રૂખીબાની સ્મૃતિ
જે ઘરમાં મારો જન્મ થયો હતો તે ઘર તદ્દન સાધારણ ને ઝૂંપડા જેવું હતું. તેમાં માતાજીના બા રહેતાં. તેમનું નામ રુક્મિણી હતું. પણ ગામડાંની રોજીન્દી ભાષામાં તે રૂખીબા કહેવાતાં. તે પણ ઘણી જ ગરીબ દશામાં પોતાનું જીવન પૂરું કરતાં. તે લગભગ અભણ જેવા જ હતાં. એટલે કે શાળાના અભ્યાસથી વંચિત જેવાં છતાં તેમની સમજણશક્તિ ને તેમનું વ્યવહારિક જ્ઞાન વિશાળ હતું. તે બાબતમાં તેમની સલાહ લેવાનું ને પ્રશંસા કરવાનું મન સૌ કોઇને થતું. દયાની તો તે મૂર્તિ હતાં. કોઇનુંયે દુઃખ જોઇને તે તરત દ્રવી ઉઠતાં ને બનતી મદદ કરવાનો પ્રયાસ કરતાં. ભક્તિભાવ પણ તેમનામાં ઘણો ભારે હતો. ભજનો ગાવા ને સંભળાવવામાં તેમને ખૂબ આનંદ આવતો. ગામમાં આવેલા રણછોડજીના મંદિરમાં રોજ રાતે તે દર્શન કરવા જતાં ને ત્યાં ભગવાનની પ્રતિમાનું દર્શન કરતાં કલાકો લગી બેસતાં. ત્યારે તેમના રામમય ને નિર્મળ હૃદયમાંથી પ્રકટેલા ભાવો આંસુના રૂપમાં આંખમાંથી કેટલીય વાર ટપકવા માંડતાં. તેમનું હૃદય ઘણું પ્રેમાળ ને પવિત્ર હતું. કોઇનું બુરું કરવામાં તેમને રસ હતો જ નહિં. પણ કોઇ દ્વારા કોઇનું બુરું થતું હોય તો તે પણ તેમને ગમતું નહિ. તે જોઇને પણ તેમનો આત્મા કકળી ઉઠતો.
એમનું મૃત્યુ ઘણી અલૌકિક રીતે થયું. તે પ્રસંગ ઘણો અનેરો હતો. તે વખતે મારી ઉંમર લગભગ સત્તરેક વરસની હશે. વેકેશનનો વખત હતો એટલે હું મુંબઇથી સરોડા આવ્યો હતો. વૈશાખ મહિનાનો વખત હતો. વૈશાખી પૂનમનું ગ્રહણ હતું. તે દિવસે સાબરમતી સ્નાન કરી આવીને તે દેવમંદિરે દર્શન કરવા ગયા. તે પછી તેમને તાવ આવ્યો. એટલે પથારીમાં પડ્યાં. વૃદ્ધાવસ્થાને લીધે તેમને શારીરિક નબળાઇનો અનુભવ સારી પેઠે થતો હતો. તે તેમના જીવનનો છેલ્લો તાવ હતો.
બીજે દિવસે પણ તાવ ચાલુ જ રહ્યો. પણ તે દરમ્યાન તેમને અવનવા અનુભવો થવા માંડ્યાં. તેમને કેટલાંક અજબ લાગે તેવા દૃશ્યો દેખાવા માંડ્યાં. તેનું તે વારંવાર વર્ણન કરવા માંડ્યા. સાધારણ માણસો તેમની વાતોના રહસ્યને સમજી શકે તેમ ન હતાં. પણ તે વાતો સાચી હતી, ને મનમાં ભાવ ઉઠતો ત્યારે આનંદપૂર્વક તે તેનું વર્ણન કર્યા કરતાં. એકવાર તે કહેવા માંડ્યા કે હવે મારે જવાનો વખત આવી ગયો. આજે વહેલી સવારે બે સંન્યાસી જેવા પીતાંબર પહેરેલા માણસો અને એક સુંદર રેશમી વસ્ત્રો પહેરેલી બાઇ મારા ખાટલા પાસે આવ્યાં અને મને કહેવા માંડ્યા કે તારે વિદાય થવાનો વખત આવી ગયો છે. માટે અમે તને લેવા માટે આવ્યા છીએ. તારે અમારી સાથે ચાલવાનું છે. એમ કહીને તે મને લેવા માટે તૈયાર થઇને ઊભા રહ્યાં. પણ મેં એમને ઉત્તર આપ્યો કે અત્યારે ને અત્યારે મારાથી તમારી સાથે આવી શકાય તેમ નથી. સંસારની મને માયા નથી. સંસારમાંથી વિદાય થવું પડે તેનો શોક પણ નથી. જે જન્મ્યું તેણે જવાનું જ છે. ઈશ્વરના દરબારનો એ નિયમ છે, ને તે અનાદિ કાળથી ચાલ્યો આવે છે. તેમાંથી યક્ષ, ગંધર્વ ને દેવ પણ બચી શકે તેમ નથી, તો પછી સાધારણ માણસનું તો શું કહેવું ? એટલે મૃત્યુનો શોક નથી. પરંતુ હજી મારું એક કામ બાકી રહી ગયું છે. મારો દીકરો વડોદરામાં છે. અંતકાળે તેને મળવાની મારી ઈચ્છા અધૂરી રહી જાય તે બરાબર નહિ. તે ઈચ્છા પૂરી થાય પછી મને તમારી સાથે આવવાનું જરૂર ગમે. પછી હું શાંતિથી છોડી શકું. મારાં બધાં કામ થઈ ગયાં છે. ફક્ત આટલું કામ બાકી રહ્યું છે.
થોડીવાર શ્વાસ લેવા અટકીને તે વળી કહેવા માંડ્યાં કે તેમણે મારી વાત માની લીધી છે, ને મારો કોલ લઈને વિદાય થયાં છે. જતાં જતાં કહી ગયાં છે કે હવે અમે આજથી ત્રીજે દિવસે જરૂર આવીશું ને તમને સાથે લેતાં જઈશું. ત્યાં સુધીમાં વડોદરાથી તમારા દીકરા પણ આવી જશે ને તમે તેમને મળી લેશો. માટે હવે હું બે-ત્રણ દિવસની મહેમાન છું. વડોદરાથી રમણને વહેલામાં વહેલા તેડાવી લો.
તેમની વાતો સાધારણ માણસોને માટે સમજવી મુશ્કેલ હતી. પણ તે તેને તદ્દન સહજપણે પ્રગટ કરી રહ્યાં હતાં. રમણભાઈ વડોદરા હતા. આવા અસાધારણ પ્રસંગે તેમને બોલાવવાની જરૂર તો હતી જ. એટલે વાત ને પરિસ્થિતિની ગંભીરતા સમજી લઈને તેમને તાર કરીને બોલાવવામાં આવ્યા. એક-બે દિવસમાં તાવ ઊતરી જતાં સારું થઈ જશે એવી સૌને આશા હતી. પણ તે આશા ખોટી ઠરી. તાવ ચાલુ જ રહ્યો. તાવને પાંચમે દિવસે રમણભાઈ આવી પહોંચ્યા. એટલે રૂખીબાને સંતોષ થયો. તે દિવસે બપોરે તેમણે ઘીનો દીવો કરાવ્યો, ને મને પાસે બેસીને ગીતાપાઠ કરવાનું કહ્યું. તે પ્રમાણે મેં ગીતાપાઠ પૂરો કર્યો. પછી જે પ્રસંગ બન્યો તે હજી પણ યાદ છે. સાંજે તેમણે રમણભાઈને પોતાની પાસે બેસાડ્યા ને તેમના હાથમાં માતાજીનો હાથ મૂકીને કહ્યું કે ભાઈ આ બેન. રમણભાઈ ઘણા જ પવિત્ર ને સમજુ હતા. તેમણે કબૂલ કર્યું કે બેનની સંભાળ હું જરૂર રાખીશ. તમે ચિંતા ના કરશો. ત્યારે તેમને શાંતિ થઈ.
તે દિવસે સાંજે તેમણે જે મળવા આવ્યા તેમને પ્રેમથી બોલાવ્યાં. તેમના દિલમાં કોઈને પ્રત્યે અણગમો, તિરસ્કાર કે દ્વેષભાવ નહોતો. પછી રાત પડી એટલે કહેવા માંડ્યાં કે પેલા સંન્યાસી જેવા બે માણસો ને પેલી રૂપાળી સ્ત્રી મારા ખાટલા પાસે આવીને હવે મને જોયા કરે છે. તે કહે છે કે કેમ ડોશીમા, હવે તમારું કામ પતી ગયું ને ? હવે અમારા વચન પ્રમાણે અમે તમને લેવા આવ્યાં છીએ. આજે તમારે અમારી સાથે જરૂર આવવાનું છે. એટલે આજે હવે હું જરૂર જઈશ.
તે જ રાતે-મધરાત પછી તેમણે શરીરનો ત્યાગ કર્યો. મૃત્યુનો વખત પહેલેથી જણાવીને જેણે શરીર છોડ્યું હોય એવી વ્યક્તિ મારી જાણ પ્રમાણે આ પહેલી જ હતી. યોગી કે ભક્તોને મૃત્યુનું જ્ઞાન પહેલેથી થઈ શકે છે. પણ રૂખીબા કંઈ યોગી ન હતાં. કોઈ મોટાં ભક્ત કે જ્ઞાની પણ ન હતાં. તે તો સાધારણ વ્યક્તિ હતાં. તેમની વિશેષતા તેમનું નિર્મળ ને ભાવભીનું હૃદય હતું. ઈશ્વર પરની તેમની ઊંડી આસ્થા હતી. તેને લીધે જ તેમને જીવનમાં કેટલીક વાર આવા અનેરા અનુભવો થયા કરતા. એટલે જ વિદ્વાનો કહે છે તે સાચું છે કે ઈશ્વરની કૃપા માટે પંડિતાઈની જરૂર નથી. જેની જરૂર છે તે તો સરળ ને સાફ હૃદયની છે. તેની હાજરીથી નિરક્ષર પણ અવનવા અનુભવથી સંપન્ન ને સાક્ષર થઈ જાય છે ને તેની ગેરહાજરીથી ભલભલા પંડિતો પણ કોરાધાકોર ને નિરક્ષર રહી જાય છે.
તે દિવસે રૂખીબાના મૃત્યુ વખતે જ ગામમાં એક કુંભારને સ્વપ્નું આવ્યું કે ગામના પાદરે વિમાન ઊતર્યું છે ને તેમાં રૂખીબાને બેસાડીને ત્રણચાર દૈવી માણસો વિદાય થાય છે. ગમે તેમ, પણ મૃત્યુ થઈ ચૂક્યું એ નક્કી. પિંજર પડી રહ્યું ને હંસલો ઊડી ગયો. કુદરતની લીલા અજબ છે. કોઈ તેનો પાર પામી શક્યું નથી. ભલભલા જ્ઞાની ને વિજ્ઞાની પણ તેમાં પાછા પડ્યા છે. પોતાના નક્કી નિયમો પ્રમાણે કુદરત કામ કર્યે જ જાય છે. તેના પ્રભાવમાંથી કોઇયે માનવપ્રાણી છૂટી શકતું નથી. જે ઇશ્વરનું શરણ લે છે અથવા તો પરમાત્માની સાથે અનુસંધાન સાધી લે છે તે જ તેના પ્રભાવથી મુક્તિ મેળવી તેના રહસ્યનો પાર પામી શકે છે.
રૂખીબાની સ્મશાનયાત્રામાં હું પણ સામેલ થયો. સાબરમતીના તટ પર ચિતા ખડકીને તે પર તેમના શરીરને મુકવામાં આવ્યું. તે પછી પ્રચંડ પાવકજ્વાળા પ્રકટી. સરિતાના શાંત તટપ્રદેશ પર બેસીને મેં શરીરની વિનાશશીલતાની, જીવનની અનિત્યતાની વિચારણા કરી. એની મમતા કર્યા સિવાય સદબુદ્ધિ સહિતના સમ્યક સદુપયોગ દ્વારા આત્મોન્નતિનાં ઉચ્ચતમ શ્રેયસ્કર શિખરોને સર કરવાનો મેં સંકલ્પ કર્યો.