Sunday, October 25, 2020

ભગવાન રમણ મહર્ષિના અનુભવો

'ભારતના આધ્યાત્મિક આકાશમાં છેલ્લાં બસો બસો જેટલાં વરસોમાં પ્રકાશેલા પરમ પ્રકાશવાન અસાધારણ શક્તિસંપન્ન નક્ષત્રગણોમાં ભગવાન રમણ મહર્ષિનું સ્થાન ઘણું આગળ પડતું અને શકવર્તી છે. કેટલાક માને છે તેમ સ્થૂળ શરીરના પરિત્યાગ પછી એ કાર્ય કરતાં બંધ નથી થયાં. એમની અલૌકિક અમોઘ આત્મશક્તિ આજે પણ એટલી જ અસરકારક રીતે કાર્ય કરે છે. એનો અનુભવ અનેક રીતે થયા કરે છે. જે એમના પ્રત્યે અભિમુખ હોય છે, એમની શ્રદ્ધા ભક્તિથી સંપન્ન બને છે, અથવા એમના અનોખા અનુગ્રહની અભીપ્સા સેવે છે. એમને અથવા બીજાને એમની સંનિધિનો અનેરો આસ્વાદ મળી રહે છે. એના સ્વાનુભવ સહિતના સમર્થન માટે કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ કરવાનું કાર્ય અનુચિત નહિ લેખાય.

ઇ. સ. ૧૯૬૯ના માર્ચ મહિનામાં મારા મુંબઈના નિવાસ દરમ્યાન કોઇપણ પ્રકારના પ્રત્યક્ષ પૂર્વપરિચય વિના મને મળવા માટે આર. આર. શેઠની કંપનીવાળા શ્રી ભગતભાઇ તથા શ્રી ધીરુભાઇ આવી પહોંચ્યા. એમણે મારી આગળ રમણ મહર્ષિના જીવન અને કાર્ય પર એક મહાગ્રંથ તૈયાર કરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો. મને મહર્ષિ પ્રત્યે પ્રથમથી જ પુષ્કળ પ્રેમભાવ હોવાથી, એમના જ્યોતિર્મય જીવન અને કાર્યનું અક્ષરાલેખન સૌને સારું શાંતિદાયક અને શ્રેયસ્કર થશે એવું સમજીને, એ કલ્યાણકાર્ય કરવાની મેં હા પાડી. મને નિશ્ચાત્મક રીતે વિશ્વાસપૂર્વક લાગ્યું કે મહર્ષિએ પોતાની સવિશેષ અલૌકિક આત્મશક્તિથી જ આ પ્રસંગનું આયોજન કર્યું છે. એમના સંકલ્પ અથવા અનુગ્રહબળથી પ્રેરાઇને જ મારી આગળ આ પવિત્ર પ્રસ્તાવ રજૂ કરાયો છે. એમણે એના કલ્યાણકાર્યને માટે મારી પસંદગી કરી છે એથી અધિક આનંદ બીજો કયો હોઇ શકે ? મારે તો કેવળ નિમિત્ત થવાનું છે, બાકીનું બધું જ કામ એ જ કરવાના છે. એની મને માહિતી હતી તો પણ, એવા કાર્યમાં નિમિત્ત બનવાનું ભાગ્ય પણ કાંઇ ઓછું ન હતું.

મારી અનુકૂળતા પ્રમાણે મેં એ કલ્યાણકાર્યનો આરંભ કર્યો. મારી મદદ માટે રમણાશ્રમમાંથી આવશ્યક પુસ્તકો મંગાવવામાં આવ્યાં. સૌથી પહેલાં મહર્ષિના જીવનપ્રસંગોને આલેખવાના હતા. એ રસમય પુનિત પ્રસંગોને આલેખતાં મને અવર્ણનીય આનંદાનુભવ થવા માંડ્યો. એ આહલાદક આલેખન દરમ્યાન એક વાર શ્રી ભગતભાઇ મળવા આવ્યા. એ વખતે હું અમદાવાદમાં હતો. મેં એમને મહર્ષિના જીવન પર લખેલાં ૧૫૦ જેટલાં હસ્તલિખિત પૃષ્ઠો બતાવ્યાં. એટલે એમણે પ્રસન્નતાને પ્રદર્શાવીને જણાવ્યું : 'લખાણ ખૂબ જ સંતોષકારક રીતે થઇ રહ્યું છે. એ જોઇને મને આનંદ થાય છે. પરંતુ એમાં એક મુશ્કેલી પેદા થઇ છે. આપણે એ મુશ્કેલીને લીધે લખાણ બંધ રાખવું ને પુસ્તક પ્રકાશનનો વિચાર પડતો મૂકવો પડશે.'

'કયી મુશ્કેલી ?'
'આશ્રમ પાસેથી મહર્ષિના પુસ્તકના પ્રકાશન માટે મંજૂરી મંગાવેલી પરંતુ એમણે એવી મંજૂરી આપવાની ના પાડી છે અને કહ્યું છે કે મહર્ષિના જીવન પર કેટલાંય પુસ્તકો લખાયેલાં હોવાથી આવા બીજા મોટા પુસ્તકને તૈયાર કરવાની અને છાપવાની આવશ્યકતા નથી લાગતી. એવી મંજૂરી વિના આપણાથી કશું જ ના કરી શકાય. આપણે પુસ્તક પ્રકાશનનો વિચાર પડતો મૂકવો પડશે.'

હું પોતે વિચારમાં પડ્યો. મહર્ષિના જીવનને પોતાની રીતે કોઇ પણ લખી શકે. એનું પ્રકાશન પણ કરી શકાય. એમાં કશી હરકત નહોતી લાગતી. હરકત આશ્રમના પુસ્તકોના ઉપયોગની હતી. એટલે મેં મહર્ષિના જીવનનું લખાણ પૂરું કરવાનો નિર્ણય કર્યો. મહર્ષિની મરજી હશે તો પુસ્તક લખાશે ને પ્રકાશન પામશે એવો વિશ્વાસ તો હતો જ.

ભગતભાઇએ મને આશ્રમની મંજૂરી માટે સ્વતંત્ર રીતે પત્ર લખીને પ્રયત્ન કરવાની સૂચના કરી. એ સૂચનાને મેં વધાવી લીધી. રાતે મેં મારી રીતે મહર્ષિનો પ્રાર્થના દ્વારા સંપર્ક સાધ્યો. એમને સઘળી હકીકત કહી બતાવી ને એમનું માર્ગદર્શન માંગ્યું. એમણે જણાવ્યું કે તમે આશ્રમના ટ્રસ્ટીને ફરીવાર પત્ર લખીને મંજૂરીની માગણી કરો. મંજૂરી જરૂર મળશે. હું અપાવીશ. તમારી દ્વારા મારા જીવન અને કાર્યનું એ પુસ્તક તૈયાર થાય એવી મારી ઇચ્છા છે. મેં જ એને માટેની સમગ્ર ભૂમિકાનું નિર્માણ કર્યું છે.

એમની પ્રેરણાથી પ્રેરાઇને મેં રમણાશ્રમના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષને પત્ર લખ્યો. ટ્રસ્ટીમંડળના અઘ્યક્ષ મહર્ષિના નાના ભાઇ સ્વામી નિરંજનાનંદના સુપુત્ર વેંકટરામને અઠવાડિયા પછી ઉત્તર આપ્યો કે તમારા જેવા પુરુષ આવું સુંદર સર્વોપયોગી સત્કર્મ કરતા હોય તો તેને માટેની મંજૂરી આપવામાં અમને વાંધો નથી. તમે એ કાર્યને કોઇપણ પ્રકારના સંકોચ સિવાય કરી શકો છો.

મેં એમનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો અને ઉચિત નિર્ણય લેવા માટે એમને અભિનંદન આપ્યાં.
મહાપુરુષોની અદૃષ્ટ અચિંત્ય આત્મશક્તિ કેવી અદભૂત રીતે કાર્ય કરે છે અને અશક્યને શક્ય અથવા કઠિનને સરળ બનાવે છે એનો એક વિશેષ અનુભવ થયો.

મેં અનુભવ્યું કે મહર્ષિની ઇચ્છા, પ્રેરણા તથા કૃપાથી જ આ કલ્યાણકાર્ય થઇ રહ્યું છે. એમના જીવન અને કાર્યના પુસ્તકને લખતી વખતે મને મહર્ષિની સુખદ સંનિધિનો સતત અનુભવ થતો. એવું લાગતું કે એ મારી સાથે ને પાસે છે, મારી પ્રવૃત્તિનું નેહપૂર્વક નિત્ય નિરીક્ષણ કરે છે, અને સર્વ પ્રકારે મદદરૂપ બને છે. એ સંબંધી એમણે આપેલા અન્ય વિલક્ષણ અનુભવોનો ઉલ્લેખ અસ્થાને નહિ લેખાય.

એમના જીવન વિષયક પુસ્તકની રચના દરમ્યાન તારીખ ૯ જુલાઇ ૧૯૬૯ ની સવારે લગભગ સાડા ચાર વાગ્યે મસુરીમાં ધ્યાનાવસ્થામાં મને એમનું દર્શન થયું. એમના સુંદર સુપ્રકાશિત શરીર પર કૌપીન હતું ને રૂમાલ વીંટાળેલો. મેં એમને જણાવ્યું : 'હું તમારા જીવન પર પુસ્તક લખું છું તે તમને ગમે છે ?'

'ખૂબ જ ગમે છે.' એમણે કહ્યું, 'તમે પ્રખર પ્રેમથી પ્રેરાઇને લખી રહ્યા છો.'
'તે પુસ્તકનું નામ 'ભગવાન રમણ મહર્ષિ : જીવન અને કાર્ય' રાખ્યું છે તે બરાબર છે ?'
'હા. બરાબર છે.'
એ આનંદદાયક અનુભવ દરમ્યાન એમની સાથે બીજી કેટલીક અધ્યાત્મવિષયક વાતો થયેલી.

પુસ્તકના લેખન દરમ્યાન દરેક મહિને અવારનવાર અને આકસ્મિક રીતે એમના દિવ્ય દર્શનનો લાભ મળતો રહેતો. એથી જે અસાધારણ આનંદ થતો એને વર્ણવવા યોગ્ય શબ્દો મને નથી મળતા.

સપ્ટેમ્બર મહિનામાં પુસ્તકના પ્રશ્નોત્તરી વિભાગનું લેખન કાર્ય ચાલી રહેલું. એ કાર્યની પરિસમાપ્તિ પછી પત્ર સાહિત્યનો પરિચય કરાવવાનું એક જ કાર્ય શેષ રહેવાનું હતું. પરંતુ એ કાર્યના આરંભ પહેલાં એક મુશ્કેલી દેખાઇ. આર. આર. શેઠની સંસ્થા પાસેથી પુસ્તકલેખનમાં મદદ મેળવવા માટે મહર્ષિને લગતાં જે પુસ્તકો મેં મંગાવેલાં તેમાં પત્રોનું પુસ્તક 'letters from Ramanashram' નહોતું આવ્યું. એ પુસ્તક વિના પત્રસાહિત્યના છેવટના વિભાગને ન્યાય ના જ કરી શકાય. મેં એને માટે રમણાશ્રમના શ્રી વેંકટરામનને લખી જોયું. એમનો ઉત્તર આવ્યો કે એ પુસ્તક ખલાસ થઇ ગયું છે. ફરી છાપવા આપ્યું છે. ત્રણેક મહિનામાં બહાર પડતાં એની નકલ સૌથી પહેલાં તમને મોકલી આપીશું.

એમનો ઉત્તર એટલો બધો સંતોષકારક ના લાગ્યો. એ પુસ્તકની પુનરાવૃત્તિ બહાર પડે ત્યાં સુધી મારે શું કરવું ? મેં મહર્ષિનું માર્ગદર્શન માંગ્યું. મહર્ષિએ મારી પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે મારી સામે પ્રકટીને જણાવ્યું કે પુસ્તક તમને અઠવાડિયામાં જ મેળવી આપીશ. એટલે તમારું લેખનકાર્ય નહિ અટકે. એ પછી મારા સુખદ આશ્ચર્ય વચ્ચે વેંકટરામનનો બીજો પત્ર આવ્યો. તેમાં તેમણે લખેલું કે તમને પત્ર લખ્યા પછી તપાસ કરી તો અહીંની લાયબ્રેરીમાં એ પુસ્તકની એક વધારાની નકલ મળી છે. તે તમારા કાર્યના મહત્વને સમજીને વી. પી. થી રવાના કરી છે. તેને છોડાવી લેજો.

મહર્ષિની સુચનાનુસાર અઠવાડિયામાં તો પત્રસાહિત્યનું એ પુસ્તક આવી પહોંચ્યું. મેં એને છોડાવી લીધું. દસેક દિવસ પછી પ્રશ્નોત્તરીનો વિભાગ પૂરો થયો ત્યાં સુધી એનું નીરક્ષીર વૃત્તિથી વાંચન કર્યું અને એ પછી એના લેખનનો આરંભ કર્યો. મારી ભાવના પ્રમાણે વચ્ચેનો એકપણ દિવસ લેખન વિના ખાલી ના ગયો.

તારીખ ૧૦-૧૧-૧૯૬૯ની સવારે નૂતન વરસે અમારે કલકત્તા પહોંચવાનું થયું. ત્યાં મારો વિચાર વહેલી તકે શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના સુપ્રસિદ્ધ સ્થાન દક્ષિણેશ્વરના દર્શને જવાનો હતો. ભાઇબીજને દિવસે મહર્ષિએ પુનઃ દર્શન આપીને પૂછ્યું કે જે કામ માટે અહીં આવ્યા છો તે કામ પૂરું થઇ ગયું ?

એવી રીતે એમણે મારી ઇચ્છાનુસાર દક્ષિણેશ્વર જવાનો સંકેત કર્યો.

શ્રી રમણ મહર્ષિના એ સ્વાનુભવો એમની અસાધારણ શક્તિને ને દેશકાળરહિતતાને સૂચવે છે. જે એમનું સાચા દિલથી શરણ લેશે ને એમના અનુગ્રહ અથવા પથપ્રદર્શનને માટે પ્રાર્થશે તેને નિરાશ નહિ થવું પડે. મારા અનુભવના આધાર પર એટલું અવશ્ય કહી શકું છું. કોઇક શ્રદ્ધાભક્તિસંપન્ન સાચા સાધકને એથી સાધનાત્મક મદદ મળશે તો મારો લેખનનો પ્રયાસ સફળ કે સાર્થક થશે. મને આનંદ થશે.

 

 

Today's Quote

The character of a person is what he or she is when no one is looking.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok