રામનવમી

વરસો વીતી ગયાં છે તો પણ રામનવમીનો ઉત્સવ એકધારા ઉત્સાહ અને પ્રેમપૂર્વક ઉજવાયા કરે છે. ભારતવર્ષની પ્રજાના હૃદયમાં સૌથી વધારે મહત્વનું સ્થાન જમાવનારા બે મહાપ્રતાપી અવતાર કોટિના મહાપુરુષો - રામ અને કૃષ્ણ. બંને લોકહૃદયમાં જીવંત છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આજના જન્મદિનના શુભાવસર પર ચારેકોર આનંદ આનંદ થઈ રહ્યો છે. અયોધ્યામાં વરસો પહેલાં પ્રકટેલા રામને સમસ્ત ભારતવર્ષની પ્રજાએ પોતાના માન્યા છે. આજે સંત તુલસીદાસે ગાયા પ્રમાણે ઠેરઠેર રામના જન્મોત્સવના આનંદમાં બપોરે બાર વાગે ગવાશેઃ

જયજય સુરનાયક જનસુખદાયક પ્રનતપાલ ભગવંતા,
ગોદ્વિજહિતકારી જય અસુરારી સિંધુસુતા પ્રિયકંતા.
પાલન સુર ધરની, અદભુત કરની, મરમ ન જાનઈ કોઈ,
જો સહજ કૃપાલા, દીનદયાલા, કરહું અનુગ્રહ સોઈ

જયજય અવિનાશી, સબ ઘટ બાસી, વ્યાપક પરમાનંદા,
અબિગત ગોતીતં, ચરિત પુનીતં, માયારહિત મુકુંદા.
જેહી લાગી બીરાગી, અતિ અનુરાગી બિગતમોહ મુનિવૃંદા,
નિસિબાકર ધ્યાવહિ ગુનગન ગાવહિ જયતિ સચ્ચિદાનંદા.

રામ આટલા બધાં વરસો વીત્યા પછી પણ ભારતીય પ્રજાના હૃદયસિંહાસન પર એકછત્ર શાસન કેમ કરી રહ્યા છે, એનો ઉત્તર મેળવવા માગનારે એમના જીવનમાં દૈવી કર્મોનું અને એમની દ્વારા પ્રવાહિત થનારા જીવનોપયોગી સંદેશનું સ્મરણ કરવાનું છે. રામ તત્વજ્ઞાનીની દૃષ્ટિએ સૌના હૃદયમાં રમનારા અથવા યોગી, જ્ઞાની ને ભક્ત જેમનો આશ્રય લઈને આનંદ અનુભવે છે અને જેમનામાં રમે છે તે પરમાત્મા છે. સામાન્ય સાંસારિક દૃષ્ટિએ એ દશરથના પુત્ર રામ છે. પ્રજા એમને એક આદર્શ પુત્ર ને પતિ તરીકે, આદર્શ ભ્રાતા ને સખા તરીકે તથા આદર્શ રાજા તરીકે ઓળખે છે અને અતિશય અનુરાગ તેમજ આદરભાવ સહિત યાદ કરે છે.

નીતિ ને સદાચારના પ્રતીક જેવા રામના જીવનમાં નીતિમત્તાનું દર્શન પહેલેથી જ થઈ રહે છે. રામાયણમાં વર્ણવ્યા પ્રમાણે મહારાજ દશરથે એક દિવસ પોતાના મસ્તક પર એક સફેદ વાળ જોયો ને વિચાર્યું કે જીવનનો વિશ્વાસ નથી. ચંચળ વિનાશશીલ જીવન પાણીના પ્રબળ પ્રવાહની પેઠે વહ્યા કરે છે. એવા જીવન પર કાળનો છેવટનો પડદો પડી જાય તે પહેલાં મારે ચેતવું જોઈએ. સંસારના વિષયો ને રાજકાજમાંથી મનને પાછું વાળવું જોઈએ અને આત્મકલ્યાણની સાધનામાં ચિત્તની સમસ્ત વૃત્તિઓને પરોવવી જોઈએ. બીજે દિવસે એમણે મહર્ષિ વશિષ્ટની સલાહ લઈને રામનો રાજ્યાભિષેક કરવાનો સંકલ્પ કર્યો.

