if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

છતાં ઉપવાસ ને વ્રતની ભલામણ હું બધાને માટે નથી કરતો. એ વસ્તુ વાદ લેવાની કે નકલ કરવાની નથી. માટે રખે કોઇ તેની નકલ કરે. કોઇ પૂછશે કે તો પછી તમે આમ ઉપરાઉપરી ઉપવાસ કેમ કર્યા કરો છો ? મારા જીવનનું બરાબર મનન કરનાર ને એ પ્રશ્નનો ઉત્તર સહેલાઇથી મળી જશે. વાત એમ છે કે મને પણ કાંઇ ઉપવાસનો શોખ નથી. પણ ઇશ્વરનો અનુરાગ છે અને એટલા જ માટે ઉપવાસ કરવા પડે છે તેથી કરું છું.

નાનપણમાં કોઇવાર કોઇ ભૂલ થતી ને સંસ્થાના સંચાલક તરફથી ખાતી વખતે શાક નહિ લેવાનો કે કોઇ બીજે પ્રસંગે ભાત નહિ લેવાનો દંડ થતો તો તે દંડ કેટલો ભારે લાગતો તે યાદ આવે છે. શાક કે ભાત વિનાની રસોઇનો સ્વાદ જ ઉડી જતો. મારે એવા દંડ ભોગવવાના પ્રસંગો ભાગ્યે જ એકાદ બે આવ્યા હશે. પણ કેટલાક વિદ્યાર્થીઓને માટે તો એ એક સર્વસાધારણ કે સામાન્ય વસ્તુ હતી. સમય પર ઉઠ્યા નહિ માટે દૂધનો દંડ, તોફાન કર્યું કે પ્રાર્થના ને વ્યાયામમાં હાજર રહ્યા નહિ માટે દાળ કે શાકનો દંડ, ને વાત વધારે વણસી હોય ને આશ્રમના મોટા વિદ્યાર્થી કે ગૃહપતિનો મિજાજ ઠેકાણે ના હોય તો એક ટંક નહિ જમવાનો દંડ - એવા કેટલાય દંડ આજે પણ કેટલીય સંસ્થાઓમાં ઘર કરી બેઠા છે. બાળકો સાથે કામ લેવાની એ રીત ખોટી છે ને તેનો ત્યાગ કરવામાં હવે વિલંબ થવો ના જોઇએ. સંસ્થાના ગૃહપતિનું પદ ગમે તેવાને નહિ પણ બાળકોના મનને સમજનાર, બાળકોને પોતાના માની પ્રેમ કરનાર ને બાળકોના જીવનને રસ લઇને પ્રેમપૂર્વક સુધારનાર કે વિકસાવનાર માણસને સોંપવું જોઇએ. વિચારોની એવી જાગૃતિ આજે થતી જાય છે, છતાં પરિસ્થિતિ બરાબર સુધરી છે એમ નથી. વીસથી પચીસ વરસ પહેલાં તો એવી જાગૃતિ પણ છેક જ ઓછી હતી ને 'સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ધમ ધમ' ના પ્રયોગો પ્રસિદ્ધ હતા. એ પ્રયોગથી વિદ્યા કેટલા પ્રમાણમાં આવતી તે વિવાદની વાત છે. પણ તરત સોળ ઉઠી જતાં, દંડ દેનારને મારનાર પ્રત્યે વેરભાવ જાગી જતો ને કેટલાય સંજોગોમાં સોટી વાગતાં કે ચીમટી-લોહી કાઢે એવી ચીમટી ભરાતાં બધી જ લાજ મરજાદનો ત્યાગ કરીને બાળકો બૂમ પાડતાં. શિક્ષણ ને સુધારની એવી જંગલી પ્રથા બાળકોને માટે ઘાતક હતી. એ પ્રથાના પુરસ્કર્તા ને પ્રસંશકો તરફથી એકાદ વાર થયેલો દાળ કે શાકનો દંડ પણ ભારે લાગતો. રોજ રોજ દાળ રોટલી જેવો ખોરાક મળે ને શિવરાત્રી કે જનમાષ્ટમી જેવા વ્રતમાં દૂધ ને ખજુર તથા ફળાહારનો બીજો ખોરાક મળે. તેથી પણ કેટલીક વાર ધર્મભાવના એકાએક વધતી ને સંસ્થામાં વ્રત કરતા. પણ તે દિવસે ફળાહાર ખૂબ મોડો મળતો તો કેવુંય થઇ જતું. વીતી ગયેલ સ્વપ્ન જેવા એ દિવસો યાદ આવે છે ત્યારે થાય છે કે ભૂલેચુકે પણ ખાવાની કોઇ વસ્તુનો દંડ બાળકોને કોઇપણ માણસે કોઇયે કારણથી ના કરવો. એવો દંડ કરનાર એક મોટો અપરાધ અને એથીય આગળ વધીને કહી શકાય કે મોટું પાપ કરે છે. સંસારમાં ખોરાકથી વંચિત રહેવાનો દંડ સૌથી મોટો છે એમ મને લાગે છે. ને ત્યારે ભારતીય ઋષિઓ અન્નદાનનો જે આટલો મહિમા ગાઇ રહ્યા છે તે કેટલો વૈજ્ઞાનિક ને ધન્યવાદ આપવા જેવો છે તેનો ખ્યાલ આવે છે. વાત જરા લંબાણથી લખી છે. પણ મારે કહેવાની વાત એ જ છે કે બાળપણના એ દિવસોમાં મને ક્યાં વિચાર હતો કે આવા દંડ તો મારે કેટલાય વેઠવા પડશે, ને કેટલાય દિવસોના ઇચ્છાપૂર્વક ઉપવાસ કરીને ભવિષ્યમાં મારે કેટલાય દિવસ તદ્દન ભૂખ્યા રહેવું પડશે.

એનો અર્થ એમ નથી કે ઉપવાસ પર મને અનુરાગ છે અને એનો આશ્રય હું મારી સ્વતંત્ર ઇચ્છાથી લઉં છું. સાધનાને માટે ઉપવાસ કરવાની આજ્ઞા મને ઇશ્વર તરફથી મળે છે ને ઉપવાસ પૂરા કરવાના હોય છે ત્યારે પણ આજ્ઞા મળે છે. હું તો તે આજ્ઞાને તાબે થઇને તેનું પાલન જ કરું છું. ઇશ્વરની ઇચ્છામાં મારી ઇચ્છાને મેળવીને કે ઇશ્વરની ઇચ્છાને મારી ઇચ્છા માનીને ઉપવાસનો આધાર લેવો પડે છે માટે લઉં છું. કેટલીક વાર મારી ઇચ્છા ઉપવાસ કરવાની હોય, પણ ઇશ્વરનો આદેશ ના મળે તો તે ઇચ્છા ભાગ્યે જ અમલી બને છે. ઇશ્વરની ઇચ્છાની પાછળ કારણ શું છે તેવો વાદ મારા મનમાં કદી ઉઠ્યો નથી. હું તો એમ જ માનું છું કે ઇશ્વરની જેમ તેની ઇચ્છા પણ મંગળ છે, માટે તેનો અમલ કરવો એ મારી ફરજ છે. સરદારના હુકમની સામે સૈનિકનો વાદ કે પ્રતિવાદ હોય જ નહિ. તે જ પ્રમાણે જેણે પોતાનું જીવન ઇશ્વરને ચરણે ધરી દીધું તેણે ઇશ્વરની આજ્ઞા સામે - જો ઇશ્વર કૃપાથી તે તેને સંભળાતી હોય તો શંકાશીલ થવાનું હોય જ નહિ. હું માનું છું કે મારી સાધનાના વિકાસમાં આવા ઉપવાસનું મહત્વ ગમે તે રીતે છે. તેથી જ ઇશ્વર મને તેવા ઉપવાસ કરવાની આજ્ઞા કરે છે. એટલે મારી પોતાની ઇચ્છાથી હું કરવાનો કે છોડવાનો વ્યવસાય કરતો જ નથી. પછી તેમાં કોઇ જાતની હઠનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે ? મારા સાધનામય જીવનની નાનીસરખી છતાં સાચી કે પ્રામાણિક કથાને જે ધ્યાનપૂર્વક વાંચી જશે તે આ સ્પષ્ટીકરણને સારી પેઠે સમજી શકશે. બાકી જેણે વિવેક ને સહાનુભૂતિની આંખ મીંચી દીધી છે, ને જેનું મસ્તક પૂર્વગ્રહથી પીડિત ને સૂકી વિદ્વતાના અતિ ભારથી દબાયેલું છે, તે તો બધા જ પ્રકારની લાજ મર્યાદાનો ત્યાગ કરીને ઉતાવળા થઇને પૂછી ઉઠશે, પેલા વિદ્વાન સંન્યાસી મહારાજની જેમ, તરત જ પૂછી ઉઠશે કે શું તમે હઠયોગમાં માનો છો ? આપણે તો તેમનો પણ ઉપકાર માનીશું. કેમ કે તે જો કૃપા કરીને એવો પ્રશ્ન ના કરત તો આટલી ઉપકારક ચર્ચાનો લાભ આપણને ક્યાંથી મળત ? સૃષ્ટિના સમસ્ત રૂપોમાં એક ઇશ્વર જ રમી રહ્યાં છે એમ માનીને આપણે સૌની સાથે તે સંન્યાસી મહારાજને પણ વંદન કરીશું ને વિચારોના આ માનસિક સ્નાનનો અવસર આપવા બદલ તેમને ધન્યવાદ આપીશું.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.