Sunday, October 25, 2020

અલૌકિક નામકરણ

કાળચક્ર પોતાનું કાર્ય અબાધિત રીતે કર્યે જ જાય છે. એને એક વિપળનો પણ વિશ્રામ નથી. દિવસો એક પછી એક પાણીના પ્રવાહની પેઠે પવનવેગે પસાર થતા ગયા અને જોતજોતામાં ઇ. સ. ૧૯૬૦નું વર્ષ પણ આવી પહોંચ્યું. કાળની ગણતરીની દૃષ્ટિએ સઘળાં વરસો સરખાં હોય છે પરંતુ જીવનના વ્યક્તિગત વિકાસની દૃષ્ટિએ એમનામાં ફેર પડે છે. વિકાસની દૃષ્ટિએ જોતાં અથવા મૂલવતાં કેટલાંક વરસો શકવર્તી બને છે, ચિરસ્મરણીય ઠરે છે, અને ચિરસ્થાયી અમીટ અસર પહોંચાડે છે. એમનો ફાળો ઘણો અગત્યનો હોય છે. જીવનમાં એ અમોઘ અમુલખ આશીર્વાદ થઇને અથવા દેવતાના દિવ્ય વરદાન બનીને આવતા હોય છે. ઇ. સ. ૧૯૬૦નું વરસ મારા જીવનનું એવું જ આશીર્વાદરૂપ વરસ સાબિત થયું.

એ વરસે ઇશ્વરકૃપાથી મારા લખેલા પુસ્તકોમાંના બે પુસ્તકો 'અનંત સૂર' અને 'સરળ ગીતા'ના પ્રકાશનની યોજના તૈયાર થઇ. 'અનંત સૂર'ને મુંબઈના શ્રી શાંતિલાલ દલાલ પોતાની ધર્મપત્નીની પુણ્યસ્મૃતિમાં પ્રસિદ્ધ કરાવવા માગતા હતા, તો 'સરળ ગીતા'નું પ્રકાશન શ્રી જટાશંકરભાઇ તથા ધનેશ્વરભાઇના સંયુક્ત સહયોગથી થવાનું હતું. એને માટેની ભૂમિકા સર્વપ્રકારે સાનુકૂળ હતી, ત્યારે મારી સમક્ષ એક અનોખી સમસ્યા ઊભી થઇ. એ સમસ્યા મારા નામની હતી. નાનપણથી મળેલું નામ મને એટલું બધું અનુકૂળ નહોતું લાગતું. એટલે બીજા કોઇ મિતાક્ષરી સારવાહી નામને અપનાવવાની ઇચ્છા હતી. એ ઇચ્છાથી પ્રેરાઇને જુદા જુદા નામો પર વિચાર કરવા માંડ્યો. કક્કાના જુદા જુદા અક્ષરો પરથી કયાં કયાં નામો બની શકે અને એ નામોમાંથી કોઇ નામ મને અનુકૂળ થઇ શકે કે કેમ તેની વિચારણા કરવાનો આરંભ કર્યો. એવી રીતે દિવસો સુધી યથામતિ યથાશક્તિ વિચારણા કરી તો પણ એક નિશ્ચિત મનપસંદ નામનો નિર્ણય ના કરી શકાયો, ત્યારે શું કરવું તે ના સમજાયું. વ્યક્તિગત રીતે કોઇપણ પ્રકારના નિશ્ચય પર અથવા નિશ્ચયજન્ય સુખદ સમાધાન પર પહોંચવાના મારા સઘળાં પાર વિનાનાં પ્રયાસો નિષ્ફળ નીવડ્યાં ત્યારે મેં પરમાત્માની સર્વોપરી સર્વશક્તિમાન સર્વજ્ઞ શક્તિનું શરણ લઇને એની પ્રેમપૂર્ણ પ્રાર્થના દ્વારા એની મદદ માગી. જગદંબાને વિનવણી કરી કે મારે માટે જે પણ ઉચિત હોય તે નામ મારી ઉપર અલૌકિક અનુગ્રહની વર્ષા વરસાવતાં મને પ્રદાન કરો.

થોડા દિવસની પ્રેમપૂર્વકની સતત પ્રાર્થના તથા ઉત્સુકતા પછી એક ધન્ય દિવસે વહેલી સવારે 'મા'ની કૃપા થઇ. ધ્યાનાસ્થામાં 'મા'ના દૈવી દર્શનનો દેવદુર્લભ લાભ મળ્યો. ત્યારે 'મા'એ મને ચિંતાનું ને વેદનાનું કારણ પુછ્યું તો મેં જણાવ્યું કે મારે ક્યું નામ પસંદ કરવું તેની સમજ નથી પડતી.

'મા'એ સુધાસભર શાંત સ્વરે સત્વર સ્પષ્ટીકરણ કર્યું કે એમાં ચિંતા કરવા જેવું કે વ્યથિત થવા જેવું શું છે ? તમારે માટે 'યોગેશ્વર' નામ જ બરાબર છે. તે જ નામને અપનાવો. તે સર્વપ્રકારે યોગ્ય અને ઉત્તમ રહેશે.

'મા'ના એ અલૌકિક આદેશ અથવા નામકરણથી મારી સમસ્યા ઉકલી ગઈ. મને સંપૂર્ણ સંતોષ થયો. બુદ્ધિ તથા ચિંતનશક્તિને સુખદ સમાધાન સાંપડ્યું. તર્કવિતર્ક ટાઢા પડ્યા. ચિંતા તથા વેદના શાંત થઇ.

જગદંબાએ એવી અલૌકિક રીતે મને જે નામ આપ્યું એ મને પહેલાં કદી સ્ફુર્યું જ નહોતું. પરમાત્મા પોતાના શરણાગતને સર્વપ્રકારે સહાય કરે છે અથવા પથપ્રદર્શન પહોંચાડે છે એની એક વાર ફરીથી પ્રતીતિ થઇ.

પુસ્તકો એ જ નામે પ્રકાશિત થયા ત્યારે શ્રી શાંતિલાલ દલાલે મુંબઈના સુંદરાબાઇ હોલમાં એ વખતના 'જન્મભૂમિ' પત્રના તંત્રી શ્રી રવિશંકર મહેતાના પ્રમુખપદે અને અતિથીવિશેષ શ્રી મંગળદાસ પકવાસાની સંનિધિમાં શાનદાર સમારંભ યોજ્યો. એમણે એમના અનુરાગ અને આદરભાવને એવી રીતે વ્યક્ત કરી બતાવ્યો.

પુસ્તક પ્રકાશનની એ પવિત્ર પ્રેમપૂર્વક પ્રારંભાયેલી પ્રક્રિયા પછી તો એક અથવા બીજી રીતે પોષણ પામતી વધતી રહી. બીજમાંથી વિસ્તરતા વૃક્ષની જેમ અનેકને માટે તે આશીર્વાદરૂપ થઇ.

 

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok