કોઇયે બોલાવનારું હોય ના
કોઇયે બોલાવનારું હોય ના સપ્રેમ,
બેસીશ ના તોય કદી શોકિતના જેમ;
મૂઢ બની, ગ્લાનિ ભરી, કરતો ના ક્લેશ,
એનો પ્રેમ તારે માટે ઘટશે ના લેશ.
હાથ લંબાવી તારો કરશે સત્કાર;
મીઠા સ્વરે અંતરનો દૂર કરી ભાર.
આંસુડાને લૂછનાર કોઇયે ના હોય,
પોકારને સાંભળે ના શાંત કરે કોય;
નિરાશ થઇને તોયે બેસતો નહીં,
સાથ એનો તારાથી ન છૂટશે કહીં.
આંસુને લુછીને કરી દૂર સૌ પોકાર,
વ્હવડાવી દેશે તને ધન્યતાની ધાર.
લોકોની નિંદા ને ટીકા તિરસ્કાર તેમ,
અંતર કરી દે તારું શુષ્ક રણ જેમ;
ક્યાંયે ના આધાર મળે ઠરવાને ઠામ,
યાદ કરી લેજે ત્યારે એહનો મુકામ.
મંદિરને તારે માટે ખુલ્લું મુકી રોજ,
રાહ જોશે, કરી લેજે તેની જરા ખોજ.
સંપત્તિ ને શ્રી વિલાયે, યશ ને સુકાય,
હૈયું ગુંગળાય, ક્યાંય પાય ના મુકાય;
સૂઝે નહીં કાંઇ, જડે કોઇ ના ઉપાય,
તોયે ના હતાશ થતો, દીન ભલે થાય.
તારો હશે એ તો, તને ભેટવા સદાય,
ચાહશે સદાય તને, તું છોને ન ચાહ્ય.
- શ્રી યોગેશ્વરજી