if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહારાષ્ટ્રના ચાર મહાન ખ્યાતનામ લોકોત્તર શક્તિથી સંપન્ન સંતપુરૂષો. ચારેચાર ઈશ્વરદર્શી અને પરમ શાંતિની પ્રાપ્તિ કરી ચૂકેલા. જ્ઞાનેશ્વર, તુકારામ, સમર્થ રામદાસ અને એકનાથ.

એ ચારે સંતપુરૂષોમાં એકનાથનું સ્થાન એકદમ અનેરું અને અજોડ હતું.

પચીસ વરસની અંદર તો એમણે ઈશ્વરનું દર્શન કરી લીધું, અને પછી આદર્શ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પોતાના ચિત્તની વૃત્તિ કેવી સતત રીતે ઈશ્વરમાં જોડીને ઈશ્વરપરાયણ બની શકાય, તે બતાવવા માટે જ જાણે જન્મ ધારણ કર્યો હોય તેમ એમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. પત્ની તરીકે ગિરજાબાઈ પણ એમને બધી જ રીતે અનુકૂળ મળ્યા. તે પણ ભક્તિશાળી તથા ઈશ્વરપ્રેમી હતાં, એટલે અંતઃકરણપૂર્વક એકનાથજીની સેવા કરતાં ને એમને મદદરૂપ બનતાં. સંતસમાગમ, હરિકથા તેમજ અતિથિ, અભ્યાગત ને દીનદુઃખીની સેવાસુશ્રષામાં એમનો સઘળો સમય પસાર થતો. એવો આદર્શ અને આનંદકારક હતો એમનો ગૃહસ્થાશ્રમ.

એની પાછળ એમના ગુરૂદેવનો આશીર્વાદ હતો. એમના ગુરૂદેવ કોણ તેની ખબર છે ?

જનાર્દન સ્વામી.

એ એક ઈશ્વરી કૃપાપાત્ર, પૂર્ણ, મુક્ત કે કૃતકૃત્ય મહાપુરૂષ હતા. દક્ષિણમાં આવેલા દોલતાબાદના કિલ્લામાં એ નિવાસ કરતા. એ કિલ્લાની સુરક્ષાની જવાબદારી એમના પર હતી. ભગવાન દત્તાત્રેયના એ ઉપાસક હતા અને દત્તાત્રેયના અનુગ્રહથી એમના સાક્ષાત દર્શનનો લાભ મેળવીને સિદ્ધાવસ્થાએ આરૂઢ થઈને ધન્ય બન્યા હતા. એ મહાસમર્થ સંતપુરૂષના આદેશથી જ એકનાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો. એમની પોતાની આટલી બધી ઈચ્છા ન હતી તો પણ પોતાના ઈશ્વરસદૃશ દેવદુલર્ભ ગુરૂદેવ પર એમને એવો અસાધારણ અને અખૂટ વિશ્વાસ હતો. એમનું વાક્ય એમને મન વેદવાક્ય બરાબર હતું.

એ મહાપુરૂષનો મેળાપ પણ એમને એકદમ અણધાર્યા સંજોગોમાં જ થયો હતો.

તે વખતે એકનાથની ઉંમર નાની હતી. પોતાના નિત્યક્રમ પ્રમાણે પોતાના ગામ પૈઠણમાં આવેલા નાનકડાં મંદિરમાં એ પ્રાર્થના કરતા બેઠા હતા ત્યારે તેમને એકાએક પ્રેરણા થઈ કે દોલતાબાદના કિલ્લામાં જનાર્દન સ્વામી નામે મહાપુરૂષ છે. તેમની પાસે જવાથી તમને શાંતિ મળશે, લાભ થશે, ને તમારી ઈશ્વરના અનુગ્રહની ઈચ્છા પણ પૂરી થશે.

એ પ્રેરણા અથવા તો આદેશથી એકનાથ અતિશય આનંદમાં આવી ગયા. એ એવા કોઈ મહાપુરૂષની શોધમાં જ હતા. એવા મહાપુરૂષના મેળાપને માટે એમનું અંતર તલસી રહ્યું હતું. એવા સંતપુરૂષના સાન્નિધ્યમાં રહીને, જીવનને એમના પથપ્રદર્શન પ્રમાણે આધ્યાત્મિક ઓપ આપીને એ એનું કલ્યાણ કરવા ઈચ્છતા હતા. આત્માનુભવી કે ઈશ્વરદર્શી મહાપુરૂષની કૃપા વિના એ ક્યાંથી બની શકે ?

અપૂર્વ ઉત્સાહથી ઉભરાઈને એ જનાર્દન સ્વામી પાસે પહોંચી ગયા. જનાર્દન સ્વામીએ પોતાની દૈવીશક્તિથી બધું જાણી લઈને એકનાથનો સ્નેહપૂર્વક સત્કાર કર્યો.

એકનાથજી એમની છત્રછાયામાં રહેવા લાગ્યા એટલું જ નહિ, પરંતુ એમની તનમનથી અડગ નિષ્ઠાપૂર્વક સેવા પણ કરવા લાગ્યા.

ગુરૂની કૃપા મેળવવી હોય તો એમની સેવા કરવી જ જોઈએ. સેવા વિના મેવા ભાગ્યે જ મળે. જે સેવા વિના જ મેવા મેળવવાની ઈચ્છા રાખે તેની ઈચ્છા સફળ ન જ થઈ શકે. સેવા દ્વારા સ્વાનુભવસંપન્ન સંતપુરૂષોને પ્રસન્ન કરવાથી તે પોતાની કૃપા વરસાવી દે છે અને ઈચ્છિત મનોરથ પૂરા કરે છે. એટલે તો ગીતાએ પણ મહાપુરૂષોની પાસેથી આત્મજ્ઞાનની ઉપલબ્ધિ કરવા માટે પ્રણિપાત, પરિપ્રશ્ન ને સેવાનો ઉલ્લેખ કરેલો છે.

એકનાથની સેવામાં કોઈયે જાતની કચાશ ન હતી. એમની સેવા જોઈને જનાર્દન સ્વામી પ્રસન્ન થતા અને એમની પ્રશંસા કરતા.
એક દિવસની વાત છે. જનાર્દન સ્વામીએ એકનાથને હિસાબ કરવાનું કામ સોંપ્યું. પૈસાની લેવડદેવડનો હિસાબ મેળવવાનો હતો. એકનાથજી ચોપડો લઈને હિસાબ કરવા બેઠા.

હિસાબ કરતાં કરતાં એક ભૂલ એવી નીકળી કે વાત નહિ. એકનાથજી કેટલોય પરિશ્રમ કરે, પરંતુ ભૂલ સુધરે જ નહિ. પકડાય જ નહિ.

મધરાત વીતી ગઈ તો પણ ભૂલ ન પકડાઈ.

એકનાથજી એમ કંટાળે, થાકે કે નિરાશ થાય તેમ ન હતા. ભૂલને શોધી કાઢીને હિસાબ મેળવવા માટે એ કૃતસંકલ્પ હતા.

પરંતુ એમનો સંકલ્પ સિદ્ધ ન થયો તે ન જ થયો.

છેવટે એમના ગુરૂ જનાર્દન સ્વામી આવી પહોંચ્યા અને એમને પરિશ્રમ કરતા જોઈને બોલ્યા : 'આટલી બધી રાત વીતી ગઈ છે તો પણ હજુ સુધી કામ પૂરું નથી થયું ?’

એકનાથે ઉત્તર આપ્યો : 'ગુરૂદેવ ! હિસાબમાં કોઈ ભૂલ થઈ ગઈ છે તે પકડી જ નથી શકાતી, પણ હું એને શોધી કાઢીશ ત્યારે જ આરામ કરીશ.’

ગુરૂદેવે સસ્મિત કહેવા માંડ્યું : 'એકનાથ ! હિસાબની આટલી નાની ભૂલ માટે આટલો બધો ઉજાગરો કર્યો, પરંતુ જીવનમાં જે મોટી ભૂલ થઈ ગઈ છે તેનું શું ? તેને લીધે તો જન્મ ને મરણના ચક્રમાં ફર્યા કરે છે. એ ભૂલને શોધી કાઢવા માટે શું કર્યું ? તે ભૂલને શોધી કાઢવાની જરૂર છે. તે ભૂલ પરમાત્માની પ્રાપ્તિ થશે ત્યારે જ પકડી શકાશે. હવે ચોપડો બંધ કરી આરામ કર. તને હું ઈશ્વરનો મેળાપ કરાવી આપીશ. તારી નિષ્ઠા ને સેવા જોઈને હું પ્રસન્ન થયો છું.’

એકનાથની આંખ ઊઘડી ગઈ. પોતાની આંખ ઉઘાડવા માટે જ ગુરૂદેવે આ પ્રસંગ ગોઠવ્યો છે તેની તેમને ખાતરી થઈ. સાથે સાથે ઈશ્વરનો મેળાપ કરાવી આપવા માટેની ગુરૂદેવની બાંયધરીથી એમને અત્યંત આનંદ થયો. ગુરૂની કૃપા થતાં ઈશ્વરકૃપા પણ સહેલાઈથી થઈ શકશે એવો એમને વિશ્વાસ થયો. એમનું હૈયું થનગની ઊઠ્યું. જીવનના શ્રેયનો દિવસ હવે તદ્દન પાસે છે એવો એમને સંતોષ થયા. ગુરૂની કૃપાથી શું નથી થઈ શકતું ?

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.