Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પંજાબમાં એ વખત રાજા રણજીતસિંહ રાજ્ય કરતા. એ વખતની વાત છે.

મહાન સંત અને સમર્થ યોગી હરિદાસ, રણજીતસિંહના ખાસ અનુનય-વિનયથી એમના દરબારમાં આવ્યા હતા. દરબારના સભ્યો તથા રાજા એ મહાન યોગીને પ્રસન્ન નેત્રે નિહાળી રહ્યા હતા.

રણજીતસિંહે કહ્યું : ‘મેં સાંભળ્યું છે કે તમે એક મહાન યોગી છો. તમારી પ્રશસ્તિ મેં કેટલીય વાર સાંભળી છે. તમે દિવસો સુધી સમાધિમાં રહી શકો છો તેવું પણ જાણ્યું છે. માટે જ મેં તમને બોલાવ્યા છે. સમાધિનું દર્શન કરાવીને મને કૃતાર્થ કરો એ મારી અભિલાષા છે. સમાધિના પ્રયોગને માટે જેવી કહો તેવી વ્યવસ્થા કરી દઉં.’

હરિદાસે કહ્યું : ‘રાજા ! યોગની સાધના, પ્રક્રિયા કે સમાધિનાં કાંઈ પ્રદર્શન ન હોય. એ કાંઈ જાદુગરીનો ખેલ કે તમાશો નથી, કે ચૌટે અને ચોરે, જ્યાં કહેવામાં આવે ત્યાં એનું પ્રદર્શન કરવાનું હોય. એ તો યોગીની પોતાની વસ્તુ છે અને આત્મકલ્યાણને માટે જ એનો વિનિયોગ કરવાનો છે. છતાં પણ, તમે રાજા છો ને ધર્મપ્રેમી તથા સંતોના સેવક છો એટલે તમારા સંતોષને ખાતર, તમારો આગ્રહ હશે તો, હું સમાધિનો પ્રયોગ જરૂર બતાવીશ.’

પછી તો યોગી હરિદાસના કહ્યા પ્રમાણે રાજા રણજીતસિંહે બધી તૈયારી કરી. રાજમહેલના વિશાળ ઉપવનમાં જ એક ઊંડો ખાડો ખોદાવ્યો. અને એના અંદરની બેઠકને પાકી કરાવી. યોગીના કહ્યા પ્રમાણે એક પેટી પણ કરાવી.

વિશાળ લોકમેદનીની વચ્ચે, એક નક્કી કરેલા દિવસે, હરિદાસે એ પેટીમાં સમાધિ લીધી. એ પેટીને બંધ કરવામાં આવી. અને પછી એને ઉપવનના પેલા ખાડામાં મુકાવી, રણજીતસિંહે ખાડો પુરાવી દીધો. ઉપર માટી બીછાવી દીધી.

પહેરેગીરોને ત્યાં રાતદિવસ ચોકીપહેરો કરવા માટે મૂકી દીધા. પહેરેગીરોએ એ જગ્યાની ચોકી કરી. હરિદાસે બરાબર ૪૦ દિવસે ખાડો ખોદવાની ને પેટી ઉઘાડવાની આજ્ઞા કરી હતી. તે પ્રમાણે એમના શિષ્યોની હાજરીમાં રાજાએ ખાડો સાફ કરાવીને પેટી ઉઘડાવી, તો બધાના આશ્ચર્યની વચ્ચે, હરિદાસ એમાં બેઠા હતા. શિષ્યોએ એમના પગ તથા મસ્તક પર ગાયનું ઘી ઘસ્યું, અને એમના કાનમાં ભગવાનના નામનો ધ્વનિ કર્યો, એટલે હરિદાસે ધીમેથી આંખ ઉઘાડી.

રાજા રણજીતસિંહ તથા બધા દર્શકોને આનંદ થયો. બધા બોલી કે પોકારી ઊઠ્યા : મહાત્મા હરિદાસની જે ! યોગી હરિદાસની જે !
પછી તો રાજા રણજીતસિંહે દરબાર ભર્યો, ને યોગી હરિદાસનું સન્માન કર્યું.

હરિદાસની યોગવિદ્યાથી સૌ પ્રભાવિત થયા હતા.

રાજાએ હરિદાસને કહ્યું : ‘હું તમારી શી સેવા કરું ?’

હરિદાસે ઉત્તર આપ્યો : પ્રેમ એ જ સેવા છે. અમારે યોગીઓને બીજું શું જોઈએ. ઈશ્વર મને બધું આપે છે. મે કાંઈ લેવા માટે આ પ્રયોગ નથી કર્યો.

તો પણ મારે કોઈ ભેટ તો આપવી જોઈએ ને ?

કશું જ આપવાની જરૂર નથી. ભારતવર્ષની સાધના કે યોગક્રિયામાં તમારી શ્રદ્ધા થઈ એટલે થયું. એથી વિશેષ મારે કાંઈ જ જોઈતું નથી.

પરંતુ રાજા એમ માને ખરા કે ? અતિશય આગ્રહ કરીને હરિદાસને એમણે એક કાશ્મીરી શાલ ભેટ આપી ને કહ્યું : રાજમહેલમાં રહીને હવે જ્યાં લગી જીવો ત્યાં લગી, મારું આતિથ્ય સ્વીકારો.

હરિદાસે હસીને કહ્યું : યોગી કાયમને માટે ઈશ્વરની દુનિયાનાં વિશાળ રાજમહેલમાં જ રહેતો હોય છે. બીજા રાજમહેલની એને જરૂર નથી.

અને એ ચાલી નીકળ્યા

રસ્તામાં કોઈ ઠંડીથી થરથરતો દીન માણસ મળ્યો. એને એમણે એ શાલ આપી દીધી.

હરિદાસની એ અદ્ ભૂત યોગવિદ્યાનો એ અદ્ ભૂત પ્રયોગ, રાજા રણજીતસિંહના વખતના એક અંગ્રેજ અમલદારે પોતાની નજરે નિહાળ્યો હતો. અને ભારે તાજ્જુબ થઈને તેણે એ પ્રસંગને લિપિબદ્ધ પણ કરેલો. ભારતની ભૂતકાલિન યોગસાધનાના ગૌરવસમો એ પ્રસંગ સંશોધકોએ થોડાં વરસો પહેલાં જ બહાર પાડેલો. આજે પણ એ પ્રસંગની સ્મૃતિથી આપણને આનંદ થાય છે. ભારતમાં હરિદાસ જેવા મહાન યોગીઓ વસતા હતા. હરિદાસ જાણીતા થયા. બાકી કાળના વિશાળ પ્રવાહમાં એવા તો કેટલાય સમર્થ અને અજ્ઞાત યોગીપુરૂષો આ દેશમાં પ્રગટ થયા ને મરી ગયા, તે કોણ કહી શકે ? એનો હિસાબ એક કાળદેવતા વિના બીજા કોણે રાખ્યો છે ? ભારતવર્ષ મહાન છે અથવા અમર છે, તે એવા યોગીપુરૂષોને લીધે જ. એમણે જ ભારતની સાધના અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. એમને પગલે ચાલીને દેશનાં ગૌરવને આપણે અક્ષય રાખી શકીએ, અને એના સાંસ્કૃતિક ધનમાં ઉમેરો કરી શકીએ, તો પણ ઘણું. એને કલંકિત તો ન જ કરીએ.

- શ્રી યોગેશ્વરજી