Wednesday, September 30, 2020

દશરથાચલ પરના અનુભવો

 મારી માળા ગુમ થાય છે.

તે દિવસોમાં બનેલો એક બીજો પ્રસંગ યાદ આવે છે. ઋષિકેશના નિવાસ દરમ્યાન મેં માળા રાખેલી. તે માળાનો જપ કરવામાં હું ઉપયોગ કરતો. પર્વત પર પહોંચ્યે થોડા જ દિવસો થયા અને એક બનાવ બન્યો. રાતે માળાને મેં પથારી પાસે રાખી. પણ બીજે દિવસે સવારે જોયું તો માળાનો પત્તો નહિ. એક રાતમાં માળા ક્યાં જતી રહી તેની કાંઇ સમજ ના પડી. ઓરડો રાતે બંધ હતો. અંદરથી સાંકળ મારેલી એટલે કોઇ માણસ કે પશુ અંદર આવીને માળા લઇ જાય તે માની શકાય તેમ ન હતું. તેવી કલ્પના પણ અસ્થાને હતી. ત્યારે માળા ગઇ ક્યાં ? તે ગુમ થઇ એ તો નક્કી હતું. પર્વત પર ઉંદર હોઇ શકે. જો કે અમે કોઇ ઉંદરને હજી સુધી જોયો ન હતો. પણ ઉંદર બંધ મકાનમાં આવે ક્યાંથી ? વળી માળાની સાથે પડેલી બીજી બધી જ વસ્તુઓ હયાત હતી. માત્ર માળા જ ન હતી. ચંપકભાઇને પણ મારી વાત સાંભળીને નવાઇ લાગી. બહાર ને અંદર બધે જ જોયું, વારંવાર જોયું, પણ માળા ના મળી તે ના જ મળી. એ આખોયે પ્રસંગ અમને એકદમ અદભૂત લાગ્યો. મને થયું કે ઇશ્વરની ઇચ્છાથી જ માળા ગૂમ થઇ છે. ઇશ્વરની ઇચ્છા એવી હશે કે હવે મારે માળા વિના ચલાવી લેવું, માળા વિના જ જપ ને ધ્યાનની સાધના કરવી. તેની સૂચના આપવા માટે જ ઇશ્વરે માળા ગુમ કરી છે. એ જ કારણ હોઇ શકે. એ જ તેનું રહસ્ય હોઇ શકે. બીજું કોઇ કારણ કે રહસ્ય મારી સમજમાં આવી શક્યું નહિ.

ચંપકભાઇ પાસે માળા હતી પણ મેં તેનો ઉપયોગ ના કર્યો. તે દિવસથી ઇશ્વરની ઇચ્છાને માન આપીને મેં માળા વિના જ કામ કરવા માંડ્યું. નવાઇની વાત એ હતી કે ખૂબ ફાવી ગયેલી માળાની ગેરહાજરી મને કદી સાલી નહિ. ઇશ્વરની ઇચ્છા સદા મંગલને માટે હોય છે તે સાચું છે. તેમાં શ્રદ્ધા કરવાથી ખરેખર લાભ થાય છે.

 રીંછની મુલાકાત

દશરથાચલ પર વાઘ ને રીંછ સારા પ્રમાણમાં હતા, તે વાતનો ઉલ્લેખ હું આગળ પર કરી ગયો છું. પણ પ્રભુની કૃપાથી તેમના તરફથી અમને કોઇ જાતની તકલીફ ના પડી. એકાદ બે પ્રસંગને બાદ કરતાં તેમની મુલાકાત કરવાનો અવસર પણ અમને ના મળ્યો. કદાચ તેમને પણ થયું હશે કે આ તો પર્વત પર રહીને આત્મોન્નતિની સાધના કરે છે, તે કોઇનું બગાડતા નથી, બગાડવાની ઇચ્છા પણ કરતા નથી તો આપણે તેમનું શા માટે બગાડવું ? તેમની પાસે જઇને તેમનામાંથી કોઇનાયે દિલમાં તોફાન શા માટે જગાવવું ? એટલે એમણે અમારી પાસે પહોંચવાનો વિચાર નહિ કર્યો હોય. ફકત એક વાર અમારે એક રીંછની અચાનક મુલાકાત થઇ.

તે દિવસે સાંજે અમે જંગલમાં ફરવા જતા હતા. મેં રોજની જેમ કેવળ લંગોટી પહેરેલી ને હાથમાં મોટી લાકડી રાખેલી. ચંપકભાઇએ કોટપાટલૂન પહેરેલાં. પગદંડીને રસ્તે ચાલતાં ચાલતાં અમે દૂર સુધી નીકળી ગયા. હું આગળ ચાલતો ને ચંપકભાઇ પાછળ. એટલામાં તો ચંપકભાઇએ મને ખબર આપી કે સામેથી રીંછ આવે છે. મેં જોયું તો તેમની વાત સાચી હતી. છતાં મેં ચાલવાનું ચાલુ જ રાખ્યું. ચંપકભાઇને તેમાં જરા જોખમ લાગ્યું. છતાં મેં તેમને ઇશ્વર પર શ્રદ્ધા રાખીને મારી પાછળ પાછળ આવવાનું કહ્યું. તે પણ હિંમતવાળા ને સાહસિક હતા, પણ વખત એવો હતો કે ભલભલાની હિંમત હાલી જાય. પાતળી પગદંડીનો એક જ સીધો રસ્તો. તેની બંને બાજુએ ઊંડી ઊંડી ખીણ. બીજે જવું હોય તો જવાય પણ ક્યાં ? રીંછ અમારી તરફ આવતું હતું. હમણાં તે છેક જ પાસે આવી પહોંચશે એમ લાગતું. પણ મને ઇશ્વરમાં શ્રદ્ધા હતી. રીંછ લગભગ પંદરેક ફુટ જેટલે દૂર આવ્યું ત્યાં જ હું ઊભો રહ્યો ને પાસેના પત્થર પર લાકડી પછાડી જોરથી ૐકાર નો ઉચ્ચાર કર્યો. એ ઓચિંતા ઉચ્ચારથી રીંછ ચમક્યું ને તરત જ ગભરાઇને કૂદકા મારતું પાસેની ખીણમાં નીચે ને નીચે જવા લાગ્યું. અમે તેને જોઇ રહ્યા. એ અચાનક થયેલી રક્ષાથી ચંપકભાઇ રાજી થયા. મને પણ આનંદ થયો. પછી અંધારાનો સમય પાસે હોવાથી અમે મકાન તરફ પાછા વળ્યા. ઇશ્વરે એ રીતે અમારી પરીક્ષા ને રક્ષા કરી.

પર્વતના નિવાસી વાઘ કરતાં રીંછથી વધારે ડરે છે. અમારું કામ કરવા અઠવાડીયામાં એકાદ વાર જે છોકરો આવતો તે પાણી ભરવા જતી વખતે ટીનના ડબાને વગાડતો જતો. જંગલી પ્રાણીને નસાડવા કે ચેતવણી આપવા તે એ પ્રયોગ અજમાવતો. અમે પર્વત પર એકલા રહેતા તેથી તેને ખૂબ નવાઇ લાગતી. અમે તેને કહેતા, 'ભાઇ, એકાંતમાં રહેવું છે તેને વળી ભય શો ? ઇશ્વર આપણી રક્ષા કરવા સદાયે હાજર છે. માટે બધી જાતના ભયનો ત્યાગ કરીને તેના સ્મરણ મનનમાં મગ્ન થવાની આવશ્યકતા છે.'

અમારી ફિલસૂફી તે સમજી શકતો, તે માટે અમને ધન્યવાદ પણ આપતો. પરંતુ અમે કોઇ મોટું પરાક્રમ કરી રહ્યા હોઇએ તેમ માનીને અમારા તરફ હંમેશા નવાઇની નજરે જોયા કરતો. ખરેખર અમારો એકાંતવાસ બીજાને નવાઇ લાગે તેવો જ હતો.

 

Today's Quote

God looks at the clean hands, not the full ones.
- Publilius Syrus

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok