Thursday, July 02, 2020

અન્ય પ્રસંગો

સદભાગી સાક્ષર

વડોદરામાં થિયોસોફિકલ સોસાયટી તરફથી મારાં પ્રવચનો યોજાયાં ત્યારે ત્યાંના એક સુપ્રસિદ્ધ લેખક અને વિદ્વાન મને મળવા આવ્યા. એમણે મને કેટલાક પ્રશ્નો પૂછ્યાં.
થોડા જ દિવસો પછી એમના આગ્રહપૂર્વકના આમંત્રણથી અમે અલકાપુરીના એમના મકાન પર ગયા. ત્યાંથી બહાર નીકળતી વખતે એમણે મને એક તરફ લઇ જઇને જણાવ્યું : તે દિવસે હું થિયોસોફિકલ સોસાયટીમાં આવીને તમને પ્રશ્નો પૂછવા માંડ્યો ત્યારે તમારા મસ્તકની ઉપરના ભાગમાં મને રામકૃષ્ણ પરમહંસદેવની સુંદર સ્પષ્ટ આકૃતિ દેખાઇ. તો તમારો એમની સાથે પૂર્વજન્મમાં કોઇ સંબંધ હતો કે તમે એમના શિષ્ય હતા ?
મેં એમને કહ્યું : મારો એમની સાથેનો સંબંધ કેવો હતો તે હમણાં નહિ કહું. પરંતુ હું એમનો શિષ્ય તો નહોતો જ.
મારા શબ્દોથી એમને સંપૂર્ણ સંતોષ થયો હોય એવું ના લાગ્યું. તો પણ મેં જણાવ્યું : તમને રામકૃષ્ણદેવના દર્શનનો એવો લાભ મળ્યો એ પણ તમારું સદભાગ્ય કહેવાય. તમારા સંસ્કારો એટલા અસાધારણ. એ અસાધારણ સંસ્કારવાળા સૌજન્યમૂર્તિ સદભાગી સાક્ષર શ્રી કિસનસિંહ ચાવડા હતા.

અમૂલખ માનવ

મુંબઈના બીજા વરસના નિવાસ દરમ્યાન પ્રેમકુટિરમાં જગ્યાની મુશ્કેલી હોવાથી પ્રવચનોના વ્યવસ્થાપકોએ અમારે માટે રહેવાની વ્યવસ્થા ત્રણ બત્તીના માર્ગના એક મકાનમાં કરેલી. સ્ટેશનથી અમે એ મકાનમાં પહોંચ્યા તો ખરાં પરંતુ ત્યાંનું વાતાવરણ અમને અનુકૂળ ના લાગ્યું. ત્યાં શ્રી જગમોહન એન્જીનીયર પણ આવેલા. એમનો ઉપલક પરિચય હજુ એક વરસ અગાઉ જ થયેલો. એ તરત જ બોલ્યા : 'સવારે આ સ્થળને જોયું ત્યારથી જ મને થયેલું કે આ તમારે માટે અનુકૂળ નથી.'
'બરાબર છે.' મેં એમનું સમર્થન કર્યું, 'છતાં પણ અહીં રહેવું જ પડશે.'
'શા માટે ?'
'બીજો વિકલ્પ ક્યાં છે ?'
'વિકલ્પ છે.'
'શો ?'
'તમે મારે ત્યાં પધારો. મારે ત્યાં સર્વ પ્રકારની અનુકૂળતા છે. મારો મોટો છોકરો અમેરિકા ગયો છે. તેનો રૂમ ખાલી છે. તમારો સામાન ત્યાં લઇ જાઉં છું. તમને કશી જ તકલીફ નહિ પડે. બહાર મોટર તૈયાર છે.'
'પરંતુ તમને તકલીફ પડશે.'
'તકલીફ કેવી ? મારું મકાન મોટું છે. તમે ત્યાં પધારશો એથી અમને આનંદ થશે. અમારું ભાગ્ય એવું ઉત્તમ ક્યાંથી ?'
થોડી વારમાં અમે ચોપાટી પરના રત્નાગર પેલેસના એમના શાંત આવાસમાં પહોંચી ગયા.
એમણે અણીને વખતે અમારી સરસ રીતે સેવા કરી. એમનું દિલ એમના મકાન કરતાં પણ મોટું છે એની ખાતરી થઇ.
બીજે વરસે માતાજીની આંખે મોતિયાનું ઓપરેશન કરાવ્યું ત્યારે પણ એ ખૂબ જ મદદરૂપ થઇ પડ્યા.
રત્નાગર પેલેસના એ એક અમૂલખ માનવ હતા.

 મહાપુરુષનો મેળાપ

આધ્યાત્મિક વિકાસના મંગલમય માર્ગમાં આગળ વધીને સર્વોત્તમ પદ પ્રાપ્ત કર્યા પછી સર્વોચ્ચ કોટિના જ્ઞાનીઓ, ભક્તો કે યોગીઓ આ વિશ્વના વાયુમંડળમાં વસે છે ખરાં ? એ એમની આકાંક્ષા અનુસાર કોઇને દર્શન આપવાનું અથવા કોઇ ઉપર અનુગ્રહ કરવાનું કલ્યાણકારક કાર્ય કરી શકે ખરાં ? સ્વાનુભવસંપન્ન સત્પુરુષો અને શાસ્ત્રો એનો ઉત્તર હકારમાં આપે છે ને કહે છે એવું બની શકે છે. એવા કેટલાક સાધકો પણ મળે છે, જેમના જીવનમાં અજબ અનુભૂતિની એવી આશ્ચર્યકારક ઘટનાઓ બનતી હોય છે. હમણાં હમણાં આલંદીની મારી યાત્રા દરમ્યાન મને એવા સાધકનો પરિચય થયો.

એ સાધક આલંદીના જ્ઞાનેશ્વર મહારાજના સુવિખ્યાત સમાધિ મંદિરના પૂજારી હતા. એમનું નામ ગોવિંદ લક્ષ્મણરાવ પ્રસાદે. અમને એ આલંદીમાં મળ્યા ત્યારે અસાધારણ પ્રેમપૂર્વક એમણે અમારું સ્વાગત કર્યું અને સમાધિ મંદિરમાં સર્વત્ર ફેરવીને અમારી સાથે વાતો કરી. એમને કૈલાસના માર્ગમાં આલ્મોડાથી ઉપર આશ્રમ કરીને રહેતા શ્રી નારાયણ સ્વામી પર પ્રેમ તથા પૂજ્યભાવ હતો. તેમણે નારાયણ સ્વામી સાથે મારે ઘણો સ્નેહ સંબંધ હતો એવું જાણીને મને કહ્યું : 'નારાયણ સ્વામી અહીં આવતા અને જ્ઞાનેશ્વર મહારાજની સમાધિ પર માથું મૂકતાં ત્યારે ખૂબ ગળગળા બની જતા. કેટલીક વાર તો બેહોશ પણ થઇ જતા. એ અવસ્થામાં એમને ઊંચકીને લઇ જવા પડતા. એમને આ સ્થળ ઘણું પ્રિય હતું.'

કેટલીક બીજી વાતો કરીને પછી એમણે એમના સ્વાનુભવ સંબંધમાં જણાવ્યું : 'નારાયણ સ્વામીને કલકત્તામાં ઓપરેશન કરાવ્યા પછી નાની ઉંમરમાં એમનું શરીર છૂટી ગયું એ જાણીને મને દુઃખ થયું. મારા અંતરમાં છેલ્લે છેલ્લે એમનું દર્શન ના થયાનો અસંતોષ રહી ગયો. એ પછી તો કેટલાય દિવસો વીતી ગયા. એક વાર રાતે હું રોજની પેઠે મારા ઘરમાં સુઇ ગયેલો ત્યારે ઘરનાં બારણાં પર ટકોરા પડ્યા. એકાએક ઊભા થઇને મેં બારણું ઉઘાડ્યું તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. બારણાની બહાર નારાયણ સ્વામી ઊભેલા. તેમનું સ્વરૂપ અત્યંત આકર્ષક તથા તેજોમય હતું. હું એને અવલોકી રહ્યો. એમણે તરત જણાવ્યું : 'મને ભૂખ લાગી છે, કાંઇક ખાવાનું આપો.' એમના શબ્દો સાંભળી મને થયું કે અત્યારે તો શું ખાવાનું હોય ? મેં એમને અંદર આવવાનો આગ્રહ કર્યો. પરંતુ એને અમાન્ય રાખી એમણે મને જે હોય તે ખાવાનું લાવવાનો આદેશ આપ્યો. હું ઘરમાં જઇ જે કાંઇ હતું તે લઇ વહેલી તકે બહાર આવ્યો તો એમને મેં જોયા જ નહિ ! મને કશું સમજાયું નહિ. એટલા વખતમાં ક્યાં ગયા ? આજુબાજુ બધે જોયું તો પણ એમનો પત્તો ના લાગ્યો. મને સમજાયું એમના શરીરત્યાગ પછી મારા પર કૃપા કરી એમણે મને દર્શન આપ્યું છે.'

પૂજારીનું હૃદય ભરાઇ આવ્યું. એમનો કંઠ ગળગળો થતાં એ વધારે ના બોલી શક્યા. થોડાક સમય પછી પોતાની જાતને સહેજ સ્વસ્થ કરીને સંભાળીને એ બોલ્યા : 'એ એમની અસામાન્ય કૃપા હતી. એવી રીતે એવા મહાપુરુષનું દર્શન થઇ શકે ?'

'જરૂર થઇ શકે. એમની કૃપાથી એવું જરૂર થઇ શકે છે. તમને તો એમનું દર્શન થયું છે, પછી તમારે માટે એવો સવાલ જ ક્યાં છે ? તમે ભાગ્યશાળી છો. એમના એ અજબ અનુભવથી તમે જાણી શક્યા કે એ મહાપુરષ મર્યા નથી પણ જીવતા છે. એમના અલૌકિક સ્વરૂપે અમર છે. એમનું શ્રદ્ધાભક્તિપૂર્વક સ્મરણ કરો અને એમના જીવનમાંથી પ્રેરણા અથવા પથપ્રદર્શન પામીને આગળ વધો એટલે થયું. તમારા પર તો સંતોના તથા સિદ્ધોના શિરમુકુટ શ્રી જ્ઞાનેશ્વર મહારાજનો અનુગ્રહ છે.'

મારા ઉદગારોથી એમને આનંદ થયો. એમની આંખ ભરાઇ આવી. પરમ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરતાં ને જ્ઞાનેશ્વર મહારાજનું ધ્યાન ધરતાં એમણે આંખો મીંચી દીધી.

 

 

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok