ખીલે જેવું ફૂલ
ખીલે જેવું ફૂલ,
અંતર એમ જ થાવ પ્રફુલ્લ
આનંદે મશગૂલ બનો એ
સુખશાંતિતણું મૂળ ... ખીલે જેવું
ફોરમ ફેલાઓ મધુ એમાં,
પૃથ્વી કરો પ્રસન્ન;
પ્રેમ પુનિત પાથરતાં પ્રતિપળ
અર્પો અક્ષય ધન.
શમવો સૌની શૂળ
બનો એ સુખશાંતિતણું મૂળ ... ખીલે જેવું
ધામ બનો રસનું તેમજ હો
તેજથકી ભરપૂર;
સુંદરતાનો સાજ સજી હો
સત્યમહીં ચકચૂર.
રેલો નિશદિન નૂર,
બનો એ સુખશાંતિતણું મૂળ ... ખીલે જેવું
કાળથકી કરમાઓ ના કદી,
ગાઓ ગીત અનુપ;
'પાગલ' પૂજો કેવલ તમને,
ધરો તમારું રૂપ.
મધુર કરો મનુકુળ,
બનો એ સુખશાંતિતણું મૂળ ... ખીલે જેવું
- શ્રી યોગેશ્વરજી