Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બારડોલી પાસેનું નાનું ગામ ટીંબા.

ત્યાં ગામ બહાર એકાંતમાં આશ્રમશાળા છે.

વાત ત્યાંની અને તાજેતરની છે.

એ આશ્રમશાળાના આચાર્યના આમંત્રણને માન આપીને આ ઉનાળામાં અમે એની મુલાકાતે ગયા.

આશ્રમશાળા જોઈને અમને સંતોષ થયો. એ શાળામાં પછાત વર્ગનાં બાળકોને માટે રહેવા તથા ભણવાની મફત સગવડ હતી. એ સગવડનો લાભ કેટલાંય નાનાંમોટાં બાળકો લઈ રહ્યાં હતાં.

એનો યશ એના આચાર્યને ફાળે જતો હતો. એમણે જ એ સંસ્થાના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્ન કરેલો.

આશ્રમશાળાનાં બાળકોની આગળ મારો વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો. એમાં બાળકોની રુચિ પ્રમાણે નાનામોટા અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા.

દોઢેક કલાકના એ આનંદદાયક વાર્તાલાપ પછી મારા નિત્યનિયમ પ્રમાણે સાંજનો સમય થતાં હું ખુલ્લા ખેતરમાં જઈને પ્રાર્થના કરવા બેઠો.

તે દરમિયાન બે નાના વિદ્યાર્થીઓ મને મળવા આવ્યા ને મારાથી થોડેક દૂર બેસી ગયા.

પ્રાર્થના પૂરી થયે હું ઊભો થયો એટલે તે બંને વિદ્યાર્થીઓ મારી પાસે આવીને પગે લાગ્યા, અને મારા હાથમાં એમણે એક કાગળ મૂક્યો.

કાગળ વાંચીને મારા વિસ્મયનો પાર ના રહ્યો. એમાં લખેલું કે અમે બાજુના ગામના હળપતિના છોકરાઓ છીએ. હું આ કાગળ લખીને જણાવું છું કે હું કેટલાય વખતથી માંસ ખાઉં છું, દારૂ-તાડી પીઉં છું. ધૂમ્રપાન કરું છું, જુઠ્ઠું બોલું છું, જુગાર રમું છું, ને ચોરી કરું છું. આજે તમારો ઉપદેશ સાંભળીને મને દુઃખ થયું. મને સુધરવાની તક મળી છે, ને મારી બધીયે કુટેવો તથા મારાં વ્યસનોને કાયમ માટે છોડી દેવાની હું પ્રતિજ્ઞા લઉં છું.

મેં પૂછ્યું : આટલી નાની ઉમરમાં આવી કુટેવો ક્યાંથી પડી ?

એણે કહ્યું : ઘરમાંથી.

તો પછી ઘેર જવાનું થશે ત્યારે આ પ્રતિજ્ઞાને વળગી રહેવાશે ?

મારાં માતપિતાને પણ તેમની કુટેવો છોડવાની પ્રતિજ્ઞા લેવડાવવા હું સમજાવી જોઈશ.

પણ તે નહિ માને તો ?

તો પણ હું મારી પ્રતિજ્ઞાને વળગી જ રહીશ. તેનો ભંગ નહિ જ કરું. અત્યાર સુધી મને જ્ઞાન ન હતું, આજે તમે મારી આંખ ઉઘાડી નાખી છે.

એ વિદ્યાર્થીને મેં શાબાશી આપી તથા હિંમત પૂરી પાડી. એની આંખ પશ્ચાતાપના પાણીથી પલળેલી હતી.

આશ્રમના આચાર્યને મેં એ વિદ્યાર્થીની હકીકત પૂરી પાડીને એનું ધ્યાન રાખવા કહ્યું.

એ વિદ્યાર્થીની વાત યાદ કરીને મને થાય છે કે ક્ષણ, બે ક્ષણ, કે વધારે વખતના સત્સંગનો પ્રભાવ કેવો પ્રબળ હોય છે ? તે ક્યારે, કોને, કેવી ને કેટલી અસર કરે છે ને કરશે તે કોઈ જ નથી કહી શકતું. પરંતુ એની અસર થાય છે અને કેટલીકવાર તો ભારે ક્રાંતિકારી રીતે થાય છે એ ચોક્કસ છે. સત્સંગ છે જ જીવનમાં ક્રાંતિ કરી સુખદ પરિવર્તન લાવવા માટે. પરિવર્તનની એ પળો અનેરી અને અમર બની જાય છે. એ પણ સાચું છે કે બાળકો પર એની અસર બહુ પ્રબળ પડે છે. દેવર્ષિ નારદના સમાગમે રત્નાકર લૂંટારાને મહર્ષિ વાલ્મિકી બનાવ્યો એ વાત કેટલાકને અતિશયોક્તિ જેવી લાગે છે, પણ તેમાં અતિશયોક્તિ જેવું કશું જ નથી, એની આ પ્રસંગ પરથી પ્રતીતિ થશે. હળપતિનો એ બાળક પોતાની પ્રતિજ્ઞાને વળગી રહેશે તો કેવો ઉત્તમ બનશે એ વિચાર મને અવારનવાર આવ્યા કરે છે. પ્રભુ એને, એની પ્રતિજ્ઞાને વળગી રહેવાનું બળ આપો !

- શ્રી યોગેશ્વરજી