if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 શાંતાશ્રમમાં દિવસો આશામાં ને ઉમંગમાં વીતી જતા હતા.

એ દિવસો દરમિયાન એક અગત્યનો, અતિશય કરુણ બનાવ બની ગયો. ભારતના મહાન સિદ્ધ પુરુષ શ્રી રમણ મહર્ષિનું દેહાવસાન થયું. મહર્ષિનું દેહાવસાન તારીખ ૧૪મી એપ્રિલે થયું. પોતાના શરીર ત્યાગ પહેલાં તેમણે મને વારંવાર સૂચના આપેલી તે વાત મેં આગળ પર કહી દીધી છે. તેમના જવાથી ભારતના આધ્યાત્મિક જીવનને એક મોટી ખોટ પડી. રમણ મહર્ષિ ભારતીય સાધનાના મહાન પ્રતિનિધિ હતા. તે પોતે તો મુક્ત ને પૂર્ણ હતા, પણ અનેક સાધકોના પ્રેરણાસ્થાન હતા. તેમના દેહત્યાગથી તે સ્થાન બંધ પડ્યું. મને મહર્ષિએ પ્રેરણા આપીને કહેલું તે પ્રમાણે તેમણે સાંજે છ વાગ્યા પછી એટલે કે સાંજે ૮ને ૪૭ મિનિટે શરીર છોડ્યું હતું. અદ્યતન ભારતના સિદ્ધ પુરુષોમાંથી જેમણે મારા પર પ્રેમ રાખ્યો હતો ને દૂર હિમાલયમાં પણ મારી સાથે સંબંધ સ્થાપીને અવારનવાર મારો પ્રેમ ને આદર પ્રાપ્ત કર્યા હતાં તે સિદ્ધ પુરુષોમાં ભગવાન શ્રી રમણ મહર્ષિ પ્રથમ શ્રેણીના સિદ્ધ પુરુષ હતા.

દેવપ્રયાગનો વસવાટ ખૂબ જ કઠોર કહી શકાય તેવો રહ્યો. એવા સ્થળમાં રહી ભોગ કે સુખની આશા તો કોઇ રાખી શકે તેમ ન હતું. પરંતુ મુશ્કેલીઓ અપાર સ્વરૂપમાં એ વખતે ઊભી થઇ. એક રાતે માતાજી સુતા હતાં, ત્યારે તેમને વીંછી જેવું કંઇક કરડ્યું. બેટરી કરીને જોયું તો કાંઇ જ ના મળે. જમીનનું લીંપણ ફાટી ગયું હતું. તેમાંથી કોઇક વીંછી જેવો જીવ સહેલાઇથી નાસી જઇ શકે તેમ હતું. માતાજીને પગે અપાર વેદના થવા લાગી, મધરાત જેટલો સમય થયો હશે. તે જ વખતે નીચે જઇને મગનલાલને ત્યાં રહેતા કમ્પાઉન્ડર પાસે બે ઇન્જેકશન મૂકાવ્યા. પછી આશ્રમ પર આવ્યા. છેવટે બીજે દિવસે કેટલીક ઉલટીઓ થયા પછી તેમને આરામ થયો.

ત્યાં તો વરસાદના દિવસોમાં એક દિવસ તેમની પથારી પાસે જ છાપરાનાં લાકડામાંથી સાપ પડ્યો. એ વખતે પણ રાતનો વખત હતો. ગમે તેમ કરીને એ સાપને બહાર ખીણમાં નાખી દીધો. પણ માતાજીને એવા બનાવોથી ભય લાગવા માંડ્યો. વરસાદના દિવસોમાં શાંતાશ્રમ રહેવા માટે અયોગ્ય બની રહેતો. કેમ કે ઓરડામાં પાણી પડતું. માત્ર બેસવાની જગા કોરી રહેતી. પણ એવી રીતે તો મેં કેટલાંય ચોમાસાં કાઢી નાખેલા. સાધનાની ધગશમાં, સુખ કે દુઃખ, સલામતી કે કષ્ટ, કૈંજ જોયા વિના એ સ્થળમાં મેં કેટલાય દિવસો પસાર કરી દીધેલા. તેમાં વળી છેલ્લા બે વરસથી એક નવીનતા ઊભી થઇ હતા. પહાડી જંગલમાં કીડા જેવું નાનું એક જીવડું થાય છે. એ જીવડું પાંખોવાળું હોવાથી ઊડી પણ શકે છે. એને પર્વતોમાં ‘મિનારા’ કહે છે. વરસાદના દિવસોમાં એ જીવડું છાપરાના લાકડામાં પેસી જાય છે. માટીના રંગનું હોવાથી તે જલદી નજરે પડતું નથી. ને માટીમાં મળી જાય છે. રાતે દસેક વાગ્યા પછી તે બોલવાનું શરૂ કરે છે. તે ઠેઠ ત્રણ-ચાર વાગ્યા સુધી બોલ્યા જ કરે છે. એ બોલવાનું ખૂબ જ ભયંકર હોય છે. જંતુ એવી તો ચીસ પાડે છે કે વાતાવરણ ખૂબ જ બિહામણું લાગે છે. જાણે મોતના મુખમાં હોય તેવી રીતે બોલે છે. યોગીઓનો સાધનાનો સમય તે તેનો ચીસ પાડવાનો વખત હોય છે. એને લીધે રાતે સાધનભજન કરવાનું કઠિન બની જાય છે. પર્વતીય પુરુષો પાસેથી ‘મિનારા’નું વર્ણન સાંભળ્યા પછી એક રાતે છાપરા નીચે બાંધેલું ચાદરું ઉઘાડીને અમે ‘મિનારા’ને બેટરીના પ્રકાશમાં પકડ્યું ને બહાર નાખી દીધું. એ રીતે ચારેક મિનારાને પકડ્યાં. પછી તો રોજ અવાજ આવે ત્યારે સાવધ થઇને એવી રીતે તેને પકડી લેતા. એથી અમારી મુશ્કેલી કૈંક હળવી થઇ.

પરંતુ આ ‘મિનારા’ને બીજાં તેના જેવાં છાપરામાં રહેતા જંતુઓને પકડવા સાપ કુટિરની આસપાસ આવતા ને વૃક્ષનો આધાર લઇને છાપરા પર ચઢતા. એવા એક ચિતરા સાપને કેરીનું રખવાળું કરવા આવેલા એક માણસે પથ્થરથી મારી નાખેલો. એ વાતની ખબર મને ભજનસાધનામાંથી પરવારીને નીચે આવ્યા પછી પાછળથી પડી. પણ જે કામ થઇ ગયું હતું તેનો ઉપાય શું ?

અહીં પ્રસંગોપાત મારે કહેવું જોઇએ કે એ વરસે સાપ ને સાપના અનેક નાનાં નાનાં બચ્ચાં આશ્રમની હદમાં આવતાં હતાં. એવો ઉપદ્રવ પહેલાં મેં કોઇ વાર નહોતો જોયો. ઉપરની ઓરડીમાં રાતે દિવાલ પર પણ રોજ ત્રણ ચાર બચ્ચાં દેખાતાં. તેને લઇને અમે નીચે ફેંકી દેતા. આ બધી કઠોરતા ને ભયાનકતા વચ્ચે માતાજી મારી સાથે બનતી હિંમતથી રહેતાં હતાં. ભલભલાની હિંમતની કસોટી થાય એવું વાતાવરણ હતું. ચા માટે દૂધ લાવવા પણ કેટલીક વાર માતાજીને નીચે જવું પડતું. બાકી બીજા દિવસોમાં તો દેવપ્રયાગના પ્રેમી પોલિસ ઇન્સ્પેકટર ભાઇ મોરારીલાલે એક પોલિસ ભાઇ આ માટે નિયુક્ત કર્યા હતા.

વરસાદનો વેગ એ વરસે સખત હતો. કુટિયાની પાછળનો પહાડ ગયે વરસે ચક્રધરજીએ કપાવેલો. તેના ઉપર એક ઝરણું વહેતું. વરસાદને લીધે ઝરણું તૂટીને નીચે વહેવા માંડ્યું ને પાણીની મોટી ધારા માર્ગમાં અટકેલા પથ્થર ને છોડવા નીચે લાવવા માંડી. જેમનું ઝરણું હતું તે લોકો આવીને ઝરણાનું સમારકામ કરતાં. પણ વરસાદ અમુક દિવસને અંતરે તેમનું કામ નકામું કરી દેતો. વધારે ભાગે ઝરણું રાતે જ તૂટતું. એ વખતે પથ્થરના ભયંકર અવાજો થતા. કુટિયાની બંને બાજુથી પથ્થરો ગબડતા ગબડતા નીચે ખીણમાં પડતાં. આવે વખતે એક જ પહાડી પથ્થર કુટિયાને નષ્ટ કરીને ખીણમાં લઇ જવા પર્યાપ્ત હતો. પણ જે ‘મા’ અનેક વરસોથી ત્યાં સંભાળ રાખી રહી હતી તે જ અમારી રક્ષક હતી. સર્વ કાંઇ છોડીને અમે એને જ આશ્રયે બેઠેલાં. તે જ અમારી સલામતીને સાચવતી. અમને તે કૃપાળુ ‘મા’ પર શ્રદ્ધા હતી. એટલે જ એવી ભયંકર પરિસ્થિતિમાં, એકાંત જંગલમાં, અમે આનંદપૂર્વક વાસ કરતાં.

એ અરસામાં કુદરત પણ રૂઠેલી. સખત વરસાદને લીધે આશ્રમ પાછળનો પર્વત તૂટી ગયો. તેથી આશ્રમનું ઝરણું ને આશ્રમનો માર્ગ તૂટી પડ્યો. એ ઉપરાંત ભયંકર શિલાઓના તૂટી પડવાથી છ સાત આંબાના વૃક્ષો પણ તૂટી પડ્યાં. એવી ભયંકર દશામાં અમારી સાધના ચાલી રહી હતી.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.