Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અધ્યાત્મપંથના  પ્રવાસીઓના જીવનમાં કેવા કેવા પરીક્ષા-પ્રસંગો આવે છે ? એમને પરીક્ષા-પ્રસંગો કહો કે પ્રલોભન-પ્રસંગો કહો, કે બીજું ગમે તે નામ આપો, પણ તે એમના મનોબળની કસોટી કરનારા પુરવાર થાય છે. અસાધારણ આત્મબળ અથવા ઈશ્વરકૃપા વિના એ પ્રસંગોમાંથી પાર થવાનું કામ કઠિન હોય છે. કેટલીકવાર તો પ્રશંસકો કે ભક્તો દ્વારા જ એવા અવનવા પ્રસંગો ઉપસ્થિત કરાતા હોય છે, ને કાચાપોચા માણસને એમાં પડીને પથભ્રાંત થતાં વાર નથી લાગતી.

એવા જ એક પ્રસંગનો ઈતિહાસ અહીં આલેખી રહ્યો છું.

અમૃતસરમાં ગીતાભવનમાં મારાં પ્રવચનો ચાલતાં. પ્રવચનોનો વિષય ભક્તિયોગનો હતો. પ્રવચનોની પૂર્ણાહુતિનો સમય પાસે આવ્યો ત્યારે એક દિવસ વહેલી સવારે એક ભાઈ અગાઉથી નક્કી કર્યા વિના એકાએક મને મળવા આવ્યા.

મેં તેમને આવવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે કારણ ઘણું મોટું છે.

શું ?

છેલ્લા ત્રણચાર દિવસથી હું મારા મિત્ર સાથે અમૃતસર આવ્યો છું, ને તમારાં પ્રવચનોનો લાભ લઉં છું. એ પ્રવચનોએ મને તથા મારા મિત્ર બંનેને મંત્રમુગ્ધ કર્યા છે.

તે તો તમારા પ્રેમભાવ તથા તમારી ગુણગ્રાહકતાની વાત છે.

થોડીવાર સુધી શાંતિ પથરાઈ રહી. પછી મેં કહ્યું : આવવાનું કારણ એટલું જ હોય તો હવે આપણે છૂટા પડીએ. હું મારે કામે લાગું.
ના, બીજી વાત પણ કહેવાની છે.

શી ?

મારા મિત્રને ને મને તમારી વિદ્વતા તથા ત્યાગવૃત્તિ જોઈને એક વિચાર આવ્યો છે. મારા મિત્ર તમારા જેવા જ વિદ્વાન તથા ત્યાગી પુરૂષની શોધમાં હતા. તેમને એક પુત્રી છે. તે ભારે વિદ્વાન, ધર્મપરાયણ ને સુશીલ છે. તે પણ તમારા જેવા પુરૂષને જ વરવા માગે છે. તમે કહેતા હો તો તે કન્યા તમને બતાવીએ અને કૃષ્ણાર્પણ કરીએ. તમારે લીધે એનું જીવન પણ સુખી બની જશે. એ પંજાબી છે ને બાજુના ગામમાં જ વાસ કરે છે. એના પિતા મોટા જમીનદાર છે. પોતાની બધી જ જમીન અને બીજી સંપત્તિ એ તમને આપી દેશે, અને તમે એમની પાસે રહેશો તે એમને ગમશે. અત્યારે ને અત્યારે તમારો નિર્ણય ના જણાવવો હોય તો એક બે દિવસ પછી નિરાંતે કહેજો. તમે બોલાવશો ત્યારે હું આવી જઈશ. બાકી કન્યા રત્ન જેવી છે ને આવો અવસર ફરીફરી નહિ મળે.

હું એમનું સાહસ જોઈને સ્મિત કરવા માંડ્યો. મેં કહ્યું : તમારે આ જ કામ માટે આવવાની ઈચ્છા હોય તો ફરીવાર ના આવતા.
 
કેમ ?

મારે એવી કોઈયે કન્યાની જરૂર નથી. હું કોઈનોય સ્વીકાર નથી કરી શકું તેમ. તમે વગર પરિચયે ઘણું મોટું સાહસ કર્યું છે, એ જોઈને મને નવાઈ લાગે છે.

પરંતુ જરા વિચાર તો કરી જુઓ !

વિચાર કરેલો છે એથી જ આવું કહી બતાવું છું. કન્યાને માટે તપાસ કરશો તો એના ભાગ્ય મુજબ એને લાયક કોઈ પુરૂષ મળી રહેશે. મેં તો ઈશ્વર સાથે જ લગ્ન કરેલું છે, અને બીજા કોઈની સાથે લગ્ન કરવાની ઈચ્છા નથી રાખી. આવી રીતે ગમે તેવા સંત મહાત્મા કે વિદ્વાન દેખાતા પુરૂષ પાસે જઈને કન્યાને અર્પણ કરવાની વાત ના કરતા. નહિ તો પરિણામ ખરાબ આવવાનો સંભવ છે.

છેવટે તે ભાઈ વિદાય થયા. પણ જતાં જતાં કહેતા ગયા કે એક વાર પાછો આવીશ ખરો.

પરંતુ તે પછી તે આવ્યા જ નહિ. કદાચ મારી સાથેની વાતચીત પર શાંતિથી વિચાર કરતાં, આશાનું કોઈયે કિરણ તેમને નહિ દેખાયું હોય.

- શ્રી યોગેશ્વરજી