સંતજનોની છાંય
સંતજનોની છાંય, મુક્ત જનોની ખાંય,
મળી જાય તો મંગલ થાયે, રે'વું એની માંહ્ય
મારે રે'વું એની માંહ્ય ... સંતજનોની
જીવનના જે દુઃખ દાવાનળ,
ટળી જાય વેદનનાં વાદળ;
એ સુખ છે ના ક્યાંય ... સંતજનોની
બંધન તૂટે, ક્લેશ વછૂટે,
ચોર લુટારા પછી ન લૂટે;
ભીતિ રહે ના ક્યાંય ... સંતજનોની
આઠે પહોર આનંદ ભરી,
ધન્ય થવાનું કલ્યાણ કરી;
બીજો છે ન ઉપાય ... સંતજનોની
'પાગલ' પ્રભુસરખા સંત મળે,
કૃપા તેમની લેશ પણ ઢળે,
મટે હૃદયની લ્હાય ... સંતજનોની
- શ્રી યોગેશ્વરજી