if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ પ્રકારે વિચાર કરતાં અમે સાંઇબાબાના ત્રીજા સ્થાન પાસે આવી પહોંચ્યા. આ સ્થાન પાસે લીમડાનું વૃક્ષ છે. લીમડામાંથી બે મોટાં ડાળ ફૂટ્યા છે. એક ડાળ પરનાં બધાં જ પાંદડાં મીઠાં છે ને બીજી ડાળનાં કડવા છે. શ્રી સાંઇબાબાએ એવો ચમત્કાર કર્યો હતો એમ કહેવાય છે. નીચે નાનું શિવલિંગ અને એમના ગુરુદેવનાં પગલાં છે. આ સ્થાનમાં ધૂપાદિ કરવાનો મહિમા ઘણો મોટો છે એમ સાંઇબાબાએ સ્વમુખે જ કહ્યું છે.

હવે સમાધિમંદિરમાં સમૂહપૂજાનો સમય થઇ ગયો હતો. પુજારી ને ભક્તો સમાધિની સામે ખૂબ જ હૃદયંગમ રીતે સ્તુતિપાઠ કરે છે, એ વખતે નાનાં મોટાં બધાં જ ઊભા રહે છે.

પૂજા પતી ગયા પછી ભોજનનો સમય થયો એટલે અમે ભોજન કરવા ગયાં. પહેલેથી સૂચના આપે તેને અહીં ભોજન આપવામાં આવે છે. ભોજનમાં પંક્તિભેદ નથી. મોટા વિશાળ ભોજનખંડમાં પંક્તિબંધ પાટલા મુકવામાં આવ્યા હતા. તેની પાસે પતરાળાં હતાં. બસો જેટલા માણસો જમનારાં હશે. ધોતી પહેરીને, અર્ધા ઉઘાડા શરીરે રસોઇ પીરસનારા પુરુષો હતા. શાક, પરોઠા જેવી રોટી અને ઉપમા જેને ભાવે તેને માટે બરાબર છે. બાકી જે આવા ભોજનથી ટેવાયા ના હોય ને મરચું ઓછું ખાતા હોય કે બિલકુલ ખાતા જ ના હોય, તેમણે ભોજનવિધિમાં નિરાશ થવાનું જ રહે છે. છતાં પણ આઠ આનામાં આજના કપરા સમયમાં રોજ જમવાની આવી વ્યવસ્થા થાય છે તે કાંઇ ઓછું તો નથી જ.

રાતની મુસાફરીના થાકને લીધે જમ્યા પછી સૌ ઊંઘી ગયા. બપોરે મોડેથી ઊઠીને સ્વસ્થ થયાં. સાંજે સાકોરી જવા ઉપડ્યા. જવા માટે ગાડાની વ્યવસ્થા કરી લીધી. સાકોરી શિરડીથી ત્રણેક માઇલ છે. નાનું સરખું ગામ છે. ત્યાં પ્રસિદ્ધ સંત શ્રી ઉપાસની બાબાનું સ્થાન છે. સ્થાનમાં પહોંચ્યા ત્યારે અંધારું થઇ ગયું હતું. એટલે ખાસ જોવાનો આનંદ ના આવ્યો. છતાં એક ભાઇએ બધું બતાવ્યું. ઉપાસની બાબાના સ્થાનમાં સાંજની પૂજા હમણાં જ પૂરી થઇ હતી. બાબાના શિષ્યા શ્રી ગોદાવરી માતાનો પ્રસાદ વહેંચતા હતાં. એક બાજુ ઉપાસની બાબાની માતાનું મંદિર હતું. સામે યજ્ઞકુંડ હતો. સુંદર ફોટાથી તે સુશોભિત હતો. તેમાં સૌથી ઉપર સાંઇબાબાનો ફોટો હતો. ઉપાસની બાબા સાંઇબાબાના શિષ્ય હતા. સાંઇબાબાની જ દોરવણી ને કૃપાથી તેમને સિદ્ધિ મળેલી. એટલે અહીં બધે જ સાંઇબાબાનાં ચિત્રો દેખાતાં. બહાર દત્તમંદિરનાં દર્શન પછી અમે પાછા ગાડામાં ગોઠવાયા ને શિરડીને માર્ગે વળ્યા. અંધારા આકાશમાં તારા હારબંધ બેઠેલા. મૃત્યુ, શોક કે ભયની પાર પહોંચેલા પ્રેમ, શાંતિ અને અમૃતપદની દુનિયામાં વસનારા કોઇ અલૌકિક યોગીવરો ધારીધારીને અમને જોઇ રહ્યા હોય અને અમારા પર અમૃતવર્ષણ કરતા હોય એમ લાગતું. એ અમૃતરસને ઝીલતાં, ગાડામાં બેસીને ‘ભજ ગોવિંદ ભજ ગોવિંદ’ની ધૂન ચલાવતાં ને ભજનો ગાતાં અમે આગળ વધી રહ્યા. થોડી વારે શિરડી આવી પહોંચ્યું.

મારી પથારી સાંઇબાબાના સમાધિ મંદિરની સામે જ હતી. રાતે મંદિરમાં ભજન કીર્તન થતું. હારમોનિયમ સાથે કોઇ ભજન ગાતું. એ જોઇને મને આલંદીમાં શ્રી જ્ઞાનેશ્વર મહારાજની સમાધિનાં સ્થાનમાં રાતભર થતાં ભજનોની યાદ આવી, પણ આ ભજનો એટલાં આકર્ષક ન હતાં. કેટલાક એમ માનતા લાગે છે કે જોરથી તાળી પાડીને મોટે સાદે ગવાતાં ભજનો જ ઉત્તમ ઢબનાં કહેવાય. અહીં એ જ પ્રકારે ભજન થતાં હતાં. પણ શાંત ઢબથી, ધીરે ધીરે ને છતાં પણ અંતરના ઊંડાણમાંથી જે ભજનો ગાવામાં આવે છે તે વધારે અસરકારક ને હૃદયંગમ હોય છે. એટલે જ આલંદીની ભજન-પદ્ધતિ ખૂબ જ મધુર ને ઉત્તમ લાગે છે. ભજનો શાંતિપૂર્વક ને માણસોને જ નહિ પણ પ્રભુને સંભળાવવા માટે ગાવામાં આવે ને તે પ્રમાણેના ભાવ ગાનારાના જીવનમાં કૈંક અંશે પણ ઉતર્યા હોય તો તેમાં અદ્દભુત બળ આવે છે એ નક્કી છે.

બીજે દિવસે સવારે અમે નદી-સ્નાન કર્યું. ત્યાં નદી-સ્નાન કરતાં જ વિચાર થયો કે રાતે સાકોરી ગયા પણ અંધકારમાં બધું જોવાનો સારી પેઠે લાભ ના મળ્યો એટલે બની શકે તો ફરીથી સાકોરી જવું. સાથેના ભાઇઓએ તપાસ કરી તો સાઇકલોની વ્યવસ્થા થઇ શકી. ચાર સાઇકલ પર ચાર ભાઇઓ તૈયાર થયા. પાંચમી સાઇકલ પર એક બીજા ભાઇ બેઠા ને તેમની આગળ તેમણે મને બેસાડ્યો. સાઇકલ ચલાવતાં આવડતું ના હોવાને લીધે એમ કર્યા વિના છૂટકો ન હતો. થોડી વારમાં તો અમે સાકોરી આવી પહોંચ્યા.

સાકોરી પહોંચ્યા ત્યારે પૂજા, આરતિ કે પ્રાર્થનાનો સમય થયેલો. ઉપાસની બાબાનાં પુરુષ ને સ્ત્રી શિષ્યો ઊભાં ઊભાં પ્રાર્થના ગાઇ રહ્યા હતાં. વાતાવરણ ખૂબ જ સુંદર લાગ્યું. રાતના કરતાં અત્યારે એ સ્થાનનું સૌન્દર્ય ને સ્વરૂપ કૈંક જુદું જ દેખાયું. પ્રાર્થના પછી જુદાં જુદાં સ્થાનમાં અમે સારી રીતે ફર્યા. ને પાછા સાઇકલ પર સવાર બનીને ભોજન વખતે શિરડી પહોંચ્યા. કાલે ભોજનમાં ખાસ રસ લાગ્યો ન હતો. એટલે અમારામાંના ઘણા ભાઇબેનોએ આજે ભોજનમાં ભાગ લેવાની ના કહી. બપોરની મોટરમાં અમારે મનમાડ જવાનું હતું. જતાં જતાં એક વાર છેલ્લે શ્રી સાંઇબાબાની સમાધિના દર્શન કરી લીધાં. મારી સાધના સંબંધમાં કોઇ નિશ્ચિત સંકેત શ્રી સાંઇબાબા તરફથી મેળવવાની મારી ઇચ્છા હતી. સાંઇબાબાના સ્થાનમાં આવવાનો મહત્વનો હેતુ એ જ હતો. પણ તે ઇચ્છા પૂરી થઇ નહીં. પૂરી થઇ હોત તો સાંઇબાબા ને શિરડીની યાત્રા સફળ થઇ જાત. પ્રભુની ઇચ્છાની વાત છે. તેમાં સંતોષ અને આનંદ માન્યા વિના છૂટકો નથી.

સાંઇબાબાએ પોતાની પ્રખર શક્તિથી કેટલાય દીનદુઃખી ને પીડિત માણસોને મદદ કરી હતી. રોગી, નિર્ધન, અપંગ, અનાથ, અસહાયને મદદ કરવાની સાથે સાથે આધ્યાત્મિક વિકાસ કે અનુભવ માટે તલસતા અનેકને એમણે સહાયતા પહોંચાડેલી. પોતાની શક્તિને ગુપ્ત રાખ્યા વિના ઇચ્છાપૂર્વક ને વધારેમાં વધારે વ્યાપક રીતે તે સૌને મદદ કરતા. તેમના જીવનના ગ્રંથો આજે પણ પ્રકટ થયેલા છે. તેમાંથી વિશેષ જાણવા માગનારને ઘણી માહિતી મળી રહે છે. સાંઇબાબાનું જીવનચરિત્ર વાંચીને શિરડીની યાત્રા કરીને મને એક વાર ફરી થયું કે સાંઇબાબાની જેમ સર્વ પ્રકારની સિદ્ધિ ને ઇશ્વરની કૃપા મેળવી ચુકેલા મહાપુરુષ જો ગાંધીજીની જેમ દેશ ને દુનિયાના મંગલ માટે સેવાના કામમાં પડે તો માનવજાતિને કેટલો મોટો લાભ થાય ? એવા મહાપુરુષને સંસારમાં પ્રકટાવીને માનવજાતિનું હિત કરવા માટે મેં પ્રભુને પ્રાર્થના કરી ને શિરડીનાં સંસ્મરણોને યાદ કરતાં મુંબઈ તરફ પ્રયાણ કર્યું.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.