if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 કાશ્મીરના પ્રવાસ દરમિયાન પ્રત્યેક દિવસે અત્યંત આતુરતાપૂર્વક મેં 'મા'ની પૂર્ણ કૃપાની પ્રતીક્ષા કરી. પરંતુ હજી મારે પ્રતીક્ષા કરવાની શેષ હશે. એટલે ત્રીસમાં વરસ દરમ્યાન પણ સાધનાની સંપૂર્ણ સિદ્ધિ સાંપડી શકી નહિ. લોભી માણસ ધનને તલસે, કામી અનુકૂળ વાતાવરણ મળતાં કામવિહવળ બને, ને તરસ્યો માણસ પાણી ઝંખે, તેથી પણ વધારે તલસાટ ને ઝંખનાથી હું જગતની એકમાત્ર સત્તા-મુલાધારશક્તિ 'મા'ને માટે વિહવળ બન્યો છું. મારા જીવનની એક માત્ર આશા, સમૃદ્ધિ, સુખની કલ્પના બધું એની કૃપા જ છે. એને માટે જ મેં જીવનને અર્પણ કરેલું છે. છતાં પણ હજી મારે તલસવું પડે છે, અતૃપ્ત બનીને બેસી રહેવું પડે છે, એનું કારણ શું ? આમ હજી મારે કેટલો વખત તલસવું પડશે ? 'મા'ના અનંત અનુગ્રહથી અભિષિક્ત થઇને માનવજાતિને મદદરૂપ થવાની મારી ઉત્કટ ઇચ્છા છે. તે ક્યારે પૂરી થશે ? હે આકાશ, હે પવન, હે પૃથ્વી ! તમારા વાયુમંડળમાં વાસ કરીને જીવનના અરુણોદયથી જ મેં વિશ્વની એ એકમાત્ર શક્તિને માટે આક્રંદ કર્યું છે. સંસારના ક્ષણભંગુર પદાર્થોમાંથી મનને હઠાવી લઇને એ એકમાત્ર ઇશ્વરી શક્તિના ચરણોમાં લગાડ્યું છે. એ શક્તિનું સાનિધ્ય પામવા કમર કસી છે, અને ઉત્તમોત્તમ સંપૂર્ણ શક્તિથી વિભૂષિત થઇને ગગનચૂંબી ધવલ હિમાલયની જેમ વિશદ ને વિરાટ થવા મહેનત કરી છે. ગૌરવભેર ઊભેલા પર્વતો, તમે એના સાક્ષી છો. મૃત્યુને જીતીને મૃત્યુંજય બનવા, અંધકારથી અતીત થઇને પરમ પ્રકાશનું સ્વરૂપ થવા, અને અલ્પતાને ખંખેરી કાઢીને પૂર્ણ ને વિરાટ પુરુષ થવા, આજ સુધી મેં જે પુરુષાર્થ ને આદર્શની માળા રચી છે તે ક્યારે સફળ થશે, ને મને કૃતાર્થ કરીને જીવનનો સાચો આનંદ આપશે ? એ જ ભાનમાં રમતાં રમતાં કાશ્મીરની ભૂમિ પરના દિવસો મેં પૂરા કર્યા. લગન, અનુરાગ, આદર્શ પ્રત્યેની એકનિષ્ઠ ભક્તિ સાધનાના આવશ્યક અંગો છે, ને તે ના હોય તો આધ્યાત્મિક સંસિદ્ધિની સાધના પાંગળી જ રહી જાય છે.

સમય કોને માટે થોભે છે ? તેને પાંખ દેખાતી નથી, પણ પાંખ કરતાં ય વધારે વેગથી તે દોડે છે. એક દિવસ અમે દિલ્હી પણ આવી પહોંચ્યા. એકાદ દિવસ ત્યાં રોકાયા. ભાઇ ધનેશ્વર મુંબઇ ગયા અને અમે કલકત્તા પહોંચ્યા.

તારીખ ર૭ ઓગસ્ટે દક્ષિણેશ્વર ગયાં. દક્ષિણેશ્વરનું સ્થળ ઘણું રમણીય છે. 'મા'ની ગોદમાં બાળક શોભતું હોય તેમ આખુંયે મંદિર ગંગાકિનારે શોભે છે. પરમહંસદેવને શરીર છોડ્યે આજે વરસો થઇ ગયાં, છતાં એમનું સ્થાન એવું જ સજીવ લાગે છે. પરમહંસદેવની સાધનાની સમૃદ્ધિ ને તેમનો સદુપદેશ આ સ્થળના કણકણમાં મળી ગયા હોય એવો ભાસ થયા વિના રહેતો નથી. મહાન પુરુષો તપે છે, સહે છે ને શાંતિની પ્રાપ્તિ કરે છે. એમાં કેટલી બધી શક્તિ હોય છે ? તેમના તિરોધાન પછી પણ માણસો તેમની સ્મૃતિમાંથી જીવન મેળવે છે, ને તેમનાં વચન ને જીવનનાં આદર્શમાંથી પ્રેરણા પામીને આદર્શ માનવ બને છે. દક્ષિણેશ્વરમાં પણ સેંકડો માણસો ટોળે મળે છે તેનું કારણ એ જ છે. આજે પણ માણસને અહીંથી ખોરાક મળે છે, પ્રેરણા સાંપડે છે, સંસારનો થાક ઊતારીને પુનર્જીવન પામીને પ્રવાસી અહીંથી પાછો ફરે છે.

પરમહંસદેવ ભારતીય સંસ્કૃતિ કે ધર્મના પ્રતિનિધિ હતા. ઇશ્વરની પાછળ પાગલ બનીને માણસ તેને કેવી રીતે મેળવી શકે તે તેમણે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે.

દક્ષિણેશ્વર જવાનું થાય એટલે બેલુડ મઠને તો કેમ જ ભુલાય ? દેશ ને વિદેશમાં-ખાસ કરીને વિદેશમાં અપાર માન મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે આ મઠની સ્થાપના કરેલી. જીવનનો છેલ્લો સમય તેમણે અહીં જ પસાર કરેલો. અમે બેલુડ મઠ પણ ગયા. મઠની પાસે જ પ્રચંડ છતાં ગંભીર રૂપમાં ગંગાજી વહે છે. કલકત્તા જેવા મોટા ને ધમાલિયા શહેરમાં હોવા છતાં આ સ્થળે અત્યંત શાંત ને રમણીય વાતાવરણ દેખાય છે. સ્થાનના સૌન્દર્યનું એક મોટું કારણ ગંગા છે. નદી કે સમુદ્ર વાતાવરણને વધારે રમણીય બનાવે છે, ને તેમાંયે જો છુટાછવાયા પર્વતોની શોભા મળે તો તો પૂછવું જ શું ? તે સ્થાનની શોભા અદ્વિતીય જ બને. સૌન્દર્યની વાત જવા દઇએ તો પણ, માનવના વિક્ષિપ્ત મન અને આર્ત અંતર પર આવાં સ્થળો અસાધારણ અસર ઉપજાવે છે. માનવ આવાં સ્થળોમાં ચિંતનશીલ ને સ્વસ્થ બની જાય છે ને ઊંડી રાહતની લાગણી અનુભવે છે. એટલા જ માટે ભારતના વધારે ભાગના સાધકો, તપસ્વીઓ કે ઋષિવરોએ પોતાના નિવાસસ્થાન તરીકે સરિતા ને પર્વતના પ્રદેશોને પસંદ કર્યા હતાં. હિમાલયની ભૂમિનો મહિમા પણ એટલા માટે જ વિશેષરૂપે મનાય છે, અને આજે પણ અનેક નાનામોટા સાધકો શાંતિનો આસ્વાદ લેવા એ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે.

બેલુડ મઠમાં ઉપર જઇને અમે સ્વામી વિવેકાનંદના ઓરડાનાં દર્શન કર્યા. ત્યાં જતાવેંત સ્વામી વિવેકાનંદનું મહાન વ્યક્તિત્વ નજર સામે ખડું થયું. સ્વામીજીની શક્તિ અપાર હતી. તેમનામાં એક સાથે અનેક પ્રકારની યોગ્યતા હતી. પ્રસિદ્ધિમાં આવતાં પહેલાં તેમણે કેટલાય કષ્ટો વેઠીને ભારતનો પ્રવાસ કરેલો, તપ કરેલું, ને ભારતના આત્માને ઓળખેલો. ભારતની મહત્તા તેમને તેની આધ્યાત્મિકતા કે ઇશ્વરપરાયણતામાં જ દેખાયેલી. એ લાગણીનો પડઘો તેમનાં વ્યાખ્યાનો, ઉપદેશો ને વાર્તાલાપોમાં ઠેર ઠેર નજરે પડે છે. એને લીધે જ એમને ભારત માટે માન હતું. ભારતની એ ભૂતકાલીન મહત્તા ફરી વાર તાજી થાય, અનેક પ્રજાજનો એ મહત્તાને જીવનમાં ઊતારે, ને સંસાર પણ તે માર્ગે ચાલીને સુખી થાય એવી તેમની પ્રબળ ઇચ્છા હતી. એ માટે તેમણે વીરની જેમ એકલે હાથે પુરુષાર્થ કર્યો, ને તેનાં ઉપકારક ફળને મૂકીને આપણી વચ્ચેથી વિદાય થયા. ભારતનો રાષ્ટ્રીય ઇતિહાસ લખાય ત્યારે રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવના પ્રચારક તરીકે, ને તે દ્વારા વિદેશોમાં ભારતીય ધર્મ ને ભારતની પ્રજા પ્રત્યે સન્માન જગાવનાર મહાપુરુષ તરીકે, સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ અવશ્ય કરવો જોઇશે. વિચારકોને એ રીતે જણાશે કે ગાંધીજીના વિરાટ કાર્યની પહેલાં પણ એ મહાન પુરુષે પોતાની રીતે ભારતને માટે કાર્ય કર્યું હતું. ખરેખર, વિવેકાનંદ જેવા પુરુષસિંહ વારંવાર પાકતા નથી.

જે હેતુને માટે સ્વામીજી જીવનભર મથ્યા તે આજે ક્યાં દેખાય છે ? ભારત તો એવું જ દીન હીન ને કંગાલ છે. મહાત્મા ગાંધીની અસર પણ તેના પરથી હવે ભુંસાતી જાય છે. દેશમાં પક્ષાપક્ષી વધવા માંડી છે, સેવા વૃત્તિનો લોપ થવા માંડ્યો છે, ને નીતિ કે આધ્યાત્મિકતા તો વિરલ લોકોનો જ ઇજારો થઇ ગઇ છે. આ દશાનું કારણ શું ? તેનું ઓસડ શું ? ગંગાને કિનારે ઊભા રહીને મેં વિચારો કર્યા. પણ તેનો ઉલ્લેખ કરું તો વિસ્તાર વધારે થશે. અહીં તો એટલું જ કહીશ કે ભારતે સુખી ને સમૃદ્ધ થવું હોય, આઝાદીના ફળને ચાખવા જો તેણે રામરાજ્યની રચના કરવી હોય, તો પ્રત્યેક માણસે ન્યાય ને નીતિને અપનાવ્યા વિના છૂટકો નથી, ઇશ્વરપરાયણ થયા વિના છૂટકો નથી, ને સેવા ને સહકારનું વ્રત લઇને જીવનમાં સંયમ, સાદાઇ તથા સચ્ચાઇને ઊતાર્યા વિના ચાલશે નહીં. આપણી પાસે બે માર્ગ છે. એમ કહો કે આખા સંસાર માટે બે માર્ગ છે. એક તો આપણા પ્રાતઃસ્મરણીય મહાપુરુષોએ બતાવેલો ઉન્નતિ માર્ગ ને બીજો હિંસા, અસત્ય, ક્રોધ, કપટ, છલ તેમજ દુરાચારનો રાક્ષસી માર્ગ. એ માર્ગ પતનનો છે. તેનાં વિપરીત પરિણામોની માહિતી માનવ સમાજને મળી ચૂકી છે. છતાં પણ જો તે નહિ ચેતે, ને રાક્ષસી માર્ગને નહિ મૂકે, તો દેશ ને દુનિયાના દુઃખો વધતાં જ જશે, ને તેનો કોઇ ઇલાજ નહિ થઇ શકે. ધર્મ ને સાચી આધ્યાત્મિકતાના પાયા પર રચાયેલો સમાજ જ સુખી, સમૃદ્ધ ને સલામત થઇ શકશે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.