રામને એની માહિતી મળી ત્યારે એમને એ વાતનો ઉલ્લાસ ના થયો. એમને થયું કે રઘુકુળમાં અમે ચારે ભાઈઓ સાથે રમ્યા ને મોટા થયા છીએ તો કેવળ મને જ રાજ્યાભિષેક માટે શા માટે પસંદ કરવામાં આવે છે ? એવી તટસ્થ, અનાસક્ત, મોહરહિત, લાલસાવિહીન અવસ્થા શ્રીરામ સિવાય બીજા કોનામાં હોઈ શકે ? આજના માણસોને નાનોસરખો ઈલ્કાબ મળતાં કે પદપ્રતિષ્ઠાની પ્રાપ્તિ થતાં ઉન્માદ ચઢે છે ને પદપ્રતિષ્ઠાને પ્રાપ્ત કરવા તે નીતિના બધા જ નિયમોને નેવે મૂકીને કોશિશ કરે છે, ત્યારે એ સંદર્ભમાં શ્રીરામનું આવું નિરપેક્ષ આદર્શ વ્યક્તિત્વ કેટલું બધું વિરાટ લાગે છે ? સહજ રીતે સાંપડનારો રાજ્યાભિષેક પણ એમને સુખ પ્રદાન નથી કરી શકતો કે માદક નથી બનાવતો. એમની વિવેકશક્તિ એવી જ અચળ રહે છે.

રામનો રાજ્યાભિષેક એ વખતે થઈ પણ ના શક્યો. માતા કૈકેયીએ મંથરાની મદદથી કે મંથરાએ કૈકેયીની મદદથી રામને માટે વનમાં જવાની માગણી કરી અને એને અનુસરીને રામને વનમાં જવાનું થયું. વનમાં વિભિન્ન વિપત્તિઓ વેઠવી પડી તો પણ એમના પ્રાણની પ્રન્નતા એ સ્થિતપ્રજ્ઞ હોવાથી મટી નહિ. વનવાસમાંથી પાછા અયોધ્યા આવ્યા અને એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યારે પણ એમનું મન નિર્વિકાર જ રહ્યું. એવા પુરુષની પ્રશસ્તિ ના થાય તો બીજા કોની થાય ? તુલસીદાસજીને રામની એ નિર્વિકાર સ્થિતપ્રજ્ઞ દશા ગમી છે એટલું જ નહિ પણ અંજલિ પ્રદાન કરવા યોગ્ય લાગી છે. એટલે એમણે સરસ શ્લોકમાં ગાયું છેઃ

प्रसन्नतायां न गतामिषेकतस्तथा न मम्भौ वनवासदुःखतः ।
मुखाम्बुजश्री रघुनंदनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा ॥

અભિષેકને લીધે જે મુખમંડળ પર પ્રસન્નતા ના ફરી વળી ને વનવાસને લીધે દુઃખની છાયા ના પ્રસરી એ રામના મુખમંડળની શોભા સદાને સારું મધુમય ને મંગલ હો.

તુલસીદાસજી આપણને પરોક્ષ રીતે સૂચવવા માંગે છે કે માનવે પ્રાપ્તિ તથા અપ્રાપ્તિમાં, લાભ ને હાનિમાં, જય-પરાજયમાં, માનાપમાનમાં, સંપત્તિ-વિપત્તિમાં તથા સંયોગ ને વિયોગની સારીનરસી પળોમાં એવી જ રીતે સ્વસ્થચિત્ત રહેતા, શાંતિને અનુભવતાં ને પ્રસન્નતાનો આસ્વાદ લેતાં શીખવાનું છે. પરિસ્થિતિ એને પ્રભાવિત ના કરે, પરવશ ના બનાવે, ને ભાન ના ભૂલાવે, એ માટેનું આવશ્યક આત્મબળ તૈયાર કરવું જોઈએ. પોતાની અંદરની ને બહારની પ્રકૃતિ એને કઠપૂતળીની જેમ પંગુ બનાવે ને નચાવે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ.

કોઈ કહેશે કે સીતાનું હરણ થયું ત્યારે રામ રડ્યા નહોતા ? આપણે કહીશું કે રડ્યા હતા, કારણ કે એ લાગણીવિહીન નહોતા. ના રડ્યા હોત કે લાગણીપ્રદર્શન ના કર્યું હોત તો પણ લોકો એમની ટીકા કરત. પરંતુ એ લાગણીનો અનુભવ એમને વિપથગામી ના કરી શક્યો કે ભાન ના ભૂલાવી શક્યો. એ એમની વિશેષતા હતી.

ચિત્રકૂટ પર એમને મળવા ને શક્ય હોય તો અયોધ્યામાં પાછા લઈ જવા માટે ભરત આવ્યા ત્યારે એ સૌથી પહેલાં કોને મળ્યા તે ખબર છે ?  ‘प्रथम राम मिलई कैकेयी’ તુલસીદાસે જણાવ્યું છે કે, સૌથી પ્રથમ એ કૈકેયીને મળ્યા. કૈકેયીએ એમની પ્રત્યે દુર્વ્યવહાર કરીને એમના દુઃખનું નિમિત્ત ઊભું કર્યું હોવાથી એને સ્વાભાવિક રીતે જ સંકોચ થતો હતો. એ સંકોચને શમાવવા માટે રામ એને મળ્યા ને કહેવા લાગ્યા : માતા, તમે તો વિધિના ફળપ્રદાનમાં અથવા કર્મફળપ્રયોજનમાં કેવળ નિમિત્ત જ બન્યા છો. તમને હું કશો જ દોષ નથી દેતો. એમના શબ્દો સાંભળીને કૈકેયીને વધારે પશ્ચાતાપ થયો. પરંતુ એ પશ્ચાતાપ હવે મોડો પડ્યો. પોતાનું અહિત કરનાર કે અહિતમાં નિમિત્ત બનનાર પ્રત્યે એવી સદભાવના અથવા નિર્વેરબુદ્ધિ બીજું કોણ રાખી શકે ? રામે કૈકેયીને કહ્યું કે તમે તો મારા પર અજ્ઞાત રીતે અનુગ્રહ કર્યો છે. એ અનુગ્રહને લીધે હું વનમાં વિવિધ પ્રદેશોનું નિરીક્ષણ કરી શકીશ, મહાત્મા પુરુષોને મળી શકીશ ને જીવનને જ્યોતિર્મય બનાવી શકીશ.

પંચવટીમાં રામ સુવર્ણમૃગની પાછળ દોડ્યા. સીતાનું હરણ થયું. રામ-લક્ષ્મણ સાથે જટાયુને શાંતિ આપીને સીતાની શોધમાં નીકળ્યા. શબરીને મળ્યા. હનુમાનની મદદથી સુગ્રીવના મિત્ર બન્યા. સીતાને મેળવવા મનોરથ ને પ્રયત્નો કરવા લાગ્યા ને રાવણાદિનો નાશ કરીને સીતાને મેળવીને અયોધ્યાપતિ થયા. એમની જીવનકથા આમ પૂરી થાય છે.

