Text Size

Prasna

ત્રીજો પ્રશ્ન − પ્રાણ વિશે

હવે ત્રીજા પ્રશ્નની ચર્ચા શરૂ થાય છે. ત્રીજો પ્રશ્ન અશ્વલના પુત્ર કૌસલ્યે પૂછેલો છે : ‘પ્રભુ પ્રાણનો જન્મ શામાંથી થાય છે ? પ્રાણ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે ? પોતાના પાંચ વિભાગ કરીને શરીરમાં તે કેવી રીતે સ્થિર થાય છે ? શરીરમાંથી તે કેવી રીતે બહાર જાય છે ? બહારના ને અંદરના જગતને તે કેવી રીતે ધારણ કરે છે ? ’

કૌસલ્યે એક સાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે પ્રશ્નો બધા જ પ્રાણ વિશેની જિજ્ઞાસાના જ છે. પ્રાણ વિશેની વધારેમાં વધારે માહિતી મેળવવાનો પ્રયાસ તેમાં કરવામાં આવ્યો છે. ભૂખ્યા માણસને મનપસંદ ભોજનની થાળી ને તરસ્યાને મીઠું સરોવર મળતાં તે જેમ તેના પર તૂટી પડે ને તેનો પૂરેપૂરો લાભ લેવામાં લગીરે કચાશ ન રાખે તેમ જ તેનું પણ થયું છે. ન જાણે કેટકેટલા દિવસથી તેનું મન આ પ્રશ્નોના ઉત્તર માટે મૂંઝાતું ને મહેનત કરતું હતું. કેટલેય વખતે તેને જ્ઞાનના સાગરસમા ગુરૂની પ્રાપ્તિ થઈ. તે ગુરૂએ ઈચ્છાનુસાર પ્રશ્ન પૂછવાની અનુજ્ઞા પણ આપી. હવે તે કચાશ શા માટે રાખે ? માણસના જીવનમાં એવા પ્રસંગ બને છે જ્યારે તેની જ્ઞાનની તરસ વધી જાય છે. અનુભવી મહાપુરૂષોના સમાગમ ને તે દ્વારા મળતા સમાધાન માટે તે આતુર બને છે. દૈવયોગે તેવા પુરૂષનો મેળાપ થાય તો તેણે કોઈ જાતનો સંકોચ ન રાખવો ને મન મૂકીને લાભ લઈ લેવો. પોતાના સહજ સંકોચ, પૂર્વગ્રહ ને મિથ્યાભિમાનને મૂકી દઈને એવા ઉત્તમ અવસરનો લેવાય તેટલો લાભ તેણે લઈ લેવો.

કૌસલ્યના પ્રશ્નોમાંથી ટપકતી જિજ્ઞાસાવૃત્તિને જોઈ મહર્ષિ પિપ્પલાદને આનંદ થયો, ને કેમ ન થાય ? આત્મજ્ઞાનના રસિયા પુરૂષો સંસારમાં અત્યંત ઓછા છે. તેમનો મેળાપ પણ ભારે ભાગ્યથી પ્રાપ્ત થાય છે. તેમને જોઈને અંતરને આનંદ કેમ ન થાય ? મહર્ષિએ કૌસલ્યને કહ્યું કે તારી વાત સાંભળીને મને આનંદ થાય છે, પરંતુ તારા પ્રશ્નો ઘણા કઠિન છે. છતાં તને પરમાત્મા વિશે જાણવાની ઈચ્છા છે ને તું બ્રહ્મનિષ્ઠ છે તેથી તને ઉત્તર આપું છું.

એ રીતે શરૂઆત કરીને ઋષિએ કહેવા માંડ્યું : ‘પ્રાણ આત્મામાંથી જન્મે છે. મનુષ્યની છાયા જેમ મનુષ્ય પર આધાર રાખે છે તેમ પ્રાણ એ આત્માને આધારે જ રહેલો છે. મન જે સંકલ્પ કે કામના કરે છે તેને લીધે જ પ્રાણ શરીરમાં પ્રવેશ કરે છે. મોટો રાજા પોતાના હાથ નીચેના અધિકારીઓને જુદાંજુદાં ગામો પર તેમનો અધિકાર નક્કી કરીને નીમે છે. તેમ પ્રાણ બીજા પ્રાણોને જુદાંજુદાં કાર્યોમાં જુદીજુદી જગાએ નિયુક્ત કરે છે. ગુહ્ય ને ગુહ્યેન્દ્રિયમાં અપાનને નીમે છે; આંખ, કાન, મુખ ને નાકમાં પ્રાણ પોતે રહે છે; પ્રાણ ને અપાનની વચ્ચે સમાન નામનો પ્રાણ રહે છે. તે ખાધેલા અન્નને સરખી રીતે લઈ જાય છે. આત્મા સૌના હૃદયમાં રહેલો છે. તે હૃદયમાં એકસો એક નાડીઓ છે. તે દરેકની સો સો શાખાઓ છે એટલે કે શાખાનાડી છે. તેમની વળી દરેકની બોંતેર હજાર પ્રતિશાખાઓ છે. એ બધી નાડીઓમાં વ્યાન નામનો પ્રાણ રહેલો છે. તે ઉપરાંત સુષુમ્ણા નામની એક નાડી છે. તેમાં ઉદાન નામે પ્રાણ છે. તે પ્રાણનું કામ દરેક જીવને પુણ્યના પ્રભાવથી પુણ્યશાળી લોકમાં ને પાપને પ્રતાપે પાપીના લોકમાં લઈ જવાનું છે. પાપ ને પુણ્ય બન્નેનો સમાન પ્રભાવ હોય તો તે જીવને મનુષ્યલોકમાં લઈ જાય છે.’

જેમ શરીરની અંદર પ્રાણની આવી વ્યવસ્થા છે તેમ શરીરની બહાર વિશાળ વિશ્વમાં પણ છે એમ મહર્ષિ પિપ્પલાદનું કહેવું છે. તે કહે છે કે સૂર્ય બહારનો પ્રાણ છે. આંખમાં રહેલા પ્રાણની ઉપર ઉપકાર કરતાં તે ઊગે છે. પૃથ્વીની અંદર જે દૈવી શક્તિ છે તે શરીરની અંદર રહેલા અપાન પ્રાણનો આધાર છે. સૂર્ય ને પૃથ્વીની વચ્ચે જે આકાશ છે તે સમાન પ્રાણ છે ને વાયુ વ્યાન નામનો પ્રાણ કહેવાય છે. તે જ ઉદાન નામે પ્રાણ છે. એટલા માટે જ્યારે તેજ ચાલ્યું જાય છે કે શાંત થાય છે ત્યારે મનમાં મળી ગયેલી ઈન્દ્રિયો સાથે જીવાત્મા શરીરનો ત્યાગ કરીને બીજો જન્મ લેવા વિદાય થાય છે. અંતઃકાળે માણસના મનમાં જે વિચાર હોય તેની સાથે જીવાત્મા પ્રાણ અથવા શરીરમાં પ્રવેશ કરે છે ને તે પ્રાણ તેજ સાથે જોડાઈને જીવાત્મા સાથે મનુષ્યને તેના સંકલ્પ પ્રમાણેના લોકમાં લઈ જાય છે.

પછી ઋષિ કહે છે કે પ્રાણના રહસ્યને જે આવી રીતે જાણે છે તે અમર બને છે. તેની સંતતિ નાશ પામતી નથી. એટલે તેનું યશોગાન ગાનારા લોકો વધી પડે છે ને કદી ખૂટતા નથી એવો અર્થ પણ લઈ શકાય.

આ પ્રમાણે ત્રીજો પ્રશ્ન પૂરો થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં સાધારણ માણસની બુદ્ધિ સહેલાઈથી ન જાણી શકે એવી કેટલીક વાત આવે છે. દાખલા તરીકે હૃદયમાં એક સો એક નાડી ને તેમની શાખાની વાત. નાડીઓની એટલી સ્પષ્ટ કે ચોક્કસ ગણના ઋષિ કેવી રીતે કરી શક્યા ? સત્યને આત્મોન્નતિમાં ભારે મદદરૂપ માનનાર ઋષિ કોઈ શેખચલ્લીની જેમ કાલ્પનિક વાતોનો વિનોદ ન કરે કે ટાઢા પહોરનાં ગપ્પાં પણ ન મારે. તેવી કલ્પના કરવી પણ નકામી છે કેમ કે ઉપનિષદના આરંભમાં જ એ કહે છે કે હું જાણતો હોઈશ તો તમને યથાશક્તિ ખુલાસો કરીશ કે જ્ઞાન આપીશ. આવા આત્મનિરીક્ષણથી ઓતપ્રોત, નમ્ર ને સરળ મહાપુરૂષ કોઈ જૂઠી વાત ન જ કહે. તેવી વાત કહેવાનું પ્રયોજન પણ તેમને શું હોય ?

એટલે આખીય વાતના ખુલાસા માટે આપણે બીજી રીતે વિચારવું રહે છે. યૌગિક કે આત્મિક સાધનામાં આગળ વધેલા કે મનનો લય કરીને સમાધિની સ્થિતિએ પહોંચેલા પુરૂષોની દ્રષ્ટિ દૈવી થાય છે. તેમની અંતરઆંખ ઊઘડી જાય છે. તેના પ્રભાવથી શરીરનાં અંદરનાં ને બહારનાં આવાં કેટલાંય રહસ્યોનું જ્ઞાન તે મેળવી શકે છે. તે જ્ઞાન કોઈ વાર દૈવી મહાપુરૂષો કે દેવતા દ્વારા તો કોઈ વાર તેમના જ આત્મા દ્વારા તેમને મળી રહે છે. બીજાને માટે તે જ્ઞાન અજાયબી પમાડે તેવું થઈ પડે, પરંતુ તેમને માટે તો નિશ્ચિત વિકાસના સહજ પરિણામરૂપ હોય છે. વેદ ને ઉપનિષદમાં એવું ઘણું અસાધારણ જ્ઞાન છે. તેનો ઉગમ મોટે ભાગે આવી રીતે જ થયેલો છે. એટલે તે વૈજ્ઞાનિક છે. તેની પાછળ સાધનાનું ચોક્કસ વિજ્ઞાન રહેલું છે. એટલે તેનું ચોક્કસ સાધન ન સમજાય માટે જ તેને ઉડાવી દેવાની, હસી કાઢવાની કે શેખચલ્લીના તરંગની જેમ માની લેવાની જરૂર નથી. કોઈ પણ માણસ સાધનથી સમ્યક્ પદ્ધતિનો પ્રવાસી થઈને આજે પણ એવાં અલૌકિક સત્યોને શોધી શકે છે. માનવજાતિને જે કેટલાક અસાધારણ ને અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે સાધનાના એવા જ ઉત્તમ ને પૂર્ણ પરિપાકનું પરિણામ છે. બુદ્ધિમાં ન ઊતરે તેથી તેને ઉડાવી દેવાની નહિ પરંતુ સહાનુભૂતિથી વારંવાર સમજવાની ને સમજવાનો પ્રયાસ કરવાની જરૂર છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok