જીવદયા
ગંગામાં સ્નાન કરવા નિકળેલા એક ભાવિક પુરુષની આગળ એક કંગાલે કાલાવાલા કરતાં કહેવા માંડ્યું: ‘ભગવાન તમારું ભલું કરશે, મને એક પાશેર ચણા અપાવી દો. હું બે દિવસનો ભૂખ્યો છું. ભગવાન તમારું ભલું કરશે.’
તે વૃદ્ધ કંગાળને જોઈને પેલા પુરુષે મોં મચકોડ્યું, ને પોતાની અશક્તિ જાહેર કરી બીજાની પાસે માંગવાની સૂચના કરી.
પરંતુ કંગાળની કામના મટી નહિ. પેલો ભાવિક પુરુષ એક દુકાન પર જઈને ઊભો રહ્યો. ત્યાં પહોંચીને તેણે કહેવા માંડ્યું : ‘વધારે નહિ તો મને એક પાશેર લોટ અપાવો. ઘેર મારાં બાળકો ભૂખે સૂતાં છે. તેમને હું રોટલા ખવડાવીશ. વધારે નહીં તો મને એક પાશેર લોટ અપાવો.’
પેલા પુરુષે રોષમાં આવી જઈને પોતાને વધારે નહિ પજવવાની આજ્ઞા કરી; નહિ તો પરિણામ માઠું આવશે એવું પણ ભવિષ્ય ભાખ્યું.
તે પછી તે ભાવિક શેર લોટની ખરીદી કરીને સીધો ગંગા કિનારે ગયો, ને લોટની નાની નાની ગોળી વાળીને પાણીમાં ટોળે વળતી માછલીને ખવડાવવા લાગ્યો. વધુમાં પાસે બેઠેલા લોકોને તે જીવદયાની ભલામણ પણ કરવા માંડ્યો. પેલો વૃદ્ધપુરુષ દૂરથી ઊભોઊભો એ દેખાવ જોતો રહ્યો, પણ પાસે આવવાની હિંમત ન કરી શક્યો.
- શ્રી યોગેશ્વરજી