Text Size

પિતાજીનું મૃત્યુ

 પિતાજીને ખેતીના કામમાં સતત સહયોગ દેનાર તેમનાં માતાજી સાંકુબા પણ હતાં. તે ખૂબ બહાદુર ને મહેનતુ હતાં. શરીરે પણ સુદૃઢ, એટલે કામ ખૂબ કરી શકતાં. ખેતરમાં પાણી વાળવાનું, કેટલીક વાર કોસ ચલાવવાનું ને બીજાં બધાં જ કામ તે રમતાં-રમતાં કરી શકતાં. તે તદ્દન નિરક્ષર હતાં. પરંતુ ઈશ્વર પરની શ્રદ્ધા તેમના જીવનમાં દેખાતી. પાછલા જીવનમાં તો તે સારા પ્રમાણમાં વધી ગયેલી.

કેટલાક માણસોને પોતાનું બાળપણ બરાબર યાદ હોય છે. નાનામાં નાના પ્રસંગોનું સ્મરણ ને ચિત્રણ કરવાનું કામ તે સહેલાઈથી કરી શકે છે. આ હકીકત યુવાનો પૂરતી જ મર્યાદિત છે એમ નહિ, યુવાનીને વટાવી ચૂકેલા કેટલાક વૃદ્ધોના સંબંધમાં પણ તે સાચી ઠરે છે. પ્રસંગ નીકળતાં સ્મૃતિને તાજી કરીને ઘટનાઓની એવી પરંપરા તે રજૂ કરે છે, જેનો વિચાર કરતાં સાંભળનારના દિલમાં આશ્ચર્ય અને એમની સ્મરણશક્તિ માટે માન બંને ઉત્પન્ન થાય. એવા માણસો મોટી ઉંમરે પણ પોતાનાં બાળપણને કલ્પનાના ભાવમય જગતમાં જઈને ફરી જીવી શકે છે ને થોડી વારને માટે અવનવા ભાવોનો અનુભવ કરે છે. પણ મારા સંબંધમાં પરિસ્થિતિ તદ્દન જુદી જ છે. તે યોગ્ય છે કે કેમ અથવા આશિર્વાદરૂપ છે કે નહિ તે વાતની ચર્ચા અહીં નથી કરતો. અહીં તો જે હકીકત છે તેની જ રજુઆત કરી રહ્યો છું કે બાલ્યાવસ્થાના વધારે ભાગના પ્રસંગો મને યાદ જ નથી. એક-બે આછી સ્મૃતિઓ આછાપાતળા સ્વરૂપમાં તાજી થાય છે એટલું જ. બાકી મોટાભાગનાં શૈશવ જીવન પર જાણે કે કાયમને માટેનો પડદો પડી ચૂક્યો છે. એકલી બાલ્યાવસ્થાની જ વાતો જો રજૂ કરવી હોય તો તે કામ મારે માટે કપરું થાય તેમ છે ને તેનો મને હર્ષ-શોક પણ નથી. આજ સુધી માણસે કેટલાય બાળજીવન જીવી લીધાં છે, જન્મજન્માંતરથી તે આ પૃથ્વીનો પ્રવાસ કરે છે અથવા તો સંસૃતિચક્રમાં ફર્યા કરે છે. તે દરમ્યાન તેણે કેટકેટલી બાલ્યાવસ્થાઓ પસાર કરી તેની કોને ખબર છે ? તેનો હિસાબ કોણે રાખ્યો છે ? તેને પોતાને પણ તે બધી અવસ્થાઓની સ્મૃતિ ક્યાં છે ? છતાં તેને તે માટે કાંઇ શોક થતો નથી કે ઓછું પણ આવતું નથી. તો પછી આ જીવનના બાળપણની સ્મૃતિનો લોપ થવાથી તે શા માટે શોક કરે કે ઓછું આણે ? આ જીવન અને આ બાળપણ પણ ક્યાં સનાતન છે ? તેને વળગી રહેવાની અને તેમાં મમત્વબુદ્ધિથી બંધાવાની ઇચ્છા શા માટે ? વળગી રહ્યા છતાં પણ તે ક્યાં કાયમ રહે તેમ છે ? તેની સ્મૃતિ તાજી થાય તો આનંદ અવશ્ય થાય; પરંતુ તેની વિસ્મૃતિનો વિષાદ પણ ન હોવો જોઇએ. એટલી તાલીમ મેળવી શકાય તો તે પૂરતી છે.

બાળપણમાં મને પેટનો વ્યાધિ રહેતો એમ માતાજીના કહેવા પરથી જાણી શકાય છે. સાત-આઠ વરસની વયમાં મારી સ્મરણશક્તિ ઘણી સારી હતી. ગામમાં રમતાશંકર નામે એક સજજ્ન ભક્તપુરુષ રહેતા. તે ગામના વિદ્યાર્થીઓને સંધ્યાદિ શીખવતા. તેમની પાસેથી હું સંધ્યા, શિવમહિમ્નસ્તોત્ર અને રૂદ્રી શીખેલો. તે વખતે મહાદેવના મંદિરમાં અમે રોજ સંધ્યાપૂજા કરવા જતા.

બાળપણના દિવસોનેય પસાર થતાં વાર લાગે છે ? આખું જીવન જ જ્યાં પાણીના રેલાની જેમ અથવા પવનની લહેરીની માફક પસાર થઇ જાય છે ત્યાં નાનાસરખા શૈશવનો શો હિસાબ ? આઠ વરસ તો એમ ને એમ પસાર થઇ ગયા ને નવમું વરસ શરૂ થયું. તે વરસ મારા જીવનમાં ક્રાંતિકારી સાબિત થયું. જીવનમાં તે નવા જ પ્રસંગો ને નવો જ સંદેશો લઇને ઉપસ્થિત થયું. શ્રાવણ સુદી બારસે નવમું વરસ બેઠું ને ભાદરવામાં પિતાજીને ભયંકર બળીયા નિકળ્યાં. બળીયાની ગરમી શરીરની અંદર જ સમાઇ ગઇ. પરિણામે તે જ માસમાં તેમનું મૃત્યુ થયું. નાની વયમાં મૃત્યુ થવાથી કુટુંબમાં હાહાકાર થઇ રહ્યો. ગંભીર શોકની છાયા બધે ફેલાઇ ગઇ. ગામના માણસો પણ તેમની ભલમનસાઇને યાદ કરીને શોક કરવા લાગ્યાં. માતાજી પણ શોકમાં ડૂબી ગયા. તે વખતે તેમની ઉંમર પચીસેક વરસની હતી. તેમનું સૌભાગ્ય ખંડિત થયું. શોકનો એ સમય મને થોડો થોડો યાદ આવે છે.

પરંતુ શોક કરવાથી શું થાય ? જે જાય છે તે કાંઇ પાછું થોડું જ આવે છે ? જન્મ ને મરણ સંસારમાં સનાતન છે ને સૌની પાછળ વળગેલાં છે. પરમાત્માનું શરણ લઇને પરમાત્માને ઓળખવાથી જ માણસ તેમને જીતી શકે છે. બાકી તો સૌએ તેમના પાશમાં સપડાવાનું જ છે. જે શોક કરે છે ને રડે છે તેમણે પણ એ માર્ગે જવાનું છે. ને જીવન ને મરણ તો સાપેક્ષ છે, એકસાથે વળગેલાં છે. એક ઠેકાણે સૂર્યાસ્ત થાય છે એટલે શું સૂર્યનો નાશ થઇ જાય છે કે સૂર્યને છુટ્ટી મળે છે ? એક ઠેકાણેનો સૂર્યાસ્ત તે બીજે ઠેકાણેનો સૂર્યોદય છે. તેવું જ જન્મ ને મરણના સંબધમાં સમજી લેવાનું છે. તેનો હર્ષ શોક શા માટે ? ને સૌભાગ્ય તો સૌનું કાયમ છે. જેને ઇશ્વરના ચરણોમાં પ્રેમ છે ને ઇશ્વરને સર્વસ્વ સમજીને જે તેની પ્રસન્નતા માટે પ્રયાસ કરે છે, તેના સૌભાગ્યને કોણ ખંડિત કરી શકે છે ? તે તો અખંડ અને અમર છે. સાચું પણ તે જ છે. જે પરમાત્માને પોતાના પ્રિયતમ, સખા અને સુહૃદ માને છે તેનું સૌભાગ્ય સનાતન છે. કરોડો કાળથી પણ તે લૂંટી શકાય તેમ નથી. બીજા બધા જ સાંસારિક સૌભાગ્યો નામના છે, તે ગમે તેટલા સુખદ ને દીર્ઘજીવી દેખાય તોપણ શ્રેયસ્કર ને શાશ્વત નથી. આ કાયા ક્ષણભંગુર છે. તેનો નાશ નક્કી છે. ધીરા ભગતે ગાયું છે કેઃ

"કાચનો કૂપો કાયા તારી,
વણસતાં ન લાગે વાર;
જીવ કાયાને સગાઇ કેટલી,
મૂકી ચાલે વનમોજાર."

પરંતુ મોટાભાગના માણસો સાચા વિવેકથી વંચિત છે. તેથી તે રોકકળ કરે છે ને પાર વિનાના શોકમાં ડૂબી જાય છે. અમારે ત્યાં પણ શોક છવાઇ રહ્યો. તેમાં વધારો કરતો બીજો એવો જ કરુણ પ્રસંગ પિતાજીના મૃત્યુ પછીના પહેલા પંદર દિવસની અંદર ઉપસ્થિત થયો. અમે ત્રણ ભાઇબેન હતાં. તેમાં તારાબેનથી નાની-છેક નાની બેનનું પણ મૃત્યુ થયું.

ઇશ્વરની લીલા અપાર છે. તેના રહસ્યનો ઉકેલ કોણ કરી શકે ? પરંતુ તે સદાને માટે ને સઘળા સંજોગોમાં મંગલમય હોય છે, એમ અનુભવી મહાપુરુષો ને સંતો જાહેર કરે છે. તેમના કથનને પ્રામાણિક માનીને આ સંસારમાં સફર કર્યા વિના છૂટકો નથી. પિતાજીના મૃત્યુ પછી મારે માટે ઇશ્વરની કૃપાથી એક નવી જ મંગલ વ્યવસ્થા ઊભી થઇ. માતાજીના બે ભાઇ હતા. તેમાંથી મોટાભાઇ રમતાશંકર મુંબઇમાં ચોપાટી પર એક શેઠને ત્યાં રસોઇની નોકરી કરતા. તેમની બાજુમાં જ અનાથ વિદ્યાર્થીઓનો આશ્રમ હતો. માતા કે પિતા વિનાના બાળકોને તેમાં દાખલ કરવાનો નિયમ હતો. તેમાં મારે માટે રહેવા ને ભણવાની વ્યવસ્થા કરવાનો તેમને વિચાર થયો. તેમણે પ્રયાસ કર્યો ને મને મંજૂરી મળી ગઇ. તે જમાનામાં મુંબઇ ભણવા જવું તે અમારા જેવા પછાત ગામડાનાં માણસોને લંડન જવા જેવું લાગતું. તે વખતે કેળવણીનો આટલો પ્રચાર ન હતો. એટલે મારા મુંબઇ જવાના પ્રસ્તાવનો વધારે ભાગના ગામલોકોએ વિરોધ કર્યો. પણ મારી ઇચ્છા અડગ હતી. સંસ્કારો ને ઇશ્વરની ઇચ્છા જાણે કે અદૃષ્ટ રીતે મને મુંબઇની નવી ભૂમિમાં ખેંચી રહ્યાં. તેણે જ મારા મનને મજબૂત કર્યું. તેમાં વળી, માતાજી ને તેમના બન્ને ભાઇઓનો સાથ મળ્યો, એટલે મારે મુંબાઇ રહેવાનું નક્કી થયું. નવમા વરસના ફાગણ મહિનામાં જ મેં મુંબઇ જવા માટે પ્રસ્થાન કર્યું. તે વખતે હું ગુજરાતી ચોથા ધોરણમાં અભ્યાસ કરતો.

નવમું વરસ એ રીતે મારા જીવનમાં, અવનવા પ્રસંગોને ઉભા કરનારું, ફેરફારો કરનારું ને જીવનને નવી જ દિશામાં નવો ઘાટ આપવા માટે લઇ જનારું અવનવું વર્ષ થઇ પડ્યું.

 

 

Today's Quote

Resentment is like taking poison and hoping the other person dies.
- St. Augustine

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies).

You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok