Text Size

માતાપિતાની સેવા વિના બધું વ્યર્થ

કેટલાય વન, ગામડાં તથા નગરમાંથી પસાર થતો તપસ્વી કૌશિક છેવટે લાંબા વખતના પ્રવાસ પછી, મિથિલા નગરમાં આવી પહોંચ્યો. 

મિથિલા નગરમાં રાજા જનકનું રાજ્ય હતું.

એ નગરી અતિશય સુંદર હતી. એમાં ધર્મપરાયણ મનુષ્યો વાસ કરતા ને ઠેર ઠેર ધર્મ સંબંધી મોટા મોટા મંગલ ઉત્સવો થતા.

ધર્મવ્યાધની માહિતી મેળવીને એ એમના સ્થાન પર પહોંચ્યો તો એને ભારે નવાઈ લાગી.

એને પોતાની કલ્પના કરતા જુદું જ ચિત્ર જોવા મળ્યું.

એ નક્કી ન કરી શક્યો કે, ધર્મવ્યાધ આજ હશે કે બીજા ? પેલી પતિવ્રતા સ્ત્રીએ આમની જ એક મહાપુરૂષ તરીકે આટલી બધી પ્રશસ્તિ કરી હશે ?
એમનું બાહ્ય સ્વરૂપ જરા ભ્રાંતિજનક હતું, છતાં પણ ધર્મવ્યાધ તો એ જ હતા. કસાઈખાનામાં બેસી એ માંસ વેચી રહ્યા હતા.

કૌશિક મનમાં ભાતભાતની ને જાતજાતની શંકાકુશંકા સાથે એક તરફ એકાંતમાં બેસી ગયો.

એના આગમનનું પ્રયોજન જાણીને ધર્મવ્યાધે તરત જ એની પાસે આવીને વિનયપૂર્વક કહેવા માંડ્યું: 'ભગવાન ? હું તમારું સ્વાગત કરું છું. તમારા ચરણમાં મારા પ્રણામ છે. તમે જેની શોધમાં આટલે સુધી આવવાનું કષ્ટ કર્યુ છે તે ધર્મવ્યાધ હું જ છું. તમારું મંગલ હો. હું તમારી શી સેવા કરું તેને માટે મને આજ્ઞા આપો. તમે અહીં શા માટે આવ્યા છો તે હું જાણું છું. પેલી પતિવ્રતા, ધર્મપરાયણ સ્ત્રીએ જ તમને અહિં મોકલ્યા છે તેની પણ મને ખબર છે.’
 
ધર્મવ્યાધના વચન સાંભળીને બ્રાહ્મણ કૌશિક ભારે વિસ્મયમાં પડ્યો. એને થયું કે આ બીજી નવાઈની વાત કહેવાય. ધર્મવ્યાધ પણ પેલી સ્ત્રીની જેમ જ દૈવી દૃષ્ટિથી સંપન્ન છે, એ વાતની આ પ્રસંગ પરથી પ્રતિતી થાય છે. એમનો પરિચય કરાવવા બદલ પોતે ઈશ્વરનો ઉપકાર માન્યો ને પોતાની જાતને બડભાગી માની.

ધર્મવ્યાધે કૌશિકને પોતાને ઘેર લઈ જઈને સમુચિત સત્કાર કર્યો. એના ચરણ ધોયા અને એને ઉત્તમ આસન આપ્યું.

આસન પર બિરાજમાન થઈને પોતાના મનની શંકાને રજૂ કરતાં કૌશિકે કહ્યું કે માંસ વેચવાનું ઘોર કર્મ તમારે ન કરવું જોઈએ. એ કામ જોઈને મને ભારે દુઃખ થઈ રહ્યું છે. ત્યારે ધર્મવ્યાધે એનું સ્પષ્ટીકરણ કરતાં કહેવા માંડ્યુ કે આ કામ મેં મારી મરજીથી શરૂ નથી કર્યું. હું પોતે ધર્મથી વિરૂદ્ધનું કોઈ કામ નથી કરતો. પરંતુ આ ધંધો મારા કુટુંબમાં મારા બાપદાદાના વખતથી ચાલ્યો આવે છે. આ કામ કરવા છતાં પણ હું મારા વૃદ્ધ માતાપિતાની સેવા કરું છું, સાચું બોલું છું, મારા ગજા પ્રમાણે દાન આપું છું, કોઈની નિંદા નથી કરતો, તથા દેવતા, અતિથિ અને સેવકોને જમાડીને જે કાંઈ બચે છે તેનાથી મારું જીવન ચલાવું છું. જનક રાજાના આખા રાજ્યમાં કોઈ ધર્મથી વિરૂદ્ધ આચરણ નથી કરતું. બધા પોતપોતાના ધર્મનું પાલન કર્યા કરે છે. ધર્મથી વિરૂદ્ધ ચાલનાર જો પોતાનો પુત્ર હોય તો તેને પણ રાજા જનક કઠોર દંડ દે છે, એટલે અધર્મના આચરણ માટે અહિં અવકાશ જ નથી રહેતો. હું પોતે કોઈ જીવની હિંસા નથી કરતો. બીજાએ મારેલા પ્રાણીઓનું માંસ વેચું છું, પરંતુ હું પોતે કદી પણ માંસ નથી ખાતો. સ્ત્રીસંસર્ગ પણ ઋતુકાળ દરમ્યાન જ કરું છું. દિવસે ઉપવાસ કરું છું તથા રાત્રે ભોજન. કોઈ મારી પ્રસંશા કરે છે, કોઈ નિંદા કરે છે, પરંતુ હું તો સૌની સાથે સારો વ્યવહાર કરીને સૌને પ્રસન્ન રાખું છું. ધર્મમાં દૃઢતા રાખવી, દ્વંદ્વોને સહન કરવા અને સૌ કોઈનું તેમની યોગ્યતાનુસાર સન્માન કરવું, એ મનુષ્યોચિત ગુણો ત્યાગ વિના નથી આવી શકતા.

કૌશિકને ધર્મવ્યાધનાં શાસ્ત્રસંમત ને વિવેકયુક્ત વચનો સાંભળીને ઘણો જ સંતોષ થયો. એ પછી કૌશિકે ધર્મવ્યાધને ધર્મ, તત્વજ્ઞાન તથા લૌકિક વ્યવહાર વિષે કેટલાક પ્રશ્નો પૂછ્યા. મૃત્યુ પછીની જીવની ગતિ વિષે પણ પૂછી જોયું. સત્વ, રજ ને તમ- ત્રણે ગુણોના સ્વરૂપ વિષે પણ પૂછી જોયું અને એના પરિણામ રૂપે કૌશિકને જ્યારે સંપૂર્ણ સંતોષ થયો ત્યારે ધર્મવ્યાધે કહ્યું કે જેની કૃપાથી મને સિદ્ધિ ને શાંતિ મળી છે તે મારાં માતાપિતા ઘરમાં છે. ચાલો, તેમના પણ દર્શન કરાવું.’

કૌશિક બ્રાહ્મણે ધર્મવ્યાધની સાથે ઘરમાં પ્રવેશ કર્યો તો ચાર ખંડવાળું, તાજો ચુનો લગાડેલું ઘર જોઈને તે મુગ્ધ બની ગયો. ઘરમાં દેવોની સુંદર મુર્તિઓ પણ હતી. ધૂપ તથા કેસરની સુવાસ ફેલાઈ રહી હતી. એક સુંદર આસન પર શ્વેત વસ્ત્રધારી, ધર્મવ્યાધના માતાપિતા ભોજનથી નિવૃત્ત થઈને બેઠા હતા. ચંદન તથા પુષ્પોથી એમની પૂજા કરવામાં આવી હતી.

ધર્મવ્યાધે તેમના ચરણ પર મસ્તક મૂકીને દંડવત પ્રણામ કર્યા. એમણે એને આશીર્વાદ આપ્યા.

તે પછી ધર્મવ્યાધે પોતાના માતાપિતાને કૌશિકનો પરિચય કરાવ્યો. એમણે પણ કૌશિકનું સન્માન કર્યું, તથા કૌશિકના ખબરઅંતર પૂછ્યા.

ધર્મવ્યાધે કહ્યું : આ માતા પિતા જ મારા મુખ્ય દેવતા છે. એમને માટે હું બનતું બધું જ કરું છું. મારે માટે ચાર વેદ તથા યજ્ઞ બધું મારાં માતાપિતા જ છે. સ્ત્રી તથા સંતાનો સાથે હું એમની સેવા કરું છું. એમની જ કૃપાથી મારું જીવન સુખી છે ને મારા પર ઈશ્વરની કૃપા છે. તમે વેદોનો સ્વાધ્યાય કરવા માટે તમારા માતાપિતાની આજ્ઞા વિના જ ઘરનો ત્યાગ કર્યો છે, તે ઘણું અનુચિત થયું છે. તમારા વિયોગથી તે વૃદ્ધ માબાપ આંધળા બની ગયા છે. માટે ઘેર જઈને તેમને પ્રસન્ન કરો. તમે તપસ્વી, મહાત્મા ને ધર્માનુરાગી છો, છતાં માતાપિતાની સેવા વિના બધું વ્યર્થ છે. માતાપિતાની સેવા જેવો કોઈ મોટો ધર્મ નથી. એ વાતમાં વિશ્વાસ રાખો.’

કૌશિકની આંખ ઉઘડી ગઈ. એણે કહ્યું : 'મારું સૌભાગ્ય છે કે હું અહીં આવ્યો ને મને તમારો સત્સંગ સાંપડ્યો. તમારા જેવા ધર્મપરાયણ પુરૂષો સંસારમાં સાચે જ વિરલ છે. તમે મારો ઉદ્ધાર કર્યો છે. હવે હું તમારી સૂચના પ્રમાણે મારાં માતાપિતાની સેવા જરૂર કરીશ. અત્યાર સુધી હું મારા સાચા કર્તવ્યધર્મથી ભ્રષ્ટ થયો હતો.’

કૌશિકે ધર્મવ્યાધની પ્રદક્ષિણા કરી અને ત્યાંથી પ્રસ્થાન કર્યું.

ઘેર જઈને એણે પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા કરી. માતાપિતા એથી પ્રસન્ન થયાં ને કૌશિકને શાંતિ મળી.

મહાભારતમાં માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને કહેલા આ આખ્યાનનો સાર એટલો જ છે કે તપ, ત્યાગ, ભક્તિ, યોગ કે લોકસેવાના નામે માણસે પોતાના સ્વભાવિક રીતે પ્રાપ્ત થયેલા કર્તવ્યથી વિમુખ નથી થવાનું. સિદ્ધિ જરૂરી કર્મના કે ફરજોના ત્યાગમાં નથી સમાઈ, પરંતુ એમના અનુષ્ઠાનમાં સમાયેલી છે. આપણી ધર્માનુરાગી પ્રજા આ વાતને યાદ રાખશે ખરી ? એ વાતને યાદ રાખવાથી માણસને પોતાને તો લાભ થશે જ, પરંતુ બીજાને પણ મદદ મળશે. આપણાં ઘર, કુટુંબ તથા સમાજ જીવનને ધર્મ કે ત્યાગને નામે કથળતું બચાવી શકાશે. કૌશિક જેવા સ્ત્રીપુરૂષો આ વાતને ખાસ યાદ રાખે.

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok