરની કે વિશ્વવિદ્યાલયની ડિગ્રીની જરૂર નથી. તેમાં કોઈ ઊંડી પંડિતાઈ ને તર્કશક્તિ પણ નથી જોઈતી. વાદવિવાદ ને બુદ્ધિકૌશલ્યની પણ તેમાં આવશ્યકતા નથી. તેમાં તો જોઈએ છે તદ્દન સરળ, નિખાલસ, નમ્ર ને નિર્મળ મન; બધી જાતના દંભ ને પૂર્વગ્રહથી મુક્ત એવું પ્રેમ ને ભાવથી ભરપૂર સંયમી હૃદય; આગળ વધવાની ને કોઈ પણ હિસાબે ને ભોગે આગળ વધવાની તીવ્ર તરસ ને લગન; આદર્શને પ્રાપ્ત કરવાનો મક્કમ નિરધાર ને તે માટેની જરૂરી સાધનાનો અમલ કરવાનો ઊંડો ને અખૂટ એવો ઉત્સાહ; હિમાલય જેવી દ્રઢતા, મક્કમતા ને કામચલાઉ નિષ્ફળતા, નિરાશા ને સફળતાના લંબાણમાં પણ અડગ રહે તેવી શ્રદ્ધા ને ધીરજ; બીજાં બધાં કામને ગૌણ ગણીને આત્મિક ઉન્નતિના કામને જ મુખ્ય માનવાની ને તેને માટે બનતું બધું કરી છૂટવાની તમન્ના ને વૃત્તિ.

તેવી યોગ્યતાના અભાવને લીધે જ મોટા ભાગના મુસાફરો નિરાશ થાય છે, ધીરજ ને શ્રદ્ધા ખોઈ બેસે છે, અકાળે કરમાઈ કે કોઈ આડવાતમાં ફસાઈ જાય છે, ને સાધનાના સુમેરૂ શિખરને સર કરી શકતા નથી. સતત સાવધાની, અનંત શ્રદ્ધા, અખૂટ આશા, અનવરત સાધના ને નિષ્ઠાની જરૂર છે. દરિયામાંથી મોતી કાઢનાર મરજીવાની જેમ, મનને નિર્મળ કરીને માણસે પોતાના હૃદયરૂપી દરિયામાં રાતદિવસ ડૂબકી મારતાં શીખવું જોઈએ. સંસારના બાહ્ય ચળકાટ, આકર્ષણ, પ્રભાવ ને સ્વાદથી પર થઈને અંદરના ખજાનાની શોધમાં આદુ ખાઈને રાતદિવસ આગળ વધવું જોઈએ. જેમનો સ્વભાવ ટીકા ને નિંદા જ કરવાનો છે, ને જે આપણને બરાબર જાણતા નથી ને જાણવાની પરવા પણ કરતા નથી, તેવા લોકોના અભિપ્રાયોને લેશ પણ ગણકાર્યા વિના, પરમાત્મા પર શ્રદ્ધા રાખીને, સદા આગળ ને આગળ વધતા રહેવું જોઈએ. તો આત્મદર્શનનો માર્ગ પ્રમાણમાં ઘણો સહેલો ને સફળતાવાળો થઈ શકે, એમાં શંકા નહિ. સાધકોએ આ વાત સદાને સારુ યાદ રાખવાની છે.

માનવજીવનની પળેપળે જાગ્રત રહીને તેમ જ વચગાળાનાં પ્રલોભનો ને ભયસ્થાનોને પાર કરીને જે બડભાગી પુરૂષે પરમાત્માની પ્રાપ્તિ કરી લાધી, તેને ખરેખર ધન્યવાદ ઘટે છે. જીવનની સફળતા તેણે સાધી લીધી. એવા મહાપુરૂષના દર્શન ને સમાગમથી બીજાને પણ બળ મળે છે ને પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. માનવજાતિ તેવા સ્વાનુભવવાળા મહાપુરૂષોની ખરેખર ઋણી છે. દિલની દુનિયામાં ઊંડે ને ઊંડે ડૂબકી મારીને તેમણે પરમસત્યના મૂલ્યવાન મોતીની શોધ કરી છે, ને તેમને જે જડ્યું છે તે તેમણે યથાર્થતાને વફાદાર રહીને સંસારના શ્રેયને સારુ રજૂ કર્યું છે. એવા મહાપુરૂષોના પુરુષાર્થ વિના ઈશ્વર, પરલોક, માનવતા ને આધ્યાત્મિકતાનાં ઉપયોગી રહસ્યોથી માનવજાતિ ખરેખર વંચિત રહી જાત. તેવા પુરૂષોને મળવાની ઈચ્છા કોને ન થાય ને તેમના દર્શનથી કોનું અંતર ન ઊછળે ? તેમનો વારંવાર સમાગમ કરવાનું ને તેમને પૂજ્ય માનીને પૂજવાનું મન કોને ન થાય ? તેવા અનુભવી મહાપુરૂષ પ્રભુના પ્રતિનિધિ છે; કહો કે પ્રકટ પ્રભુ જેવા છે. તેમની સેવા ને પૂજા જરૂર કરવી. તેથી ઘણો જ લાભ થાય છે. એટલું ધ્યાન જરૂર રાખવું કે પૂજા કરીને તેટલામાં જ તૃપ્તિ માનીને બેસી રહેવાની વૃત્તિ ન કેળવાય. પૂજા કરવાની સાથેસાથે તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીને જીવનને ઉજ્જવળ કરવા જરૂરી પુરૂષાર્થ પણ કરતા રહેવું.

ઋષિ એવા આત્મદર્શન કરી ચૂકેલા મહાપુરૂષની પૂજા કરવાની ભલામણ કરે છે ને કહે છે કે તેવા પુરૂષની સેવાપૂજાથી જીવનમાં ક્રાંતિ થાય છે ને માણસ આ સંસારને તરવાની તાકાત મેળવે છે. તેવો માણસ ધીરેધીરે કે ક્રમેક્રમે જુદીજુદી કામનામાંથી મુક્તિ મેળવી પરમાત્મામાં તૃપ્ત થઈને જીવે છે. પરિણામે તે જીવનને જીતી લે છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok