Text Size

Prasna

પહેલો પ્રશ્ન − પ્રજાની ઉત્પત્તિ વિશે

સૌથી પહેલા જિજ્ઞાસુ કાત્યાયન કબંધીએ ઋષિ પાસે આવીને પૂછ્યું: ‘ પ્રભુ, આ બધી પ્રજાની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ?’

ઋષિને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેના બે ભાવ લઈ શકાય છે : એક તો એ કે પ્રજાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ને બીજું, પ્રજાની ઉત્પત્તિ કોનામાંથી કે કોની દ્વારા થાય છે.

ઋષિ તેનો ઉત્તર આપતાં કહે છે : ‘પ્રજાપતિ બ્રહ્માને પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ. તેમણે તપ કર્યું. તપ દ્વારા તેમણે એક જોડકું ઉત્પન્ન કર્યું : રચિ ને પ્રાણ. તે જ સૂર્ય ને ચન્દ્ર છે. પછી તેમણે વિચાર્યું કે તે બે તેમને માટે અનેક પ્રકારની પ્રજાની ઉત્પત્તિ કરશે. એ સૂર્ય જ બધે પ્રાણ અથવા જીવનનો સંચાર કરે છે. તેનાં કિરણો બધી દિશામાં પ્રવેશ કરીને સૌને પ્રકાશિત કરે છે ને પ્રાણ ધરે છે. તે સૂર્ય સર્વરૂપ, કિરણોવાળો, સર્વ લોકોને જાણનાર, અંતિમ ધ્યેયરૂપ ને એક માત્ર પ્રકાશરૂપ છે. તે પ્રજાના પ્રાણરૂપ છે. તપ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા ને વિદ્યાથી આત્માને મેળવવા માગનારા સાધકો ઉત્તરમાર્ગ દ્વારા સૂર્યલોકમાં જાય છે. એ જ પ્રાણોનું મૂળ સ્થાન છે, અમૃત છે, પરમપદ ને નિર્ભય સ્થાન પણ તે જ છે. તે માર્ગે જનારા ત્યાંથી પાછા નથી આવતા. પરંતુ જે દક્ષિણાયન દ્વારા ચંદ્રલોકમાં જાય છે તે અહીં પુનર્જન્મ લઈને પાછા આવે છે.’

ઉત્તરાયણ ને દક્ષિણાયનની જે ભાવના આપણને ગીતામાં જોવા મળે છે તે આ ઉપનિષદમાં પણ આ રીતે સમાયેલી છે તે ખાસ નોંધપાત્ર છે. ઋષિ કહે છે કે કેટલાક ઋષિઓ એ સૂર્યને પાંચ પગવાળા, વરસાદ વરસાવતા, બાર આકૃતિવાળા, ઉપલા અર્ધા ભાગમાં રહેલા પ્રજાના પિતા તરીકે વર્ણવે છે. બીજા કેટલાક ઋષિ તેને સાત ચક્ર ને છ આરાવાળા રથમાં બેઠેલા ને બધી તરફ જોતા દેવ તરીકે વર્ણવે છે.

આની સમજ વિચારકોએ પોતપોતાની શક્તિ પ્રમાણે પૂરી પાડી છે. તે રીતે સમજવાથી ઉપર્યુક્ત કથનનો સાર સમજી શકાય છે. તે સમજ આ પ્રમાણે છે :
  1. સૂર્યના પાંચ પગ એટલે પાંચ ઋતુ : ૭૨-૭૨ દિવસની એક ઋતુ એવી રીતે વરસની પાંચ ઋતુ : હેમંત ને શિશિરને એક જ ઋતુ સમજવાની.
  2. સૂર્યની બાર આકૃતિ : દરેક મહિનામાં સૂર્યની જુદીજુદી આકૃતિ થાય છે એમ કહેવાય છે તેથી તેને બાર આદિત્ય પણ કહે છે. તે અનુક્રમે ચૈત્ર મહિનાથી શરૂ કરીને ગણતાં ધાતા, અર્યમાં, મિત્ર, વરુણ, ઈન્દ્ર, વિવસ્વાન, ત્વષ્ટા, વિષ્ણુ, અંશુ, ભગ, પૂષા ને પર્જન્ય છે.
  3. સૂર્યનો સાત ચક્રવાળો રથ : ગાયત્રી, ત્રિષ્ટુપ, ઉષ્ણિક, અનુષ્ટુપ, બહતી, પંક્તિ ને જગતીરૂપ સાત વૈદિક છંદોરૂપી સાત ચક્રો : તેથી ચાલતો રથ. તેમ જ
  4. રથના છ આરા તે છ ઋતુઓ, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત ને શિશિર.
ઋષિઓ કહે છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે માણસે તપ કરવાની, કપટ, જૂઠ ને શઠતાથી મુક્ત થવાની ને બ્રહ્મચર્યનું પાલન કરવાની જરૂર છે. તેની સાથેસાથે તે એક બીજી નોંધપાત્ર ને ધ્યાન ખેંચે તેવી વાત પણ કહી દે છે. તે કહે છે કે દિવસના ભાગમાં જે સ્ત્રીસંબંધ કરે છે તે પ્રાણનું સ્ખલન કરે છે. રાતના ભાગમાં સ્ત્રીસંબંધ કરનાર બ્રહ્મચર્ય જ પાળે છે.’

તેનો અર્થ એવો નથી કે રાતે રોજરોજ સ્ત્રીસંબંધ કરવાની ઋષિ છૂટ આપે છે. માણસ દિવસનો ત્યાગ કરી રાતે શરીરસંબંધ કરે ને ધીરેધીરે રાતના ક્રમને પણ ઓછો કરી પૂર્ણ સંયમ તરફ ને પ્રભુમય પ્રેમ તરફ વળે એ ધ્યેય આપણે ત્યાં બતાવવામાં આવેલું છે જ, ને માણસે તે તરફ આગળ વધવાનો પ્રયાસ કરવાનો રહે છે. એટલે શરીરસંબંધની આ સૂચના કામચલાઉ ને અધિકારભેદ પૂરતી જ સમજવાની છે. તેને જીવનના આખરી ધ્યેયરૂપ નથી માનવાની.

બીજી મહત્વની વાત એ છે કે સ્ત્રી ને પુરૂષનો પ્રેમ અથવા દાંપત્યજીવન આત્મોન્નતિ કે ઈશ્વરદર્શનમાં બાધારૂપ છે એવી માન્યતા કેટલાક લોકોમાં પ્રચલિત છે તે પાયા વિનાની ને સત્યથી વેગળી છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી. કોઈને માટે તેવો પ્રેમ ને તેવું જીવન નડતરરૂપ થયું હોય તેનો અર્થ એવો નથી કે સૌને માટે તે નડતરરૂપ જ થાય છે ને થશે. કેટલેક ઠેકાણે સ્ત્રી ને શરીરની વધારેપડતી ઘૃણા કરવામાં આવી છે ને નરકની સાથે સરખામણી પણ થઈ છે; તેથી માણસની મમતા ને આસક્તિ ઓછી થતી હોય તો તો સારું, પરંતુ તેને પરિણામે તે તે વસ્તુને તિરસ્કારવાની ને, તેનામાં જે ઉચ્ચતા ને ઉપકારકતા છે તેની ઉપેક્ષા કરવાની વૃત્તિ પેદા થાય તો તેથી લાભને બદલે હાનિ જ વધારે છે.

સ્ત્રીપુરૂષનો પારસ્પરિક પ્રેમ ને દાંપત્યજીવન જીવનને અનેક રીતે મદદરૂપ છે; તેનું સ્વરૂપ વિવેકી, નિર્મળ ને સંયમની સુવાસવાળું બનાવી શકાય તો પ્રભુના સાક્ષાત્કારમાં તે જરાય નડતરરૂપ નથી બલકે મદદરૂપ જ થઈ પડે છે. આપણે લગ્નજીવનને ને પ્રેમસંબંધને વધારે ને વધારે ભાવનામય ને નિર્મળ કરવાની જરૂર છે એટલું જ. એટલે બ્રહ્મચર્ય કે પવિત્રતાને નામે સંસારની આ સહજતા ને વિશેષતાને વગોવવાની જરૂર નથી; ફક્ત તેનો સદુપયોગ કરતાં શીખવાની જરૂર છે. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં લગ્ન, પ્રેમ ને ગૃહજીવનને વખાણવામાં આવ્યાં છે; ગૃહસ્થાશ્રમનાં ગુણગાન ગાયાં છે.

વૈદિક ઋષિઓ મોટો ભાગે પરણેલા જ હતા. છતાં વિવેકી હોવાથી સાધનામાં પ્રવીણ પણ હતા. કૃષ્ણ, રામ, શંકર જેવાં ઈશ્વરી રૂપોને પણ રાધા, સીતા ને પાર્વતીની સાથે જ પૂજવામાં આવે છે. તેમનાં મંદિર પણ થાય છે. કૃષ્ણે રાધાના કંઠની આસપાસ હાથ વીંટ્યો હોય તેવી મૂર્તિ પણ મંદિરોમાં ઘણી છે તે પૂજાય છે. રામના ખોળામાં સીતા ને શંકરના ખોળામાં પાર્વતી બેઠાં છે તેવાં વર્ણન ધર્મગ્રન્થોમાં વારંવાર આવે છે ને તેની કોઈને ઘૃણા નથી થતી. પરંતુ જીવનમાં ધર્મ, વૈરાગ્ય ને સાધનાને નામે આપણે વારંવાર પ્રેમની પવિત્ર ભાવનાનો તિરસ્કાર ને સ્નેહના શુદ્ધ સમજયુક્ત સંબંધોની નિંદા કરીએ છીએ એ આપણું અજ્ઞાન જ છે. માનવના સહજ સ્વભાવની ને સ્નેહથી જ ઊછરતી ને સ્નેહમાં જ વિહરતી સૃષ્ટિના ક્રમની તે વિરુદ્ધ છે. અધકચરી દશામાં પોતાની રક્ષા કે સલામતી ખાતર કોઈ તેથી દૂર રહે અથવા બીજા સારા વાતાવરણ ને જીવનની પ્રાપ્તિ માટે અને ખાસ જરૂર તરીકે કોઈ સ્ત્રી કે પુરૂષ ગૃહજીવનનો કે સ્નેહના બાહ્ય સંબંધનો ત્યાગ કરે તે સમજી શકાય તેમ છે. પરંતુ બધાને માટે તેવો ત્યાગ તદ્દન જરૂરી છે એવો દુરાગ્રહ નકામો છે. સંસારનાં મોટા ભાગનાં સ્ત્રીપુરૂષો એ માર્ગે નહિ વળી શકે. એટલે દ્રષ્ટિ, વૃત્તિ ને સંબંધને વધારે ને વધારે સુધારવા તરફ જ ધ્યાન દોરવાની જરૂર છે.

લગ્નજીવન ખોટું નથી. સ્ત્રીપુરૂષોનો પ્રેમ ને સંબંધ પણ ખોટો નથી. તેને માયા માનીને ધિક્કારવાની જરૂર નથી. તેને વિશુદ્ધ કરવાની ને પ્રભુમય બનાવી પ્રગતિમાં મદદરૂપ કરવાની જરૂર છે. ભારતના ઋષિઓની દ્રષ્ટિ એવી ઉત્તમ ને આદર્શ હતી. તેથી તે મહર્ષિ પરાશર મત્સ્યગંધા કે સત્યવતી સાથે સ્નેહસંબંધ કરીને પણ મહર્ષિ રહી શક્યા. ને વ્યાસ ‘વણપરણેલીના’ હોવા છતાં પૂજ્ય જ નહિ પરંતુ ચોવીસ અવતારમાંના એક થઈ શક્યા. વિશ્વામિત્રે મેનકા સાથે સંબંધ કર્યો છતાં તે તપના પ્રભાવથી બ્રહ્મર્ષિ થયા ને સપ્તર્ષિમાંના એક તરીકે મનાયા. કોઈએ તેમની નિરર્થક ટીકા કે નિંદા ન કરી. તેમના ગુણ ને તેમની યોગ્યતા, તેમનું તપ ને જ્ઞાન જોઈને તેમને મોટા ને નાના સૌએ વંદનીય માન્યા. માણસોનાં મન કેટલાં મોટાં હશે ને તેમના દ્રષ્ટિકોણ કેટલા વિશાળ તેનો વિચાર કરી શકાય તો કરી જોજો. કેમ કે આજે તો દ્રષ્ટિ ને વૃત્તિ બંને ટૂંકી થઈ ગઈ છે. એટલે વિવેક, સંયમ ને પ્રભુપરાયણતાની રક્ષા જ જીવનમાં મહત્વની છે. બધે સ્થળે ને બધા વાતાવરણમાં તેને સાચવવાની  કળામાં માણસે કુશળ થવાની જરૂર છે. એમાંથી આપોઆપ અનાસક્તિ આવી જશે. તે સધાય તો જીવન ધન્ય થાય, સફળ બની જાય.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok