નમસ્કારનો નશો
સમી સાંજે મંદિરના પ્રાંગણમાં એક નવયુવાને પ્રવેશ કર્યો, ને દેવદર્શન કરીને બહાર બેઠેલા પંડિત પાસે જઈને તે ઊભો રહ્યો.
‘અરે, તેં મને નમસ્કાર પણ ના કર્યા?’ પંડિત તરત બોલી ઊઠ્યા: ‘તને ખબર નથી કે ગામના મોટા મોટા લોકો પણ મને નમસ્કાર કરે છે?’
‘પણ તમે આટલા બધા ઉતાવળા કેમ થઈ ગયા?’ યુવાને ઉત્તર આપ્યો: ‘હું તમારી ધીરજ, નમ્રતા, સમતા ને મહાનતાની કસોટી કરતો હતો.’
ને બે હાથ જોડી મસ્તક નમાવીને તે રવાના થયો.
- શ્રી યોગેશ્વરજી