if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગયા વરસની રામનવમીની વાત છે. મારી મુલાકાતે એક જિજ્ઞાસુ અમેરિકન ભાઈ આવ્યા. તેમણે મને પ્રશ્ન કર્યો, રામચંદ્રજીને ભગવાન શા માટે કહે છે ? સાહિત્યનો શોખ હોવાથી હું તુલસીદાસનું રામાયણ વાંચું છું. તુલસીદાસ એમને ભગવાન કહે છે પરંતુ તુલસીદાસનું રામને ઈશ્વર માનવાનું એ વિધાન મારે ગળે નથી ઊતરતું.

મે કહ્યું : તમારે ગળે ન ઊતરતું હોય તો તુલસીદાસ તમને ક્યાં કોઈ જાતની બળજબરી કરે છે ? પોતાની ભાવના કે માન્યતાને માટેનો દુરાગ્રહ એ નથી રાખતા. તમને ઠીક લાગે તો એનો સ્વીકાર કરો. નહીં તો કાંઈ નહીં. એ તો પ્રેમથી પ્રેરાઈને, તટસ્થતાપૂર્વક, પોતાના અનુરાગપૂર્ણ અંતરને એ રીતે અભિવ્યક્ત કરી રહ્યા છે એટલું જ. 

એ તો બરાબર છે. એમણે કહ્યું, પરંતુ તુલસીદાસના અંતરમાં એટલો બધો અપાર અનુરાગ કેમ ઉત્પન્ન થયો, અને રામને એ ઈશ્વર માનવા માટે કેમ પ્રેરાયા ?

એ તે કાંઈ પ્રશ્ન છે ? મેં કહ્યું, એ તો મહાત્મા તુલસીદાસની અંગત કે વ્યક્તિગત વાત છે. એ માન્યતાના મૂળમાં એક સાચા ને પ્રમાણિક ભક્ત તરીકેનો એમનો અનુભવ હશે. અને એમના ભક્તિભાવથી ભરેલા સૂક્ષ્મ હૃદયની સંવેદના હશે. એ સ્વાનુભૂતિ અને સંવેદનાના છાંટા રામાયણમાં ઠેરઠેર પડેલા છે. અથવા કહો કે તુલસીદાસે એ છાંટા પાડેલા છે. એ છાંટા એમનાં અંતરનું આછુંપાતળું દિગ્દર્શન કરાવી જાય છે.’

કેવી રીતે ?

તમે જો રામાયણ પર બરાબર દૃષ્ટિ ફેરવશો, તો આ વાતને સહેલાઈથી સમજી શકશો. અયોધ્યાકાંડનો જ વિચાર કરો. રાજા દશરથ રામનો રાજ્યાભિષેક કરવા કૃતનિશ્ચય થયા છે. મુનિ વશિષ્ઠ સાથે પરામર્શ કરીને એ માટેની જરૂરી તૈયારી કરવાની પણ આજ્ઞા કરે છે. રામને એ વાતની ખબર પડે છે. રાજ્યાભિષેકના સમાચારથી કોને આનંદ ન થાય ? છતાં પણ  રામચંદ્રજીના વદન પર એવી જ શાંતિ છે, સ્વસ્થતા કે સૌમ્યતા છે. કોઈ વિશેષ ઉલ્લાસ કે અહંભાવ નથી. કોઈ સામાન્ય માણસને માટે આ શક્ય છે ખરૂં ? એ તો સમૃદ્ધિ કે સમુન્નતિના સમાચાર સાંભળીને જ છકી જાય. આનંદમગ્ન તો બને જ. રામચંદ્રજી સ્વસ્થ રહ્યા, કેમ કે એ સમજતા હતા કે શરીર ધારણ કર્યું એટલે સંપત્તિ ને વિપત્તિ તથા સુખ ને દુઃખ તો આવવાનાં જ. એ તો બધી દૈવની કે પ્રકૃતિની લીલા છે. એનો વળી હર્ષશોક શું ? અને બીજા જ દિવસનો વિચાર કરો. બધો પ્રસંગ જ પલટાઈ ગયો.

કૈકેયીએ રામને વનમાં જવાની આજ્ઞા કરી. ત્યારે પણ શું થયું ? કોઈ સાધારણ માણસ હોત તો રડત, કલ્પાંત કરત, ગાળો દેત અને વનમાં પણ ન જાત. પરંતુ રામ કાંઈ સાધારણ ન હતા. સંપત્તિ ને વિપત્તિને સમાન માનનાર એ મહાપુરૂષે કૈકેયીને ઠપકો પણ ન આપ્યો, કે કટુ વચન પણ ન કહ્યું. એ વખતે પણ એ એવા જ સ્વસ્થ ને શાંત રહ્યા. તમે એવા સ્વસ્થ ને શાંત રહી શકશો ? વનમાં રહ્યા તે વખતે અને વનવાસ પૂરો થયા પછી એમનો રાજ્યાભિષેક થયો તે વખતે પણ એ એવા જ એકરસ ને શાંત રહ્યા. કોઈ દૃશ્ય, પ્રસંગ, પરિસ્થિતિ, અભિનય, કે વાતાવરણમાં રંગાયા કે ભાન ભૂલ્યા નહીં પરંતુ દરેક વખતે અનાસક્ત અથવા અલિપ્ત રહ્યા. માટે જ તુલસીદાસને થયું કે આમને માનવ કેમ કહી શકાય ? માનવમાં આવી યોગ્યતા ભાગ્યે જ હોય. તે તો પ્રકૃતિનો દાસ કે સંજોગોનો શિકાર બને છે. અલિપ્ત રહીને અભિનય કરવાની કળા તેને હસ્તગત નથી જ, તો પછી રામને દેવ કહેવા ? દેવતામાં પણ આવી શાંતિ, સ્વસ્થતા, જિતેન્દ્રિયતા, ને ભોગો પ્રત્યેની વિરક્તિ ક્યાં હોય છે ? તે તો ભોગમાં ફસાયલા હોય છે. રામની સરખામણી તેમની સાથે પણ ના થઈ શકે.

તો પછી કોની સાથે થઈ શકે ?

તુલસીદાસને થયું કે આવી લોકોત્તર યોગ્યતા કે ગુણવત્તા તો માત્ર ઈશ્વરમાં જ હોઈ શકે. એકાદ અવતારી પુરૂષમાં જ હોઈ શકે. એટલે રામને ઈશ્વર કહીને એમણે સંતોષ વાળ્યો. પોતાની સ્વાનુભવપૂર્ણ લાગણીને એમણે એવી રીતે વાચા આપી. એ લાગણીને વ્યક્ત કરતો શ્લોક પણ એમણે લખી કાઢ્યો અને એવા તો બીજા કેટલાય શ્લોકો, કેટલીય આરતિ, સ્તુતિ, ને પ્રાર્થનાઓ લખી કાઢી. પોતાને જે સમજાયું તે એમણે સંસાર સમક્ષ રજૂ કર્યું. એમાં તમને, મને કે કોઈને શી આપત્તિ હોઈ શકે ?

આ રહ્યો એમનો એ અમર શ્લોક.

प्रसन्नतायां न गताभिषेकत: तथा न मम्लौं वनवास दुःखत ।
मुखांबुजश्री रघुनंदस्य मे, सदास्तु सा मंजुलमंगलप्रदा ॥

અભિષેકથી જેના પર પ્રસન્નતા નથી પ્રકટી ને વનવાસનાં દુઃખોથી જે કરમાઈ નથી તે શ્રી રામચંદ્રજીનાં વદનકમળની શોભા મારે માટે કાયમ કાજે કલ્યાણકારક હો !

મારી વાત સમજ્યા કે ન સમજ્યા ?

પેલા અમેરિકન ભાઈએ ઉત્તર આપ્યો, ના કેમ સમજુ ? આટલી બધી વિશદ રીતે સમજાવ્યું તો પણ ન સમજું તે બને જ કેમ ? હવે મને તુલસીદાસે રામને ઈશ્વર કેમ કહ્યા છે તે સમજાયું. તુલસીદાસની જ નહીં પરંતુ સારાયે દેશની, ભારતવર્ષની, ભાવના સમજાઈ ગઈ.

બસ ત્યારે.

એ પ્રેમપૂર્વક થોડી વાતચીત કરીને વિદાય થયા.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.