Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જગન્નાથપુરીમાં મહાત્મા હરિદાસજીએ મને પૂછયું કે ‘તમારા જીવનનું લક્ષ્ય શું છે ?’

મેં જવાબ વાળ્યો કે ‘જેવી રીતે તમારી પાસે છું, તમને જોઉં છું ને તમારી સાથે વાત કરું છું, તેવી જ રીતે ઇષ્ટનું મિલન મેળવવું-ઇષ્ટનું સાનિધ્ય પ્રાપ્ત કરવું, ટુંકમાં એમ કહેવાય કે तुम मुझे देखा करो और मैं तुम्हे देखा करुं !’

થોડી વાર પછી વળી મેં કહ્યું, ‘યોગ કે સાધનાત્મક પ્રક્રિયાનાં બીજાં નાનાં મોટા જેટલા લક્ષ્ય તે બધાં જ આ વિરાટ લક્ષ્યની અંદર સમાઇ જાય છે. સમાધિ-સિદ્ધિ, દિવ્ય કે અલૌકિક શક્તિ કે રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ, અમૃતપદ કે પરમશાંતિ એ સર્વ કૈં ઇષ્ટ કે ઇશ્વરની પરિપૂર્ણ કૃપાથી સાધ્ય થઇ જાય છે. એટલે પ્રેમમાર્ગના સાધકે આ જ લક્ષ્યને નજર સામે રાખીને ચાલવાનું છે. તે પછી સાધનનો વિચાર કરવો પણ જરૂરી છે. પરમાત્માના મિલનનું એકમાત્ર મહાન સાધન તીવ્ર પ્રેમ ને તે દ્વારા વ્યાકુળ હૃદયે થતી પ્રાર્થના છે. અંતરના અંતરતમમાંથી, એક ઇશ્વરની જ ભૂખ જગાડીને માણસ ઇશ્વરને પોકાર કરે તો ઇશ્વર તેને જરૂર જવાબ દેશે ને તેની સામે સમય પર પ્રકટ પણ થશે. એટલે બીજા બધા જ ગૌણ સાધનો દ્વારા આ મહાન સાધનને વિકસાવવાનો પ્રયાસ સાધકે કરવો જોઇએ. તો જ સાધના ને તે દ્વારા જીવન સફળ બની શકે.’

હરિદાસજી મારી સાથે સંમત થયા. તે પોતે એક સાચા અનુભવી મહાપુરુષ હતા. એટલે તેમના વિચારો મારા વિચારોને મળતા જોઇને ખૂબ જ આનંદ પામ્યા.

તે દિવસોમાં એક નવી જ મૂંઝવણ ઊભી થઇ. નવરાત્રિના દિવસો પાસે આવતા જતા હતા. તે દિવસોમાં પાણી પર વ્રત કરવાની મારી ઇચ્છા હતી. તે માટે કયા સ્થળમાં રહેવું એ પ્રશ્ન ઊભો થયો. ક્યાં તો જગન્નાથપુરીમાં જ કોઇ સારી જગ્યામાં રહેવું કે પછી ગુજરાતમાં જવું અથવા ઋષિકેશ જઇને કોઇ સારી ધર્મશાળામાં જઇને નિવાસ કરવો એવા ત્રિવિધ વિચાર મારા મનમાં ઉત્પન્ન થયા. કોઇ ઉકેલ દેખાયો નહિ. છેવટે મંદિરમાં જઇને મેં પ્રભુને પ્રાર્થના કરી હે પ્રભુ ! તમારામાં શ્રદ્ધા-ભક્તિને રાખીને લાખો લોકો અહીં દર્શન કરવા આવે છે. તમારામાં સત્યતા હોય ને તમારો મહિમા આજે પણ સાચો હોય તો કોઇ દૈવી અનુભવ આપીને મને ત્રણ દિવસની અંદર જણાવી દો કે નવરાત્રિ વ્રત કરવા મારે ક્યાં રહેવાની જરૂર છે !

વાત ઘણી જ ગંભીર હતી. પણ ત્રીજે દિવસે સવારે જ પ્રભુએ મારા મનને શાંતિ આપી. વહેલી સવારે પ્રાર્થના કરતો હું બેઠેલો ત્યારે મારી સામે અચાનક શારદાદેવી પ્રકટ થયાં. તેમણે કહ્યું : ‘કેમ ચિંતા કરો છો ?’

‘મારે ક્યાં જવું તે મને સમજાતું નથી.’ મેં ઉત્તર આપ્યો.

‘તેમાં શી મૂંઝવણ છે ?’ તેમણે ખુલાસો કર્યો, ‘તમે સીધા દેવપ્રયાગ જાવ. ત્યાં શેઠના મકાનમાં નિવાસ કરજો. તે મકાન ખાલી નથી. તેમાં એક સરકારી માણસ રહે છે. પણ તમને ના નહિ પાડે. મકાનમાં રહેવાની રાજીખુશીથી રજા આપશે. તમારા આશ્રમમાં તો વરસાદના તોફાનને લીધે રહી શકાય તેમ નથી તેની મને ખબર છે.’

અને એ અદૃશ્ય થઇ ગયાં. મારી પ્રસન્નતાનો પાર ના રહ્યો. કોણ કહે છે કે દેવસ્થાનોમાં દેવત્વ નથી ? આજે પણ તેમનો મહિમા પહેલાંના જેવો જ સાચો છે. પણ માણસનું દેવત્વ મરતું જાય છે. તેનું પોતાનું દિલ ખાલી છે. તે જો શ્રદ્ધાભક્તિથી ભરપૂર બની જાય તો તો તેનું જીવન અજબ જેવા અનુભવોથી અલંકૃત બની શકે.

બીજે દિવસે બનાવેલી જગન્નાથ ભગવાનની સ્તુતિ ‘શ્રી જગન્નાથ સ્તવનમાળા’ મંદિરમાં ફરી વાર ગાઇ અને મને શાંતિ આપવા અથવા દિશાસૂચન કરાવવા બદલ પ્રભુનો આંસુભીની આંખે આભાર માન્યો.

શ્રી શારદાદેવીના અનુભવનો મારા જીવનનો આ પહેલો જ પ્રસંગ હતો. જગદંબાએ જ એ સ્વરૂપમાં આવીને મને માર્ગદર્શન આપેલું.