આવો મારે આંગણે રેલાવી દો આનંદ !
પ્રભાતથી હું કરું પ્રતીક્ષા આજે તો સાનંદ ... આવો મારે
ફૂલમાળ છે ગુંથી મેં તો ભાવોની મીઠી,
અંગેઅંગ ચારુ ચોળી પ્રેમતણી પીઠી;
સદગુરુના શણગાર સજ્યા છે આજે ખરે અનંત ... આવો મારે
આશા ને શ્રદ્ધા આંખોમાં જ્યોત સદા ઝળકે,
મનડામાં તો મનોરથોનો મહેરામણ મલકે;
વાણીમાં તો વ્હાલ ભર્યું છે, પોષ્યું ના પાખંડ ...આવો મારે
આસોપાલવ અવનવીન છે ભાવોના બાંધ્યા,
તપનાં કીધાં તોરણ, દિલના તારોને સાંધ્યા;
અબીલ તેમ ગુલાલ ગીતનાં ધર્યા તજીને દંભ ...આવો મારે
શરણાઈ ને વેણુ વાગે રગરગમાં છોને,
જુગો લગી જોડાઈ જાયે આતમ બે છોને;
પ્રસન્નતાનો પ્રસાદ પામું આપું તેમ અનંત ...આવો મારે
રઢિયાળું છે રૂપ તમારું જોઈને નાચું,
દિલમાં મારા ખરે કહું છું બીજું ના જાચું;
‘પાગલ’ કરૂં પ્રતીક્ષા પળ પળ રેલી રસનો રંગ ...આવો મારે
- શ્રી યોગેશ્વરજી