વડોદરામાં

 વડોદરામાં રહીને મેં કોલેજનો અભ્યાસ કરવાની શરૂઆત કરી. પણ તે કારકીર્દિ પણ લાંબો વખત ટકી નહી. તે આગળ પરના વર્ણનથી જોઈ શકાશે. બરોડા કોલેજના વખત દરમિયાન પણ મને વડોદરાની બધી કોલેજોના વિદ્યાર્થીઓની વક્તૃત્વ હરિફાઈમાં ‘ગાંધીજી મારી દૃષ્ટિએ’ વિષય પર બોલવા માટે પહેલું ઈનામ મળ્યું. તે ઉપરાંત કોલેજના ગુજરાતી વિભાગની સભામાં બોલવા માટે પણ ગુજરાતીના પ્રોફેસરે ખાસ બોલાવીને મારી પ્રશંસા કરી. ગુજરાતીના વિશેષ રસને લીધે હું વારંવાર ઈન્ટરના વર્ગો પણ ભરતો. પણ મુંબઈમાં જે સુંદર, ઉત્તમ અને અનુકૂળ વાતાવરણ હતું તેનો વડોદરામાં અભાવ હતો. એટલે મારું મન જરા ઉદાસીન જેવું રહેતું 

મુંબઈ ને વડોદરાના સાધારણ અભ્યાસ પછી મારા કોલેજના અભ્યાસનો અંત આવ્યો. મારા જીવનમાં નવી તાલીમની શરૂઆત થઈ. પણ કોલેજનો અભ્યાસ એ જ કાંઈ જીવનનો અભ્યાસ નથી. મારે જે આધ્યાત્મિક ઉન્નતિના અભ્યાસની જરૂર હતી તે માટે સામાન્ય કોલેજોમાં અવકાશ ન હતો. તે માટે મારે કોલેજને બદલવાની જરૂર હતી. આગળ ઉપર કહ્યું છે તેમ હિમાલયની કોલેજમાં પ્રવેશ કરવાની મારી મહત્વાકાંક્ષા હતી. પાછળથી ઈશ્વરની કૃપાથી તે મહત્વાકાંક્ષા પૂરી થઈ. એટલે સામાન્ય કોલેજના અભ્યાસ પછી પણ મારો અભ્યાસ ચાલુ જ રહ્યો. કોઈ વિદ્યાર્થી મેટ્રીક, પ્રીવિયસ કે ઈન્ટર પછી દાક્તરી, વકીલાત, એન્જિનીયરીંગ કે એવી બીજી લાઈન લે તેમ મેં પણ આધ્યાત્મિક ઉન્નતિની સાધનાની એક નવી લાઈન જ લીધી ને તેમાં પારંગત થવાનો પ્રયાસ કર્યો. સામાન્ય ડીગ્રી કોલેજો આ લાઈન ને તેની ડીગ્રીથી અજ્ઞાત છે. છતાંય તેની વાસ્તવિકતા સંબંધી સંદેહ કરી શકાય તેમ નથી. તે લાઈનમાં ઈશ્વરદર્શન, સાક્ષાત્કાર, સમાધિ, સિદ્ધિ, પૂર્ણતા, સ્થિતપ્રજ્ઞ દશા જેવી જુદી જુદી ડિગ્રીઓ છે. કહો કે વિકાસની દશાઓ છે. તે લાઈનમાં મારો અભ્યાસ વરસોથી શરૂ થયો છે ને ચાલ્યા જ કરે છે. તેની શરૂઆત માટે આગળના બધા જ ભણતરને ભૂલી જવાની ને મનને બધી પ્રકારના પૂર્વગ્રહથી રહિત, સ્વચ્છ ને સંયમી કરવાની જરૂર પડે છે. તેમાં નવા જ અભ્યાસક્રમને અપનાવવો પડે છે.

મુંબઈના જીવનમાં ચાર, પાંચ કે છ વરસ વધારે રહીને સામાન્ય કોલેજમાં ભણવાનું ચાલુ રહ્યું હોત તો ? તો કદાચ આજે જીવનનું બાહ્ય બંધારણ જુદું જ હોત. પણ તેથી આધ્યાત્મિક ઉન્નતિની દિશામાં કોઈ વિશેષ મદદ મળત એમ મને જરા પણ લાગતું નથી. ઉલટું, કેટલોક વખત બીજી રીતે વપરાઈ જાત. એટલે ઈશ્વરે જે કર્યું છે તે સારું જ કર્યુ છે એ નક્કી છે. આજનું ભણતર માણસને આત્મિક ઉન્નતિમાં ભાગ્યે જ કામ આવે તેવું છે. તેમાં આત્મિક ઉન્નતિને ભોગે બીજાં મહત્વનાં ચાર કે છ વરસો ગાળવાનું કામ મારી તે વખતની મનોદશાનો વિચાર કરતાં ભાગ્યે જ ડહાપણભર્યું થાત.

મુંબઈમાં રહીને કોઈક પ્રોફેસરના પદ પર પ્રતિષ્ઠિત થવાનું થયું હોત તો ? કોઈક સારા કહેવાતા લત્તામાં વાસ કરત, સાહિત્યનું સંશોધન કરત, સાહિત્યવિષયક જાહેર વાર્તાલાપ આપત, તથા લેખો લખત. એવું જીવન જીવીને પણ આત્મોન્નતિની સાધના કરી શકાય છે. પણ સાધનાના કેટલાક તબક્કા એવા આવે છે કે જ્યારે મનને બીજા બધા જ વ્યવસાયો ને વિષયોમાંથી પાછું  વાળીને કેવળ સાધનાપરાયણ કરવું પડે છે. તેવે વખતે બાહ્ય પ્રવૃત્તિવાળું પરાધીન જીવન સાધનામાં નડતરરૂપ થાત. તેવે વખતે તેનો ત્યાગ કરવાની સમસ્યા એક વાર ફરી ઊભી થાત. સ્વામી રામતીર્થના જીવનનો વિચાર કરવાથી આ વાત સહેજે સમજી શકાય છે. તે પૂર્વ જીવનમાં પ્રોફેસર જ હતા. પરંતુ તેમના દિલમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની લગન લાગી, ત્યારે પ્રોફેસરપદ તેમને માટે બાધક અને અળખામણું થઈ પડ્યું. મારા જીવનમાં પણ છેવટે તેમ થવાનો સંભવ રહેત. વળી મારી તે વખતની વૈરાગ્યભાવના ને ઈશ્વરના સાક્ષાત્કારની લગની જોતાં પ્રોફેસરપદ જેવા કોઈ પદની પ્રપ્તિ સુધી હું રોજિંદુ જીવન જીવવાની ધીરજ રાખી શકત કે કેમ તે પણ શંકાસ્પદ છે. એટલે તે વખતના મારા દર્દને સમજી લઈને ઈશ્વરે મારે માટે જુદી જ દવાનો પ્રબંધ કરી દીધો. તે દવા શરૂઆતમાં કડવી છતાં પાછળથી ગુણકારી ને મીઠી થઈ પડી. ઈશ્વર જે કરે છે તે સારા માટે જ.

ઈશ્વરને કદાચ થયું હશે કે ગુજરાતીના પ્રોફેસર તો કેટલાય થાય છે ને બીજા કેટલાય થશે. આના ના થવાથી તેમના વર્ગમાં કાંઈ ખોટ પડવાની નથી. પણ આય જો પ્રોફેસર થશે તો પછી હિમાલયના એકાંત વનપ્રદેશમાં રહીને મારી કૃપાની પ્રાપ્તિની સાધના કોણ કરશે, ને તેવી સાધનામાં સફળ થઈને મારામાંથી શ્રદ્ધાભક્તિને ખોતા ને જડતા તરફ વધારે ને વધારે પ્રમાણમાં ઢળતા જતા સંસારને મારો માર્ગ કોણ બતાવશે ? પોતાના જીવનને સાધનાપરાયણ કરી દઈને આ યુગમાં પણ સાધના કરી શકાય છે ને મારી કૃપા મેળવી શકાય છે એવી સૂચના કોણ પૂરી પાડશે ? ખુદ સાધના ને મારી સત્યતા તરફ શંકાની નજરે જોનારા માણસોની શંકા દૂર કરનારા સાધનાના સફળ પ્રયોગો જીવનમાં પછી કોણ કરી બતાવશે ? આધ્યાત્મિક જીવનનાં સાચાં છતાં ભૂલાઈ ગયેલા રહસ્યોની શ્રદ્ધા કોના દ્વારા પાછી પુનર્જીવિત કરી શકાશે ? બધાની પેઠે આ પણ જો પ્રોફેસર થશે તો આધ્યાત્મિક ઉન્નતિના વધારે આવશ્યક અને ઉપકારક પ્રયોગો બીજું કોણ કરી બતાવશે ? એવા પ્રયોગો કરનારા બીજા કેટલાય થઇ ગયા છે, આજે પણ બીજા કેટલાય છે, ને ભવિષ્યમાં પણ કેટલાય થશે. પરંતુ તેવા પ્રયોગવીરોમાં આનો ઉમેરો થાય તે ખરેખર ઈચ્છવા જેવું છે અને તે માટે આને વહેલી તકે સાધનાના સ્વતંત્ર જીવનનું દાન કરું તે સારું છે. સાધનાના સ્વતંત્ર ક્ષેત્રમાં શ્વાસ લઈને અત્યારથી જ આ સંકટ સહન કરે, મૂંઝવણ ને મુશ્કેલી વેઠે, ને પોતાની જાતનું ક્રમે ક્રમે છતાં ચોક્કસ રીતે ઘડતર કરે, તે જરૂરી છે. એવી વિચારધારાથી પ્રેરાઈને જ ઈશ્વરે મને મુંબઈના વાતાવરણમાંથી ઉપાડી લીધો હશે. આ તો કલ્પના છે. બાકી કયું કામ તેણે શા હેતુથી પ્રેરાઈને કર્યું છે તે કોણ કહી શકે ? તેની લીલાનો સાચો સાંરાશ તે જ જાણે છે.

અને એક રીતે અત્યારે હું પ્રોફેસર જ છું કે બીજું કાંઈ ? અભ્યાસ કરતાં કરતાં હું બીજાને મદદરૂપ થવાનું કામ કર્યા જ કરું છું. આધ્યાત્મિક પંથે પ્રવાસ કરીને સારી સ્થિતિએ પહોંચી ચૂકેલા પુરુષો એક પ્રકારના પ્રોફેસરો જ છે, તે સારાય જગતના છે. જ્યાં રહે છે કે જાય છે, ત્યાં લોકોને ધર્મ ને ઈશ્વરની વાતો કહ્યા કરે છે.  શાસ્ત્રોએ તેમની મહત્તા એકસ્વરે કહી બતાવી છે. આધ્યાત્મિક પંથનો એક સાધારણ પ્રવાસી થઈને હું પણ મારાથી બનતી મદદ બીજાને કર્યા કરું છું. ને જ્યાં જાઉં છું ત્યાં જાહેર કરું છું કે જીવનનો સદુપયોગ કરીને સૌએ પરમપદની પ્રાપ્તિ કરવાની છે. તે પદની પાસે લૌકિક કે પરલૌકિક બધાં પદ ઝાંખા ને મિથ્યા છે - સાધારણ પદ તો શું, ઈન્દ્રપદ ને બ્રહ્મપદ પણ. એ પરમપદ પર પ્રતિષ્ઠિત થવામાં જ જીવનનું શ્રેય રહેલું છે.

 

Today's Quote

In prayer, it is better to have a heart without words than to have words without a heart.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.