आदौ रामतपोवनधिगमनं हत्वा मृगं कांचनं,
वैदेहीहरणं जटायुमरणं सुग्रीवसंभाषणम् ।
वालीनिग्रहणं समुद्रतरणं लंकापुरीदाहनम्,
पश्चात् रावणकुंभकर्णहननं एतद्वि रामायणम्  ॥

એવું વરસોથી ગવાય છે, પરંતુ નિષાદ જેવા પરપ્રીતિ કરનારા રામે પોતાના રાજ્યાભિષેક પછી કરેલી પ્રજાની સેવા સુવર્ણાક્ષરે લખાયેલ, અવિસ્મરણીય ને પ્રેરક છે. એમણે પ્રજાહિતને માટે કરેલાં મંગલમય કાર્યો આજના ને ભવિષ્યના રાજકર્તાને પ્રેરણા પ્રદાન કરે તેવાં છે. એ વખતે પ્રજા મોટે ભાગે આસુરી સંપત્તિથી મુક્ત અને સુખી હતી, સદાચારી હતી, ને રામ એના ઉત્કર્ષનું પૂરેપૂરું ધ્યાન રાખતા. એમનું રાજ્ય રામરાજ્ય કહેવાતું. પ્રજા એવા રામરાજ્યની ઈચ્છા રાખે છે, પરંતુ એ ઈચ્છાની પૂર્તિ માટે રાજકર્તાઓ રામ જેવા પ્રજાહિતના ચિંતક, નિસ્વાર્થ ને સેવાભાવી હોવા જોઈએ. રામે પ્રજાના પછાત વર્ગ પ્રત્યે પણ પ્રેમ રાખેલો અને એના અભ્યુત્થાનમાં આનંદ માનેલો તેમ સૌ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. પ્રજા એમના જીવનમાંથી કુટુંબપ્રેમ, સાર્વત્રિક ભ્રાતૃભાવ, સેવાભાવ, સંયમ, ત્યાગ ને પવિત્રતાના પાઠ શીખી શકે છે. એવા પાઠ શીખવવામાં આવે તો જીવન આજે પણ ઉજ્જવળ બને ને રામનવમીનો ઉત્સવ સફળ બને. એ ભાવનાથી શ્રીરામનું સ્તવન કરીએ અને એમના શુભશીર્વાદ માગીએ.

શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ-ભય દારુણમ,
નવકંજલોચન કંજમુખ કરકંજ પદકંજારુણમ્
કંદર્પ અગણિત અમિત છબિ નવ નીલ નીરજ સુંદરમ,
પટપીત માનહું તડિત રુચિ શુચિ નૌમિ જનકસુતાવરમ્
ભજ દીનબંધુ  દિનેશ  દાનવ  દૈત્ય વંશ નિકંદમ્,
રઘુનંદ  આનંદકંદ  કૌશલચંદ  દશરથનંદનમ્
શિરમુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ,
આજાનુભુજ શરચાપધર સંગ્રામજિત ખરદૂષણમ્
ઈતિ  વદતિ  તુલસીદાસ  શંકર-શેષ-મુનિ-મનરંજનમ્,
મમ  હૃદયકુંજ  નિવાસ કરુ,  કામાદિ  ખલદલગંજનમ્

શ્રીરામની સાથે હનુમાનના નામને પણ કેમ ભૂલાય ? એમની સેવા અમર છે. એમના સેવાભાવને, એમની નિષ્ઠાને જીવનમાં વણી લેવાની જરૂર છે.

सीयाराममय सब जग जानी । करहु प्रणाम जोरी जुगपानी ।

એ રામાયણ વચનને અનુસરીને ચરાચર જગતને રામસીતામય માનીને હાથ જોડીને પ્રણામ કરીએ. એટલું જ નહીં પરંતુ જગતને વધારે ને વધારે સુખમય, શાંતિસભર, સમૃદ્ધ અને આનંદમય બનાવવાને માટે હનુમાન અને એમના સ્વામી રામની પેઠે સર્વસમર્પણ કરીને બનતું બધું જ કરી છૂટીએ, તો જગત છે તેના કરતાં અધિક આનંદદાયક અને કલ્યાણકારક બની જાય.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.