Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બીજો પ્રસંગ રાજપુરનો છે. રાજપુરમાં બને તો થોડોક વખત રહેવાની ઇચ્છા હોવાથી અમે ત્યાં રાજા મહેન્દ્રપ્રતાપને મળવા ગયા. પ્રેમી ભાઇ ચંપકલાલે તેમના પર મારો પરિચય આપતો પત્ર લખ્યો હતો. એટલે તેમને મારો સાધારણ પરોક્ષ પરિચય હતો. છતાં તેમણે જે પ્રેમથી અમારું - મારું અને માતાજીનું સ્વાગત કર્યું તે પ્રેમ સદાને માટે યાદ રહી જશે. તેમનું વર્તન ખૂબ જ માનવતાભર્યું હતું. તેમણે અમને અમારી ઇચ્છા હોય ત્યારે પોતાના મકાનમાં રહેવા આવવાનું કહ્યું. જે ઓરડો આપવાની તેમની શક્તિ હતી તે પણ બતાવ્યો. ઓરડા બે હતા ને હજી બની રહેલા. પણ તેમાં એક પણ બારી ન હતી. કેટલીક વાત પછી મેં તેમને જવાબ આપ્યો કે રહેવા આવવાનો વિચાર થશે એટલે પહેલેથી જણાવીશ. તેમણે ખૂબ જ પ્રેમથી અમને વિદાય આપી. સાથે સાથે તેમણે લખેલું પ્રેમધર્મનું પુસ્તક ને મહિનામાં ત્રણ વાર પ્રકટ થતું તેમનું મુખપત્ર 'સંસારસંઘ' ભેટ આપ્યું. તેમના બધા વિચાર સાથે માણસ સમંત ના થાય તે માની શકાય તેવું છે. પણ તેમની માનવતા ને તેમનું નમ્ર ને પ્રેમમય વર્તન કોઇના પણ દિલને સ્પર્શે તેમ છે, એમાં સંદેહ નથી.

ઋષિકેશ આવીને કેટલાક દિવસ બાદ મેં લખ્યું : 'તમારા પ્રેમમય વર્તાવથી બહુ જ આનંદ થયો. પણ તમે રહેવા માટે જે મકાન બતાવ્યું તે બારી વિનાનું હોવાથી પસંદ ના પડ્યું. જો બીજુ સારું મકાન હોત તો જરૂર રહેવા આવત.'

એના ઉત્તરમાં તેમણે લખી જણાવ્યું : 'તમે તે વખતે જ કેમ ના કહ્યું કે બારીવાળું મકાન જોઇએ ? મારી બાજુમાં જ એક ઓરડો છે. તેમાં બારી જ બારી છે. તમે આવશો તો તેમાં જ ઉતારીશ.'

રાજાજીના પ્રેમપૂર્ણ હૃદયની આ નિશાની હતી. ઋષિકેશમાં આ વખતે વરસાદ સારા પ્રમાણમાં પડી ગયો. તેને લીધે આબોહવા અનુકૂળ રહી. તેથી રાજપુર જવાનો વિચાર બંધ રાખ્યો. પણ પ્રથમ મુલાકાતે જ રાજા મહેન્દ્રપ્રતાપે અમારી સાથે જે ઉત્તમ વ્યવહાર કરી બતાવ્યો તે સદાને માટે હૃદયમાં ઘર કરી ગયો. તેવો વ્યવહાર આ સમયમાં ભાગ્યે જ જોવા મળે છે. રાજાજી પ્રેમધર્મના પ્રચારક છે. તે એવો પ્રેમપૂર્ણ વ્યવહાર કરે તે સમજી શકાય તેવું છે. તેથી તેમનું ગૌરવ મારી દૃષ્ટિએ વધે છે. માણસો જેમાં માને છે ને જેનો ઉપદેશ કરે છે તેને પોતાના જીવનમાં ઉતારતા હોય તો કેટલું સારું ? આચાર અને વિચારનો ભેદ દૂર કરવામાં જ માણસની મોટાઇ છે ને તેમાં જ તેની શોભા રહેલી છે. તેમના પ્રેમમય વ્યવહારને માટે મેં રાજા મહેન્દ્રપ્રતાપને પત્ર દ્વારા ધન્યવાદ આપ્યા ને તેમનો પ્રેમ જોઇને વધારામાં લખ્યું કે 'તમારા નિમંત્રણનો ભવિષ્યમાં કોઇ વાર બની શકશે તો જરૂર લાભ લઇશ.'