Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ પહેલેથી જ કુશાગ્ર બુદ્ધિવાળા હતા. કલકત્તાના ગંગાતટ પરના, રાણી રાસમણીએ બંધાવેલા, સુંદર ને શાંત મંદિર દક્ષિણેશ્વરમાં, તે પોતાના મોટા ભાઈ રામકુમાર સાથે રહેવા આવ્યા. ત્યારથી જ તેમની લોકોત્તર બુદ્ધિશક્તિનો પરિચય મળવા લાગ્યો હતો.

આજુબાજુના લોકો એ શક્તિની ઝાંખી કરીને એમને માનની નજરે જોતા. 

એકવાર એવું બન્યું કે દક્ષિણેશ્વરના મંદિરમાં રામની મૂર્તિ હતી. પૂજા કરતી વખતે રામકુમારના હાથમાંથી તે પડી ગઈ. પરિણામે મૂર્તિના હાથ ભાંગી ગયો ને મૂર્તિ ખંડિત થઈ.

ખંડિત મૂર્તિની પૂજા કરવી કે તેની જગ્યાએ બીજી નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરવી તે સવાલ થઈ પડ્યો.

એ વાતનો નિર્ણય કરવા રાણી રાસમણીએ પંડિતોની પરિષદ ભરી.

પંડિત શાસ્ત્રવચનોના આધાર પર ચર્ચા કરવા માંડ્યા. વાદવિવાદ વધી પડ્યો પરંતુ સર્વસંમત એક નિર્ણય પર ન પહોંચી શક્યા.
 
રાસમણીને ખબર ન પડી કે શું કરવું ! એમની મૂંઝવણનો પાર ન રહ્યો.

તે વખતે શ્રી રામકૃષ્ણદેવ પણ ત્યાં બેઠા હતા. તે સૌને વાદવિવાદ કરતા જોઈને કહેવા માંડ્યા : મારી બુદ્ધિ એટલી બધી ઊંડી નથી. છતાં પણ આ બાબતમાં મારે થોડુંક કહેવાનું છે. મૂર્તિ ખંડિત થઈ છે એ સાચું, પરંતુ ધારો કે રાણી રાસમણીના જમાઈ મથુરબાબુનો હાથ તૂટી જાય તો રાણી એના એ જ જમાઈને રાખે કે જમાઈને બદલી નાખે ?’

બધા પંડિતો સ્તબ્ધ થઈ ગયા. રાણી રાસમણી પણ એ તર્કથી પ્રભાવિત થયાં.

રામકૃષ્ણદેવે કહ્યું : એવી રીતે મૂર્તિને બદલવી ન જોઈએ. ખંડિત મૂર્તિ સાજી થઈ શકે છે. એને સાજી કરીને પૂજવી જોઈએ.

સૌના મનનું સમાધાન થઈ ગયું.

રામકૃષ્ણદેવે તે પછી કહે છે કે પોતાને હાથે જ એ ખંડિત મૂર્તિને ઠીક કરી. તે ખંડિત થઈ છે એવું લાગ્યું પણ નહિ.

મૂર્તિ નવી હશે કે ખંડિત એ વાત એટલું મહત્વ નથી ધરાવતી. મહત્વની વાત તો એ છે પૂજા કે સેવા કરનારનું હૃદય કેવું છે - સાજું છે કે ખંડિત, એના પર ઉપાસનાની સફળતા કે નિષ્ફળતાનો આધાર છે. મૂર્તિ કદાચ ખંડિત હશે તો ચાલી શકશે, પણ હૃદય ખંડિત હશે તો નહિ ચાલે; જરા પણ નહિ ચાલે. 

- શ્રી યોગેશ્વરજી