Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જે કામ શાસ્ત્રો ના કરી શકે તે કોઈક ધન્ય પળે બોલાયેલા મહાન પુરૂષોના થોડાક, ગણ્યાગાંઠ્યા શબ્દો કરી શકે છે. જીવનમાં એ પ્રકાશ ધરે છે, પ્રેરણા પહોંચાડે છે, અવનવો જીવનોપયોગી સંદેશો પૂરો પાડે છે, ને ક્રાંતિ કરે છે. એ શબ્દોમાં એવી શક્તિ હોય છે. એ શબ્દો નથી હોતા, પણ મંત્રો હોય છે. માટે તો જીવનને તારે છે, ઉદ્ધારે છે, અથવા જીવન બનાવે છે, પલટાવે છે, ને પુનિત કરે છે.

ભગવાન બુદ્ધના જ શબ્દોનો વિચાર કરોને ! એ શબ્દોમાં એટલી બધી અસરકારકતા હતી કે અંગુલિમાલના જીવનને એણે પલટાવી નાખ્યું. જેવી રીતે રત્નાકર લુંટારાના જીવનપ્રવાહને દેવર્ષિ નારદે પલટાવી નાખેલો, ધ્રુવના જીવનપ્રવાહને એની માતા સુનીતિએ પલટાવીને પરમાત્માભિમુખ બનાવેલો, ને તુલસીદાસના પ્રેમપ્રવાહને એની પત્નિ રત્નાવલીએ રામની દિશામાં વાળી દીધેલો : એ પરિવર્તનની પાછળ થોડાક શબ્દોએ જ કામ કર્યું હતું : તેવી રીતે અંગુલિમાલ લુંટારાના જીવનપરિવર્તનની પાછળ બેચાર શબ્દો અને વાક્યોએ જ કામ કર્યું. એ શબ્દો અને વાક્યોએ અંગુલિમાલનો ઉદ્ધાર કર્યો.

આ રહ્યો એમની મુલાકાતનો એ પ્રેરક ઐતિહાસિક પ્રસંગ !

પોતાને ગયાના સુપ્રસિદ્ધ બોધિવૃક્ષ નીચે શાંતિ પ્રાપ્ત થયા પછી બીજાને એ શાંતિનો લાભ આપવા માટે ભગવાન બુદ્ધ ઠેકઠેકાણે વિચરણ કરવા માંડ્યા. લોકોને સત્ય ધર્મનો સંદેશ આપતા અને એમના જીવનપંથને અજવાળતા એ ભારતવર્ષની પુણ્યભૂમિને વધારે પુણ્યવંતી કરવા લાગ્યા.

એ દિવસો દરમ્યાન એકવાર એ એક એકાંત ઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા.

એ જંગલમાં અંગુલિમાલ રહેતો હતો.

એ લોકોને લૂંટતો, ત્રાસ આપતો, ને મારી પણ નાખતો. એવી રીતે મારી નાખેલા કેટલાય લોકોની આંગળીઓ કાપી લઈને એણે માળા બનાવી હતી. એ માળાને એ કંઠમાં ધારણ કરતો. એટલા માટે લોકો એનું નામ સાંભળતાં જ ત્રાસ પામતા, ડરતા, ને ગભરાતા.

બુદ્ધને એમણે એ ભયંકર જંગલમાંથી જવાની ના પાડી. પરંતુ બુદ્ધ એમ ડરે શેના ! એ તો નિર્ભય હતા એટલે ચાલી નીકળ્યા.
થોડીવાર સુધી તો બુદ્ધ, સહીસલામત રીતે આગળ વધ્યા, પરંતુ પાછળથી અંગુલિમાલે એમને જોઈને, એમને ઓળખીને, બૂમ પાડી : ‘અરે બુદ્ધ, ઉભો રહે !’

ભગવાન બુદ્ધ તો જાણે કશું સાંભળ્યું જ ના હોય તેમ શાંતિથી ચાલવા માંડ્યા.

અંગુલિમાલે ફરી કહ્યું : ’ બુદ્ધ, ઉભો રહે !’

બુદ્ધ શાંતિપૂર્વક ચાલતા જ રહ્યા, પરંતુ ધીમેથી બોલ્યા : ‘હું તો ઉભેલો જ છું. ઉભા રહેવાનું તો તારે છે. તું નથી ઉભો રહ્યો.’

‘હું નથી ઉભો રહ્યો ?’

‘હા. તું નથી રહ્યો. હું તો ઉભેલો જ છું.’

‘તું ખોટું બોલે છે, હું પોતે તને ચાલતો જોઉં છું ને !’

‘બુદ્ધ કદી ખોટું નથી બોલતો’

અંગુલિમાલ પર એ શબ્દોની જાદુઈ અસર પડી. એ દોડીને એકદમ આગળ આવ્યો ને કહેવા માંડ્યો : ‘તમને હું પોતે ચાલતા જોઉં છું, તો તમે કેવી રીતે ઉભા રહ્યા છો ?’

બુદ્ધે સ્મિત કરીને કહ્યું : ‘અંગુલિમાલ, હું જે કહું છું તે સાચું જ કહું છું. મારું શરીર ચાલે છે પરંતુ મારું મન ચંચળતાથી રહિત હોવાથી નથી ચાલતું. એ તદ્દન શાંત છે. અને મારો આત્મા પણ શાંત છે. એમાં સંકલ્પવિકલ્પોના પરપોટા નથી ફૂટતા. ત્યારે તું બહારથી જોતાં ઉભો છે છતાં તારું મન અને અંતર દોડાદોડ કરે છે. એમાં કામના છે, વાસના છે, તૃષ્ણા છે, ને સારાનરસા સંકલ્પ-વિકલ્પ છે. એમાંથી મુક્તિ મેળવીને તારા મૂળભૂત શુદ્ધ બુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરવાની જરૂર છે. ત્યારે જ તારી ચંચળતા ને ભ્રમણા મટી શકશે તથા તને શાંતિ મળી શકશે. હું મારા મૂળ સ્વરૂપમાં કાયમને માટે સ્થિત છું તેવી રીતે તું પણ સ્થિતિ કરીને તારા જીવનનું સાર્થક્ય કર. પછી તું શાંત ને નિર્ભય બની જશે ને બીજાને પણ નિર્ભયતા ધરશે.’

અંગુલિમાલનો આત્મા સળવળી ને જાગી ઉઠ્યો. બુદ્ધના શબ્દોએ એના જીવનમાં ક્રાંતિ કરી અને એને નવી દિશા ધરી. આંગળીઓની માળાને કંઠમાંથી ફેંકી દઈને એ બુદ્ધને પગે લાગ્યો ને બુદ્ધનો શિષ્ય બન્યો. એનો આખોયે જીવનપ્રવાહ પલટાઈ ગયો, ને પ્રશસ્ય થયો.

- શ્રી યોગેશ્વરજી