Text Size

નવરાત્રિના ઉપવાસ

(1) આશાનું એક વધુ કિરણ

આશા શબ્દ કેટલો બધો સુંદર છે ? તે શબ્દની શક્તિ પણ કેટલી બધી અપાર છે ? મારું સાધનામય જીવન કેટલાય વરસથી આશાના કિરણોમાંથી પસાર થતું જાય છે એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. તેનું ક્રમવાર અધ્યયન કરનારને એ વાત સહેલાઇથી સમજાઇ જશે. 'મા'ની પૂર્ણ કૃપા માટે પ્રત્યેક વરસે મેં બનતી મહેનત કરવામાં બાકી રાખ્યું કે પાછું વળીને જોયું નથી અને પ્રત્યેક વરસે મને આશાના એક કે વધારે કિરણ મળતાં ગયાં છે. તેને આધારે મેં મારી મુસાફરી પૂરી કરી છે. પ્રવાસ હજી પૂરો નથી થયો. પણ પંથ ઠીક ઠીક પ્રમાણમાં કપાઇ ગયો છે. એવી રીતે એક દિવસ સાધનાનો પંથ પૂરેપૂરો કપાઇ જશે એવી શ્રદ્ધા છે. એ શ્રદ્ધાની મહાન શક્તિએ જ મને આજ સુધી ટકાવી રાખ્યો છે. કોઇ કારણે નિરાશ કે નાસીપાસ થવા દીધો નથી.

નવરાત્રીના ઉપવાસ પૂરા થયા તે દરમ્યાન આશાનું એક વધુ કિરણ મળી ગયું. મારી સાધનાના ઇતિહાસમાં જે દિવસે સારો ભાગ ભજવ્યો છે તે જેઠ સુદી પાંચમનો દિવસ આ વખતે પણ આવી મળ્યો. મને ખબર હતી કે એવા પાંચમના દિવસો ઘણી વાર મિથ્યા થયા છે તો પણ મારે આશા અને ઉત્સાહ રાખ્યા વિના છૂટકો જ ન હતો. દિવાળી સુધીમાં લગભગ સોળ વાર જુદી જુદી રીતે એમ જ કહેવામાં આવ્યું કે 'આવતા જેઠ સુદી પાંચમને દિવસે દેવપ્રયાગમાં 'મા'નું સાક્ષાત્ દર્શન થઇ જશે ને તમારી બધી ઇચ્છા પૂરી થઇ જશે.'

દેવપ્રયાગના શાંતાશ્રમનું મકાન શ્રી ચક્રધરજીએ તોડી પાડ્યું હતું. એટલે મકાનમાં રહેવાનું કેવી રીતે થશે તે પ્રશ્ન હતો. પરંતુ દિવાળી પહેલાં ચક્રધરજી મને મળવા આવ્યા. તેમણે મકાન તૈયાર કરવાની મરજી બતાવી. એટલે મારી શ્રદ્ધા વધારે પ્રબળ બની. 'મા' ધારે તો શું ના કરી શકે ? મકાન તૈયાર કરવાનું કામ તેને માટે કાંઇ મુશ્કેલ નથી.

આ વખતે નવરાત્રિથી દિવાળી સુધીમાં બે વાર સાંઇબાબાએ પોતાનું દર્શન આપ્યું ને વાર્તાલાપ પણ કર્યો એ વાત ખાસ ઉલ્લેખનીય છે. તે મહાપુરુષની કૃપા મારા પર કાયમ માટે થયા કરે છે એ કાંઇ ઓછા આનંદની વાત નથી.

જેઠ સુદ પાંચમના નવા અનુભવથી નવરાત્રિના ઉપવાસનો શ્રમ હું સહેજે ભૂલી ગયો. મને થયું કે મારી દીર્ઘ સમયની સાધનાને સફળ થવાનો સમય હવે પાસે આવી ગયો. અંતરમાં અનેરી આશા અને શ્રદ્ધા સાથે હું ભાવિની પ્રતીક્ષા કરવા લાગ્યો.

દરમિયાન દેવપ્રયાગથી મેં મગાવેલી માહિતી આવી ગઇ. 'મા'ની પ્રેરણા આ વખતે મારે દેવપ્રયાગ જવું એવી હતી, પરંતુ દેવપ્રયાગમાં રહેવાની વ્યવસ્થા ન હતી. 'મા'ની પ્રેરણા પ્રમાણે ચક્રધરજીએ કુટિયા બનાવી ન હતી. એટલે દેવપ્રયાગ જવાનો કાર્યક્રમ મુલતવી રાખ્યા વિના છુટકો ન હતો. 'મા'એ આપેલી દેવપ્રયાગ જવાની પ્રેરણા મને કામચલાઉ રાહત આપવા માટે જ હતી તેની ખાતરી થઇ.

(2) નવરાત્રિના ઉપવાસ

વખતને વીતતાં વાર લાગે છે ? દિવસ પછી રાત ને રાત પછી દિવસ - કાળનું ચક્ર એમ નિરંતર ચાલ્યા જ કરે છે. કોઇને રોકાવું કે અટકવું હોય તો ભલે અટકે પણ કાળ તો કોઇને માટે રોકાતો કે અટકતો નથી જ. તે તો આગળ દોડ્યે જ જાય છે. નદીનો પ્રવાહ કદાચ આગળ વધતો અટકી પડે પણ તેનો પ્રવાહ તો અબાધિત રીતે વહ્યા જ કરવાનો. તેનો લાભ લઇને જેને જીવનમાં કાંઇ મહત્વનું મેળવવું હોય, શુભ કે અશુભ, ઉન્નતિકારક કે અવનતિકારક કરવું હોય તે કરી લે. સૌને તેની સ્વતંત્રતા છે. બાકી તે તો પોતાનું કામ કર્યે જ જવાનો. ઋષિકેશના એ વખતના દિવસો પણ દર વખતની જેમ કામકાજમાં ઝડપથી પસાર થઇ ગયા ને છેવટે નવરાત્રિના પેલા મહત્વના દિવસો પણ આવી પહોંચ્યા.

સાચું છે, કે નવરાત્રિના દિવસોનું મહત્વ મારા જીવનમાં ઘણું છે. આમ તો પ્રત્યેક દિવસ, પ્રહર ને પળ મારે માટે મહત્વનો ભાગ ભજવી જાય છે, પરંતુ નવરાત્રિનો વખત સાધનાની દૃષ્ટિએ અત્યંત મહત્વનો રહ્યો છે. મારા જીવનની કથાનું ક્રમિક અવલોકન કરનારને એ વાત સહેજે સમજાઇ જશે. 'મા'ની કૃપા માટે તે વખત દરમિયાન હું ભારે ચિંતા, વેદના ને તાલાવેલી સાથે તપું છું તે વાત જાણીતી છે.

નવરાત્રિના દૈવી દિવસો આવી પહોંચ્યા. પર્વતો લીલાંછમ બનીને શોભી રહ્યા હતા. તેમ મારા અંતરમાં પણ આશા ને ઉત્સાહની અનેરી સૃષ્ટિ શોભી રહી. ગંગાની જેમ મારા હૃદયમાં પ્રેમની નદી ઉછાળા મારી રહેલી. ગયે વરસે નવરાત્રિ દરમ્યાન મળેલો જેઠ સુદી પાંચમનો દિવસ મિથ્યા થયો તેથી જરા દુઃખ થયું હતું. છતાં શ્રદ્ધા એવી જ અડગ હતી. તેની મદદથી 'મા'ની પ્રેરણાના આધાર પર 'મા'ની પૂર્ણ કૃપા માટે એક વાર ફરી પાણી પર રહીને તપવાની ને તલસવાની મેં શરૂઆત કરી. આ માર્ગમાં નિરાશ ને હતાશ થયે કાંઇ જ વળતું નથી. ઉષાની જેમ નિત્ય નૂતન બનીને રોજ રોજ નવી આશા, નવી શ્રદ્ધા, ધીરજ ને ઉત્સાહથી સજ્જ થતા જ રહેવું જોઇએ. તો જ ધારેલી વસ્તુ મળી શકે કે કાર્યસિદ્ધિ થઇ શકે છે.

નવરાત્રિના ઉપવાસ 'મા'ની કૃપાથી સારી રીતે પૂરા થઇ ગયા. વાતાવરણ એવું હતું કે ઉપવાસ કરવાનું મન થાય જ નહિ. નવરાત્રિના દિવસો દરમ્યાન ઠંડી સખત હતી. સાતેક દિવસ સતત વરસાદ વરસ્યા કર્યો. સૂર્યનારાયણનાં દર્શન દુર્લભ થઇ ગયાં. પવન અને વરસાદે જાણે કે તાંડવ શરૂ કર્યું. બીજી બાજુ ગંગા પણ હિલોળે ચઢી. છેલ્લાં કેટલાંય વરસોથી - ઋષિકેશના લોકોના કહેવા પ્રમાણે છેક ૧૯૨૦ની સાલથી ના આવ્યું હોય એવું પ્રચંડ પૂર ગંગામાં આવી ગયું. ગંગાના તટપ્રદેશ પર આવેલી સાધુમહાત્માઓની કુટિયાઓને ભારે નુકસાન થયું. એ બધા પ્રતિકૂળ વાતાવરણની વચ્ચે પણ, મારા પાણી પરના ઉપવાસ અડગ રીતે ચાલ્યા કરતા હતા. મારા જીવનના ક્રમિક ઇતિહાસનું અધ્યયન કરનારને એ વાત નવી અને આશ્ચર્યકારક નહિ લાગે. સાધનાનો જે ઉત્સાહ મારા દિલમાં ભરેલો છે તે કોઈ પણ કારણે ઓસરતો નથી ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે અખંડ રીતે ચાલુ જ રહે છે. તેનાથી પ્રેરાઈને મેં મારા જીવનમાં સાધનાની ઈચ્છાનુસાર સિદ્ધિ માટે ઉપરા-ઉપરી પ્રયાસ કર્યા જ કર્યા છે. દેશ કે કાળનો અને પ્રતિકૂળતા કે અનુકૂળતાનો વિચાર કર્યા વિના સાધનાના શરૂ કરેલા યજ્ઞને ચાલુ જ રાખ્યો છે અને તેમાં ઉપરા-ઉપરી આહૂતિ આપ્યા જ કરી છે. શરીર તરફ નજર રાખ્યા વિના જગદંબાની ઇચ્છાને વફાદાર રહીને મેં મારું કામ ચાલુ જ રાખ્યું છે. શરીર તરફ જોઇને જે બેસી રહે તે વ્રત, તપ અને જરૂરી ઉપવાસ કેવી રીતે કરી શકે ? શરીર મારે મન નગણ્ય કે હેય નથી, પરંતુ જરૂર પડતાં તેને કસોટીએ ચઢાવવા, ગાળવા કે તપાવવા પણ તૈયાર થવું જોઇએ એવું મારું માનવું છે. એ માન્યતાને લીધે જ 'મા'ની આજ્ઞા થાય છે ત્યારે તેમાં મંગલ માનીને હું ઉપવાસ કરું છું.

 

 

Today's Quote

To observe without evaluating is the highest form of intelligence.
- J. Krishnamurti

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok