Text Size

આત્માનું અન્વેષણ

બૃહદારણ્યક ઉપનિષદમાં એક નાનકડી છતાં સુંદર ને બોધદાયક કથા છે.
 
કથા કોના જીવનને લગતી છે તે જાણો છો ?

યાજ્ઞવલ્ક્યના જીવનને લગતી.

યાજ્ઞવલ્ક્ય એ જમાનાના સર્વોત્તમ જ્ઞાની પુરૂષ હતા. એમનું શાસ્ત્રજ્ઞાન ઘણું ઊંચી કોટિનું હતું.

ત્યાગી તથા વિરક્ત પુરૂષો પણ એમની સુતિક્ષ્ણ, તર્કપટુ બુદ્ધિથી પ્રભાવિત થઈને એમનો આદર કરતા.

એ ગૃહસ્થાશ્રમી હતા, એમને કાત્યાયની તથા મૈત્રેયી નામની બે સ્ત્રીઓ હતી.

વિશાળ શાસ્ત્રજ્ઞાન તથા તર્કપટુ બુદ્ધિ હોવા છતાં પણ એમને પોતાના જીવનમાં કાંઈક ઉણપ લાગી અને એ ઉણપને પૂરવા માટે એમણે વનમાં જઈને તપશ્ચર્યા કરવાની તૈયારી કરી.

પોતાનો વિચાર એમણે કાત્યાયની તથા મૈત્રેયીને કહી બતાવ્યો.

કાત્યાયનીમાં આધ્યાત્મિક સંસ્કાર ન હતા. એ મોટે ભાગે લૌકિક વ્યવસાયોમાં જ રત રહેતી. એટલે યાજ્ઞવલ્કયનો વિચાર સાંભળીને એ તો અપ્રસન્ન થઈ પરંતુ મૈત્રેયી આત્માનુરાગી અથવા આધ્યાત્મિક સંસ્કારોથી સંપન્ન હતી. એથી તરત બોલી ઉઠી, 'વનમાં તમે શા માટે જવા માગો છો ?’

'આત્માને ઓળખવા અને શાંતિ મેળવવા,’ યાજ્ઞવલ્કયે ઉત્તર આપ્યો: 'પરંતુ મારા ગૃહત્યાગ પછી તમે લડી મરો નહિ એટલા માટે મારું એકઠું કરેલું ધન હું તમારી વચ્ચે વહેંચી આપવા માગું છું.'

'ધનથી શાંતિ મળશે ?’

'ના ધનથી શાંતિ નહિ મળે.’

'ત્યારે ધનની મદદથી બંધનોમાંથી મુક્તિ મળશે કે અમૃતપદની પ્રાપ્તિ થઈ શકશે ?’

'ના. સમસ્ત સંસારનું ધન કે ઐશ્ચર્ય મળે તો પણ મુક્તિ કે અમૃતપદની પ્રાપ્તિ ના થઈ શકે. ધનની શક્તિ મર્યાદિત છે. તેને મેળવીને ભોગપદાર્થોની પ્રાપ્તિ થાય ને સુખપૂર્વક જીવી શકાય ખરું પરંતુ ધનથી કોઈ મૃત્યુંજય ના બની શકે. આત્માને ઓળખી પણ ના શકે. સંપૂર્ણ સુખ ને શાંતિની પ્રાપ્તિ પણ ના કરી શકે. ધન, વૈભવ અથવા તો અમરાપુરી જેવા ઐશ્વર્યથી જન્મ મરણના રહસ્યને ઉકેલી તથા જીવનને કૃતાર્થ પણ ના કરી શકાય. એને માટે તો અંતર્મુખ થઈને લાંબા વખત લગી તપશ્ચર્યા કરવી જોઈએ અને એટલા માટે જ હું વનમાં જાઉં છું.’

મૈત્રેયીનો સંસ્કારી આત્મા સળવળી ઉઠ્યો. યાજ્ઞવલ્કયના શબ્દો સાંભળીને એનું હૈયું હાલી ઉઠ્યું. એ પછી પોતાના હૃદયની લાગણીને વાચા આપતાં એણે જે કહ્યું તે આજે પણ અમર છે. એ કથન એકલી મૈત્રેયીનું નથી પરંતુ ભારતની સમસ્ત આધ્યાત્મિક સાધનાનું અથવા તો ભારતના આત્માનું છે. એમાં ભારતનો પ્રાણ ટપકે છે, ભારતના હૃદયની રજુઆત થાય છે અથવા તો ભારતીય સંસ્કૃતિનો પ્રતિધ્વનિ પડે છે. ભારત શાને માટે જીવે છે અને એ અતીત કાળમાં પણ કયા ધ્યેયને નજર સામે રાખીને જીવતું હતું તેનો એ કથન પરથી ખ્યાલ આવે છે, ને ભારતની વિશેષતા સમજાતાં એને માટે આપણા અંતરમાં આદરભાવ ઉત્પન્ન થાય છે.

મૈત્રેયીનું એ કથન કેવું હતું તે જાણો છો ? એણે કહ્યું કે, જેનાથી મારા જીવનનું કલ્યાણ ના થાય અથવા હું અમૃતમય ના બનું તેને લઈને શું કરું ? એ વસ્તુ મારું પરિત્રાણ કેવી રીતે કરી શકે ? હું પણ તમારી સાથે જ તપશ્ચર્યા કરવા માટે આવવા માગું છું.

મૈત્રેયીના એ કથનથી યાજ્ઞવલ્ક્ય પ્રસન્ન થયા અને સદુપદેશ આપવા માંડ્યા. એ સદુપદેશ બૃહદારણ્યક ઉપનિષદનું એક અગત્યનું અંગ છે. એની ચર્ચામાં આપણે નહિ પડીએ. આપણે તો મૈત્રેયીના એ કથન તરફ સૌનું ધ્યાન ખેંચીશું ને કહીશું કે, ભારતની સાધના ને સંસ્કૃતિ એટલા માટે જ અમર છે કે, આરંભથી જ એણે અમર આત્માનું અન્વેષણ શરૂ કર્યુ છે. શાંતિ, મુક્તિ કે સુખની ઈચ્છાવાળા માનવો એ અમર આત્માની પ્રાપ્તિ કરી શકે છે એ એનો અનાદિકાળનો ધ્વનિ રહ્યો છે. એને ઝીલીને આપણે એ પ્રમાણે ચાલવાનું જ બાકી છે.

Add comment

Security code
Refresh

Today's Quote

The character of a person is what he or she is when no one is looking.
- Anonymous

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok