Wednesday, October 28, 2020

ઈશુની ઉદારતા

ઈશુના જીવન પ્રસંગો કેટલા બધા સુંદર અને સારવાહી છે ?

શાંતિપૂર્વક વિચારનારને એ પ્રસંગોમાંથી કાંઈક ને કાંઈક જીવનપયોગી મહત્વનો મસાલો મળી રહે છે.

સંત પુરૂષોનાં જીવન એવાં જ સારગર્ભિત અને રહસ્મય હોય છે. એ જીવનમાં એવા એવા પ્રસંગો ભરેલા હોય છે, અથવા તો એ જીવનની સાથે એવી એવી ઘટનાઓ સંકળાયેલી હોય છે, જે સામાન્ય અથવા અસામાન્ય મનાતા માનવોને માટે પ્રેરણાસ્પદ થઈ પડે છે અને નવજીવનના ઘડતરની સામગ્રી પૂરી પાડે છે. એથી જ એ પ્રસંગો અથવા તો ઘટનાઓની વિચારણા હંમેશાં ઉપકારક ઠરે છે.

ઈશુના જીવનમાં ભાતભાતના કેટલાય પ્રસંગો છે. તેમાં એક નાનકડો દેખાતો, છતાં આગળ તરી આવતો, મહત્વનો જીવનોપયોગી સંદેશ આપનારો પ્રસંગ છે. દેખાવે નાનો હોવા છતાં, એ પ્રસંગની મૂલ્યવત્તા ઘણી મોટી છે. એ પ્રસંગમાં ઈશુના હૃદયની મહાનતા તેમ જ વિશાળતાનું દર્શન થાય છે. ઈશુની અસાધારણ અનુકંપા અથવા તો ક્ષમાશીલતાનો પણ એથી પરિચય મળે છે. એ પ્રસંગ ભારે મનનીય અને સંદેશવાહક છે.

આ રહ્યો એ સુંદર પ્રસંગ.

કહે છે કે એક સ્ત્રી ભારે દુરાચારિણી હતી. પોતાનાં ભાતભાતનાં ને જાતજાતનાં કુકર્મોને માટે તે મશહૂર હતી. કેટલાક લોકોએ એક વાર એ સ્ત્રીને સજા કરવાનો વિચાર કર્યો. એણે અપરાધ કર્યો હતો.

એકઠા થયેલા લોકો એ સ્ત્રીને ઈશુ પાસે લઈ આવ્યા.

ઈશુએ બધી પરિસ્તિથિનો તાગ મેળવી લીધો.

એમણે લોકોને કુતૂહલપૂર્વક પૂછ્યું કે શી હકીકત છે.

લોકોએ ઉત્તરમાં ઉહાપોહ કરીને કહેવા માંડ્યું કે આ સ્ત્રી ભારે દુરાચારિણી છે. એણે મોટો અપરાધ કરેલો છે. તમે અમને આજ્ઞા આપો એટલે એને પથ્થર મારીને મારી નાખીએ. એ જ એને માટે દંડ અથવા તો પ્રાયશ્ચિત છે. હવે એને જીવતી રાખવી બરાબર નથી. એને મારી નાખવામાં આવે એ જ યોગ્ય છે. આવી અધમાઅધમ સ્ત્રીનું મોઢું જોવું એ પણ પાપરૂપ અથવા તો અમંગલકારક છે. તમે કૃપા કરીને અમને આદેશ આપો એટલે અમારું કર્તવ્ય અમે પૂરું કરીએ.

ઈશુએ સમજી લીધું કે એકઠા થયેલા લોકો ભાન ભૂલી ગયા છે, અથવા તો બેકાબૂ બની ગયા છે. જો તેમને તેમની ઈચ્છા પ્રમાણે કરવા દેવામાં આવશે તો વાત બગડી જશે ને સ્ત્રીનું મૃત્યુ થશે.

એમણે પેલી પાપી સ્ત્રીના તરફ દૃષ્ટિપાત કર્યો.

એ તો મહાત્મા હતા. સાચા મહાત્મા. પૃથ્વી પર પરમપિતા પરમાત્માના પવિત્ર રાજ્યને પ્રસ્થાપિત કરવા માટે પ્રકટેલા પયગંબર. એમના પ્રાણમાં પ્રત્યેક જીવને માટે પ્રેમ હતો. એમના અંતરમાં આખી અવનીને માટે અનુકંપાનો અનેરો અર્ણવ ઉછાળો મારતો હતો. એવા અંતરમાં બીજાને માટે વિદ્વેષનો ભાવ કેવી રીતે હોઈ શકે ? એવા લોકોત્તર મહાપુરૂષ બીજાને તિરસ્કારની નજરે કેવી રીતે જુએ ? એમના અંતરમાં તો પાપીમાં પાપી, અથવા તો અધમમાં અધમ વ્યક્તિને માટે પણ સ્થાન હોય. ગમે તેવા દુરાચારીને માટે પણ સ્નેહ અથવા તો સહાનુભૂતિ હોય. એ તો સૌ કોઈને મીઠી નજરે જ જોતા હોય. સૌ કોઈને સહાય કરવા માટે તૈયાર હોય. એમનામાં સંકુચિતતા, કટુતા અથવા તો અનુદારતાનો અંશ પણ ન હોય. એને લીધે તો એ બીજાના પ્રકાશદાતા ને પ્રેરણાપ્રદાતા થઈને બીજાને તારી શકે છે અથવા તો બીજાના જીવનને ઉજાળી શકે છે. નહિ તો જો એવું ન હોય તો, વિપથગામી કે કુકર્મી માનવોને માટે આશા જ ક્યાંથી રહે ? એમનો ઉદ્ધાર જ કોણ કરે ?

સ્ત્રીને જોઈને ઈશુનો પ્રાણ પ્રેમથી પરિપ્લાવિત બની પીગળી ગયો.

લોકોએ કહ્યું : અમને આદેશ આપો. અમે પથ્થર મારવા તૈયાર છીએ. હવે વિલંબ ના કરો.

ઈશુએ શાંતિપૂર્વક કહ્યું : બરાબર છે. તમે બધા જ પથ્થર મારીને આ સ્ત્રીનું મૃત્યુ નીપજાવવા તૈયાર છો. પરંતુ તમારામાંથી પહેલો પથ્થર એ મારે જેણે જીવન દરમિયાન કોઈપણ પાપ ન કર્યું હોય !

ખલાસ. ઈશુની વાણી સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા. બધા એકમેકના મોઢા તરફ જોવા લાગ્યા. પહેલો પથ્થર કોણ મારે ? કોઈ નિર્દોષ હોય તો ને ? દરેકે કોઈને કોઈ અપરાધ તો કર્યો જ હતો.

ઈશુએ કહ્યું, આ સ્ત્રીને સુધરવાની તક આપો. એનો તિરસ્કાર ન કરો. દંડ દેનાર તમે કોણ ? તમે જ દોષિત છો.

લોકો સમજીને વિખેરાઈ ગયા.

પેલી સ્ત્રીએ ઈશુનું શરણ લીધું. એનું જીવન પલટાઈ ગયું.

એટલે ગમે તેવી દુરાચારી પ્રત્યે પણ સદા અનુકંપા રાખો. દંડ દેવાનું કામ ઈશ્વરનું છે. તે તેને કરવા દો. તમે તમારું સંભાળો, ને બીજાને દોષ દેવાને બદલે, આત્મનિરીક્ષણ કરીને તમારા પોતાના જીવનને સુધારો. એ જ ઉચિત છે. એથી જ લાભ થાય તેમ છે. આ પ્રસંગ એ અગત્યની વાત તરફ અંગુલિનિર્દેશ કરી જાય છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Prayer : Holding in mind what you desire, but without adding desire to it.
- David R Hawkins

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok