શું કરું ?
ગુણાનુવાદ ન ગાય તમારા એવું મીઠું હોય ગળું,
ડોલાવે લાખોને તોયે, એ કંઠ કહોને શું કરું ?
લોચન લોલવિલોલ વિલોકે વિશ્વ વિપળ પણ ના તમને,
એ લોચનને શું કરવાં ના દ્રવી કદી પૂજે તમને ?
કોમળ કર્ણ કદી ન તમારી સુધાથકી સ્વાદિષ્ટ બને,
નાક ન સુંઘે સુવાસને કદી, નાક કર્ણ પણ વ્યર્થ જ એ !
જે અંતરમાં તમે વસો ના એ અંતરની કીમત શી ?
રક્તમહીં રણકાર કરો ના એ જીવનની કીમત શી ?
ચરણે પડી તમારા માંગુ એ જ સદાને કાજ પ્રભુ !
તન મન અંતર ભજે તમોને, તમને સેવું તેમ લભું !
- શ્રી યોગેશ્વરજી